‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ દ્વારા સ્વાનુભવોમાં પ્રતિબિંબિત થતી મૂલ્યોની અસર મનુષ્યને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે તે દર્શાવતા શ્રી નટવર ગાંધી એક વિશ્વવિખ્યાત ગુજરાતી છે. સાવરકુંડલામાં ૧૯૪૦ની સાલમાં જન્મેલા નટવરભાઈ મુંબઈના હાડમારીભર્યા જીવનથી કંટાળીને ૧૯૬૫માં અમેરીકા આવ્યા.
શ્રી નટવરભાઈના મજબૂત મનોબળ અને આત્મશક્તિનો અમેરીકાના અર્થતંત્ર પર ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. એકાઉન્ટંટ તરીકે એમની કારકિર્દી અમેરીકાની રાજધાની વોશિંગટન ડી.સી.માં ઝળગળી ઉઠી હતી. USAના પ્રેસીડેંટ જે ક્લબના સભ્ય છે તે રાજધાનીની મેટ્રોપોલીટન ક્લબના તેઓ પણ સભ્ય છે. આ સભ્યપદ મેળવવા માટેની લાયકાત ઘણી ઊંચી હોવી જરૂરી છે.
ચીફ ફાયનાન્સીયલ ઓફિસર તરીકે નિવૃતિ થયા પછી પણ વર્લ્ડ બેંકમાં સલાહકાર તરીકે તેઓ સેવાઓ આપતા રહ્યા છે. દુનિયાના અનેક દેશોમાં પ્રવચનો દ્વારા અર્થતંત્રની આંટીઘૂંટીઓ સમજાવી એમણે લોકચાહના મેળવી છે. યુનિવર્સિટી દ્વારા એમની સેવાઓનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળ્યો છે. જે કલમથી એમણે આંકડાઓની સમસ્યાઓ ઊકેલી છે એ જ કલમથી કાવ્યો પણ લખ્યા છે. પૃથ્વી છંદમાં એમણે લખેલા સોનેટો પ્રશંસનીય અને પ્રચલિત છે.
ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એમને પન્ના નાયક જેવા મહાન કવિયત્રીના પ્રેમ સુધી લઈ ગયો. એમનું લગ્નજીવન અનેક માટે ઉદાહરણરૂપ બની રહ્યું.
Email: natgandhi@yahoo.com
In the final analysis, the question of why bad things happen to good people transmutes itself into some very different questions, no longer asking why something happened, but asking how we will respond, what we intend to do now that it happened.
Pierre Teilhard de Chardin
૨૦૦૭ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિંદગીમાં ક્યારેય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનનો સી.એફ.ઓ એટલે કે ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ. એટર્નીની ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ હતી. વૉશિંગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વૉશિંગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા “માણસ ગંધાય માણસ ખાઉં” એમ કરતા અધીરા થઈને બેઠા હતા.
મારા હાથ નીચે જે ટૅક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વૉશિંગ્ટનનો ટૅક્સ કમિશનર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ હતો, અને એ ચોરી કરનારા ટૅક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.
મેં જ્યારે ટૅક્સ ઑફિસનું કામ હાથમાં લીધું ત્યારે એના કોઈ ઢંગધડા ન હતાં, બધું અસ્તવ્યસ્ત હતું, વૉશિંગ્ટનના લોકો એની ગેરવ્યવસ્થા અને અરાજકતાથી થાકી ગયા હતા. વર્ષોથી રીઢા થઈને બેસી ગયેલા કામચોર કર્મચારીઓનો કોઈ હિસાબ લેતું નહોતું. બોડી બામણીના ખેતર જેવી દશામાં ચાલતી એ ટૅક્સ ઑફિસમાં પ્રમાણમાં લાંચ રુશ્વત ઘણી હતી. ઑફિસમાં પ્રામાણિકતા, નૈતિક ખંત અને ખાનદાનીની આબોહવા (કલ્ચર) ઓછાં.
આવી રેઢિયાળ ઑફિસનાં સૂત્રો મેં હાથમાં લીધાં. એમાં સુધારાવધારા કર્યા, એનું તંત્ર વ્યવસ્થિત કર્યું, અને નવી કમ્પ્યૂટર સિસ્ટમ પણ દાખલ કરી. પછી લોકો કરવેરા ભરવા માંડ્યા. સરકારી સિલક વધવા માંડી. વૉલ સ્ટ્રીટમાં જ્યાં અમે દર વર્ષે બીલિયન ડોલરથી પણ વધુ બોન્ડ વેચવા જતા હતા, અને જ્યાં અમારી આબરૂના કાંકરા થયા હતા, ત્યાં હવે અમારી પ્રતિષ્ઠા વધવા લાગી. ધીમે ધીમે વૉશિંગ્ટનનું નાણાં ખાતું ઠેકાણે પડવા લાગ્યું.
આ પ્રગતિ જરૂર થઈ, પણ કેટલાક જૂના ખાઉધરા કર્મચારીઓએ નવી સિસ્ટમને દગો દીધો. એમણે વીસેક વરસથી ચાલતી એમની ચોરીની સ્કીમ કોઈ ઉપરી અધિકારીને ખબર ન પડે તેમ ચાલુ રાખી! આ સ્કીમ એવી કુશળતાથી ચાલતી હતી કે કોઈને ગંધ પણ ના આવી. છેવટે એફ.બી.આઈ.ના માણસો અને અમારા ઇન્ટર્નલ ઑડિટરોએ આ સ્કીમને પકડી પાડી. એ આખું કૌભાંડ બહાર આવ્યું. ટૅક્સ ઑફિસના એક વખતના ડાયરેક્ટર અને અત્યારના સી.એફ.ઓ. તરીકે એને માટે હું જવાબદાર ગણાયો!
આ પ્રેસ કૉન્ફરન્સમાં વૉશિંગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું! એ વખતે હું મેયરની બાજુમાં જ પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તુરત આગળ આવીને મેં કહ્યું કે આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ તે મારી થવી જોઈએ, મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો. પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ–ક્લાસિક વૉશિંગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું.
વૉશિંગ્ટનના મહત્ત્વાકાંક્ષી માણસોની જેમ મને પણ ઊંડે ઊંડે એવી ઇચ્છા હતી કે મારે માટે પ્રેસ કોન્ફરસ ભરાય, જેમાં મારી કોઈ મોટી નિમણૂક થઈ હોય અને હું આત્મવિશ્વાસથી સવાલજવાબ કરું. પણ આ કૉન્ફરન્સનો આશય સાવ જુદો હતો. આમાં તો હું જ હોળીનું નાળિયેર બન્યો અને મારો જ હુરિયો બોલાયો. આ બધું જોતાં મને એમ પણ થયું કે હવે વૉશિંગ્ટનમાં આપણા દિવસો ભરાઈ ગયા છે. અહીંની ફૅડરલ બ્યુરોક્રસીમાં અથવા પ્રાઈવેટ સેક્ટરમાં હજુ વધુ અગત્યની નોકરીઓ લેવાના મારા જે મનોરથ હતાં તે બધાં આ કોન્ફરસ પછી રોળાઈ ગયાં. હવે મારી જે નામોશી થવાની છે તે કારણે મને બીજે ક્યાંય નોકરી મળવાની પણ અશક્ય થઈ જશે.
વિધિની વિચિત્રતા તો જુઓ કે એ જ દિવસે સાંજે મને ગવર્નીંગ મૅગેઝિન તરફથી રાષ્ટ્રીય કક્ષાનો ‘પબ્લિક ઑફિશિયલ ઓફ ધી ઈયર’નો મોટો અવોર્ડ અપાવાનો હતો. વૉશિંગ્ટનની પ્રખ્યાત વિલર્ડ હોટેલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મારું સન્માન થવાનું હતું.1 મારી કારકિર્દીનું આ એક ઊંચું શિખર હતું. સમારંભ યોજાયો. મને અવોર્ડ અપાયો. ખૂબ વખાણ થયાં, પણ મને ખબર હતી કે બીજે જ દિવસે સવારે આ બધું રોળાઈ જવાનું છે. છાપામાં પહેલે પાને ટૅક્સ કૌભાંડના ખરાબ સમાચાર સિવાય બીજું કંઈ નહિ હોય, અને એવું જ થયું.
હું છાપે અને છાપરે ચડ્યો
બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી વૉશિંગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. 2કહેવામાં આવ્યું કે વૉશિંગ્ટનના ઇતિહાસમાં ક્યારેય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોતજોતાંમાં ભોંય ભેગા કરી દે!
વૉશિંગ્ટન પોસ્ટમાં તંત્રીલેખો સાથે મારું કાર્ટૂન પણ છપાયું!3 આવા બધા બદનામીના સમાચારો મહિનાઓ સુધી છાપાંઓમાં અને ટીવીમાં આવ્યા કર્યા. એ પ્રકરણના સંદર્ભમાં સિટી કાઉન્સિલ, બોર્ડ ઑફ ટ્રેડ, ચેમ્બર ઑફ કૉમર્સ, કમ્યુનિટી એસોશિઅન્સ, વૉલ સ્ટ્રીટ, કૉંગ્રેસ એમ અનેક જગ્યાએ મારે જુબાની આપવી પડી. આકરા સવાલોના જવાબ આપવા પડ્યા. આ કૌભાંડ કેમ થયું અને એને માટે કોણ કોણ જવાબદાર છે, તે બાબતની વ્યવસ્થિત તપાસ કરવા સિટી કાઉન્સિલે વૉશિંગ્ટનની એક મોટી લો ફર્મને જવાબદારી સોંપી.
અજાયબીની વાત તો એ છે કે આવડું મોટું કૌભાંડ થયા પછી પણ બીજાં સાત વરસ હું સી.એફ.ઓ. તરીકે ટકી રહ્યો! કૌભાંડ થયા પછી મારી ટર્મ પૂરી થયે બે વાર ફરી મારી નિમણૂંક થઈ. આમ હું ૨૦૧૩ સુધી હું સીએફઓ રહ્યો! ૨૦૧૩માં મેં જાતે જ રાજીનામું ન આપ્યું હોત તો બીજાં ચાર વરસ હજી હું એ હોદ્દા પર રહી શક્યો હોત. રાજીનામું આપ્યા પછી પણ મારે મેયરના કહેવાથી વધુ એક આખું વરસ એ જ હોદ્દા પર કામ કરવું પડેલું.
જો કે એ ૨૦૦૭ના નવેમ્બરના એ દિવસોમાં તો “ગાંધીને આ અગત્યના હોદ્દા ઉપરથી હમણાં ને હમણાં ખસેડો,” એવું ઘણે ઠેકાણેથી કહેવાયું હતું. એ દિવસોમાં વૉશિંગ્ટન બિઝનેસ જર્નલમાં ઓપિનિયન પોલ પણ લેવાયો કે ગાંધીએ સીએફઓ તરીકે રાજીનામું આપવું જોઈએ કે નહીં? જેમાં ૫૮% બિઝનેસ કમ્યુનિટીના લોકોએ કહ્યું કે હા, તેને રીઝાઇન કરવું જોઈએ, જ્યારે ૪૨% લોકોએ કહ્યું કે ના, ડિસ્ટ્રીકને હજી ગાંધીની જરૂર છે. મેં પોતે જ મેયરને કહ્યું કે હું આ કૌભાંડની જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપવા તૈયાર છું. પણ મેયરે મારું રાજીનામું ન સ્વીકાર્યું. મને કહ્યું કે ટૅક્સ ઑફિસને સુધારવા માટે, એ ઑફિસની બ્યુરોક્રસીની સાફસૂફી કરવા માટે અમારે હજી તમારી જરૂર છે!
જે લો ફર્મને આ બધું તપાસ કરવાનું કામ સોપાયું હતું એનું પણ એમ જ કહેવું હતું કે ગાંધીની ઑફિસમાં એની નીચે હાથ કરતા માણસોએ આ ચોરી કરી છે, ગાંધીએ નહીં. આ સ્કૅન્ડલના મૂળમાં ટૅક્સ ઑફિસના કર્મચારીઓની બેદરકારી અને નૈતિક અંધતા છે. અગત્યના કૉંગ્રેસમેનો, બિઝનેસ સમુદાય, મજૂર મહાજન, મેયર પોતે, સિટી કાઉન્સિલ–એમ બધાનું માનવું એવું હતું કે ગાંધીએ ટૅક્સ ઑફિસને સુધારવામાં બહુ પ્રયત્નો કર્યા છે. એ જો સી.એફ.ઓ. તરીકે હજી રહે તો સુધારાનું કામ આગળ વધી શકે. વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સદ્ધર બનાવવું હોય તો ગાંધીની હજી જરૂર છે. એમના સિવાય કોઈ વિકલ્પ અમને દેખાતો નથી. વધુમાં વૉલ સ્ટ્રીટમાં, ખાસ કરીને રેટિંગ એજન્સીઓમાં, એમ કહેવાયું કે આ સ્કૅન્ડલથી ડિસ્ટ્રીકના ક્રેડિટ રેટિંગ ઉપર કોઈ અસર નહીં આવે.
વૉશિંગ્ટનની અર્થવ્યવસ્થા
એક શહેર તરીકે વૉશિંગ્ટનની હયાતી જ જુદી છે. એ અમેરિકાની રાજધાની તો ખરી જ. પણ સાથોસાથ એ અમેરિકાનાં મોટાં શહેરોમાંનું એક ગણાય. એને અમેરિકાના ફૅડરલ રાજ્યતંત્રથી જુદું રાખવામાં આવ્યું છે. એ રાજ્ય નહિ, પણ ‘ડિસ્ટ્રીક ઑફ કોલમ્બિયા, વૉશિંગ્ટન, ડી.સી.’ તરીકે ઓળખાવાય છે. એની અર્થવ્યવસ્થા અમેરિકાનાં પચાસ રાજ્યો કરતાં જુદી છે. વાયોમીંગ અને વર્મોન્ટ જેવાં કેટલાંક રાજ્યો કરતાં એની સાતેક લાખની વસતી વધારે અને એનું એ વખતનું લગભગ તેર બીલિયન ડોલરનું વાર્ષિક બજેટ અમેરિકાનાં કેટલાંક રાજ્યોનાં બજેટ કરતાં પણ મોટું, અને છતાં ડિસ્ટ્રીક રાજ્ય ન ગણાય, અને એના નાગરિકોને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ ન મળે!
વૉશિંગ્ટનના રાજકારણ અને એની આર્થિક વ્યવસ્થાની જવાબદારી ફૅડરલ ગવર્નમેન્ટે, મુખ્યત્વે અહીંની કૉંગ્રેસે, એટલે કે અમેરિકાની ધારાસભાએ પોતાના હાથમાં રાખી છે. અમેરિકાના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ‘ટૅક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન’ (પ્રતિનિધિત્વ વગરના કરવેરા)નું સૂત્ર લઈને અમેરિકનો ઇંગ્લૅન્ડના રાજા સામે લડ્યા હતા. તે જ અમેરિકાની રાજધાનીના લોકોને આજે પણ એ મતાધિકાર નથી. જો કે આ નાગરિકોએ અહીંનો ટૅક્સ જરૂર આપવો પડે. એટલું જ નહિ, પણ ડિસ્ટ્રીકના નાગરિકો બીજાં બાવીસ રાજ્યો કરતાં વધુ ઇન્કમટૅક્સ ભરે!
રાજધાનીના નાગરિકોનું કહેવું છે કે અમે ફૅડરલ કરવેરા બરાબર ભરીએ છીએ, અમારા જુવાનો દેશની લડાઈઓમાં ફના થાય છે, બધા જ ફૅડરલ કાયદાઓ અમને લાગુ પડે છે, છતાં અમને મતાધિકાર નહિ? એ ન્યાય ક્યાંનો? આ બાબતનો ઊહાપોહ વારંવાર થાય છે. પણ એનું કાંઈ વળતું નથી. વૉશિંગ્ટનની વસતી ૧૯૬૦ના દાયકામાં સિત્તેર ટકા કાળી, શ્યામવર્ણી આફ્રિકન અમેરિકન હતી. તેથી રંગભેદ રાખવામાં આવે છે એવો દાવો કરવામાં આવ્યો. આ ચળવળને કારણે કૉંગ્રેસે છેવટે વૉશિંગ્ટનના નાગરિકોને પ્રમુખની ચૂંટણી માટેનો મર્યાદિત મતાધિકાર આપ્યો, અને સાથે સાથે સ્થાનિક રાજકારણ માટે હોમરૂલની વ્યવસ્થા કરી આપી. લોકો મેયર અને કાઉન્સિલની ચૂંટણી કરી શકે, પણ એમને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ તો ન જ મળ્યું.
મુખ્યત્વે ગોરા લોકોની બહુમતિવાળી કૉંગ્રેસના નેતાઓ એમ માને કે જો વૉશિંગ્ટનને ડિસ્ટ્રીકને બદલે રાજ્ય ગણવામાં આવે અને એના નાગરિકોને પૂર્ણ મતાધિકાર મળે, તો એક રાજ્ય તરીકે અમેરિકાની સેનેટમાં બે સેનેટરો ઉમેરાય. અત્યારે સેનેટમાં એકેક રાજ્યના બે સેનેટરો ગણીને ૧૦૦ની સંખ્યા છે. ઘણા અગત્યના કાયદાઓ એકાદ બે મતને આધારે પસાર થાય છે. ડિસ્ટ્રીકના બે સેનેટરો કાળા, આફ્રિકન અમેરિકન હશે, અને બન્ને ડેમોક્રેટ હશે, એવા ભયે રીપબ્લીકન પાર્ટીના આગેવાનોનું એમ માનવું કે અત્યારે સેનેટનું જે પાવર બૅલેન્સ જળવાયું છે, તે ડેમોક્રેટ પક્ષ તરફ ઢળશે. સ્વાભાવિક રીતે જ રીપબ્લીકન પાર્ટીના નેતાઓને આ વાત ન પોસાય.
વધુમાં દરેક રાજ્યને બે સેનેટરો મોકલવાની વ્યવસ્થા એ નાનાં (વર્મોન્ટ જેવા) ને મોટાં (કેલિફોર્નિયા જેવા) રાજ્યો વચ્ચે બૅલેન્સ જાળવવા માટે યોજાઈ છે. આજે વૉશિંગ્ટનને રાજ્ય બનાવો અને કાલે એના જેવા જ ડિસ્ટ્રીક પોર્ટોરિકો પણ પોતાનું રાજ્ય માગે, તો પછી ક્યાં અટકવું? આ કારણે પચાસ રાજ્યો અને સો સેનેટરોમાં વધારો કરવામાં જબરી આનાકાની થાય છે. વધુમાં આજુબાજુનાં મેરીલેન્ડ અને વર્જીનિયા જેવાં રાજ્યોમાં વસતા (મુખ્યત્વે ગોરા) માણસો લાખોની સંખ્યામાં દરરોજ વૉશિંગ્ટનમાં ફૅડરલ ગવર્ન્મેન્ટ અને અન્ય ઠેકાણે નોકરીધંધો કરવા આવે છે, તે બધા ઉપર એક રાજ્ય તરીકે વૉશિંગ્ટન નવા કરવેરા લાદી શકે. એ જોખમ શા માટે ખેડવું?
વૉશિંગ્ટનને હંમેશ કૉંગ્રેસના અંકુશ નીચે રાખવું હોય તો એ એક રાજ્ય નહીં, પણ ડિસ્ટ્રીક રહે એવી વ્યવસ્થા એમેરિકાના બંધારણમાં કરવામાં આવી છે. ડિસ્ટ્રીકના નાગરિકોને કોઈ બીજા રાજ્યના નાગરિકોની જેમ મતાધિકાર અને હક્કો આપવા હોય તો બંધારણમાં સુધારાવધારા કરવા પડે, જે અહીં ખૂબ મુશ્કેલ છે. એટલે અત્યારે તો વૉશિંગ્ટનના નાગરિકોએ આ અન્યાય નીચી મૂંડીએ સહન કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.
માત્ર વૉશિંગ્ટનને રાજ્ય બનાવવાની બાબતમાં જ નહીં, પણ અમેરિકાની ઘણી બધી બાબતોમાં મૂળ તો આ ગોરા-કાળાનો રંગભેદ રહેલો છે. આ રંગભેદનું વિકરાળ સ્વરૂપ દેશના આંતર વિગ્રહ (સિવિલ વોર) માં ૧૮૬૦ના દાયકામાં પ્રગટ થયું હતું. છેલ્લાં બસો વરસમાં કાળા ગોરાના નાનાંમોટાં છમકલાં, હુલ્લડો અને ખૂનામરકી થતાં રહે છે. જે અમેરિકનો દુનિયા આખીની પચરંગી પ્રજાને પોતાનામાં સમાવી શક્યા છે, તે કોને ખબર પણ કેમ એના કાળા નાગરિકોને સમાવી શક્યા નથી. સમાજશાસ્ત્રીઓ માટે આ એક મોટો કોયડો છે.
ક્રમશઃ

શ્રી નટવરભાઈની જીવન કથા નું આ પ્રકરણ એક સાચુકલા, નિર્દોષ,સ્વમાની અને આત્મ વિશ્વાસ ભરપૂર વ્યક્તિ ની વાત ફરી વાંચવાની મજા આવી.
-નીતિન વ્યાસ
LikeLike