સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

બાળગીતની એક પંક્તિ છે.

“જુઓ જુઓ પંખીની આ ટોળી,
એમાં કબૂતરોની જાત ભોળી”

આ ભોળાં મનાતા કબૂતર અને માણસ વચ્ચેનો નાતો હજારો વર્ષ પુરાણો છે. કહેવાય છે કે ૧૦,૦૦૦ વર્ષ પહેલા પ્રાચીન મેસોપેટેમીયાના લોકોએ કબૂતરો પાળવાનું શરૂ કર્યું હતું.

કબૂતરો ખૂબ ઝડપથી ઊડી શકે છે. વળી ગમે તેટલા દૂર જાય પણ માર્ગ ભૂલ્યા વિના પોતાના મૂળ સ્થાને પાછા આવી જતા હોય છે. કબૂતરની આ વિશિષ્ટતા જોઇને માણસે તેનો ઉપયોગ સંદેશા મોકલવા માટે શરૂ કર્યો. આજથી ત્રણ હજાર વર્ષ પહેલા સિરિયા અને પર્શિયાના લોકોએ સંદેશા મોકલવા માટે કબૂતરોનો ઉપયોગ શરૂ કર્યો હતો. આજે ટેલિવિઝનને કારણે આપણે ઓલોમ્પિક રમતમાં કોણે મેડલ જીત્યો એ તત્કાળ જાણી શકીએ છીએ. પરંતુ ઇ સ પૂર્વે ૭૭૬ માં ઓલ‌મ્પિક રમતોના પરિણામોના સામાચાર પહોંચાડનારાં કબૂતરો હતા, એટલું જ નહિ વોટરલુમાં -નેપોલિયનના પરાજયના સમાચાર પણ કબૂતરોએ પહોંચાડેલા!

બે વિશ્વયુદ્ધોમાં સંદેશા મોકલવા માટે દસ લાખ જેટલા કબૂતરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વીસમી સદીના ચોથા દાયકામાં અમેરિકાની સેનામાં સંદેશા પહોંચાડવા માટે કબૂતરોની એક આખી બ્રિગેડ હતી. તેમાં ૩,૧૫૦ સૈનિકો અને ૫૪,૦૦૦ કબૂતરો હતા. કબૂતરોની આ સેવાને કારણે વિશ્વયુદ્ધોમાં હજારો સૈનિકોના જાન બચી ગયા હતા. એક અહેવાલ મુજબ ૧૯૪૩માં બ્રિટનમાં ૩૨ જેટલા કબૂતરોને સેનાના ‘ડીક્કન’ ચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા!

આપણાં ઓરિસ્સામાં વારંવાર વાવાઝોડાં આવે છે અને તેને કારણે સંદેશા વ્યવહાર ખોરવાઇ જવાનું જોખમ ઊભું થતું હોય છે. આથી ત્યાંની પોલીસ સંદેશા વ્યવહાર માટે કબૂતરોની એક ટૂકડી તૈયાર રાખે છે!

બીજા દેશમાં લોકોને ગેરકાયદેસર ઘૂસાડવાના કામને કબુરતબાજી કહેવામાં આવે છે. પરંતુ ખરેખર એ તો દૂર સુધી કબૂતરોને ઊડાડવાની રમત છે. આજે જેમ હવાઇદળોનાં વિમાનોને ગુલાંટ ખવરાવીને કવાયત કરવામાં આવે છે તેમ કબુતરોને પણ તાલીમ આપીને ગોળાકાર ઉડાડીને ગુલાંટ ખાવાની રમતો રમાય છે. જો કે આજે એ રમતો ગેરકાયદેસર છે. પરંતુ સૈકાઓથી આ પ્રકારનાં મનોરંજન માટે કબૂતરોનો ઉપયોગ થતો આવ્યો છે. કહેવાય છે કે મોગલ બાદશાહ અકબર પાસે ૨૦,૦૦૦ કબૂતરોનો કાફલો હતો ,ઉપરાંત મુસાફરી દરમિયાન બાદશાહના રસાલામાં કબૂતરોને પણ સામેલ કરતા.

મનોરંજન માટે તો કબૂતરો ઉપયોગી છે, ઉપરાંત માંસાહારીઓ માટે પણ કબૂતરો ઉપયોગી છે કારણકે તેનાં માંસમાં ભરપૂર પ્રોટિન હોય છે. વળી તેની વિષ્ટા તેમાં રહેલાં પુષ્કળ પોષક તત્વો હોવાથી ખેડૂતો માટે ઉત્તમ ખાતર પણ છે.

જીવદયા પ્રેરિત કબૂતરોની સારસંભળને કારણે તેમની વસ્તીમાં એટલો મોટો વિસ્ફોટ થયો છે કે વસ્તીને નિયંત્રણમાં રાખવાની જરૂર ઊભી થઈ છે. કબૂતરો આપણને અનેક રીતે પરેશાન કરવા લાગ્યાં છે. તેમણે કરેલા ઉત્સર્ગને કારણે ઈમારતો ગંદી થઈ જાય છે. તેનું એક ઉદાહરણ જયપુરના ઐતિહાસિક મ્યુઝિયમની ઇમારત છે.

For years, Jaipur’s Albert Hall Museum struggled with its burgeoning pigeon population. Photo: Rohit Jain Paras
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

દૂરથી જોતા આ ઇમારતનું દૃશ્ય તેની પર ઊડતા કબૂતરોથી ખૂબ સુંદર લાગે પરંતુ મ્યુઝિયમના સુપ્રિટે‌ન્ડે‌ન્ટ શ્રી રાકેશ ચોલકને માટે આ કબૂતરો માથાનો દુખાવો બની ગયા હતાં મ્યુઝિયમના સુંદર ગુંબજ પર બેસીને કબૂતરો ત્યાં સતત ઉત્સર્ગ ક્રિયા કરે છે. આથી તેની હગારને કારણે ગુંબજનો દેખાવ બગડી જવા લાગ્યો. ઉંદરનો ત્રાસ દૂર કરવા માટે બિલાડી પાળવામાં આવે છે તેમ સંચાલકો કબૂતરોને નસાડવા માટે શકરા બાજને પકડી લાવ્યા. બાજ પોતાની કામગીરી શરૂ કરે તે પહેલા જ જીવદયાવાળા પહોંચી ગયા અને પ્રયોગ પડતો મૂકવો પડ્યો. છેવટના ઉપાય તરીકે આખા સંકુલને નાયલોનની દોરીથી ઢાંકી દીધું. તો પણ કોઇ રડ્યુખડ્યુ કબૂતર પોતાનો માર્ગ કરીને ઘૂસી જતું,

કબૂતરની વધતી જતી વસ્તીને કારણે જયપુરના મ્યુઝિયમને જ નહિ મંદિરોના શિખરો અને બહુમાળી બિલ્ડિંગોને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. શહેરોમાં મહાપુરૂષોના પૂતળાઓનાં મસ્તક ઉપર પણ કબૂતરો પોતાની હગારનો અભિષેક કરીને પૂતળાંને ખરાબ કરી દેતા હોય છે.

કાગડા કે ચકલી જેવા પક્ષીઓ નીચા મકાનો કે ઝાડની ડાળીઓએ વસે છે. પરંતુ કબૂતરોનો નૈસર્ગિક વસવાટ ઉંચાઇએ આવેલી પહાડોની કરાડો છે. તેમના પૂર્વજો ત્યાં જ વસતા. પરંતુ હવે શહેરોમાં બહુમાળી મકાનો બનતા તેમને ઉંચાઇ સુલભ બની ગઈ. વળી જીવદયાપ્રેમીઓ શહેરોમાં ઠેર ઠેર પક્ષીઓ માટે અનાજના દાણાઓ સુલભ કરી દે છે. કબૂતરો આ દાણા પર પોતાનો સુવાંગ હક માનીને ચકલી કે કાબર જેવાં પક્ષીઓને નસાડી મૂકે છે અને પોતે જ બધા દાણા જમી જાય છે. સહેલાઈથી આહાર સુલભ થવાને કારણે તેમનું પ્રજજન કાર્ય વધી જાય છે. પરિણામે તેમની વસ્તીમાં ઝડપથી વધારો થતો રહે છે. એક કબૂતરી વર્ષમાં છ વખત ઇંડા મૂકે છે.

રસ્તા ઉપર નાખવામાં અવતી ચણને લીધે ટ્રાફિકમાં પણ અડચણ ઊભી થાય છે. આથી જુદા જુદા શહેરોની મ્યુનિસિપાલિટિઓ કબૂતરોને જાહેરમાં ચણ નાખવા પર પ્રતિબંધો મૂકવા વિચારી કે અમલ કરી રહી છે. થાણેની મ્યુનિસિપલિટિએ ઠેર ઠેર ચેતવણીના પોસ્ટરો મૂક્યા કે સરિયામ રસ્તા પર પક્ષીઓને ચણ નાખનારનો  ૫૦૦ રૂપિયા દંડ કરવામાં આવશે. ૨૦૨૨માં મુંબઈના ખાર ખાતેની વસાહતીઓના એસોસિએશને કબૂતરખાનાઓ સામે ઝૂંબેશ ઉપાડી હતી. એસોશિયનના ચેરમનની એવી ફરિયાદ છે કે ગીચ વસ્તી ધરાવતા રેલ્વેસ્ટેશનની આસપાસ પક્ષીઓ માટેના દાણા વેચનારાઓ ઊભા હોય છે. ખરીદનાર જીવદયાના પ્રેમીઓ નજીકમાં જ દાણા નાખી દેતા હોય છે. આથી ત્યાં પણ કબૂતરોના ટોળાં ઉમટતા હોય છે અને તેમની હગારથી આખો વિસ્તાર ગંદો થઇ જાય છે. ગયા ડીસેમ્બરની ૬ તારીખથી ૧૦ તારીખ સુધીમાં પૂણેની મ્યુનિસિપાલિટિએ તેના પંદર વોર્ડોમાં જાહેર સ્થ્ળોએ પક્ષીઓને ચણ નાખનારાઓ પાસેથી રૂપિયા ૧૫,૫૦૦ જેટલો દંડ વસૂલ કર્યો હતો.

બીજા બધા પક્ષીઓ પાસે માળો બાંધવાની કુનેહ હોય છે. પરંતુ કબૂતર એ બાબતે અણઘડ પુરવાર થયા છે. પ્રાચીન કાળમાં ગુફાઓનાં પ્રવેશદ્વાર પર જ પોતાનો માળો બાંધી દેતા. હવે શહેરોનાં ઉંચાં મકાનોમાં કોઇ સમતલ જગ્યા શોધીને, ખાસ કરીને બહુમાળી બિલ્ડિંગની બાલ્કનીમાં સળીઓને આમતેમ પાથરી દેતાં હોય છે, જેને ભાગ્યેજ માળો કહી શકાય. આ જગ્યાએ તેઓ ઈંડા મૂકે છે અને સાથે સાથે ગંદકી પણ કરે છે.

લોકો પૂણ્ય મેળવવાના હેતુથી અનેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં મકાઈ અને જુવારના દાણા વેરતા હોય છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં તેમને માટે પાકા ચબૂતરાઓ બનાવવામાં આવે છે જ્યાં તેમને આહાર અને માળો બાંધવાની સુવિધાઓ મળી રહે છે. કબૂતરો બીજા પક્ષીઓને અહીં આવવા દેતા નથી. આથી તેમની વસ્તી સતત વધતી ચાલી છે. કબૂતર હવે અગાઉની જેમ માણસ જાતનો મિત્ર રહ્યો નથી. ટોળાબંધ કબૂતરો કોઈ ઇમારતો પર બેસીને ત્યાં મોટા પ્રમાણમાં તેનું ચરક મૂકે છે, જે એસિડિક હોવાથી ઇમારતને નુક્શાન કરી શકે છે. મોટા પ્રમાણમાં એક્ઠી થયેલી આ વિષ્ટા સૂકાઇને સખત બની જાય છે અને ગટરોને પણ બ્લોક કરી દે છે.

ડોક્ટરોનું માનવું છે કે કબૂતરોની વધતી જતી વસ્તીને કારણે પ્રાણીઓ દ્વારા ફેલાવાતા અને ખાસ કરીને માણસનાં શ્વસનતંત્રને મોટું નુક્શાન કરે એવા ચેપી રોગોનું જોખમ પણ વધ્યું છે. નવી મુંબ‌ઇમાં આવેલી એપોલો હોસ્પિટલના પલ્મોલોજીના (ફેફસાના રોગોના) નિષ્ણાત ડો. જયાલક્ષ્મી કહે છે કે છેલ્લા ત્રણ વર્ષોમાં કબૂતરોના ઉતસર્ગ અને પીંછાના ધૂળમાં સંપર્કમાં આવના કારણે કબૂતર સબંધી રોગોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કબૂતરનાં ઉત્સર્ગ સાથે વાતવારણની ધૂળ ભળે છે. આ મિશ્રિણ ફેફસામાં રહેલા રોગપ્રતિકારક શક્તિ માટેના કોષોને અલગ પાડી દે છે. આથી સંક્રમિત થયેલા ફેફસાને મોટું નુક્શાન થાય છે. બર્ડ ફે‌ન્સિયર્સ લ‌ન્ગ (BFL)નામનો શ્વસનતંત્રનો સૌથી જોખમી રોગ છે આ રોગના કારણે દર્દીનાં ફેફસાનું અંદરનું પડ જામી જાય છે જેથી દર્દીનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઘટી જાય છે. ઓક્સિજનનું લેવલ ઘટી જતા માણસની સ્થિતિ કેવી થતી એ કોરોનાના સમયમાં આપણે જોયેલુ. અન્ય આવા રોગોમાં હિસ્ટોપાલ્મોસિસ (એક પ્રકારનો ફૂગજન્ય રોગ જે ફેફસાને નુક્શાન કરે છે) , ક્રિસ્ટોકોકોસિસ (એક જાતનો ફૂગજન્ય ચેપ જે ફેફસા ઉપરાંત મગજને પણ હાનિ કરે છે) તથા સિટાકોસિસ નામના (બેક્ટેરિઆથી લાગતો ચેપ)નો સમાવેશ થાય છે. આમ કબૂતરોનો વસ્તી વધારો માણસની તંદુરસ્તી માટે જોખમી બન્યો છે. જો કે રાહતની વાત એ છે કે આ રોગોનો ફેલાવાની ઝડપ બહુ ઓછી છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે શરદીના ચિહ્નો હોય તેવી બીમારીને ગંભીરતાથી ન લેવાને કારણે ક્યારેક ભૂલથાપ પણ થઇ જાય.

ટૂંકમાં આપણે પક્ષીઓ પરની જીવદયા બબતે સંયમિત થવાની જરૂર છે. ગુજરાતમાં તો મૃત્યુ પછી રાખવામાં આવતા બેસણાંમાં પણ પક્ષીઓને માટે જુવારના દાણાના પેકેટો વહેંચવામાં આવે છે. આથી મરનારના આત્માની સદગતિ થાય છે કે નહિં તેની જાણ નથી, પરંતુ કોઈ યોગ્ય સ્થળને બદલે લોકો જ્યાં ત્યાં દાણાને વેરી દેતા હોય છે. કબૂતરને તેનો ખોરાક સહજ સુલભ કરાવવનો આપણો હેતું ગમે તેટલો સારો હોય પરંતુ કેટલાક પક્ષીવિદોનું કહેવું છે કે દરેક પ્રાણીની જેમ પક્ષીઓને પણ ખોરાકની શોધ માટે સંઘર્ષ કરવો જરૂરી છે, નહિ તો વિપરીત સંજોગોમાં તે ટકી નહીં શકે.


(‘’ Pigeons and Us’ તારીખ ૨૫ માર્ચ ૨૦૨૫નાં ઇંડિયન એક્સ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલ લેખને આધારે)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.