ભારત એટલે પાંચ હજાર વર્ષો કરતાં પણ વધુ જૂની સંસ્કૃતિ. આને લીધે એની પાસે ભવ્ય વારસો છે વેદ, પુરાણો, મહાકાવ્યો અને ભાષ્યનો. ઋષિ મુનિઓએ એમનાં તપ અને સંશોધન દ્વારા લોકોને અલભ્ય જ્ઞાન આપ્યું છે જે આજે ટેક્નોલોજીના યુગમાં પણ અચરજ પમાડે છે. ઋતુ અને કાળ મુજબ લોકોને સમૂહમાં રહેવા ધર્મને સહારે ઘણા તહેવારોનું આયોજન થયું છે જે આજે પણ સુસંગત છે.
 
માહિતી અને તર્કસંગત વાતો પરથી ઉજવાતા તહેવારો હવે ટેક્નોલોજી દ્વારા વધુ સુસજ્જ બન્યા છે. એના વિશે વૈજ્ઞાનિક અને તે સમયની સામાજિક પરિસ્થિતિનું જ્ઞાન વિચારસરણી અને ઉજવણી રસપ્રદ બનાવે છે.
આ તહેવારો વિશે વિવિધ વાતો ભેગી કરી ભારતના તહેવારોની ‘ઉજવણી સંસ્કૃતિ સહ’ શીર્ષક હેઠળ સુશ્રી માયાબહેન દેસાઈની કલમે એક હારમાળા વબ ગુર્જરી પર રજૂ કરવાનું આયોજન કરેલ છે. જેથી તહેવારોનાં સાંસ્કૃતિક મૂળની નજદીક જઈને ભારતીય હોવાનો ગર્વ કાયમ રાખી શકાય.
આ લેખમાળા દ્વારા વેબ ગુર્જરીના સક્રિય સહયોગીઓમાં સુશ્રી માયાબહેન દેસાઈ જોડાય છે તે પ્રસંગે આપણે તેમનો સહર્ષ આવકાર કરીએ.
જ્યારે ક્યારે કોઈ પણ મહત્વનો તહેવાર હશે એ પ્રસંગે આ લેખમાળાનો એ તહેવાર વિશેનો લેખ પ્રકાશિત કરીશું. શરૂઆત, દશેરા પરના લેખથી આજે કરીશું.

સંપાદક મંડળ, વેબ ગુર્જરી


માયા દેસાઈ

આમ તો ગણેશ વિસર્જન બાદ જ તહેવારો છડી પોકારે એટલે ભારત હોય કે પરદેશ, એક જુદી જ લહેરખી મનમાં ફરી વળે અને રોજિંદા જીવનમાં ઉદ્દીપકનું કામ કરે. તરત જ આવતાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને તર્પણ આપી મન શક્તિની આરાધના તરફ વળતું જાય. નવ દિવસ મા શક્તિના નવ અવતાર વિશે જાણીને સંસ્કૃતિ તરફ અહોભાવ જાગે. હજારો વર્ષ પહેલાં લખાયેલા વર્ણન, શ્લોક, ભજન, આરતી અને માહાત્મ્ય વિશે વાંચતા અનેક અણજાણી વાતો હાલની આધુનિક ટેક્નોલોજી થકી જાણવા મળે ત્યારે મન એક અનેરી કૃતજ્ઞતા અનુભવે આપણાં ઋષિઓ પ્રતિ.

નવનો સૂચક આંકડો ધરાવતી નવરાત્રી જીવનનાં નવ રંગ દર્શાવે છે.. કલ્પના, વૈરાગ્ય, ભ્રાંતિ, સદ્ વિચાર, ધૈર્ય, ક્ષમા, અસદ્વિચાર, સ્મરણ, ચંચળતા. માનવ જીવનની નવ અવસ્થાઓ: ઉદરની નિરાકાર અવસ્થા, રૂપાવસ્થા, ગર્ભાવસ્થા, જન્મ, બાળપણ, કુમારાવસ્થા, તારુણ્ય,  પ્રૌઢત્વ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ. નવ પ્રકારની ભક્તિ : શ્રવણ, સ્મરણ, કીર્તન, આત્મ નિવેદન , વંદન, પાદપૂર્તિ,અર્ચન, સખ્ય, દાસ્ય.માનવશરીરમાં નવ કોશ : શબ્દમય, વિજ્ઞાનમય, અન્નમય, આકાશમય,  આનંદમય, મનોમય, પ્રાણમય, પ્રકાશમય, જ્ઞાનમય.

જપમાળાના એકસો આઠ મણકાની પાછળ પણ આ નવ સંખ્યા જોડાયેલી છે.

નવરાત્રી બાદ આવતો વિજયા દશમીનો તહેવાર પણ ઘણી મહત્તા ધરાવે છે. હિંદુઓ માટે એક મોટો તહેવાર ગણાતો આ તહેવાર દશેરા તરીકે સમગ્ર ભારતમાં ઉમંગથી ઊજવાય છે.વર્ષમાં ચાર નવરાત્રી હોવાનું સર્વ વિદિત છે પણ દશેરા એક જ વાર આસો સુદ દશમના દિવસે હોય છે. કોઈ તિથિ મૂહુર્ત ન જોવા હોય ત્યારે દશેરાનો દિવસ શુભ માની કાર્ય કરાય છે. સાડા ત્રણ શુભ મૂહુર્તમાંથી દશેરા એક છે. આમાં બીજાં અઢી એટલે ગુડી પડવો, અક્ષય તૃતીયા અને બેસતાં વર્ષનો અડધો દિવસ. વિજયા દશમી એટલે વિજયની ખાત્રી આપતો દિવસ.

દશેરા એ વિજયનો ઉત્સવ છે જેમાં પરાક્રમ અને પૌરુષનો સમાવેશ છે. સમાજના ચારે વર્ણ આ તહેવાર ઉજવવા સાથે આવે છે. સરસ્વતીની પૂજા થાય છે તો શસ્ત્રોનું પૂજન થાય છે. પૌરાણિક કથા પ્રમાણે રામ રાવણ સાથે યુદ્ધ બાદ લક્ષ્મણ અને સીતા સહિત અયોધ્યા પરત ફર્યા એ દશેરા.રામે પિતાને આપેલ વચન પ્રમાણે ચૌદ વર્ષનાં વનવાસનો અંત પણ હતો તેથી અયોધ્યામાં અનેરો આનંદ હતો જે અદ્ભુત રીતે ઉજવાયો. આ ઉત્તર ભારતની પરંપરા જ્યાં રામલીલા ઉલ્લાસથી મનાવાય છે તો દક્ષિણ ભારતમાં મા શક્તિના અસુર પર વિજય તરીકે આ દિવસની મહત્તા.

પાંડવોએ વનવાસ બાદ એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવવા વિરાટ રાજાને ત્યાં જવાનું નક્કી કર્યું ત્યારે ઓળખ છુપાવવા પોતાના શસ્ત્રો શમી વૃક્ષમાં છુપાવ્યા હતા. અજ્ઞાતવાસ બાદ એ શસ્ત્રો પાછાં લીધાં એ પણ દશેરાનો દિવસ. શસ્ત્રોની રક્ષા કરવા બદલ તેમણે શમી વૃક્ષની પૂજા કરી આભાર માન્યો. આમ વિજયને દર્શાવતો દિવસ એટલે વિજયા દશમી. આજે પણ દશેરાને દિવસે ઘણી જગ્યાએ સીમોલ્લંઘન તરીકે ગામની બહાર શમી વૃક્ષની પૂજા કરવામાં આવે છે. પૂજા કરતી વખતે આ શ્લોક બોલાય છે:

।। શમી શમયતે પાપં શમી લોહિતકંટકા
ધારિણ્યર્જુનબાણાનામ્ રામસ્ય પ્રિયવાદિની
કરિષ્યમાણયાત્રાયાં યથાકાલ સુખમ્ મયા
તત્ર નિર્વિઘ્નકર્ત્રી ત્વં ભવ શ્રીરામપૂજિતે ।।

અર્થ : શમી પાપનો નાશ કરે છે, એનાં કાંટા ગુલાબી હોય છે. શમી શ્રીરામનું પ્રિય અને અર્જુનના બાણને ધારણ કરનારું છે. હે શમી, શ્રીરામે તારી પૂજા કરી છે. હું જ્યારે વિજય યાત્રાએનીકળું ત્યારે મારી યાત્રા નિર્વિઘ્ન અને સુખકારક કરજે. શમીવૃક્ષ એટલે એ વૃક્ષ જેને વંદન કરી રામે લંકા તરફ પ્રયાણ કર્યું, વનવાસ દરમિયાન એક વિશાળ શમીવૃક્ષ નીચે જ પંચવટીમાં વસવાટ કર્યો હતો.

પ્રાચીન કાળમાં શૂરવીર રાજાઓ આ દિવસે બીજાં રાજ્ય જીતવા પોતાના રાજયની સીમા ઓળંગી પ્રયાણ કરતા તેથી આ દિવસ સીમોલ્લંઘન તરીકે પણ ઓળખાય છે. પેશવા કાળમાં પણ દશેરાનો દબદબો હતો. બાજીરાવ પેશવા આ દિવસે સીમોલ્લંઘન માટે નીકળતા. અનેક કિલ્લાઓમાં શિરમોર એવા પ્રતાપગઢમાં મા ભવાનીનો ઉત્સવ મનાવવાની શરૂઆત છત્રપતિ શિવાજીએ દશેરાથી કરી હતી.

ઘણાં વર્ષો પહેલાં વરતંતૂ  નામના એક વિદ્વાન ઋષિ હતા જેમની પાસે ભણવા ખૂબ વિદ્યાર્થીઓ આવતા જે આગળ વધી ખૂબ નામના મેળવતા. એ જમાનામાં કોઈ ફી કે વળતર નહોતાં. ગુરુકુળમાં વિદ્યાર્થી શિક્ષણ પૂરું થાય એટલે ગુરુદક્ષિણા આપતા. આ ઋષિને કૌત્સ નામનો એક શિષ્ય શિક્ષણ પૂરું કરી ચૂક્યો હતો તેથી ઋષિએ એને  ઘરે જવાની સંમતિ આપી. કૌત્સે ગુરુને પૂછ્યું, ” ગુરુવર, હું આપને શું આપું ગુરુદક્ષિણામાં? ” ઋષિએ મના કરતાં કૌત્સે ખૂબ આગ્રહ કરી એમને માગવા માટે વિવશ કર્યા. ઋષિએ એની પરીક્ષા લેવાનું વિચાર્યું અને કહ્યું, “મેં તને ચૌદ વિદ્યા શીખવી છે. એક વિદ્યા માટે એક કોટી એટલે ચૌદ વિદ્યા માટે ચૌદ કોટી સુવર્ણ મુદ્રા લાવી આપ. ”

કૌત્સ આ સાંભળીને હતપ્રભ થઈ ગયો. એ લાચાર થઈ પોતાના રાજા રઘુ પાસે ગયો. એની વાત સાંભળી રઘુ રાજા પણ મૂંઝાઈ ગયા કારણકે ત્યારે જ વિશ્વજીત યુદ્ધ કરીને આવ્યા હતા તેથી તેમની તિજોરી ખાલી હતી. રઘુ રાજાએ કૌત્સને ત્રણ દિવસ થોભી જવા કહ્યું. રઘુ રાજાએ ઈન્દ્ર દેવ પર આક્રમણ કરવાનું નક્કી કર્યુ. રઘુ રાજાની શૂરવીરતાથી પરિચિત ઈન્દ્ર દેવે કુબેર પાસે મદદ માગી. ત્યારબાદ ઈન્દ્ર દેવે આ અધધ રાશિ માટે અશ્મંતક અથવા આસીંદરાના વૃક્ષના પાનને સોનાની મુદ્રા બનાવી રઘુ રાજાના મહેલમાં ઠાલવી. રાજાએ બધી જ મુદ્રા કૌત્સને આપી જે એણે ઋષિ વરતંતૂને આપી. ઋષિએ ચૌદ કોટી લઈ બાકીની મુદ્રા પાછી આપી.રઘુ રાજાએ એ પાછી લેવાની મના કરતાં કૌત્સે એ મુદ્રાઓ આસીંદરાના વૃક્ષ નીચે મૂકી દીધી અને લોકોને લઈ જવા કહ્યું.

જનતાને તો થયું કે આસીંદરાએ સોનાની મુદ્રા આપી અને એ દિવસ હતો દશેરાનો તેથી આ વૃક્ષને આજે એકવીસમી સદીમાં પણ લોકો પૂજે છે અને એના પાનને શુભેચ્છાનાં પ્રતીક તરીકે એકબીજાને આપે છે. આ પ્રથા મહારાષ્ટ્રમાં વધુ પ્રચલિત છે. આ આસીંદરા વૃક્ષની પૂજા કરતાં આ શ્લોક બોલાય છે.

।। અશ્મંતક મહાવૃક્ષ મહાદોષનિવારણ
ઈષ્ટાનાં દર્શનં દેહિ કુરુ શત્રુવિનાશનમ્ ।।

અર્થ : હે અશ્મંતક, હે મહા વૃક્ષ, તું મહાદોષનિવારણ કરનાર છે. તું મારા મિત્રોના દર્શન કરાવ અને શત્રુઓનો નાશ કર.

આમ કહી આસીંદરાના વૃક્ષના મૂળિયાં પાસે અક્ષત, સોપારી અને પૈસા મૂકવામાં આવે છે અને પ્રદક્ષિણા ફરવામાં આવે છે. ત્યાર બાદ એનાં થડ પાસેથી થોડી માટી અને પાન ઘરે લાવી દશેરાની ઉજવણી થાય છે. આ આસીંદરો આમ તો શમી વૃક્ષથી ગુણધર્મમાં અલગ છે પણ બાહ્ય દેખાવ એકસરખા હોવાથી બંનેને દશેરા પર મહત્ત્વ મળે છે.

શસ્ત્રપૂજન, સરસ્વતી પૂજન અને અપરાજિતા પૂજન દશેરા સાથે સંકળાયેલા છે. અપરાજિતા દેવીનું પૂજન દશેરાના દિવસે કરી જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્ત થઈ સાહસ અને આત્મવિશ્વાસની કામના કરવામાં આવે છે. આ પૂજનમાં ગોકર્ણ  શંખાવલી , અપરાજિતાના પુષ્પોની મહત્તા હોય છે. દેવીની સ્થાપના કરતી વખતે વિકલ્પ તરીકે આ પુષ્પ અથવા એનાં છોડનું પૂજન થાય છે.

આમ શૌર્ય, ધર્મ, પ્રકૃતિ અને વિદ્યા સાથે જોડાયેલા દશેરાનું અનેરું સ્થાન છે ભારતનાં જનમાનસમાં.


#©️માયા દેસાઈ, મુંબઈ ભારત.