પિંડ હજુ બંધાતો નથી..
નીલમ હરીશ દોશી
ટકોરા દઇશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઇ દીવાલ તોડીને તને મળવા નહી આવું.
પ્રિય દોસ્ત,
દોસ્ત, તને ખબર છે તારે દરવાજે હું અનેક વાર ટકોરા મારું છું.પણ કમનસીબે તારા નિત્યના કોલાહલમાં મારા ટકોરા તને સંભળાતા નથી. અને હું પાછો ફરી જાઉં છું. તને મળવાની મારી ઇચ્છા અધૂરી જ રહી જાય છે.હું કંઇ તું ઇચ્છે અને તું ઓળખે એ જ સ્વરૂપે તને મળવા આવું એ જરૂરી નથી. તેં મને અનેક ઘાટ, આકાર, સ્વરૂપ આપ્યા છે.પણ હું તો નિરાકાર..કોઇ પણ આકાર ધારણ કરીને, કોઇ પણ સ્વરૂપે તારી સમક્ષ આવી શકું છુંતું કદાચ કહીશ કે તો પછી મારે તમને ઓળખવા કેમ ? દોસ્ત, કોઇ પણ ગરીબ, કોઇ જરૂરિયાતમંદ, કોઇ દુખી માણસ તારી પાસે આવે ત્યારે બની શકે એમાં કોઇ એકાદમાં હું પણ હોઇ શકું. તો દોસ્ત, એવી કોઇ વ્ય્કતિનો તારે હાથે તિરસ્કાર ન થાય એ માટે સતર્ક રહીશ ? મારો કોઇ ભરોસો નહીં કે મારું કંઇ ઠેકાણું નહીં કે હું કયા સ્વરૂપે, કયારે આવું ? તું જો તારે આંગણે આવેલ દરેક માનવનું સન્માન કરવાની આદત પાડે તો એમાં હું ગમે તે સ્વરૂપે આવું તો પણ મારું સન્માન થઇ જ જાય ને ?
દોસ્ત, ગઇ કાલે જે ચાલી ગઇ છે એની ચિંતા ન કર. ભૂતકાળ એ જીવનનો એક ભાગ છે. તેને વર્તમાન જીવનમાં કેવી રીતે ગોઠવવો તે સમજ માગી લે છે.સંજોગો ન બદલી શકાય તો વાંધો નહીં આપણે તો બદલી શકીએ ને ? બદલાવાનું આપણે છે. અને તો સંજોગો આપોઆપ બદલાશે. ખીલીનું માથુ દીવાલ તરફ રાખીને હથોડા મારીશું તો ખીલી દીવાલમાં નહી જાય, જરૂર દીવાલ બદલવાની નહી, ખીલીની દિશા બદલવાની છે.
મોત, એકલતા, ગરીબી, વૃધત્વ, બીમારી આ બધુ આપણા હાથમાં નથી. પણ આપણા હાથમાં છે આપણું મનોબળ, આંતરિક સામર્થ્ય, મક્કમતા, ધીરજ, પુરુષાર્થ..
તને અનન્ય વિચારશક્તિ ધરાવતું મગજ આપ્યું છે. જેની મદદથી તું જીવન પ્રત્યેનો તારો અભિગમ બદલી શકે છે. જીવનને જુદી રીતે નિહાળી શકવાનું સામર્થ્ય ધરાવી શકે છે. એક જ વાતને તું અનેક રીતે મૂલવી શકે છે. કઇ રીતે મૂલવવું એનો આધાર તારી પોતાની વિવેકબુધ્ધિ પર છે અને દોસ્ત, તને મારામાં શ્રધ્ધા હોય કે ન હોય, મને તારામાં અખૂટ શ્રધ્ધા છે. મારા શ્રધ્ધાને તારા પરિશ્રમનું, તારી નિષ્ઠાનું, તારી સચ્ચાઇનું પીઠબળ મળશે ને ?
દોસ્ત, જીવનમાં સારી નરસી દરેક પળ આવતી રહે છે, સારી, નરસી ઘટનાઓ બનતી રહે છે પણ કમભાગ્યે આપણું ધ્યાન ખરાબ ઘટનાઓ પર વધારે રહે છે. તેથી ઘણી મજાની અને પ્રસન્ન ક્ષણો ચૂકાઇ જાય છે. દોસ્ત, તારી દ્રષ્ટિ જીવનની સુંદરતા તરફ રહે એવી આશા સાથે
લિ, તારો દોસ્ત, ઇશ્વર
પ્રાર્થના એટલે પરમ સાથેની નિસ્બત, કોઇ અકળ સાથે જોડાતો દિલનો તંતોતંત નાતો
જીવનનો હકાર
અગર ઇશ્વરને ચાહો છો તો ઇશ્વર તમને ચાહે એવા કાર્ય કરો.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
