નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
ટ્રકની આડાઈને કારણે આજે પાતાળ ભુવનેશ્વર જવાની જે તક ગુમાવી હતી તે કાલે ઝડપી લેવી કે કેમ એ મુદ્દે અમારૂં ગ્રુપ ‘હિંદુસ્તાન-પાકિસ્તાન’ જેવા બે વિરોધી પક્ષમાં વહેંચાઇ ગયું. ‘હિંદુસ્તાનવાળાં’ઓ કહે કે અહીં સુધી આવ્યાં છીએ તો પછી આવી પૌરાણિક ગુફા ન જોવાનું કેમ પાલવે. તે ઉપરાંત, આપણામાંનાં અડધાં તો હાલકડોલક થતાં સિનિયર સીટીઝનો છે, એમને ફરી અહીં આવવાનો મોકો ક્યારે મળે? સમે ‘પાકિસ્તાન પક્ષ’ની દલીલ હતી કે કૌસાનીમાં બીજી બે-ત્રણ જગ્યાઓ જોવા જેવી છે, અને વળી ત્યાં ગરમ વસ્ત્રોનું બજાર પણ બહુ વખણાય છે. એટલે અત્યાર સુધી ખરીદી કરવાની તકથી વંચિત રહેલી બહેનોના આનંદ ખાતર પણ પાતાળ ભુવનેશ્વર જવાનું માંડી વાળીને સવારે કૌસાની જવા જ નીકળવું જોઈએ. ખાસ્સી ચર્ચાઓને અંતે બન્ને પક્ષે સમાધાનકારી નિર્ણય લેવાયો કે જેમને ગુફા જોવા જવું હોય એમને બે ગાડીઓ ત્યાં લઈ જાય અને બાકીના જ્યાં કસ્તુરી મૃગનું સંવર્ધન થાય છે તે ડીયર પાર્ક જોવા જાય.
આવી મુશ્કેલ ગુંચ આટલી સહેલાઈથી ઉકેલાઈ ગઈ એ જોઈને વિચાર આવ્યો કે કાશ્મીરનો આપણા દેશનો સળગતો પ્રશ્ન જો અમારાં આ ગ્રુપને સોંપવામાં આવે તો ચપટીમાં તેનો હલ આવી જાય ! ખેર, આવો સદવિચાર દેશના માંધાતાઓ સુધી પહોંચે તેની રાહ જોવી રહી !!
નક્કી થયા મુજબ અમે નવ સાહસિકોએ પાતાળ ભુવનેશ્વર જવા કેસરિયાં કર્યાં. અહીં કેસરિયાં કર્યાં શબ્દપ્રયોગ વાપરવાનું કારણ અમારામાંથી પહેલાં પણ જઈ આવેલાં કેટલાંકે, અને એક-બે ડ્રાઈવરોએ કરેલું ગુફાનું વર્ણન હતું. ગુફામાં એકદમ અંધારૂં હોય એટલે બીક બહુ લાગે, ઓક્સિજનની કમીને કારણે ગુંગળામણ થાય, ગભરામણ પણ થાય વગેરે જેવાં કેટલાંય ભયસ્થાનો અમારી સમક્ષ રજુ થઈ ગયાં હતાં. પણ અમે નવ સાહસિક રત્નોએ તો ગુફામાં જવાનો મક્ક્મ નિર્ધાર કરી જ કાઢ્યો હતો. જોકે, જે કંઈ સાંભળ્યું તેને કારણે મન તો જોરથી ધક ધક કરતું હતું. પણ મનનો આ ગભરાટ છુપાવી ને પણ હસતે મોઢે સામા પક્ષની સામે અમે બધાં બહાદુરી દાખવી શક્યાં હતાં.
ગુફાનું મોં ખરેખર બહુ સાંકડું હતું. વળી એમાં એકી સમયે એક જ વ્યક્તિ માંડ માંડ સરકી શકે તેમ હતું. અંદર ભીનું અને લપસણું પણ હતું, એટલે પડશું તો હાડકાં ભંગશે એવો ભય તો સતત લાગ્યા જ કરે. પણ સાથે આવેલા ગાઈડે બહુ સંભાળ અને ધીરજથી એટલો માર્ગ પાર કરાવી આપ્યો. એ પછી ગુફાનું પેટાળ તો બહુ વિશાળ હતું. અંદર લાઈટની સગવડ પણ હતી. એટલે જેટલી સાંભળી હતી એટલી મુશ્કેલી ન જણાઈ. વળી સંકટ સહન કરી શકવા અમે અમારી જાતને સાબદી કરી શક્યાં તેનો આનંદ પણ થયો.

કહેવાય છે કે આ ગુફા પૃથ્વીના ઉત્પતિકાળથી જ અસ્તિત્વમાં છે. સૌ પ્રથમ ત્રેતાયુગમાં રાજા રુતુપર્ણે આ ગુફા જોઈ, એમાં પ્રવેશ કર્યો અને અંદર બિરાજેલ શિવલીંગની પૂજા-અર્ચના કરી. ત્યાર બાદ સ્વામી શંકરાચાર્ય આ ગુફાને જનસામાન્ય સમક્ષ લાવ્યા. ચુનામાંથી કુદરતી રીતે બનેલાં શંકર, પાર્વતી, ગણેશ, શેષનાગ, ઐરાવત હાથી વગેરે મૂર્તિઓ જોઈને અચંબામાં પડી જવાયું. શંકરની જટા તો આબેહૂબ જટા જ લાગે, અને એમાંથી પાણી (ગંગા) પણ સતત વહ્યા કરતું હોવા છતાં કદી પણ લીલ જામે કે ચીકાશ ન થાય એ જાણીને આશ્ચર્યમાં ઉમેરો જ થયો.

પાછા ફરતાં એ જ સાંકડા, ચીકણા અને દુર્ગમ જણાતા માર્ગેથી, બન્ને બાજુએ લટકતી લોખંડની સાંકળો પક્ડી પક્ડીને, બહાર નીકળવાનું હતું. પણ અમારામાં હવે એવરેસ્ટ સર કર્યાનો ઉમંગ અને વિશ્વાસ હતાં, એટલે એક એક કરીને વારા ફરતી અમે બધાં ‘વટથી’ ગુફાની બહાર આવી ગયાં. બહાર આવતાંની સાથે વિચાર આવ્યો કે આપણા આટલા વિશાળ દેશના કેટલાય ખૂણે-ખાંચરે આવી તો કંઈ કેટલી જાણી-અજાણી જગ્યાઓ લોકોની નજરમાં આવ્યા વિનાની પડી રહી હશે !
હવે અમારી રાહ જોતી, ઉચાટમાં ઊંચીનીચી થતી, અમારી બાકીની મંડળીના ‘ક્યાં પહોંચ્યાં?’, ‘ક્યાં છો?’ એવી પૂછપરછના ચિંતાભર્યા ફોનો આવવા શરૂ થઈ ગયા હતા. એટલે અમે સમય બગાડ્યા વિના,જલ્દીથી ચૌકોરી તરફ મારી મૂક્યું.
સાંદર્ભિક તસ્વીરો – નેટ પરથી
ક્રમશ:
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

ચુનામાંથી કુદરતી રીતે અનેક આકાર બને છે એ તો હકિકત છે જ, પણ આવી કોઈ પવિત્ર જગ્યાએ જ આપણાં દેવ-દેવીઓની આકારિત થયેલી મૂર્તિઓ જોઈએ તો જરૂર સાનંદાશ્ચર્ય થાય.
આપણે કુદરત કે ઈશ્વરની લીલાનો તાગ ક્યારેય આપણે ક્યાં પામી શકીએ છીએ?
આવા ટેકાથી જ આપણી શ્રદ્ધા ટકી ગઈ છે.
LikeLike
અદભુત વાતો લખી છે. પચાસેક વર્ષ પહેલા કરેલી નૈનિતાલ અને કૌસાનીનું પર્યટન આંખો દેખ્યા યાદ આવી ગયું. મસ્ત લખી છે અનાસક્તિ મંદિર જે પણ અમે જોયેલું. તથા જે દ્રશ્ય કૌસાની થી દૂરે દૂરે પર્વતો ની ચોટીઓ નું મૂક્યું છે તે પણ આબેહૂબ તેવું જ હતું. આભાર.
LikeLike