મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
‘વિચાર કરતાં વિધિ હસે છે,
ધન દાટતા, ધરા હસે છે,
શસ્ત્ર સજો, ત્યાં કાળ હસે છે,
મૂરખને જગ આખું હસે છે,
મૂરખ મનમાં સૌને હસે છે’
(જૂની રંગભુમિનું ગીત)
થોડા દિવસો પહેલા ક્યાંક વાંચવામાં આવ્યું કે માત્ર માણસ જ નહિ કેટલાક પ્રાણીઓ પણ હસે છે. ઉંદર, ડોલ્ફિન, ઘુવડ કૂતરાં અને ઘોડા હસે છે, પરંતુ બિલાડી હસતી નથી. પ્રાણીશાસ્ત્રીઓએ ‘હસતાં’ અને ‘નહિ હસતાં’ પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું છે કે નહિ તેની અમને જાણ થઈ નથી, પરંતુ પ્રાણીઓનાં ખુશ થવાને અને હસવાને સબંધ હોય તેમ લાગે છે. ગધેડાં ખુશ થાય છે ત્યારે ભૂંકે છે અને તેમનાં ધ્વનિંમાં માત્ર સ્વર જ હોવા છતાં વ્યંજન તરીકે ‘ચ” ને ઘૂસાડીને “‘હોંચી હોંચી’ એવું જ સાંભળવું’ એમ કોઇ આદી શ્રોતાએ ઠરાવ્યું હોય તેમ લાગે છે. જે કાંઇ હોય પરંતુ ગધેડાની હસવાની આ રીત હશે એમ માની શકાય.
ગધેડાને વૈશાખનંદન કહેવા પાછળ તે વૈશાખ મહિનામાં વિશેષ ભૂંકે છે તેવું કારણ આપવામાં આવે છે. પરંતુ તે વૈશાખ મહિનામાં જ કેમ વધારે ભૂંકે છે તેનું કારણ જાણ્યું નથી. વિચાર કરતા લાગે છે કે વૈશાખ મહિનામાં લગ્નગાળો હોય છે અને લગ્ન કરવા જતા મૂરતિયાઓને જોઈને ગધેડાને હસવું આવતું હશે. તેઓ મનોમન વરરાજાઓને કહેતા હશે, “બેટાઓ આજે ભલે ખુશ થાઓ, પરંતુ પછી તો તમારા નસીબે અમારી જેમ ભાર વહન કરવાનો જ આવશે”!
હસવાની બાબતે ગધેડાપુરાણ જરા લંબાઈ ગયું. આપણે વાત તો કરવી છે માણસનાં હસવાની. માણસ હસે તો છે જ પરંતુ તે એક જ પ્રકારે હસતા નથી. પ્રકારપ્રેમી વિદ્વાનોએ જેમ ૬૪ પ્રકારની કળાઓ, માતાજીના ભક્તોએ જેમ
૬૪ પ્રકારની જોગણીઓની વાત કરી છે તેમ એક હાસ્ય લેખકે માણસનાં હસવાંના પણ
૬૪ પ્રકારો પાડ્યા છે. હાસ્યના આ ચોસઠેચોસઠ કળાના નામ વર્ણવવાનો ઉપક્રમ રાખીને વાચકોને ત્રાસ આપવા માગતો નથી આથી લૂચ્ચું હાસ્ય, ખંધુ હાસ્ય, અટહાસ્ય વગેરે નમૂના પૂરતા નામો લખ્યાં છે.
જાણકારો કહે છે કે હસવું એ માણસની મૂળભૂત જરૂરિયાત છે. પ્રાચીન કાળથી મનુષ્યની આ જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસો થતા રહ્યા છે. આપણાં પ્રાચીન નાટકોમાં રાજાને હસાવવા માટે ખાસ વિદુષક નામનો હોદ્દો રાખવામાં આવતો. તે વખતનાં બંધારણમાં હોદ્દાની રૂએ વિદુષકને રાજાના અંગત મિત્ર તરીકે અને સલાહકારની ફરજ પણ બજાવવાની રહેતી. પરંતુ લોકશાહીમાં પ્રજા એ જ રાજા હોવાથી રાજકીય પક્ષો પ્રજાને હસાવવા માટે વિદુષક તરીકે કેટલાક પ્રવક્તાઓની પસંદગી કરતા હોય છે.
જૂની રંગભૂમિમાં નાટકની ગંભીરતાથી ઘેરાયેલા પ્રેક્ષકોને મુક્તિ અપાવવા મુખ્ય નાટકને સમાંતર એક પ્રહસન રાખવામાં આવતું જેથી પ્રેક્ષકો મુક્તપણે હસી શકે. એ જ રીતે વાચકો માથેથી ગંભીર વાચનનો ભાર ઉતારવા માટે સાહિત્યમાં પણ હાસ્ય લેખોનો એક વિભાગ રાખવામાં આવતો હોય છે. રસાયણશાસ્ત્રમાં નાઈટ્રસ ઓક્સાઈડ નામના એક વાયુને લાફિંગ ગેસ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ વાયુનો ઉપયોગ ડીપ્રેસનના દરદીઓની સારવાર માટે કરવામાં આવે છે.
હંમેશા ખલનાયકની ભૂમિકા ભજવેલી હોવાથી અભિનેતા પ્રાણને હાસ્યનું મૂલ્ય કેટલું તેની ખબર ન હતી. આથી તે ફિલ્મ જંજીરના એક ગીતમાં અમિતાબ બચ્ચનને “તેરી હસીકી કિમત ક્યા હૈ? બતા દે તું” એવો સવાલ કરે છે!
હાઈસ્કુલમાં અમારે કાકાસાહેબ કાલેલકરનો ‘હકીમસાહેબ’ નામનો એક પાઠ ભણવામાં આવતો. કાકાસાહેબ બાળક દત્તુ હતા ત્યારે એક વખત બીમાર પડેલા. તેમની સારવાર એક હકીમ સાહેબ કરતા. આ હકીમસાહેબ તેમને દવાની પડીકીઓ તો આપતા ઉપરાંત રમૂજી વાતો પણ એવી કરતા કે બાળક દત્તુ હસી પડતો. સાજા થયા પછી કાકાસાહેબે નોંધ્યું છે કે તેઓ નક્કી કરી શક્યા ન હતા કે પોતે હકીમસાહેબની દવાને કારણે બીમારીમાંથી મુક્ત થયા કે તેમની વાતોથી!
નિષ્ણાતોએ હાસ્યનો આરોગ્ય સાથેનો સબંધ વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા પ્રયાસો કર્યા છે. તેમના મત મુજબ માણસની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રજીવક સી યોગ્ય પ્રમાણમાં હોવું જોઇએ. ખોરાક કે દવા તરીકે પ્રજીવક સી લેવાને બદલે માણસ ખુશ થઈને હસે તો પ્રજીવક સી વધારે ઉત્પન્ન થાય છે. આ અંગે નોર્મન કઝિન્સ નામના એક અમેરિકન લેખકે કરેલો પ્રયોગ જાણીતો છે. પ્રયોગની વિગતો તેમણે પોતાનાં Anatomy of illness નામનાં પુસ્તકમાં વર્ણવી છે. ગંભીર રીતે બીમાર પડનારને આપણે હોસ્પિટલમાં એડમિશન અપાવી દેતા હોઈએ છીએ પરંતુ નોર્મન કઝિન્સનો પોતાનો અભિપ્રાય હતો કે ગંભીર રોગના દરદી માટે હોસ્પિટલ સહેજ પણ યોગ્ય સ્થળ નથી! પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે પોતાને આરામ કરવાનો સમય હોય ત્યારે હોસ્પિટલના માણસો ટેસ્ટ કરવા માટે લોહીના નમૂનાઓ લેવા આવતા. ક્યારેક તો ભર ઉંઘમાંથી જગાડીને લોહીનો નમૂનો લેતા. કેટલાક ટેસ્ટ તો તેમને બીનજરૂરી લાગતા હતા આથી તેમણે એવું વિધાન પણ કર્યું હતું કે અમુક ટેસ્ટ તો હોસ્પિટલ પોતાની કાબેલિયત દર્શવવા માટે જ કરતી હોય તેમ લાગે છે! આથી તેઁમણે હોસ્પિટલ છોડી દીધી અને એક હોટેલમાં આશરો લીધો જ્યાં તેમણે કોમેડી ફિલ્મો જોઇ અને તેમાંથી નિષ્પન થયેલા હાસ્યે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી. છેવટે તેઓ અસાધ્ય બીમારીમાંથી બહાર આવ્યા.
આરોગ્યના રક્ષકોએ નોર્મન કઝિન્સનો દાખલો લઈને દર્દીના ઉપચારમાં હાસ્યનો ઔષધ તરીકે ઉપયોગ કેમ કર્યો નથી એ મને સમજાતું નથી! મારી વણમાગી સલાહ છે કે દરેક જનરલ હોસ્પિટલમાં જેમ ફિઝિયોથેરેપીનો અલગ વોર્ડ હોય છે તેમ એક હાસ્યનો વોર્ડ પણ હોવો જોઈએ. આ વોર્ડમાં શાહબુદ્દીન રાઠોડ સાહેબ જેવા હાસ્ય કલાકારોને બોલાવીને લોકોને હસાવવા જોઇએ.
હાસ્યના પ્રકારકારોએ માણસની મૂછને હાસ્ય સાથે જોડીને મૂછમાં હસવું એવો પ્રકાર પણ કહ્યો છે. અન્યને જાણ ન થાય તે રીતે હસવાને ‘મૂછમાં હસવું ’ એમ કહેવાય છે. માત્ર પુરુષોને જ હોવા છતા સ્ત્રીઓના આ પ્રકારે હસવાને પણ ‘મૂછમાં હસવું’ કેમ કહેવાતું હશે એવો સવાલ જિજ્ઞાસુઓને થવો સ્વાભાવિક છે. કદાચ અહીં મૂછનો પ્રયોગ દ્ર્વ્યવાચક નામ તરીકે નહીં પણ સ્થળવાચક તરીકે થતો હશે! ખેતરમાં મોલ ઊભો હોય કે ના ઊભો હોય પણ ખેતરને તો ખેતર જ કહેવું રહ્યું!
હાસ્યવિદોના જણાવ્યા પ્રમાણે હાસ્ય ચેપી હોય છે. એકનાં હસવાની અસર થતા બીજો પણ હસે છે. પરંતુ દરેક વખતે એ સાચું નથી હોતું. કેટલીક વખત એક વ્યક્તિનું હસવું અન્ય માટે દુ:ખદ કે અપમાનજનક હોય છે. રસ્તા ઉપર માણસ એકાએક પડી જતા માણસને જોઇને લોકોને હસવું આવતું હોય છે. આને કારણે પેલી વ્યક્તિને અપમાન કે મજાક જેવું લાગે છે. પરંતુ કેટલક ખેલદિલ માણસો પડી ગયા પછી પોતે પણ હસવા લાગતા હોય છે. આમ ઝેરનું મારણ ઝેર એ જ્ઞાન કામે લગાડીને પોતે પણ હસવા લાગે તો તેને અપમાનની અસર થતી નથી.
હાસ્ય એ કુદરતે માણસને આપેલી અમૂલ્ય ભેટ હોવા છતાં તેનો દુરુપયોગ પણ થતો હોય છે. મહાભારતની કથા પ્રમાણે પાંડવોએ રાજસૂય યજ્ઞ સમયે એક રંગ મહેલ બનાવ્યો હતો અને એ જાદુઇ રંગમહેલમાં દુર્યોધનને જળની જગ્યાએ સ્થળ દેખાતા તે પાણીમાં પડી ગયા જેથી દ્રૌપદી દુર્યોધનનો ઉપહાસ કરતી હસવા લાગી, કહેવાય છે કે તેથી જ મહાભારતના યુદ્ધનાં બીજ રોપાયાં.
આમછતાં માણસનું નિર્દોષ અને નૈસર્ગિક હાસ્ય તો લાભકારક જ છે. પરંતુ હાલના તણાવના યુગમાં નૈસર્ગિક હાસ્ય લુપ્ત થતું જાય છે. માણસોએ (ક્રુત્રિમ)હસવા માટે લાફિંગ કલ્બો ઉભી કરવી પડે છે. ઉપરી સાહેબે કે કોઈ કહેવાતા મોટા માણસે કહેલી જોકમાં કૃત્રિમ રીતે હસવું પડે છે. માણસ આલ્બર્ટ કામુંના પુસ્તક ‘ આઉટસઈડર’ના નાયક જેવો સંવેદનહીન બની ગયો છે. હસવાનું તો ઠીક રડવાનું પણ ભૂલતો જાય છે. એમ લાગે છે કે લાફીંગ ક્લબની જેમ ક્રાઇંગ ક્લબો પણ ઉભી કરવી પડશે જેમાં માણસ કૃત્રિમ તો કૃત્રિમ પણ મુક્તપણે રડી શકે!
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

very good lekh.
LikeLike
ખૂબ ખૂબ આભાર
LikeLike