સુદર્શન આયંગાર
“બાબુભાઈ, આ તમારી કૉફી.”
“સુદર્શન તુમ્હારી ચાય બના લો, પાની ચડા દિયા હૈ, મેરી કૉફી બના લી હૈ.”
“બાબા, તુમ દૂધ લેને જા રહે હો ના, રાત કા દૂધ ખતમ હૈ.”
મળસ્કે ૫.૩૦ વાગ્યે બોલાતા આ શબ્દો હવે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના પરિસરમાં, દેસાઈ-ગાડેકર નિવાસમાં ક્યારેય કાને નહીં પડે. બોલનારી ડૉ. સંઘમિત્રા દેસાઈએ (ગુજરાતમાં ઉમાબહેન અને ઉમાદીદીને નામે જાણીતાં) ઇહલોકમાંથી અચાનક વિદાય લીધી. પહેલું વાક્ય જેને માટે હતું તે તો એના પિતા નારાયણ દેસાઈ, જેને અમે સહુ બાબુભાઈ કહીને સંબોધતા. તેઓ તો ૨૦૧૫માં જ ગયા. ઉમાબહેનને એક પછી એક સ્ટ્રોક આવ્યા. બીજા સ્ટ્રોકને સહન કરી તેમાંથી બને તેટલી સ્વસ્થતાપૂર્વક નીકળવાની કોશિશ મક્કમતાથી ચાલી રહી હતી. પહેલા સ્ટ્રોકથી તો આબાદ નીકળેલાં એવું કહેવાય. હારે એવાં તો હતાં નહીં. પણ ૨૭મી ના રોજ થયેલો હૃદયરોગનો ગંભીર હુમલો જીવલેણ નીવડ્યો. એમાંથી પણ કદાચ હેમખેમ નીકળ્યાં હોત ! એંજિઓપ્લાસ્ટી તો બરાબર થઈ પણ પછી હૃદયના એક વાલ્વને નુકસાન થયું, જેમાંથી આબાદ નીકળી શકાય એવું ન હતું. સર્જરી એક ઉપાય હતો. આશાનું કિરણ દેખાયું એટલે શરીર સામાન્ય થાય તે માટે વેંટિલેટર પર બે દિવસ માટે મૂક્યાં પણ દેવધાર્યું થયું અને ઉમાદીદી પરલોકની યાત્રાએ નીકળી ગયાં. એ અચાનક થયું અને તે સૌને આઘાતજનક લાગ્યું. ઑગસ્ટ મહિનાની ૨૪ (૨૦૨૫) ના રોજ આયુષ્યનાં ૭૭ વરસ પૂરાં કર્યાં હોત પણ વચ્ચે જ ગયાં.

ઉમા તો વેડછીની લાડકી દીકરી. વિદાય વેળાએ ગ્રામશાળામાં ભણતાં અને આજે હયાત લગભગ બધાં સહપાઠી મિત્રો, વડીલો અને સમવયસ્ક અને નાની બહેનો ઉમાદીદીની ગમગીન વિદાયમાં હાજર. ગ્રામશાળામાં સાથે ભણેલા અશોકભાઈ ચૌધરીના આંસુ તો ચાલ્યા જ જાય. આ દુ:ખદ પ્રસંગે એમની સાથે રહેલા અને નજદીકી અનુભવતા સહુ વિદાય આપવા પહોંચ્યા હતા.
મહાદેવ દેસાઈ-દુર્ગાબહેન અને ઓડિશાના નબકૃષ્ણ ચૌધરી-માલતીદેવીની પૌત્રી-દોહિત્રી અને નારાયણભાઈ-ઉત્તરાબહેનની દીકરી વારસામાં તો ઘણું-ઘણું લાવેલી અને તેના પર વેડછી, બનારસ, કલકત્તાનો ઉછેર, ભણતર અને ગાંધી-વિનોબાના બૃહદ પરિવારનું વાતાવરણ. એવા ઉછેરના લીધે ભાગ્યે જ કોઈ સ્વભાવ કે પ્રતિક્રિયા રૂપે વિચારદોષ. ક્યારેક નકારાત્મક થઈ જાય. બાકી તો ‘રંગાઈ જાને રંગમાં’ ગીતના બોલ જાણે પૂરેપૂરા આત્મસાત્ કર્યા હતા.
મા ઉત્તરાબહેન જાણે-અજાણે એમના આદર્શ થઈ ગયાં એવું એમને જોનારને લાગે. પિતાની વિદ્વત્તા પણ આવેલી જ હતી. ૧૯૪૮માં ભણતરના પાયા તો વેડછી ગ્રામશાળામાં જ નખાયા. નારાયણભાઈનો પરિવાર બનારસ તો ૧૯૬૦માં ગયો, ત્યાં સુધી વેડછી સ્વરાજ આશ્રમની ગ્રામશાળામાં જ ભણ્યાં. એમનું શાળાકીય ભણતર ઘણી જગ્યાએ થયું. વેડછી, વડોદરા, આંબલા, ઓડિશા અને છેલ્લે બનારસ. બનારસમાં ગંગાકાંઠે આવેલી અને ૧૯૨૭માં સ્થાપિત, જે. કૃષ્ણમૂર્તિની વિચારધારા પ્રેરિત રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં ભણવાનું થયું. એ મેધાવી છાત્રા હતાં.
૧૯૬૭માં નીલ રતન મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ, કલકત્તા (હાલ કોલકાટા)માં એમ.બી.બી.એસ.માં દાખલ થયાં. તબીબ તો થયાં, સાથે જ બંગાળી સરસ શીખ્યાં. ઓડિયા તો માતૃભાષા. આમ ગુજરાતી, ઓડિયા, બંગાળી અને હિંદી પર ગજબ પ્રભુત્વ ધરાવતાં થયાં. ઘણાં વર્ષો વેડછીમાં રહ્યાં એટલે સ્થાનિક ગ્રામજનો સાથે તેમની ચૌધરી બોલીમાં પણ સહજતાથી વાત કરતા એટલે એક આત્મીયતાનો નાતો બંધાતો. હિંદી સાહિત્ય પણ ઘણું વાંચ્યું. ગાંધી-વિનોબા સાહિત્ય અને વિચારજ્ઞાન તો માતા-પિતા અને ઘરે આવનારાં ઘણાં-ઘણાં મહેમાનો પાસેથી સહેજે મેળવ્યું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધના લીધે આજના બાંગ્લાદેશમાંથી હજારો હિજરતી ભારત આવ્યા. ત્યારે શરણાર્થીઓના શિબિરોમાં અનેક પ્રકારની સેવાઓ આપી. ૧૯૭૨માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. એ દરમિયાન ૧૯૭૨ના આરંભે ભાવિ જીવનસાથી સુરેન્દ્ર ગાડેકર સાથે પરિચય થયો. એ બાબા તરીકે ગુજરાતી સર્વોદય જગતમાં ઓળખાય છે. તેઓ આઈ.આઈ.ટી. કાનપુરના મેધાવી વિદ્યાર્થી અને ત્યાંથી ફિઝિક્સમાં ડૉક્ટરેટ મેળવી. બંને મળ્યાં અને બેઉને એકમેકમાં જીવનસંગાથી દેખાયા. ઑક્ટોબર ૧૯૭૨માં પરણી ગયાં. બહેન-બનેવીની વાતો ભાઈ નચિકેતા મારી સાથે હોસ્ટેલમાં રહેવા આવ્યો ત્યારે બડાઈથી કરે. અને હું તો પ્રભાવિત. બંનેને મળવાનું મોડેથી થયું.
૧૯૬૦-૬૧ થી ૧૯૮૯ સુધી એટલે લગભગ ૩૦ વરસ બનારસ-કલકત્તા-અમેરિકામાં ભણી, કામ કરી ખૂબ અનુભવ સાથે ૧૯૮૯માં ઉમાબહેન વેડછી પરત આવ્યાં. નારાયણભાઈ ૧૯૮૧માં ઉત્તરાબહેન સાથે વેડછી પાછા ફર્યા હતા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ આવીને જોડાયાં એનું એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન હતું. ત્યાર બાદ ઉમાબહેન અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અભિન્ન બની રહ્યાં અને આ સાથ મૃત્યુ સાથે જ છૂટ્યો. સુરેન્દ્રભાઈ અને ઉમાબહેને લોક- સેવક તરીકે જીવનદાન કર્યું. વિદ્યાલયના અંતેવાસી, શિક્ષક અને કર્મશીલ તરીકે જીવ્યાં. નારાયણભાઈના ગયા પછી તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ પણ રહ્યાં.
સંઘર્ષ અને રચના
૧૯૮૪માં યુનિયન કાર્બાઈડ, ભોપાલમાં ગેસલીકની ભયાનકતા અને ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલ અણુમથકમાંથી અકસ્માતે નીકળેલી રેડિયોએક્ટિવયુક્ત પ્રદૂષિત હવાએ માનવતાને હચમચાવી મૂકી. માણસના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સ્થાપવામાં આવેલા આ ઉદ્યોગોની ભયંકર આડઅસરના ભણકારા વાગ્યા. અપમૃત્યુ, ગંભીર માંદગીઓ, જન્મજાત ખોડખાંપણ વગેરેના કિસ્સાઓ પરત્વે જાગરૂક નાગરિકોની નિસ્બત જાગી. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના ડૉ. સુરેન્દ્ર ગાડેકર ભૌતિક જ્ઞાનના વિષયનિષ્ણાત અને ઉમાબહેન તબીબી જાણકાર. ગંભીર ચર્ચા-વિચારણા ચાલી. નારાયણભાઈ અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય યુદ્ધ અને અણુશસ્ત્રોની વિરુદ્ધ ચાલતાં આંતરરાષ્ટ્રીય મોરચાઓ અને આંદોલનને ટેકો કરનારાં અને સક્રિય રીતે જોડનારાં. દેશમાં અણુઊર્જા દ્વારા વીજળી બનાવવાનાં મથકોને લીધે થવા પામતી અને ભવિષ્યમાં થનારી અસરોના અભ્યાસ અને તે અંગેની લોકજાગૃતિ માટે અણુમુક્તિ પત્રિકા શરૂ કરવામાં આવી.
અણુમુક્તિની આ જે યાત્રા શરૂ થઈ તેમાં ઉમાબહેન પૂરેપૂરાં ખૂંપ્યાં. કાકરાપાર દેખાવો હોય કે કુડનકુલમ આંદોલન બધે જ પહોંચ્યાં. દિવસ- રાત જોયા વગર વિરોધના કાર્યક્રમોમાં આયોજન અને અમલીકરણ બેઉમાં મોખરે. સુરેન્દ્રભાઈ બૌદ્ધિક બળ અને ઉમાબહેન કર્મબળ. આખા દેશ અને દુનિયામાં આ દંપતીની ઓળખ અણુમથક વિરોધી બૌદ્ધિક અને કર્મશીલ તરીકે ઊપસી આવી. ડૉ. સંઘમિત્રા ગાડેકર જદુગોડા, ઝારખંડની યુરેનિયમની ખાણો હોય કે રાવતભાટા, રાજસ્થાનનું અણુમથક હોય, એમાં લોકઆરોગ્ય અને પર્યાવરણ પર થનારી જોખમી અસરો વિશેનો અભ્યાસ કરનાર પહેલા તબીબ છે. સ્વયંસેવકોની ફોજ ઊભી કરી વૈજ્ઞાનિક ઢબે સર્વે કરનાર ગાડેકર યુગલ દેશમાં મોખરે છે. આ મેડિકો-એંથ્રોપોલોજિકલ અભ્યાસો વડે એમણે લોકો અને સરકાર સમક્ષ સર્વેમાં બહાર આવેલાં પ્રમાણ મૂક્યાં કે જેમાં અણુમથકોની પાસેની વસ્તીમાં જન્મજાત ખોડખાપણ, વંધ્યત્વ, ચામડીના રોગો અને કૅન્સર જેવા રોગોનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે. અણુમથકો પાસેથી સાચા આંકડા મેળવવાના પૂરા પ્રયાસો કર્યા અને આ મથકો જાણકારી છુપાવે છે અને દેશની સુરક્ષા અંગેની નાજુક માહિતી છે એમ જણાવી માહિતી પૂરી નથી પાડતા તે હકીકત પણ સામે લાવ્યાં.
તેઓ બંને ગુજરાત કે દેશમાં ચાલતાં અનેક લોકઆંદોલન તરફ એક નજર તો રાખતાં જ. શક્ય હોય ત્યાં મુદ્દા અને લોકો સાથે ઐક્ય દર્શાવવા જોડાતાં પણ ખરાં. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તૈયાર થયેલા ગુજરાતના અને ગુજરાત બહારના કર્મશીલોની અવરજવર વિદ્યાલમાં હોય જ અને આવીને સલાહ-સૂચનો માંગે અને લે. ૨૦૦૨નાં ગુજરાતનાં કોમી રમખાણોમાં બેઘર-બેહાલ થયેલા અને શિબિરોમાં રહેતા પરિવારોને મળી શાતા આપવાનું અને કોમી એખલાસ માટેના પ્રયાસો માટે સામેલ થવામાં ઉમાબહેન પાછાં નહોતાં પડ્યાં. માબાપથી વિખૂટાં પડી ગયેલાં બે બાળકોની વીતક જોઈ-સાંભળીને એવાં દ્રવી ઊઠ્યાં કે બેઉ ભાઈઓને વિદ્યાલય લઈ આવ્યાં અને એમનાં મા બનીને ઉછેરીને મોટા કર્યા. પાછળથી એનાં મા અને બહેનો મળી આવ્યાં, તેના મિલાપ માટે પણ એટલી જ જહેમત લીધી. પણ બાળકોએ નિર્ણય કર્યો કે ઉમાદીદી પાસે જ રહીને મોટા થશે. બેઉ વિદ્યાલયમાં જ ઊછર્યા. ઈમરાન ટેકનિકલ બાબતોમાં હોશિયાર હતો. શાળાએ ગયો, ભણ્યો પછી એ વડોદરા નિસર્ગોપચાર કેન્દ્રમાં જઈને માલિશના કામમાં તાલીમ પામ્યો. સરસ તૈયાર થયો અને આજે કચ્છના એક નિસર્ગોપચાર કેન્દ્રમાં માલિસ કરનાર તરીકે સેવા આપી રહ્યો છે. પરણ્યો અને એક બાળકનો પિતા છે. નાનો મોહસીન ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થઈ બ્રાઝીલ ગયો અને ત્યાં રોજગારી મેળવે છે. ઈમરાનને સમાચાર મળ્યા અને તરત ટ્રેન પકડી સવારે તો દીદી પાસે આવી ગયો. દીદીના નિષ્પ્રાણ દેહ પાસે પોક મૂકીને રડ્યો. એણે પાલક મા ખોઈ.
ઉમાબહેને વસ્ત્રવિદ્યાના દરેક પાસાની ઊંડી સમજ કેળવેલી. જયપુરના વસ્ત્ર વિદ્યા નિષ્ણાત ‘પાપાશા’ અને ઉમાબહેનની વસ્ત્રવિદ્યાની કાર્યશાળાઓએ વિદ્યાલયમાં કેટલાંય ભાઈ-બહેનોને તાલીમ આપી. ઘણા કારીગરો જે કામ વગરના થઈ ગયા હતા એમને રોજગાર મળતો થયો. એ જ સમયગાળામાં વાંસકામ માટે ભાઈ અશોક કોટવાળિયા અને તેની પત્ની પણ વિદ્યાલય પરિસરમાં વાંસકામ કરવા નિયમિત આવવા લાગ્યાં. ઉમાબહેન આર્કિટેક્ટ-ડિઝાઈનર બિનીતા પંડ્યા સાથે નવી ડિઝાઈનનો વિચાર કરે, ફર્નીચર બનાવવાના પ્રયોગો કરે અને કરાવે. આમ ગ્રામોદ્યોગના પ્રયોગો અને ઉત્પાદનનો એક નાનો પણ ખૂબ અસરકારક ગાળો ગયો. એક વિશેષ ઉલ્લેખ કરવો જ પડે. ખાદીની દુનિયામાં ભેળસેળનો પ્રવેશ તો ક્યારનો જ થઈ ગયો હતો. પણ ઉમાબહેને અંબર ચરખો પણ પાસ ન કર્યો. પેટી રેંટિયો જ કાંત્યો અને કંતાવ્યો. પેટી રેંટિયા પર કાંતણ યજ્ઞ તો છેલ્લે સુધી ચલાવ્યો. જરૂર પડી તો તે માટે ખાસ નિલગીરીના સ્થાનિક વૃક્ષમાંથી પેટી વગરનાં કિસાનચક્ર બનાવડાવીને સહજ સુલભ કર્યાં. મુ. તરલાબહેન વિદાય વેળાએ બોલ્યાં ‘સમૂહ કાંતણમાં ઉમા જોડે કાંતીને આંટી બનાવેલી તે દીકરીની વિદાય માટે કાઢી.’ નારાયણભાઈએ પેટી રેંટિયાના કાંતણને ચક્રોપચાર કહ્યું હતું અને એ ઉપચાર ઉમાબહેને પણ પહેલા સ્ટ્રોક પછી સફળતાપૂર્વક કર્યો. બીજા સ્ટ્રોક પછી પણ એ દિશામાં જ હતાં. ગુજરાતમાં ગાંધી માર્ગે વસ્ત્રવિદ્યા અને ગ્રામોદ્યોગના ક્ષેત્રે સફળ પ્રયોગો કરનાર વ્યક્તિઓની ગાંધીના ગયા બાદની પેઢીમાં ઉમાબહેનનું નામ મોખરે છે.
૧૯૮૯માં ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ કાયમી વસવાટ કરવા માટે વેડછી આવ્યાં એની પાછળ એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન પણ હતું. વેડછીમાં નારાયણભાઈ એકલા પડ્યા. દીકરી ઉમા સુરેન્દ્ર અને દુઆ (ચારુસ્મિતા)ને લઈ કાયમ માટે વેડછી આવી. ઉત્તરાબહેનનો વારસો તો ખરો જ અને ઉમા વિદ્યાલયની મા બની. ૧૯૮૯ થી ૨૦૨૫, જીવનના ૩૫ વરસ કંઈ ઓછા નથી હોતા ! ઉમાબહેને જીવનનાં આ ૩૫ વરસ સં.ક્રાં. વિદ્યાલયને સમર્પિત કર્યાં. સાબરમતી આશ્રમના મગનલાલ ગાંધી જોઈ લો અને વિદ્યાલયનાં ઉમાબહેન. વળી માની કુમાશ અને સ્ત્રીસહજ ઋજુતા તો જોવી જ રહી. ગૃહિણી, મા, શિક્ષક, મિત્ર, જ્વલંત કર્મશીલ એ તમામ ભૂમિકાઓ એક પાત્રમાં વણાઈ ગઈ. વળી સ્વાધ્યાય ચૂકી ન જવાય. સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન પુસ્તકો મંગાવે, વાંચે, વંચાવે અને ચર્ચાઓ થાય.
વિદ્યાલયમાં પ્રશિક્ષણ શિબિરો થાય, તે વિદ્યાલય સ્થાપનાનું એક મુખ્ય ધ્યેય. જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નું સૂત્ર આપ્યું પણ એનું ક્લેવર શું ? એ ઘડાયું વિદ્યાલયમાં. સંઘર્ષ, રચના, સ્વાધ્યાય, પ્રશિક્ષણ. સમૂહ જીવન, ઉત્પાદક શ્રમ અને વિચાર સૂત્ર – ત્રણેય પ્રશિક્ષણનાં અંગ. સંપૂર્ણ ક્રાંતિને સમજવા, અભ્યાસ કરવા માટેની જંગમ વિદ્યાપીઠ એટલે સં.ક્રાં. વિદ્યાલય. એના કુલગુરુ નારાયણ દેસાઈ ખરા, પણ મહામાત્ર તો ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાબહેન. વિદ્યાલયમાં કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ નહીં; માત્ર પસાર થવાનું અને જેટલું નીખરી શકાય તેટલો નીખરવા પૂરતો અવસર. કાંતણ, વણાટ, રંગાઈ, વસ્ત્ર સીવણ, ખેતી કામ, બાગબાની, રસોઈ અને સફાઈ એ બધાને ગોઠવવાનું કામ ઉમાબહેનનું. ૨૦૦૬ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અમે થોડાક મિત્રો નારાયણભાઈને વિનંતિ કરવા આવ્યા કે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ બની માર્ગદર્શન આપે. ચર્ચાઓમાં ઉમાબહેન હાજર અને સક્રિય. એમણે ઘણી નિસ્બતો વ્યક્ત કરી હતી. આ જવાબદારીમાં શ્રમ, મુસાફરી અને કામ એ બધાં વિશે ઝીણવટથી પૂછપરછ કરી હતી, મા દીકરાને બહાર મોકલે ત્યારે બધી તપાસ કરે એવી જ તપાસ હતી.
ઉમાબહેનના મોસાળની વાત રહી ન જવી જોઈએ. ઓડિશાનો પ્રભાવી પરિવાર. ગાંધી-વિનોબા માર્ગે ઈમાનથી ચાલવાવાળા નબકૃષ્ણ ચૌધરી ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી ઓડીશાના મુખ્ય પ્રધાન. ઉમાબહેનનાં નાની માલતીદેવી ચૌધરી એવાં ક્રાંતિકારી કે પતિ મુખ્યપ્રધાન થયા ત્યારે ચોખ્ખું કહેલું કે લોક વિરુદ્ધ કામ કરશો તો તમારી સાથે લડનારી હું પહેલી હોઈશ! આ પરિવાર સાથે દીકરી ઉત્તરાબહેન પછી સંબંધો સાચવ્યા હોય તો ઉમાબહેને. એ પરિવારની નાની દીકરી એટલે કૃષ્ના માસી. અમે પણ માસી જ કહીએ. ઉમાબહેનની એ માસી કરતાં બહેનપણી વધુ. હજી એપ્રિલના આરંભમાં હું અંગુલ (ઓડિશાનું શહેર જ્યાં ચૌધરી પરિવારે આશ્રમશાળા કરી અને સ્થાયી થયા) ગયો હતો અને મેં ઉમાદીદીને ફોન કર્યો અને કહ્યું કે કંઈ સંદેશ ? ઉમાદીદી કહે કે માસીને વેડછી આવીને રહેવાનું કહેજે. માસી એક મહિના પછી લાંબું રહેવા આવવાનાં હતાં અને ઉમાબહેન તો ગયાં. માસીનો ફોન પર જ કરુણ વિલાપ !
વેડછી ગાંધી વિદ્યાપીઠના પરિસરમાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય. નારાયણભાઈ તો આદરણીય. ઉમાબહેન માટે પણ સૌને પ્રેમ. શિક્ષક, કાર્યકર અને વિદ્યાર્થીઓ બધા સાથે પ્રેમાળ સંબંધ. આગળ જણાવ્યું તેમ ગામની તો દીકરી જ. માંદગી અને મૃત્યુના સમયમાં વિદ્યાપીઠ અને ગામ બંને ઊમટ્યાં. અંત્યેષ્ટિ માટે અમારે કાંઈ કરવાનું આવ્યું જ નહીં. ઉમાબહેનના શાળાના સાથીઓ, મિત્રો, વડીલો, યુવાઓ બધાએ આવીને તમામ વ્યવસ્થા કરી અને મૃત શરીરને પણ કોમળતાથી અંતિમધામ પહોંચાડી ચૌધરી વિધિથી જ ગામની દીકરીને વિદાય કરી. ગામ સાથે આટલો ઘનિષ્ઠ અને પોતીકો સંબંધ ભાગ્યે જ કોઈ ગાંધી-વિનોબાના કાર્યકરને હશે. એક તેજસ્વિની, પ્રતિભાશાળી, ખંતીલી, ગાંધીવિચારને વરેલી અને એ જ રીતે જીવન જીવીને કિરતારના ઘરે ઊપડી ગઈ. એ દયામયે ઉમાબહેન માટે મંગળ મંદિરનાં દ્વાર ખોલ્યાં જ હશે અને એમને ઉરમાં લીધાં જ હશે.
‘આર્ચ’, ધરમપુર.
ભૂમિપુત્ર, ૨૫ જૂન ૨૦૨૫

ડૉ. સંઘમિત્રા (ઉમાબેન)ના જવા વિશે છેક ચાર મહિના પછી ખબર પડી, તે માટે વેબ ગુર્જરી નિમિત્ત બન્યું. ડૉ સુદર્શન આયંગરે એક પરિવાર જન તરીકે અંજલિ આપી છે, જે વાંચતાં વેડછીમાં એમને જેવાં જોયાં હતાં તેવું સાંગોપાંગ ચિત્ર મન સામે ઊભું થયું. એમને મનોમન અંજલિ.
વે. ગુ . નો આભાર.
LikeLike