આદિમુદ્રિત ગ્રંથવૈભવ
બીરેન કોઠારી
ગુજરાતમાં કોઈ સાહિત્યકારના નિવાસસ્થાનને સંગ્રહાલય તેમજ જીવંત સ્મારકનું સ્વરૂપ અપાયું હોય, સાંપ્રત પ્રવાહોની સાથે કળા અને જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે ધમધમતું હોય, એવું આજે કદાચ એક માત્ર સ્થળ હોય તો તે છે નડીઆદમાં આવેલું વિખ્યાત સાહિત્યકાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું નિવાસસ્થાન-સ્મારક, જે ‘શ્રી ગોવર્ધનરામસ્મૃતિ મંદિર’ તરીકે ઓળખાય છે.
આ મકાનમાં ગોવર્ધનરામે જીવનનો મહત્ત્વનો સમયગાળો વીતાવ્યો હતો. પોતાની યશોદાયી કૃતિ ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ તેમણે પોતાના આ નિવાસ દરમિયાન લખ્યો હતો.
ઈ.સ.૧૯૦૭માં ગોવર્ધનરામના અવસાન વખતે તેમનું નિવાસસ્થાન ગીરવે મૂકાયેલી સ્થિતિમાં હતું. એ પછી ૧૯૫૬ની ૧૦મી જાન્યુઆરીએ દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીના પ્રમુખપદે મુંબઇમાં ગોવર્ધનરામ-શતાબ્દીની ઉજવણી અંતર્ગત ‘ગોવર્ધનરામ સ્મારક સમિતિ’ રચાઈ. એ જમાનામાં રૂપિયા પચીસ હજાર જેટલી માતબર રકમનું ભંડોળ એકઠું કરીને ગીરવે મૂકાયેલા ગોવર્ધનરામના મકાનને સમિતિ દ્વારા પાછું મેળવવામાં આવ્યું અને તેની વ્યવસ્થાનું કામ નડીયાદના અ.સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનું સંચાલન કરતા ‘ઉમેદકુમારી મંદિર ટ્રસ્ટ’ને સોંપાયું.
૧૯૫૬થી આજ દિન સુધીમાં ત્રણ ત્રણ વખત આ સ્મૃતિમંદિરમાં મોટાં સમારકામ કરાવીને તેને પડુંપડું થતાં અટકાવાયું છે. વચ્ચેના સમયગાળામાં સાવ ઉપેક્ષિત દશામાં રહેલા આ સ્મારકને ઈ.સ. ૧૯૯૦માં નવું રંગરોગાન કરાવીને ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું.

૨૦૦૫માં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ નિમિત્તે સ્મૃતિમંદિરનું સમારકામ ભારે ખર્ચે કરવામાં આવ્યું. ત્યાર બાદ ૨૦૨૨માં આ મકાનના વધુ એક હિસ્સાનો કબજો મળતાં સ્મૃતિમંદિર વધુ અવકાશયુક્ત અને સુવિધાયુક્ત બની શક્યું. આ સ્થળ વર્તમાન સમયના સંદર્ભે વિસરાયેલા એ કાળખંડને જીવંત કરે છે અને તેનો ‘સ્મૃતિમંદીર’નો દરજ્જો સાર્થક કરે છે. પ્રો.હસિત મહેતાની સક્રિયતા, સમર્પણ અને સાતત્યપૂર્વકના પ્રયત્નોને કારણે આ સ્થળ આ દરજ્જો હાંસલ કરી શક્યું છે. હસિતભાઈએ અનેક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સ્વયંસેવક તરીકે આ સ્થળ સાથે સાંકળ્યા છે અને સમર્પિત કાર્યકર્તાઓની મજબૂત ટીમ ઊભી કરી છે. નડિઆદની યુ.ટી.એસ. મહિલા આર્ટ્સ કોલેજના પ્રાચાર્ય પ્રો.ડૉ. હસિત મહેતા પડકારજનક કામ માટે જાણીતા છે. આ કૉલેજમાં પણ તેઓ ઉદાહરણરૂપ કામ કરી રહ્યા છે, જેનું આલેખન અલાયદું કરવું પડે. પોતાની વિદ્યાર્થીઅવસ્થાથી ડાહીલક્ષ્મી પુસ્તકાલય સાથે સંકળાયેલા હસિતભાઈએ વરસોની આકરી સાધના પછી આ સ્થળોને ધબકતાં રાખ્યાં છે, અને પોતાના જેવા બીજા અનેક સમરસિયાઓને આમાં સાંકળ્યા છે, જેને કારણે આ સ્થળ તેની પ્રવર્તમાન સ્થિતિમાં જોઈ શકાય છે અને હજી તેમાં અવનવાં આકર્ષણો ઊમેરાતાં જાય છે.
(હવે દિવંગત), વયોવૃદ્ધ, નિવૃત્ત સનદી અધિકારી કુલીનચંદ્ર યાજ્ઞિકની સૂઝબૂઝને કારણે નડિયાદના મોટા ભાગનાં (બત્રીસેક) સાક્ષરોના નિવાસસ્થાનની ઓળખ થઈ શકી છે.
આ સ્મૃતિમંદિરમાં ગોવર્ધનરામ વાપરતા હતા તે તમામ રાચરચીલું તેમજ તેમના અંગત વપરાશની અનેક ચીજવસ્તુઓ સચવાયેલી છે. તેની એક ઝલકથી તેનું મૂલ્ય સમજી શકાશે.
- ગોવર્ધનરામ પહેરતા હતા એ અસલ લાલ રંગની પાઘડી
- લેખન માટે તેઓ ઉપયોગમાં લેતા હતા એ કિત્તા અને શાહીદાન
- તેમનાં કુટુંબીજનો અને પરિચિતોની ફ્રેમ કરેલી અસલ તસવીરો
- તેમનો હીંચકો અને ઈઝી ચેર, દીવાલ ઘડીયાળ, પુસ્તકો મૂકવાની ફરકડી
- ‘સરસ્વતીચંદ્ર’નો ચોથો ભાગ લખવા તેમણે ઉપયોગમાં લીધેલું ટેબલ અને ખુરશી
- તેમના અભ્યાસખંડનું પાણિયારું અને પિત્તળની ગોળી (માટલી)
- ‘ગો.મા.ત્રિ.’ કોતરેલા બે કાષ્ઠ પાટલા, જેનો ઉપયોગ તેઓ જ્ઞાતિભોજન વખતે કરતા
- પોતાના વકીલાતના કાર્યકાળ દરમિયાન તેમણે લખેલા કેટલાંક પત્રો
- તેમની સ્ક્રેપબુક/ટાંચણપોથીની એક હ્સતપ્રત.
- ‘સરસ્વતીચંદ્ર’ના ચારેચાર ભાગની લેમિનેટ કરાયેલી હસ્તપ્રતો,
- તેમની કૃતિઓ ‘સ્નેહમુદ્રા’, ‘લીલાવતી જીવનકલા’, ‘દયારામનો અક્ષરદેહ’, તથા સો વર્ષ સુધી અપ્રકાશિત રહેલા નાટક ‘ક્ષેમરાજ અને સાધ્વી’ની હસ્તપ્રત
- ગોવર્ધનરામનો જ્ઞાનવિસ્તાર દર્શાવતો તેમનો ગ્રંથભંડાર, જેમાં અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃતનાં મળીને કુલ ૧૦૦૬ પુસ્તકો છે. આ પુસ્તકોમાં ગોવર્ધનરામે પોતાના હસ્તાક્ષરમાં લખેલું પોતાનું નામ, પોતે કરેલી નોંધો તેમજ અન્ડરલાઈન મહત્ત્વની વિગતોનો સંદર્ભ આપી રહે છે.
- ગોવર્ધનરામ વિશેનું મોટા ભાગનું સંદર્ભસાહિત્ય એટલે કે તેમના વિશેનાં વિવિધ લખાણોનો વિપુલ જથ્થો અહીં ઉપલબ્ધ છે, જે પ્રકાશ વેગડ સંપાદિત ‘ગોવર્ધનવિવેચન સંદર્ભ’ના આધારે એકત્ર કરાયો છે.
સ્મૃતિમંદિરમાં સચવાયેલી આ તમામ ચીજવસ્તુઓમાં આજે પણ ગોવર્ધનરામની ચેતના અનુભવી શકાય છે. વળી આ સ્મૃતિમંદિર ગોવર્ધન-અભ્યાસ માટેની એક સ્વાધ્યાયપીઠ પણ બની રહે છે.

આ રીતે સાહિત્ય અને કળાના વિવિધ આયામોથી સજ્જ આ સ્મારકમાં કેવળ એક સાહિત્યકારના સાહિત્યની જ નહીં, તેના પારિવારિક અને સામાજિક જીવનની અને એ કાળખંડની જીવંત ઝાંખી મળે છે. અસલના વખતના તેમના ઓરિજીન હીંચકા ઉપર મૂકાયેલું ગોવર્ધનરામનું આદમકદનું પૂતળું સ્મારકના આ માહોલને જીવંત બનાવે છે. અહીં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના અઢળક વિદ્યાર્થીઓ અને અનેક સાહિત્યપ્રેમીઓના પ્રવાહને બીજી બાબતો ઉપરાંત હીંચકે ઝૂલતા ગોવર્ધનરામ સાથેના સેલ્ફીનું પણ આકર્ષણ હોય છે. મુલાકાતીઓના રસસંવર્ધન માટે અહીં ઊભી કરાયેલી ઑડિયો ગાઈડની અને ડૉક્યુમેન્ટરી ફિલ્મની આધુનિક સુવિધા સ્મારકનું મહત્વ અને પ્રસ્તુતતા સમજવામાં મદદરુપ બને છે.
હવે એક સાહિત્યિક તીર્થધામ તરીકે વૃદ્ધિ અને વિકાસ પામેલું સ્મૃતિમંદિર ગુજરાતના સાહિત્યરસિકો અને અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ સ્થળ વિશેની વિગતવાર માહિતી તેમજ તેની વર્ચ્યુઅલ ટૂર તેની વેબસાઈટ www.govardhanramsmrutimandir.com પર ઉપલબ્ધ છે. આ સ્થળની રૂબરૂ મુલાકાત લેવા માટે ઈમેલ gsmrutimandir@gmail.com દ્વારા સંપર્ક કરવા વિનંતી. દર બુધવારે અહીં સાપ્તાહિક રજા હોય છે. બાકીના દિવસોએ તે સવારના ૯.૦૦ થી સાંજના ૬.૦૦ સુધી ખુલ્લું હોય છે.
****
ગોવર્ધનરામની ચીજવસ્તુઓ, તેમના અંગત ગ્રંથભંડાર ઊપરાંત સાહિત્યપ્રેમીઓ, ઇતિહાસપ્રેમીઓ, પ્રવાસપ્રેમીઓ, જિજ્ઞાસુઓ, અભ્યાસુઓ, તેમજ સંશોધકોને રસ પડે એવું આ સ્થળનું વધારાનું એક આકર્ષણ એટલે અહીંનું વિશિષ્ટ પુસ્તકાલય. ઓગણીસમી-વીસમી સદીનાં આશરે સવાસો વર્ષ જૂનાં અઢી હજાર જેટલાં પુસ્તકો અહીં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, જેમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત પુસ્તકોનો સમાવેશ થાય છે.
ગુજરાતનાં જૂજ સામયિક-પુસ્તકાલયોમાં ગોવર્ધનરામ સ્મૃતિમંદિરનો ગૌરવપૂર્ણ ઉમેરો થયો છે. અહીં વિવિધ વિષયનાં સાડા ત્રણસો જેટલાં ગુજરાતી, અંગ્રેજી સામયિકોનાં કુલ મળીને છવ્વીસ હજારથી વધુ અંકો બાઈન્ડિંગ કરીને સુવ્યવસ્થિત રીતે સચવાયેલાં છે. આ સામયિકોમાં ‘બુદ્ધિપ્રકાશ’નો શૂન્ય નંબરના, ૧૮૫૪માં પ્રકાશિત થયેલા શિરોરેખા ધરાવતા ગુજરાતી લિપિવાળા પ્રથમ અંકથી માંડીને ૭૦ વર્ષ સુધીના અંકો, ફાર્બસ ગુજરાતી સભાના ત્રૈમાસિકના પ્રારંભના અંકો, રમણલાલ નીલકંઠ સંપાદિત ‘જ્ઞાનસુધા’, જેમાં ‘ભદ્રંભદ્ર’ ધારાવાહિકરૂપે પ્રકાશિત થયેલી, ગોર્વધનરામ ત્રિપાઠીનું ‘સમાલોચક’, મુંબઈના જન્મભૂમિ દૈનિકના ૧૯૩૦ થી ૧૯૬૦ના દૈનિક અંકો, ‘યમદંડ’ જેવાં અનોખા વિષયનું સો વર્ષ જૂનું સામયિક, જયંતિલાલ મોરારજી મહેતાનું ‘દેશી રાજ્ય’, અને ‘ભાવનગર સમાચાર’, ઝવેરચંદ મેઘાણીના સંપાદન હેઠળનું ‘ફૂલછાબ’, ’ભિષગ્ભારતી’,‘સ્વદેશવત્સલ’,‘બ્રાહ્મણ’,‘હિન્દુ મિલનમંદીર’ જેવાં વિશિષ્ટ સામયિકો સહિત અનેક સામયિકોનો સમાવેશ થાય છે.
ઝવેરચંદ મેઘાણીના પરિવારે ભારે જતનપૂર્વક જાળવી રાખેલી તેમની અસલ હસ્તપ્રતો હવે તેમણે સ્મૃતિમંદિરને સુપરત કરી છે. મેઘાણીના હસ્તાક્ષરમાં લખાયેલાં કાવ્યો, લેખો, ટીપ્પણીઓ અને બીજાં અનેક લખાણોએ સ્મૃતિમંદિરના ખજાનામાં અનોખી મૂલ્યવૃદ્ધિ કરી છે.
આજે અહીં આ તમામ પુસ્તકો અને સામયિકોનું ડિજિટાઈઝેશન દિલ્હીના ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે. આ પુસ્તકો વેબસાઈટ પર તબક્કાવાર સુલભ બનાવાઈ રહ્યાં છે. આ આદિમુદ્રિત ગ્રંથો પૈકીનાં ગુજરાતી પુસ્તકોનો સંક્ષિપ્ત પરિચય લખાયેલો છે, જેમાં જે તે પુસ્તકની સ્થૂળ વિગતો અને સામગ્રીનો અંદાજ આવી શકે છે. આ પરિચય ‘ગોવર્ધનરામ સ્મૃતિમંદીર’માં બેસીને, એ પુસ્તકોનાં પાનાં ફેરવીને લખાયેલો છે.
હવે પછી દર મહિનાના ત્રીજા સોમવારે ‘આદિમુદ્રિત ગ્રંથવૈભવ’ શ્રેણી અંતર્ગત આવા એક એક પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય અને એ પુસ્તકની લીન્ક અહીં આપવામાં આવશે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

સ્મૃતિમંદિરમાં સચવાયેલી આ તમામ ચીજવસ્તુઓમાં આજે પણ ગોવર્ધનરામની ચેતના અનુભવી શકાય છે. વળી આ સ્મૃતિમંદિર ગોવર્ધન-અભ્યાસ માટેની એક સ્વાધ્યાયપીઠ પણ બની રહે છે… glad to know about this.
LikeLike