ચંદ્રકાન્ત જે સોની
ઘેર આવી, કદી કોઈ દિવસ ન કરેલ હસ્તક્ષેપ જેવું કામ વિનાયકભાઈએ કર્યું. સ્ટોરરૂમના એક ખૂણામાં લટકતા કેલેન્ડરમાં આજની તારીખ આઠમી જુલાઈના મોટ્ટા ચોરસ ખાનામાં નોંધ કરી, કેલેન્ડરનું હળવેથી ગોળ બીડું વાળી, તેની બંને બાજુ રબર બેન્ડ ચઢાવી, હળવેકથી માળિયામાં મુકાયેલા બીજા જૂના કેલેન્ડર સાથે તેને મૂક્યું.
દર વર્ષે, વર્ષ બદલાય ત્યારે, સુલક્ષણાબહેન પોતાની જાતે મોટ્ટા ચોરસ ખાના હોય એવું કેલેન્ડર લઈ આવે.
વિનાયકભાઈ ઈતિહાસના પ્રોફેસર. બેઠક રૂમમાં સુલક્ષણાબહેન કેલેન્ડર લટકાવતા. સાથે વારંવાર શોધવી ના પડે માટે એક પેન પણ તેની સાથે જ લટકાવે.
કામવાળી ક્યારે બાંધી, તેને વચ્ચે ક્યારે કેટલો ઉપાડ આપ્યો, તેનો પગાર, તે કામવાળીએ ક્યારે કામ છોડ્યું.. નવી કામવાળી ક્યારે રાખી. એ..નોંઘ તો ખરી જ. સાથે દૂધનો હિસાબ, બાળકોના ટ્યુશનનો હિસાબ પણ એમાં નિયમિત નોંધી રાખે.
વિનાયક ભાઈ ઈતિહાસના પ્રોફેસર એટલે ઈતિહાસના નવાનવા સંસોધનો અંગે અને માર્ગદર્શન અંગે ઘણા તેમની મુલાકાતે આવે.વાતો કરતાં કરતાં ઘણાનું ધ્યાન આ કેલેન્ડર પર જાય છે, તે તેઓ જુએ. આ કેલેન્ડર તેમને બેઠક રૂમમાં ઠીક ન લાગતાં કહ્યું, “તું, તારૂં આ વહીવંચાના ચોપડા જેવું કેલેન્ડર સ્ટોરરૂમમાં લટકાવ. બેઠકરૂમમાં સારૂં નથી લાગતું.”
કશું પણ બોલ્યા વિના સુલક્ષણાબહેને સ્ટોર રૂમમાં જાતે એક ખીલી પર આ કેલેન્ડર લટકાવી દીધું.
સાંજે વિનાયકભાઈ સાથે વાતવાતમાં સુલક્ષણાબહેને ,પ્રોફેસરને પૂછ્યુ, “વહીવંચો…એટલે શું?”
પ્રોફેસર થોડીવાર તેમની નિર્દોષ આંખો તરફ જોઈ રહ્યા, પછી બોલ્યા, ” વહીવંચો એટલે વંશાવળીઓની નોંધ રાખે તે…”
સુલક્ષણાબહેનને વંશાવળી અને તેની નોધ વગેરેની સહજ રીતે એમણે સમજ પાડી.અને તેના ઐતિહાસિક પુરાવામાં આધારભૂત ઉપયોગ…વગેરે સમજાવ્યું..
ત્યાર પછી તો સુલક્ષણાબહેન પોતાના કેલેન્ડરમાં ન કેવળ કામવાળી કે દૂધવાળાની, પરંતું ઘરની, ગામની સમાજની નવીનવી બનતી ઘટનાઓની પણ ટૂંકમાં નોંધતા પણ ખરા…ઘણી ઉપયોગી માહિતીને ખૂબ ટૂંકમાં…નોંધતા. આવી નોંધ રાખવાની તેમની આદત કહો તો આદત અને શોખ કહો તો શોખ…કોઈને ને કોઈને ક્યારેક ક્યારેક ઉપયોગી પણ થઈ જતી.
એક દિવસ પ્રોફેસર તેમના ઘણા કાગળો ફંફોસતા હતા. મદ્રાસની એક યુનિવર્સિટીમાં એમને વ્યાખ્યાન માટે પત્રથી જાણ કરાઈ હતી. પત્ર તો વ્યાખ્યાનના દિવસ કરતાં ઘણો વહેલો તેમને પાઠવવામાં આવ્યો હતો જેથી તેઓ સારી તૈયારી કરી શકે પણ આજે એ પત્ર જડતો ન હતો ને તેની તારીખ ભૂલાઈ ગયેલી.
“કેમ, આજે? કંઈ ખોવાઈ ગયું છે?” સુલક્ષણાબહેનના પ્રશ્ર્નના જવાબમાં તેઓ ગુસ્સે થઈ ગયા. “તને ખબર પડશે? શું કરીશ જાણીને..?.તું તારૂં કામ કરને?” કહી નાખ્યું.
બધા કાગળીયા ફંફોસી રહેલા પ્રોફેસર પાસે આવીને કહે
“એ…કહું છું.. આ મહિનાની પચ્ચીસમી તારીખે તો તમે મદ્રાસ જવાના છો ને? હવે પાંચ દિવસ બાકી રહ્યા નહીં..? કપડાં તો ઈસ્રી કરાવીને બેગમાં મૂકી દીધા છે પણ..નાસ્તો ?”
પ્રોફેસર નવાઈ સાથે તેમને જોઈ રહ્યા,”તને શું ખબર કે મારે આ મહિનાની પચ્ચીસમી તારીખે મદ્રાસ જવાનું છે?
“એં…પેલો વહીવંચાનો ચોપડો……તે દિવસે તમે કોઈ કાગળ દવે સાહેબને બતાવી નો’તા કહેતા…? એ મેં નોંધી લીધું… મારા કેલેડરમાં..”
અને પછી તો દર વર્ષે આખા વર્ષનું પુરૂં થયેલું કેલેન્ડર સુલક્ષણાબહેન ગોળ વીંટો વાળી રબર બેન્ડ લગાવી માળીયામાં મૂકી દે…ક્યારેક કોઈ નોંધ જોવા કામ આવે એવી ગણત્રીથી.
આવાં બાવીસ બાવીસ કેલેન્ડર, એમના માળીયામાં… કેટલીએ ઉપયોગી નોંધો..અને સમયાંતરે કોઈને કોઈ રીતે ઉપયોગી થયેલી માહિતી સાથે સચવાઈને મૂકેલાં હતાં
આ ત્રેવીસમાં, અધૂરા વર્ષનાં કેલેડરમાં વિનાયક ભાઈએ આજની આઠમી જુલાઈના ખાનામાં પ્રથમ વખત, સુલક્ષણાબેને કેલેન્ડર સાથે બાંધી રાખેલ પેનથી સહેજ કંપતા હાથે વાંકાચૂકા અક્ષરોમાં લખ્યું…”હે ! પ્રભુ, એના આત્માને શાંતિ…”અને એમની આંખમાંથી ટપકી રહેલા આંસુઓના બુંદોથી ભીંજાએલી આઠમી તારીખ..સાથેનું કેલેન્ડર માળિયામાં સાચવીને મુક્યું..
ચંદ્રકાન્ત જે સોની | મોડાસા

સરસ.
LikeLike
જે વ્યક્તિની હયાતીમાં એના કોઈ કામને મહત્વ જ ન આપ્યું હોય, એનાં કોઈ કામની નોંધ સુદ્ધાં ન લીધી હોય એ વ્યક્તિની નાનામાં નાની વાત, એણે કરેલાં દરેક કાર્યનું મૂલ્ય વિદાય બાદ જ સમજાય.
સરસ, મનને સ્પર્શે એવી વાત.
LikeLike
સુંદર વિચાર સરળ ભાષામાં
LikeLike