હરદ્વાર ગોસ્વામી
ત્રિપદા ફાઉન્ડેશન અને અસાઈત સાહિત્યસભાનું આ વર્ષનું પ્રતિષ્ઠિત ‘સર્જન-સન્માન પુરસ્કાર’ જાણીતા કવયિત્રી રક્ષા શુક્લને પ્રાપ્ત થયું છે. એમના નિબંધસંગ્રહ ‘તેજસ્વિની’ને અનુસંધાને આ સન્માન મળ્યું છે. આ પુસ્તકમાં પદ્મશ્રીથી પુરસ્કૃત સન્નારીઓનાં સાહસની સફર આલેખી છે. ‘તેજસ્વિની’નું મલ્ટીકલરમાં આર્ટ પેપર પર મનોરમ્ય પ્રકાશન ગુજરાત સરકારની સંસ્થા ગુજરાત સાહિત્ય અકાદમીએ કર્યું છે. અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા તથા મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે પ્રસન્નતા વ્યક્ત કરી છે. જાન્યુઆરી ૨૦૨૪માં ત્રિપદા હેલ્થકેર પ્રા. લિ. તરફથી સર્જકને શિલ્ડ-શાલ અને પાંચ હજાર રૂપિયા અર્પણ થશે. જાણીતા નાટ્યકાર વિનાયક રાવલ, યશોધર રાવલ, નવનીત મોદી ઈત્યાદિ ઉપસ્થિત રહેશે.
સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લ તળાજાના વતની છે. એમને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫), રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર (૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮), રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮), શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે. ૨૦૨૧ના આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલનમાં ગુજરાતમાંથી એમની પસંદગી થઈ હતી. તેમની પસંદ થયેલી કવિતા ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ હતી.
તાજેતરમાં એમણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘ભારતની ૭૫ સર્વશ્રેષ્ઠ મહિલાઓ’ પુસ્તક લખ્યું છે. વિશ્વની શ્રેષ્ઠ મહિલાઓના સંઘર્ષને આલેખતું પુસ્તક ‘વનિતાવિશેષ’ને ‘અભિયાન’ સાપ્તાહિકે બેસ્ટસેલર જાહેર કર્યું હતું. એમનાં ૨૦થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.
‘તાંડવ’ ચેનલમાં ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમનું એન્કરિંગ સુપેરે સંભાળી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’માં દર મંગળવારે ‘અન્તર’ કોલમનો બહુ મોટો વાચક વર્ગ છે. ‘પ્રવૃતિના પાવરહાઉસ’ તરીકે ઓળખાતા રક્ષા શુક્લ નિત્ય નૂતન સર્જનાત્મક કાર્ય કરતા રહે છે. અનેક મોટા સાહિત્યિક આયોજનો કર્યા છે. ૩૨ વર્ષ અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરાવ્યું છે. સમગ્ર ભારત ઉપરાંત અનેક દેશોની સાહિત્યિક સફર કરી છે. સુગમ સંગીતના ગાયિકા તરીકે મંચ શોભાવ્યા છે.
આ પુસ્તક વિશે રક્ષા શુક્લ કહે છે કે ‘૨૦૨૧માં કુલ ૧૧૯ પદ્મ એવોર્ડ્સ આપવામાં આવ્યા. આ એવોર્ડ્સમાં ૨૯ મહિલાઓ સામેલ છે. એક મહિલા તરીકે મને આ ૨૯ મહિલાઓની વાતો વધુ સ્પર્શી. આમાંથી મોટાભાગની મહિલાઓ સાયલન્ટલી, ખૂણેખાંચરે રહીને સમાજ માટે અદભુત કામ કરી રહી છે. પદ્મ એવોર્ડસમાં વિવિધ ક્ષેત્રનાં મોટાં નામો તો હોય છે જ પરંતુ ૨૦૨૧નાં કેટલાંક નામોએ દેશવાસીઓને સુખદ આશ્ચર્ય આપ્યું છે. આ નામો એવાં છે જેના વિશે અગાઉ ભાગ્યે જ કોઈએ કંઈ સાંભળ્યું હશે. આવી ઉત્તમ વરણી માટે પસંદગી કમિટિને અભિનંદન આપવા રહ્યા. છેવાડાની આ મહાન વિભૂતિઓને દેશના સૌથી મોટા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી ભારત સરકારે એક ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ મુક્યું છે. આ લોકો ચર્ચામાં રહ્યા વગર, ગુમનામી ઓઢીને દેશ અને સમાજ માટે અપ્રતિમ કાર્ય અને સેવા કરી રહ્યા છે.
ગોખથી હેઠા ઉતરો વ્હાલા, ત્યાં તો પથ્થર લાગો છો,
માનવરૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો.
શૂન્ય પાલનપુરીના આ શેર પ્રમાણે જગતમાં અનેક જગ્યાએ ઈશ્વર માનવરૂપે અવતરેલો છે. આ વિરલાઓ પોતાના માટે નહીં પણ સમાજ માટે જીવતા હોય છે. આવા વિશેષ લોકોને જ વર્તમાન પોંખે છે અને ઈતિહાસ યાદ કરે છે. નીતિશતકમાં કહ્યું છે છે કે ‘एके सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परितज्य ये’।
આધ્યાત્મિક સંત અને ચિંતક મહાટ્રીઆ કહે છે કે ‘તમે એક ઈતિહાસ રચો છો જયારે તમારી પાસે રોજ સવારે થોડા વહેલા ઉઠવા માટે અને રાત્રે થોડું વધારે જાગવા માટે કોઈ ખાસ ધ્યેય હોય અને એ ધ્યેયને પામવા માટે તમે અંત સુધી પ્રયત્ન કરતા હો’. આ મહિલાઓ પાસે એવું જ એક ધ્યેય અને કોઈ પણ ભોગે એને પામવાનું દ્રઢ મનોબળ છે. અહીં આલેખાયેલ તેજસ્વી નારીઓની અદમ્ય ભીતરી તાકાત અને અથાગ પરિશ્રમ વિશે વાંચતા મને લાગતું કે તેઓની એ દિલધડક સંઘર્ષગાથા લોકો સુધી પહોંચે તો નિરાશાની ગર્તામાં અટવાયેલી અનેક નાહિંમત મહિલાઓને આંગળી ચિંધ્યાનો સંતોષ પામી શકાય. વિપરીત સંજોગો સામે અકલ્પ્ય ક્ષમતા સાથે ઝઝૂમતી આ સ્ત્રીઓ અપરાજિતા છે. આ નારીઓ જમીન સાથે જોડાયેલી છે. ‘ડાઉન ટુ અર્થ’ જીવતી આ નારીઓએ ‘ડાઉન ટુ ટોપ’ની યાત્રા કરી છે. કોઈએ સરસ કહ્યું છે કે ‘નારી નમણી નેહમાં, રણમાં શક્તિરૂપ, એ શક્તિના તેજને, નમતા મોટા ભૂપ.’
ઋગ્વેદમાં પણ નારીનું રાષ્ટ્રની અધિષ્ઠાત્રી અને બ્રહ્મવાદિની તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. નારી ઈશ્વરની અમૂલ્ય દેણગી છે. વિવેકાનંદે કહેલું કે ભારતીય ઋચાની રચના કરનાર મોટાભાગે ભારતની સ્ત્રીઓ હતી. વિશ્વમહિલાદિન આવે ને મહિલાઓ ઉત્સાહથી થોડું હરખી લે એ પૂરતું નથી. દરેક મહિલાએ જાગૃત બની પોતાના હક્ક વગેરે સમજવા પડશે. નારી વુમન તો છે જ પણ એ હ્યુમન પણ છે. રવિશંકર મહારાજ કહે છે તેમ સ્ત્રી અબળા નહીં પણ અતિબળા છે, સબળા છે.
રક્ષા શુક્લને ખૂબ ખૂબ અભિનંદન..
‘વેબગુર્જરી’ પરિવારનાં માનનીય સભ્ય અને પદ્યસમિતિનાં સહકાર્યકર્તા શ્રીમતી રક્ષાબહેન શુકલની નોંધપાત્ર સિદ્ધિઓને બિરદાવતાં ખૂબ હર્ષ અનુભવું છું.
રક્ષાબહેન શુક્લને તાજેતરમાં મળેલ એવોર્ડ અંગેનો લેખ લખી મોકલવા બદલ શ્રી હરદ્વાર ગોસ્વામીના આભાર સાથે અહીં પ્રસ્તુત છે…
દેવિકા ધ્રુવ
ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

ખૂબ આભાર… દેવિકાબેન..શું બોલું…👍🏻👍🏻👌🏻🌹🙏🏻
LikeLike
શ્રી રક્ષાબહેન શુક્લને પ્રણામ. એક વિરલ વ્યક્તિત્વ ને ખુરસરસ રીતે બિરદાવતા લેખ માટે દેવિકીબહેન ને સલામ.
– નીતિન વ્યાસ
LikeLike