વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
નમસ્તે, હું ……..
જવા દો મારી ઓળખાણ શું આપું, કારણ કે આ કથા, આ વ્યથા મારા એકલાની નથી. પુરુષપ્રધાન યુગમાં કોવિડકાળથી શરૂ થયેલી ‘વર્ક ફ્રોમ હોમ’ કાર્યપદ્ધતિમાં મજબૂરીથી ગૃહકાર્યનું કૌશલ્ય મેળવવા મથતા મારા જેવા લાખો પુરુષોની વાત છે.
માત્ર ઘરમાંથી આ આગ્રહ કે દબાણ હોત તો સમસ્યા નહોતી, પણ આ સમસ્યા તો સામાજિક કક્ષાએ પહોંચી છે. પડોશીઓ, દોસ્તોથી માંડીને ઑફિસના સહકાર્યકરો સુદ્ધાં પોતાની ગૃહકાર્ય કૌશલ્યની વાતો કરતા થઈ ગયા છે.
કોઈ એક મધ્યવર્ગી માણસ સુધી આ વાત સીમિત રહી હોત તો ઠીક, પણ હવે તો ફિલ્મી સિતારાઓ પણ સોશિયલ મીડિયા પર ઘરમાં રહીને પોતે શું કરે છે એની વિડીયો મૂકતા થઈ ગયા છે એટલે આપણે પણ મજબૂરીથી કરવાં પડતાં કામને પૅશન કહીને પોરસાવાની ફેશન અપનાવે જ છૂટકો.
આમ તો મેગી બનાવવાનો કસબ તો નાનપણથી જ શીખી લીધો હતો.
મેગીમાંથી મેક એન્ડ ચીઝ, રીંગણાંમાંથી રૅવિઓલી, વ્યાપારમાંથી મોનૉપોલી, બોમ્બેમાંથી મુંબઈ કહેવાનું ક્યારે શરૂ થયું એ યાદ નથી, પણ એમ.બી.એ કરીને મુંબઈ આવ્યો ત્યારથી દોસ્તો સાથે રહીને ખાવાનું બનાવતા કેવી રીતે શીખ્યો એ યાદ છે. સમય જતાં શાકમાં સ્વાદ અને રોટલીઓનો આકાર ગોળ આવવા માંડ્યો. પણ, હજુ ભીંડાની ચીકાશ અને અળવીથી ગળામાં થતી ખંજવાળ તો કૌતુકના વિષય જ રહ્યા છે અને લાગે છે કે કદાચ હંમેશાં રહેશે.
જ્યારે જ્યાં અટવાતો ત્યારે મમ્મીની યાદ આવી જતી. સમસ્યા કે સમાધાન માટે ‘ફોન અ ફ્રેન્ડ’માં મમ્મીને ફોન કરવામાં જરાય વાર નહોતી લાગતી. એ જેમ જેમ બતાવે એમ એમ કરતો. હા, ઢોળફોડ ઘણી થતી. ઠીક છે, એ સાફ કરતા કેટલી વાર?
સમય જતા લગ્ન પછી એકમાંથી બે, બેમાંથી ત્રણ થયાં. ઘરનો મોરચો શ્રીમતીજીએ સંભાળી લીધો અને ગૃહકાર્યમાંથી છૂટકારો થયો.
લગ્ન પછી તો સૌની જેમ ઑફિસમાં જાણે કેટલુંય કામ કરીને આવ્યો હોઉં એમ, “માણસ આખો દિવસ કામ કરીને આવ્યો હોય, થોડો થાકેલો હોય તો જરા આરામ તો કરવા દો” એવા ડાયલોગ્સ અવારનવાર બોલવા માંડ્યો.
કોઈ પણ સ્ત્રીએ લગ્ન પહેલાં પિતા, લગ્ન પછી પતિને આવું કહેતા સાંભળ્યા જ હશે. ન્યાય કે તટસ્થતાથી વિચારીએ તો સમજાય કે, ખરેખર તો કેટલાય વર્ષોથી સ્ત્રીઓ ઘરનો અને હવે તો બહારનોય ભાર વેઠી રહી છે, પણ આપણે ક્યાં એવું વિચારવા બેસીએ છીએ?
પણ, કોવિડ સમયના લૉકડાઉનમાં ‘વર્ક ફ્રોમ હોમ’ ચલણમાં આવ્યું ત્યારથી ખરાખરીનો ખેલ શરૂ થયો. થોડા સમય પહેલાં ‘વર્ક ફ્રોમ હોમ’ ની સગવડ ધરાવતા લોકોની ઈર્ષ્યા થતી. હવે વાસ્તવિકતા સામે આવી, ‘વર્ક ફ્રોમ હોમ’નો અનુભવ થયો ત્યાર બાદ એ સૌની તકલીફ સમજાઈ.
ભારે ઉત્સાહથી સવારે પ્રોટીન શેક, લેપટોપ અને ટિફિન લઈને ઑફિસ જવાનું, ટી, લંચ કે સ્નેક-બ્રેક સમયે નિરાંતે ટોળટપ્પાંને કામમાં ખપાવી, ઢગલો થાક લઈને ઘેર આવતા ત્યારે લાગતું કે હવે બીજા કોઈ કામ કરવાની તાકાત જ રહી નથી.
‘‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ થયું કે ઑફિસનું આ જ કામ ત્રણ-ચાર કલાકમાં પૂરું, હવે?
ઔપચારિકતા ખાતર શ્રીમતીને પૂછી લીધું, “ઘરના કોઈ કામમાં મદદ કરી શકું તો બતાવજે.”
શ્રીમતીએ બાળકો સંભાળવાની જવાબદારી સોંપી. હજુ થોડી વધુ મદદ કરી શકાશે એવું લાગતાં કામનું કામ છતાં આસાન હોય એવા કામની યાદી બનાવી. જેમ કે, ખાવાનું બનાવવું, કપડાં ધોવાં, કચરા-પોતાં કરવા, વગેરે વગેરે.
ઘણું વિચાર્યાં પછી પોતાં મારવાનું કામ સૌથી સરળ લાગ્યું. લાંબા ડંડા પર કપડું બાંધીને ડોલના પાણીમાં પોતું ભીનું કરીને હૉકીમાં ડ્રિબલ કરીએ એમ એ લઈને ઘરમાં આમતેમ ફેરવવાનું. દેખીતી રીતે આ જરાય મોટું કે ખોટું કામ ન લાગ્યું.
બીજા દિવસે સવારમાં ચા-નાસ્તો કરવાની સાથે એલાન કરી દીધું, “આજથી પોતાં કરવાનું કામ મારું.”
શ્રીમતીજીએ સંમતિસૂચક મુંડી હલાવી. સમય થયો એટલે ડોલમાં પાણી ભરીને કામ શરૂ કર્યું જ ને પાછળથી અવાજ આવ્યો, “અરે! પાણીથી તરબતર, આટલું ભીનું પોતું ના કરો ભઈસા’બ.”
ડીમૉનેટાઇઝેશન, ક્વૉરન્ટાઇન, મૉરેટૉરિયમની જેમ આજે આ ‘ભીનું પોતું’ શબ્દ પણ ભારે ભારેખમ લાગ્યો.
વિચાર આવ્યો, “અરે આ નિર્દયી સમાજ ! ગરીબ બીચારાં ચીંથરાં જેવા ‘પોતાં’ને પણ ભીનું અને સૂકું જેવી અલગ અલગ કક્ષામાં વહેંચી નાખ્યું?”
મનનું સમાધાન શોધવા અને વધુ સારી રીતે કામ કરી શકાય એ માટે શ્રીમતીજી પાસે વધુ જાણકારી માંગી. શ્રીમતીજીએ કુશળ કૉચની જેમ એકદમ વ્યવસ્થિત રીતે પ્રેક્ટિકલ જ્ઞાન પીરસ્યું.
પછી તો શ્રીમતીજીએ ભીનાં-સૂકાં પોતાંથી આગળ વધીને ચા,દાળ, છોલે…વગેરે વગેરે કેવી રીતે બનાવવા એનું વ્યવહારુ જ્ઞાન આપવાનીની સાથે પ્રેક્ટિસ પણ શરૂ કરાવી. અમારી અંદરના અણઘડ પુરુષે ઝીણવટથી ગૃહકાર્ય સમજવા માંડ્યું, એટલે સુધી કે હવે શ્રીમતીજી અમારા જેવી ચા બનાવવાનું અનુકરણ કરે છે ને સખીઓને ગર્વથી આ કહે પણ છે.
તો મહાશય, આટલામાં સમજી જાવ. હજુ સમય છે તમારી જાતને સંપૂર્ણ માની લેવાના બદલે વિદ્યાર્થી બનો અને ગૃહિણી પાસે બે-ચાર ગૃહકાર્ય શીખવામાં શરમ ના કરો નહીંતર શ્રીમતીજી એમની સખીઓ પાસે તમારી આવડતનાં વખાણ કે વર્ણન કેવી રીતે કરશે?
જે રીતે આજકાલ ખ્યાતનામ લોકો આવાં કામનાં ટ્રેન્ડ સ્થાપિત કરવા માંડ્યા છે એ ટ્રેન્ડથી આપણે અલગ છીએ એવું પણ ન લાગવું જોઈએ.
શું કહો છો?
સ્વપ્નિલ શ્રીવાસ્તવ લિખીત વ્યંગકથા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Brings a smile.
LikeLike