ચેતન પગી

કોરોના મહામારીની આડ અસરને કારણે આપણને ડબલ્યૂ. એફ. એચ. એટલે કે વર્ક ફ્રોમ હોમની સુવિધા મળી હતી. કાશ્મીરની દુઃખદ ઘટના પછી સર્જાયેલા સંજોગોએ આપણને ફરી ડબલ્યૂ. એફ. એચ.ની તક પૂરી પાડી છે; વોર ફ્રોમ હોમ. આ સુવિધા પૂરી પાડવા માટે રાષ્ટ્રની કુસેવામાં સદૈવ સમર્પિત આપણે હિંદી ન્યૂઝ ચેનલોનો આભાર માનીએ એટલો ઓછો છે. ચેનલોને સૈન્યની સૂચના પ્રમાણે કવરેજ કરવામાં રસ નથી. તેઓ ઇચ્છે છે કે ચેનલની સૂચના મુજબ સૈન્ય પોતાની રણનીતિ આગળ ધપાવે. પ્રાઇમ ટાઇમમાં આપણા સ્માર્ટ ટીવીના પરદે પદાર્પણ કરતા પરાક્રમી એન્કરો શો ચાલુ થતા પહેલાં પેટ્રોલના કોગળા કરતા હશે એ નક્કી છે. એના વગર એમના દઝાડતા શબ્દો કેવી રીતે નીકળી શકે?

હમણાં થોડા દિવસ ટીવીની બાજુમાં પાણીની ડોલ ભરી રાખવા જેવી છે. એન્કરના આગઝરતા શબ્દોના કારણે ગમે ત્યારે ઘરમાં આગ લાગી જવાની આશંકા છે. પ્રાઇમ ટાઇમ શોની ચર્ચાને કારણે આપણા ઘરનું વાતાવરણ ભલે ગરમ થઈ જતું હોય પણ એન્કરો જે જગ્યાએથી ચર્ચાના નામે ચિચિયારાનું સંચાલન કરે છે એ સ્ટુડિયોમાં એસીની ઠંડક એક દોરો પણ ઓછી ન હોય એની ખાસ કાળજી રાખવામાં આવે છે. ટેક્નોલોજી ખરેખર આગળ વધી છે. આપણે ટીવીના રિમોટનું બટન દબાવીને શત્રુ દેશની સરજમીને ખેદાનમેદાન કરી શકીએ છીએ. હવે તો રિમોટમાં સેલ નાખતી વખતે પણ બંદૂકમાં બુલેટ લોડ કરતા હોય એવી ફીલિંગ આવે છે.

અત્યાર લગી એમ હતું કે આપણે પહલગામની પીડાદાયક ઘટના પછી લડાઈ લડી લેવા માગીએ છીએ, પણ હવે એવો ડાઉટ પડી રહ્યો છે કે લડી લેવા માગતા આપણે સૌ પહલગામ જેવું કંઇક થાય એની રાહ જોઈને બેઠા હતા. એક હોય છે હોય છે પેટ ખાલી હોવાથી લાગતી ભૂખ અને બીજી હોય છે કંઇક ચટાકેદાર-મજેદાર ખાવાનું મન થાય ત્યારે લાગતી ભૂખ. નક્કી આપણે કરવાનું છે કે યુદ્ધની આપણી ભૂખ કયા પ્રકારની છે. આપણે લડાયક હોવાનો ડોળ કરતી લડાઇપ્રિય પ્રજા છીએ.

આપણે હંમેશાં એવું ઈચ્છીએ છીએ કે આપણા મનોરંજન માટે કોઈ બે જણા બાખડવા જોઇએ. ગમે એટલી ઉતાવળ હોય તો પણ રસ્તા પણ બે જણ વચ્ચે થતી બોલાચાલી જોયા વિના આપણે રહી શકતા નથી. આવી ઘટના વખતે આપણે મુખ્યત્વે બે કારણોસર થોભી જતા હોઈએ છીએ. બાખડરનાર બેમાંથી કોણ સૌથી વધુ અપશબ્દો બોલે છે એ તપાસવા અને બીજું બબાલ માત્ર બોલાચાલી પૂરતી છે કે એમાં મારામારીનું આકર્ષણ પણ ઉમેરાય છે કે નહીં એ ચકાસવા.

આપણે ઓફિસમાં અડધી રજા મૂકીને પણ બોલાચાલી જોવા તૈયાર છીએ. શરત માત્ર એટલી કે આ બોલાચાલી મારામારીમાં પરિણમવી જોઈએ. શેરીઓમાં કે રસ્તા પર થતા ઝઘડા-મારામારી પર મનોરંજન વેરો લાગુ કરવામાં આવે તો સરકારને મલ્ટિપ્લેક્સ કે સિનેમાઘરો કરતાં વધારે આવક થઈ શકે એમ છે. અત્યાર સુધી માળા ફેરવતા હોઈએ એમ ‘ઇન્સ્ટાગ્રામ’ પર રીલ ફેરવતા આપણે અચાનક ટેન્કો અને તોપો ગરજતી જોવા માટે આતુર બની ગયા છીએ. ઓફિસમાં ચેર બદલાઈ જાય તો પણ ‘કામ કરવામાં મજા નથી આવતી’ એવા આપણે ઈચ્છીએ છીએ કે સરહદે પારાવાર હાડમારીઓ વેઠતા સૈનિકો આપણી યુદ્ધ જોવાની આપણી ઈચ્છા સંતોષવા માટે દુશ્મનો પર તૂટી પડે.

એમાં પણ આપણના નસીબમાં જે પાડોશી આવ્યો છે એ પણ ઓછો નથી. જેમને તદ્દન અભણ માનવામાં આવતા હતા એવા તાલિબાન જેવા તાલિબાનો પણ શાંતિની વાતો કરતા થઈ ગયા પણ પાકિસ્તાનના શાસકો સુધરવાનું નામ લેતા નથી. કેન્સરની રસી આવી જશે પણ ભારતદ્વેષની એમની બીમારીની રસી કોઈ વિજ્ઞાની શોધી શકે એમ નથી. જોકે, લંડન કે ન્યૂયોર્ક જેવાં શહેરોના પોશ વિસ્તારમાં આવેલા આલીશાન બંગલા તેમની આ બીમારીના કારણે જ તો બંધાઈ શક્યા છે.

આપણે વેકેશનમાં કાશ્મીરનો પ્લાન બનાવીએ છીએ પણ પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ, નેતાઓ કાશ્મીરના કારણે યુરોપ, અમેરિકામાં વેકેશન માણી શકે છે. કાશ્મીરના સફરજન હેલ્થ માટે સારા માનવામાં આવે છે. પાકિસ્તાની નેતાઓ માટે કાશ્મીર એવું સફરજન છે જે એમના બેન્ક ખાતાને સેહતમંદ રાખે છે. બરફ બાળીને તાપણું કરવાનું કોઈ પાકિસ્તાની શાસકો પાસેથી શીખે.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ