થોડાં વર્ષો પહેલાં વેબ ગુર્જરીએ પ્રોફેસર જયંત નારળીકરને વિનંતિ કરી હતી કે તેમનો ગુજરાતના અગ્રગણ્ય ગણિતશાસ્ત્રી પ્રોફેસર પી સી (પ્રહ્લાદ ચુનીલાલ) વૈદ્ય પરનો તેમનો લેખ પ્રકાશન અર્થે આપે.
નારળીકર સાહેબે એકદમ સરળ હિંદીમાં એ લેખ લખી આપ્યો. એટલું જ નહીં, પણ એ લેખની સાથે એક નોંધ પણ લખી કે મને ગુજરાતી આવડતું નથી એટલે આ લેખનો તમારે અનુવાદ કરવો પડશે.
કેટલી સરળતા અને નમ્રતા.
આટલી જ સરળતા અને નમ્રતા આ લેખમાંનાં બન્ને મુખ્ય પાત્રોમાં પણ સહજપણે અનુભવી શકાય છે.
વેબ ગુર્જરીની સાઈટ ક્રેશ થઈ ગઈ એટલે એ લેખ તો ઉડી ગયો. તેથી, પ્રોફેસર જયંત નારળીકરની યાદને તાજી કરવાની સાથે પ્રોફેસર પી સી (પ્રહ્લાદ ચુનીલાલ) વૈદ્ય પરનો તેમનો લેખ આજે પ્રકાશિત કરીએ છીએ.
આ લેખમાં જે ‘નાર્લીકર સાહેબ’નો ઉલ્લેખ છે તે શ્રી જયંત નારળીકરના પિતાશ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકર છે.
જયંત નાર્લીકર
આયુકા, પુણે
મારા બાળપણની એક યાદ! હું કદાચ પ્રાથમિક શાળામાં હોઈશ. મારા પિતા એક પત્ર લઈને આવ્યા અને મારી માતાને કહ્યુંઃ “સાંભળો! વૈદ્ય સાહેબ આવવાના છે… આપણા સેમિનારમાં વ્યાખ્યાન આપશે.”
“એકલા આવે છે કે કુટુંબ સાથે?” માએ પૂછ્યુ
“એકલા! એમની દીકરીઓ હજી સ્કૂલમાં છે.” પિતાનો ખુલાસો સાંભળીને મા થોડી નિરાશ થઈ ગઈ.
૧૯૪૦-૫૦નો એ જમાનો હતો. બ્રિટિશ રાજ તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું. એક બાજુ, સત્યાગ્રહ, હડતાળ, રમખાણો વગેરે ચાલ્યા કરતાં તો બીજી બાજુ, દેશની યુનિવર્સિટીઓ, કૉલેજો અને શાળાઓ પોતાની તમામ ક્ષમતાઓ સાથે શિક્ષણની ફરજો બજાવવામાં લાગી હતી. મારા પિતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. તે સમયના રિવાજ મુજબ, બનારસની બહારથી કોઈ કામ (લેક્ચર, પરીક્ષા, સેમિનાર, વગેરે) માટે યુનિવર્સિટીમાં આવતા પ્રોફેસરો તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા માટે ગેસ્ટ હાઉસ પસંદ ન કરતા પણ પોતાના ઓળખીતા એવા શિક્ષક કે પ્રોફેસર ઉપર છોડી દેતા.

એટલે મેં ધાર્યું હતું કે મુલાકાતી મહેમાન, વૈદ્ય સાહેબ, બહારથી આવતા બીજા પ્રોફેસરોની જેમ કોટ-પેન્ટવાળા હશે. પણ જ્યારે સ્ટેશનેથી આવ્યા અને ટાંગામાંથી ઊતર્યા ત્યારે મને નવાઈ લાગી કે આ મુસાફરે તો ઝબ્બો-પાયજામો પહેર્યાં હતાં અને વળી માથે ગાંધી ટોપી! મારા ચહેરા પર અચંબો માએ જોઈ લીધો હોય તેમ મને કહ્યું “દીકરા, આ પ્રોફેસર વૈદ્યસાહેબ છે.”
xxxx
તેમનો સાદો પહેરવેશ – ખાદીનો ઝબ્બો-પાયજામો ગાંધી ટોપી – જોઈને ખ્યાલ ન આવે કે એમના વિચારો કેવા ઉચ્ચ વિચારો હતા. જો તેમના વિચારોને જ માત્ર ધ્યાનમાં લઈએ તો વૈદ્યસાહેબ અંદર અને બહાર બંને રીતે શિક્ષક હતા, અને તે પણ ફક્ત કોઈ યુનિવર્સિટીના જ નહીં, પરંતુ પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતમ સંશોધનના વિષયો સુધીના!
શિક્ષકો તો અનેક પ્રકારના હોય છે. એક બાજુથી તમને એવા શિક્ષકો મળશે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનના પ્રકાશથી આંજી દે છે. પરંતુ એ ઝળહળતું જ્ઞાન વિદ્યાર્થીની શંકાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જાય છે. બીજી બાજુ, એવા પણ શિક્ષકો હોય છે જેમની ભણાવવાની રીત જ એવી અઘરી હોય છે કે વિદ્યાર્થીઓ દુઃખી થઈને કહે છે: આના કરતાં તો ચોપડીઓ સારી છે, તો પછી આવા શિક્ષકનો શું ફાયદો?
પરંતુ વિદ્યાર્થીઓને પોતાની રીતે વિચારવાની ટેવ પાડતા હોય, એવા શિક્ષકો બહુ ઓછા હોય છે. સમસ્યા ભૂમિતિને લગતી હોય, તો આવા શિક્ષક વિદ્યાર્થીઓને એવા પ્રમેયો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરશે જે સમસ્યાના ઉકેલમાં મદદ કરી શકે. એક સારા શિક્ષકની ખાસિયત એ છે કે ઉપરોક્ત પ્રશ્ન ઉકેલ્યા પછી, વિદ્યાર્થી કહેશે: “મેં ઉકેલ્યો!” પીસી વૈદ્ય એવા જ મહાન શિક્ષક હતા.
હું તેમને મળ્યો ત્યારે એમણે મને શું કહ્યું તે તો યાદ નથી પણ મને તેની સાથે વાત કરવામાં કોઈ ખચકાટ નહોતો. પાછળથી ખબર પડી કે આ સજ્જન બ્લેકબોર્ડ પર સૌથી અઘરામાં અઘરા પ્રશ્નો પણ ઉકેલી શકે છે. તે સમયે, મને ન તો ખ્યાલ હતો કે ‘સૌથી અઘરો’ પ્રશ્ન શું હોય અને તેને કેવી રીતે ઉકેલવો તેની મને તો કંઈ ગતાગમ નહોતી.
xxxx
પ્રહલાદ ચુન્નીલાલ વૈદ્ય એવા હતા જેમને કારણે કબીરદાસનો દોહો સાર્થક થયો.
गुरु गोविंद दोनों खड़े, काके लागू पाँय ।
बलिहारी गुरु आपने गोविंद दियो बताय ||
અહીં ‘ગોવિંદ’ નો અર્થ ગણિતની સમસ્યા હલ કરવાની યુક્તિ માનો!
વૈદ્ય સાહેબની એક પહેલ એટ્લે ગુજરાત ગણિત બોર્ડ! વૈદ્ય સાહેબે ગણિતના શિક્ષકોને મદદ કરવા માટે આ સંસ્થા સ્થાપી. ગણિતના શિક્ષકોની સમસ્યાઓ ઉકેલવામાં શિક્ષકોને મદદ કરવા માટે વ્યાખ્યાનો, કાર્યશાળાઓ, ચર્ચાસત્રો વગેરે યોજવાનો સંસ્થાનો ઉદ્દેશ હતો. એમણે કલ્પનાશક્તિને જીવંત રાખવા માટે એક સામયિક પણ શરૂ કર્યું. ‘સુગણિતમ્’ નામનું આ મેગેઝિન ગણિતના શિક્ષકોને મદદરૂપ લેખો પ્રકાશિત કરે છે.
ઘણી વાર હું વૈદ્ય સાહેબ સાથે શિક્ષકોની બેઠકમાં જતો. એ વખતે મને ખ્યાલ આવ્યો કે લોકો આ સરળ વ્યક્તિને કેટલું માન આપે છે. મને લાગે છે કે તે બધા શિક્ષકો જાણતા હતા કે આ માણસ, ભલે તે સરળ દેખાય પણ શિસ્તનું મૂર્ત સ્વરૂપ હતો. તેઓ એ પણ જાણતા હતા કે જો પોતે જાતે પ્રયાસ કર્યા પછી પણ કોઈ પ્રશ્ન ઉકેલી નહીં શકે તો આ ‘શિક્ષકોના શિક્ષક’ એનો ઉકેલ શોધી આપશે, ખાલી બેઠા રહેશું અને કંઈ નહીં કરીએ તો પ્રશ્ન ઉકેલાશે નહીં.
xxxx
મને યાદ છે કે એક વાર હું અને મારો નાનો ભાઈ અનંત મારા પિતાના અજમેરવાળા ઘરેથી મુંબઈ ગયા હતા. અજમેરથી અમદાવાદ થઈને મુંબઈ જવાનું હતું. આ રૂટ પર અમારે સવારથી સાંજ સુધી અમદાવાદમાં એક દિવસ વિતાવવાનો હતો. એટલે પિતાએ એમને પૂછ્યું. વૈદ્ય સાહેબે તેનો તરત જ જવાબ લખ્યો: “જયંત અને અનંતને કહો કે મારે ઘરે આવે, અહીં જ જમે અને આરામ કરે.”
અમે તે દિવસ એક સાદા કુટુંબમાં આરામથી ગાળ્યો. ટેન અમદાવાદ પહોંચી તો જોયું કે વૈદ્યસાહેબ પોતે જ અમને લેવા આવ્યા હતા. ઘરમાં અમને કુટુંબના સભ્ય જેવો જ વ્યવહાર મળ્યો. મને હજુ પણ યાદ છે કે અમે રસોડામાં બેસીને જમ્યા હતા. વૈદ્યસાહેબનાં પત્ની પાકકલામાં કેવાં પારંગત તે પણ યાદ છે.
અમારી આગળની મુસાફરી ગુજરાત મેઇલ દ્વારા હતી. વૈદ્ય સાહેબે કહ્યું, “ચિંતા ન કરો. તમારા બંનેનું રિઝર્વેશન છે. ટ્રેન સમયસર પ્લેટફોર્મ પર આવશે. રિક્ષાથી સ્ટેશને પહોંચવા માટે તો અડધો કલાક ઘણો છે.” તેમના આશ્વાસન છતાં, મને ચિતા હતી કે. વૈદ્ય સાહેબ ભલે કુશળ ગણિતશાસ્ત્રી હોય, પણ શું તેમનું ગણિત રેલવેને પણ લાગુ પડશે?
સમય જતાં, મને આ પ્રશ્નનો જવાબ મળી ગયો. રિક્ષાઓ સમયસર આવી. સમયસર રેલ્વે સ્ટેશન પહોંચ્યા. ગુજરાત મેઇલ સમયસર પ્લેટફોર્મ પર આવી. અમારી બર્થ પણ સમયસર મળી ગઈ. અને જ્યારે ટ્રેન સમયસર રવાના થવા લાગી, ત્યારે અમને આશીર્વાદ આપતા વૈદ્ય સાહેબના શાંત ચહેરા પર એક સૂક્ષ્મ સ્મિત દેખાયું. જાણે કહેતા ન હોય: “જુઓ! મારું રેલવેનું ગણિત પણ સાચું પડ્યું ને?”
xxxx
ભલે હું વૈદ્ય સાહેબને બાળપણથી ઓળખતો હતો, છતાં તેમના સંશોધન કાર્યનું મહત્વ મને ધીમે ધીમે સમજાયું. ખગોળશાસ્ત્રમાં આપણને બ્રહ્માંડમાં પ્રકાશસ્રોતોનાં કેટલાંયે ઉદાહરણો મળે છે. આઈન્સ્ટાઈનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે જો આવા સ્રોત બહુ ઘણી ઊર્જા છોડતા ન હોય અને કોઈ ધરીની ચારે બાજુ ભ્રમણ ન કરતા હોય તો એ ગોળાકાર હોય છે. આવા ગોળાકાર પદાર્થનું ગણિત શ્વાર્ત્ઝ્ચાઇલ્ડે બહુ વિસ્તારથી વિકસાવ્યું હતું.
પરંતુ એનાથી આગળ, જે પ્રકાશ સ્રોત તીવ્ર ઉર્જા ઉત્સર્જિત કરતા હોય તેનું ગણિત શું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ મળવામાં ૨૫-૩૦ વર્ષ લાગી ગયાં.
૧૯૪૦ ની આસપાસ, મુંબઈના એક વિદ્યાર્થીને સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો, સમજવાનો અને તેમાં સંશોધન કરવાનો વિચાર આવ્યો. પરંતુ આ્ના માટે તેમને એક માર્ગદર્શકની જરૂર હતી જે પોતે આ સિદ્ધાંતને સમજતો હોય. આવા જ એક સજ્જને બોમ્બે યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું. તેમને સાંભળતાંની સાથે જ વિદ્યાર્થીને લાગ્યું કે તેની યોગ્ય ગુરુની શોધ પૂરી થઈ ગઈ છે.
પીસી વૈદ્ય નામના તે વિદ્યાર્થીનો પરિચય બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ગણિતના પ્રોફેસર વિષ્ણુ વાસુદેવ નાર્લીકર સાથે થયો. વૈદ્ય સાહેબે પૂછ્યું, “શું તમે મને આ ક્ષેત્રમાં માર્ગદર્શન આપશો?”
વિદ્યાર્થીનો રેકોર્ડ સારો હતો અને આ ક્ષેત્રમાં સંશોધન કરવાની માનસિક ક્ષમતા પણ હતી. પણ નાર્લીકર સાહેબ જાણવા માંગતા હતા કે તેઓ પોતાનું, પોતાની પત્નીનું અને પોતાની નાની દીકરીનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે?
“મેં મારી પાછલી નોકરીઓમાંથી થોડા પૈસા બચાવ્યા છે. મને લાગે છે કે એ રકમ એક વર્ષ સુધી ચાલી જશે.” વૈદ્યસાહેબને વિશ્વાસ હતો કે તેમનું ગણિત સાચું નીકળશે. તેમને એવો પણ વિશ્વાસ હતો કે તેમના સંશોધન કાર્ય માટે એક વર્ષ પૂરતું હશે.
આ રીતે, વૈદ્યસાહેબે બનારસમાં એક વર્ષ માટે ભાડાના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરીને પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ વ્યાપક સાપેક્ષતા દ્વારા ઊર્જા વિસર્જન કરનારા સ્રોતોનું વિશ્લેષણ કરવાનો હતો.
સંશોધન આપણને નવા અને અજાણ્યા માર્ગો પર લઈ જાય છે. ગુરુ-શિષ્યની જોડી ઉત્સાહથી આ માર્ગો પર ફરવા લાગી. એક દિવસ એવો આવ્યો જ્યારે વૈદ્ય સાહેબ તેમના શિક્ષક પાસેથી પોતાનું ગણિત ચકાસવા માંગતા હતા. ગુરુએ કહ્યું, “ટેબલ પર રાખો, હું આજે જ જોઈ લઈશ.”
વૈદ્યસાહેબ કેટલાંક કામો પૂરાં કરવા બહાર નીકળ્યા. પ્રશ્ન ૭૫ ટકા ઉકેલાઈ ગયો હતો. જો અહીં સુધીનું બધું ગણિત સાચું હોય તો પ્રશ્નનો બાકીનો ભાગ બે-ત્રણ દિવસમાં ઉકેલી શકાય તેમ હતું. પણ જો અત્યાર સુધીની ગણતરી ખોટી ન હોય તો!
જ્યારે વૈદ્યસાહેબ પાછા ફર્યા, ત્યારે ગુરુએ કહ્યું, “બધું બરાબર છે. હવે બાકીનો ભાગ પણ પૂરો કરો!”
હકીકતમાં ગુરુના અનુભવી જ્ઞાને તેમને પ્રશ્નનો બાકીનો ભાગ પૂરો કરવા માટે આહ્વાન કર્યું, પરંતુ તેમણે તેને હાથ ન લગાડ્યો. આ પ્રશ્ન તેમના વિદ્યાર્થીનો છે… તેણે એનો ઉકેલ શોધવો જોઈએ.
વૈદ્યસાહેબે સમયસર આખી સમસ્યાનો ઉકેલ લાવી દીધો અને ખૂબ જ આનંદથી ગુરુ સમક્ષ રજૂ કર્યો.
તે વાંચ્યા પછી, નાર્લીકરસાહેબે કહ્યું, “ખૂબ સરસ. હવે તેને સંશોધન પત્ર તરીકે લખો. આપણે તેને એક સારા રીસર્ચ જર્નલમાં મોકલાવશું.”
જ્યારે વૈદ્ય સાહેબ લેખિત થીસીસ લાવ્યા, ત્યારે ગુરુજીએ એક ભાગ કાપી નાખ્યો… વૈદ્ય સાહેબે થીસીસ લેખકનાં નામ વી.વી.નાર્લીકર અને પી.સી. વૈદ્ય લખેલાં હતાં પણ નાર્લીકર સાહેબે પોતાનું નામ છેકી નાખ્યું અને ફક્ત “પી. સી. વૈદ્ય” રહેવા દીધું!
સામાન્ય રીતે તો, ઘણા ગુરુઓ તેમના શિષ્યોનાં નામ સાથે પોતાનાં નામ ઉમેરતા અને તેમના શિષ્યોની મહેનતનો ગેરલાભ લેતા. આ સ્થિતિમાં, નાર્લીકર સાહેબની આ રીત અનોખી હતી. મોટા ભાગનું કામ વૈદ્યે કર્યું હોય, તો તેનો યશ પણ વૈદ્યને જ મળવો જોઈએ.
xxxx
ઉપસંહાર તરીકે એ કહેવું યોગ્ય છે કે આ કાર્ય માટે નાર્લીકરજીનું માર્ગદર્શન જરૂરી હતું, છતાં આ સંશોધનનો બધો યશ વૈદ્યસાહેબને જ મળે તે યોગ્ય હતું. આ બહુ અગત્યની વાત છે, કારણ કે ૧૯૬૫-૭૦ દરમિયાન ઊર્જાના વિસર્જન કરનારા સ્રોતોનો પ્રશ્ન બહુ પ્રચલિત થયો. કારણ તે સમયે ખગોળશાસ્ત્રીય અવલોકનોમાં આવા મોટા, ગાઢ, તેજસ્વી ઉર્જા સ્રોતો મળવા લાગ્યા. અને આજે પણ વૈદ્યસાહેબની શોધને Vaidya Metrics (વૈદ્યનો જવાબ) તરીકે ઓળખીને સન્માન આપે છે.
મૂળ હિંદીમાં લખાયેલા લેખનો અનુવાદઃ દિપક ધોળકિયા
