પ્રસ્તુતિ: નીતિન વ્યાસ

ઑલિમ્પિકમાં આ ક્ષણ માટે ખેલાડીઓ જિંદગીભર તનમનથી તપશ્ચર્યા કરે છે.
એક લક્ષ્યબિંદુ માટે વર્ષોની મહેનત, હાડમારી અને સતત પ્રયત્નમાં વ્યસ્ત ખેલાડી નિજી સમસ્યાઓને ગૌણ માને છે. ક્યારેક રમતપ્રેમી મા-બાપ પોતાના બાળકને કુમળી વયે તાલીમ આપવાનું શરૂ કરે છે. શાળામાં રમત-ગમતના શિક્ષકના ધ્યાનમાં કોઈ આવી જાય તો તે બાળકને પ્રોત્સાહિત કરે છે. અનેક પ્રયત્નો પછી મળેલા વિજયના આનંદનો જુવાળ અવર્ણનીય હોય છે.
પરંતુ, દરેકની વિવિધ ગાથા હોય છે. જેમકે, આ યુવાનની વાત અલગ છે. દક્ષિણ આફ્રિકાના એક વિખુટા પડેલા ગામડાનો, કબીલો માબલેન છ વરસનો હતો ત્યારથી માઈલો સુધી દોડતો. કબીલો કહે છે કે, “અમારી જાતિ અને ગામ પર બીજી જાતિના સશસ્ત્ર સૈનિકો હુમલો કરતા તે સમયે મારે કુટુંબના સાથે જીવ બચાવવા ગામ છોડી ભાગવું પડતું.” પગ માં જોડા વિના, ઉઘાડા પગે દોડનારને જીવનભરનો સંઘર્ષ કામમાં આવ્યો. કબીલો માબલેનને, મેરાથોનમાં વિજેતા બનવાનું સન્માન મળ્યું.
ઑલિમ્પિક-આંતરરાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા માટે ખેલાડીને નિયમો મુજબ જે સ્પર્ધામાં ભાગ લેવાનો હોય તેમાં ક્વૉલિફાઇ-ઉત્તીર્ણ થવું જોઈએ. દાખલા તરીકે, ૨૦૦મીટર દોડ માટે ૨૪ સેકન્ડની અંદર સ્પર્ધા પૂરી કરે ત્યારે પસંદગી પામે.(qualifying timings under 24 seconds) ઑલિમ્પિકમાં ત્રણ કે ચાર રાઉન્ડ સુધી પ્રથમ બે માં આવે. ચોથી કે પાંચમી સ્પર્ધા આખરી હોય. અહીં પહેલા ત્રણ આવેલાને ચંદ્રક મળે.
જમૈકાનાં હુસેની બોલ્ટ માટે એ પળ… અંતિમ આઠ હરીફોની સ્પર્ધામાં ફિનિશ લાઈનની ટેપને પહેલા પાર કરી તે હતી, – તેણે ૨૦૦ મીટર દોડ ૧૯સેકન્ડમાં પુરી કરી નવો વિશ્વ-રેકોર્ડ સરજ્યો. એ જીત પછી, પોતાના દેશનો ધ્વજ ગૌરવ ભેર હાથોમાં ફરકતો રાખી સ્ટેડિયમમાં ચક્કર લગાવી – પોડિયમ પર સર્વોચ્ચ સ્થાને ઉભા રહી – પોતાના રાષ્ટ્રગીત સાથે ધ્વજ સહુથી ઉપર લહેરાય અને હુસેની બોલ્ટ નામ બોલાય…તે સમયે કોઈ મહાનુભાવ આવી સુવર્ણ પદક ગળામાં પહેરાવે. આ એક પળ બોલ્ટ અને કબીલો જેવા વિજેતાઓને અનન્ય મુક્તિના આનંદનો અનુભવ કરાવે….One moment in Time …સમય માં એક પળ….
‘One Moment in Time’ ગીત અને તેના શબ્દો સાંભળતા તેનો ઈતિહાસ જાણવા જિજ્ઞાસા વધી. આ ગીત ૧૯૮૮ની ઑલિમ્પિક રમતોને અનુલક્ષી તૈયાર કરવામાં આવ્યું હતું…જે સાંભળતા લાગણીઓના ઊભારથી આંખો સજલ થઈ જાય છે.
પહેલાં એ ગીત સાંભળીયે: ગાયિકા વ્હીટની હ્યુસ્ટન.
સિઓલ રમતોત્સવનું ખાસ મહત્વ હતું. આ પહેલાનાં બે ઑલિમ્પિક ઉત્સવમાં શું થયું હતું તે જાણીએ. સાલ ૧૯૮0માં મોસ્કો ખાતેની ઑલિમ્પિકમાં કોમ્યુનીસ્ટ પાર્ટીની રાજનીતિની વિરુદ્ધમાં અમેરિકાએ ભાગ લીધો ન હતો. જ્યારે ૧૯૮૪માં અમેરિકા ખાતે લૉસએન્જલીસ શહેરમાં રમતો યોજાઈ ત્યારે રશિયા એ પોતાના ખેલાડીઓની ટીમ ન મોકલી.
આ હિસાબે ૧૯૮૮માં દક્ષીણ કોરિયામાં યોજાયેલ ઑલિમ્પિકનું મહત્વ ઘણું વધારે હતું. વિશ્વનાં ૧૬૨ દેશો તેમાં ભાગ લેવાના હતા અને કયો દેશ સહુથી વધારે ચંદ્રકો મેળવે છે તેની હોડ મચી હતી. સહુથી વધુ ચંદ્રકો કયો દેશ જીતે છે તે દેશની મજબૂતીની સાક્ષી રૂપ ગણાતું.
અમેરિકામાં સરકારમાં (US Gov.) ખેલ મંત્રાલય નથી. એક સ્વતંત્ર સંસ્થા ઑલિમ્પિક કમિટી જુદી જુદી સંસ્થાઓ અને કંપનીઓ પાસેથી આર્થિક મદદ Donations/Sponsorship મેળવી ખેલાડીઓને મોકલવાની તજવીજ કરતી હોય છે,
૧૯૮૮ની રમતો માટે ટેલિવિઝન પ્રસારણનાં હક્ક NBC અમેરિકાની નેશનલ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન મેળવી લીધા હતા. મ્યુઝિક પ્રોડ્યૂસર શ્રી.નારદ (ગુરુ શ્રી.ચિન્મયાનંદે આપેલું નામ) વાલ્ડેન ને વિચાર આવ્યો કે રમતવીરોને અનુલક્ષી એક ગીત તૈયાર કરવું. ઑલિમ્પિક રમતો શરૂ થવાને થોડા દિવસો બાકી હતા. નારદે ગીતકાર સંગીતકાર આલબર્ટ હેમન્ડનો સંપર્ક સાધ્યો. હેમન્ડ ‘કાર્પેન્ટર્સ” જેવા ગ્રુપ માટે ગીતો લખતા. તેને ખેલાડીઓને અનુરૂપ ગીત લખવાનું શરૂ કર્યું. સમય ઓછો હતો અને કામ બહુ અગત્યનું હતું. એમણે દિગજ્જ ગીતકાર જ્હોન બેટીસનો સંપર્ક સાધ્યો અને બંને એક મુખડા પર સહમત થયા, “One moment in time” અને આમ આ ગીતની રચના થઈ:
One moment in time
Each day I live
I want to be
A Day to give, the best of me
I’m only one
But not alone
My finest day Is yet unknown
સમયમાં એક પળ
દરેક દિવસ હું જીવું, હું મારી ઉત્તમ સેવા આપી શકું.
હું એક છું પણ એકલો નથી
મારા શુભ દિવસો હજી અગમ્યરૂપ છે.
અનુસંધાનમાં ગીતકાર આલબર્ટ હેમન્ડનો આ વિડિઓ જોવા જેવો છે:
આ ગીતની આગળની કડીઓ તો જુઓ:
I broke my heart. Fought every gain.
To taste the sweet I face the pain
I rise and fall. Yet through it all this much remains
… I want one moment in time
મારી દરેક ઉન્નતિ માટે મેં દિલ તોડ સંઘર્ષ કર્યા છે.
મીઠાશ માણવા હું દર્દનો સામનો કરું છું, હું જીતું કે હારું,
છતાં એ દરમ્યાન આ ઝંખના રહે છે,
…મને એક ક્ષણ સમયમાં મળી જાય.
When I’m more than I thought I could be
When all of my dreams are a heartbeat away
And the answers are all up to me
Give me one moment in time …
જ્યારે હું મારી ધારણા કરતાં પણ વધુ કરી શકું.
જ્યારે મારા સ્વપ્ના દિલની ધડકન જેટલા દૂર છે
અને દરેક સવાલના જવાબ મારા પર નિર્ભર છે
…મને સમયમાં એક ક્ષણ આપ.
When I am racing with destiny
Then in that one moment of time
I will feel an eternity
I’ve lived to be the very best
I want it all, no time for less
જ્યારે હું નસીબ સાથે હરીફાઈ કરી રહી હોઉં,
ત્યારે સમયની એ એક ક્ષણની
અનંતતા હું અનુભવીશ.
હું બને તેટલી ઉત્તમ માનવ બની જીવી છું.
મારે બધું મેળવવું છે, કમી સ્વીકારવા સમય નથી
I’ve laid the plans,
Now lay the chance here in my hands
… Give me one moment in time …
You’re a winner for a lifetime
If you seize that one moment in time…Make it shine
… Give me one moment in time …
મેં યોજના કરી રાખી છે,
હવે મારા હાથમાં તક આવી છે.
…મને સમયમાં એક ક્ષણ આપ.
તું જીવનભરનો એક વિજેતા છે,
જો તું એ સમયમાં ક્ષણને ઝાલીને…ઉજ્જ્વલ બનાવે.
…મને સમયમાં એક ક્ષણ આપો.
When I’m more than I thought I could be
When all of my dreams are a heartbeat away
And the answers are all up to me
Give me one moment in time …
When I’m racing with destiny
Then in that one moment of time …
I will be free…
જ્યારે હું મારી ધારણા કરતાં પણ વધુ કરી શકું.
જ્યારે મારા સ્વપ્નાં દિલની ધડકન જેટલા દૂર છે
અને દરેક સવાલના જવાબ મારા પર નિર્ભર છે
મને સમયમાં એક ક્ષણ આપ.
જ્યારે હું નસીબ સાથે હરિફાઈ કરી રહી હોઉં,
ત્યારે એ સમયની એક ક્ષણમાં
હું મુક્ત હોઈશ…
ભાવાનુવાદઃ સરયૂબેન પરીખ ( https://saryu.wordpress.com)
એરિસ્ટા રેકર્ડ કંપનીએ 1988 Summer Olympics Album નામ હેઠળ પ્રસિદ્ધ કર્યું. TV પર ઑલિમ્પિક રમતોના પ્રસારણ સાથે શરૂઆતમાં પ્રસ્તુત થતાં આ ગીતની લોકચાહના દિવસો દિવસ વધતી ચાલી. ‘Popularity Chart માં અવ્વલ નંબરે આવી ગયું. ફક્ત અમેરિકામાં જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં આ ગીત લોકપ્રિય થયું. સાલ ૧૯૮૯માં આ ગીત માટે ગાયિકા વ્હીટની હ્યુસ્ટનને “ગ્રેમી એવોર્ડ” એનાયત થયો.
બેલ્જિયમની ડચ અને જર્મન ભાષાની વિખ્યાત ગાયિકા ડાના વિનર અત્યંત ભાવભરી રજુઆત કરે છે. અમેરિકામાં આ ગીત રેકર્ડને જબરી ચાહના મળી છે.
એક ક્ષણનો અર્થ શું છે? …અનંત સાથે જોડાવાની પળ. જ્યાં સફળતાના શિખરની ટોચ અને હું. ચરમ સીમાનો તિવ્ર સ્વર અને નીરવ શાંતિ.
Give me one moment in time …નો વિચાર કરતા, આપણા કવિ શ્રી.હરિહર પ્રાણશંકર ભટ્ટની રચના યાદ આવે છે. (૧૮૯૫-૧૯૭૮), કવિ હૃદય પણ વ્યવસાયે શિક્ષક. તેમના કાવ્યોમાં પ્રભુશ્રદ્ધા, જીવન-આશા, રાષ્ટ્રભાવ અને ગાંધીચીંધી દલિતભક્તિ જેવા વિષયો આલેખાયા છે. ગેય ઢાળોમાં રચેલાં એકવીસ ઊર્મિકાવ્યોનો સંગ્રહ તેમની પાસેથી મળે છે. ‘એક જ દે ચિનગારી મહાનલ!’ તેમનું સુપ્રસિદ્ધ કાવ્ય છે. અહીં ભાવ જરા જુદો છે. રચનામાં પ્રાર્થના, સમર્પણ અને માંગ છે.
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…
શ્રી.હરિહર પ્રાણશંકર ભટ્ટ
(અસ્તુ)
સાલ ૨૦૨૪માં ૨૬ જુલાઈથી આરંભ થનાર પેરીસ ઑલિમ્પિકને અનુલક્ષી આ લેખ તૈયાર કર્યો છે. શ્રીમતી સરયૂબેન પરીખનાં સૌજન્યથી આ પ્રસ્તુતિ તૈયાર થઇ. તેમનો ખરા દિલથી આભાર.
માહિતી: ગુજરાતી સાહિત્ય પરિષદ, વિકિપીડિયા અને અન્ય વેબસાઈટ ઉપરથી
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

મને સમયમાં એક જ ક્ષણ આપો
સરયુબેન પરીખનો આભાર વ્યક્ત કરવા.
આ પ્રસિધ્ધ ગીત/કાવ્યના ભાવાનુવાદની સુંદર
રજુઆત કરી અને અન્વયાર્થ સાથે રસગ્રહણ કરાવવા માટે.
પ્રસન્ન કાણે
પુણે
LikeLike
પ્રિય ચિ.પ્રસન્ન, તારો પ્રતિભાવ વાંચી આનંદ થયો. સાહિત્યમાં રસ છે અને સરસ લખે છે એ બાબત મને પ્રસન્નતા છે. નાનપણની યાદો સાથે…સસ્નેહ, સરયૂ.
LikeLike
સર્જનાત્મક વિચારને પ્રોત્સાહન અને વ્યવસ્થિત વિકાસમાં નિતીનભાઈના સંપૂર્ણ સહકાર્ય માટે મન આનંદીત છે. સુખદ અનુભવ માટે આપણે એકબીજાનો આભાર ન માનવાનો હોય. સરયૂ.
LikeLike
Hello, Prasnna, Many thanks for your messages of appreciation.
Saryuben has nice tests for literature -poetry-music etc. Her translations flow well, use appropriate language, and feel like they were written for the intended audience.
LikeLike