માછલી સાથે જ દરિયો
– ધૂની માંડલિયા
માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો
આગિયાઓ ઉજળા છે કે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.
કોઈને કે’તા નહીં
– હરદ્વાર ગોસ્વામી
વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.
આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.
આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.
શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.
આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં.

બન્ને કવિની રચનાઓ બહુ સરસ છે.
“આગિયાઓ ઉજળા છે કે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.“
સરયૂ પરીખ.
LikeLike