નિસબત

ચંદુ મહેરિયા

સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ જે.ડી.પારડીવાલા અને જસ્ટિસ આર.મહાદેવનની પીઠનો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને તેમની સમક્ષ રજૂ થયેલાં  વિધેયકને ત્રણ મહિનાની સમયસીમામાં મંજૂરી આપવા આદેશ આપતો ચુકાદો અક્ષરશ: ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે.

તમિલનાડુ વિધાનસભાએ જાન્યુઆરી ૨૦૨૦ થી એપ્રિલ ૨૦૨૩ના સમયગાળામાં પસાર કરેલા દસ વિધેયકોને રાજ્યપાલ આર.એન.રવિ લાંબા સમયથી મંજૂરી આપતા નહોતાં. એટલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટની  દેવડીએ ધા નાંખી. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ મળેલા ન્યાયિક સમીક્ષાના વિશેષાધિકાર કે અસાધારણ સત્તાનો ઉપયોગ કરીને અદાલતે અસીમિત સમયથી રાજ્યપાલની મંજૂરીની રાહ જોતાં દસ બિલોને વિધાનસભાએ પસાર કરેલ તારીખથી જ મંજૂર કરવાનું અસામાન્ય પગલું ભર્યું છે. ૪૧૫ પાનાંના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે વિધેયકો પાસ કરવામાં વિલંબના રાજ્યપાલના  નિર્ણયને ગેરકાયદે અને મનસ્વી ગણાવ્યો હતો. રાજ્યપાલે આમ કરીને લોકોની ઈચ્છાને કચડી છે અને વિધાનસભાના કામમાં અડચણ ઉભી કરી છે એમ કહેવા સાથે અદાલતે બંધારણ નિર્માતાઓના  એ સ્વપ્નને યાદ કર્યું છે કે બંધારણ રાજ્યપાલને રાજકીય પાર્ટીના પ્રતિનિધિ બનવાની મંજૂરી આપતું નથી.

બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે કેન્દ્ર કે રાજ્યના પ્રધાનમંડળની  સહાય અને સલાહ પ્રમાણે જ કામ કરવાનું રહેશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે. પરંતુ વિપક્ષી રાજ્યોના રાજ્યપાલો તેમની બંધારણે ચીંધેલ જવાબદારી નિભાવવાને બદલે કેન્દ્રના  સત્તા પક્ષના ખેતરપાળો તરીકે કામ કરે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, પંજાબ, દિલ્હી, તેલગંણા, તમિલનાડુ અને કર્ણાટક જેવા વિપક્ષી રાજ્યોમાં વિપક્ષની અગ્ર ભૂમિકા રાજ્યપાલો ભજવતા જોવા મળે છે. એટલે આ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો વચ્ચે સતત ટકરામણો થાય છે.

૨૦૨૩માં તમિલનાડુના રાજ્યપાલે તો વિધાનસભા સમક્ષ તેમનું અભિભાષણ વાંચવાનો જ ઈન્કાર કર્યો હતો. આ કૃત્ય તેમની બંધારણીય જવાબદારીની વિરુધ્ધનું હતું. વિપક્ષી રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલા વિધેયકોને રાજ્યપાલો રાજકીય કારણોસર દબાવી રાખતા હોઈ અનેક રાજ્યોએ ન્યાય માટે સર્વોચ્ચ અદાલત સમક્ષ જવું પડ્યું છે. અગાઉ પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને તેઓ વિધેયકો મંજૂર નહીં કરીને આગ સાથે રમી રહ્યા હોવાનું  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટના વર્તમાન ચુકાદાને વ્યાપક પ્રમાણમાં આલોચના અને આવકાર મળ્યાં છે. વિપક્ષોને આ ચુકાદો તેમની જીત લાગ્યો છે તો સત્તાપક્ષને તે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની સત્તા પર તરાપ કે અતિક્રમણ લાગ્યું છે. દેશના ટોચના બંધારણીય પદે વિરાજતા અને અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે તૃણમૂલ કોંગ્રેસની વિપક્ષી સરકારને પૂરતા પ્રમાણમાં રંજાડી ચૂકેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સર્વોચ્ચ અદાલતના ચુકાદાની આકરી આલોચના કરી છે. અનુચ્છેદ ૧૪૨ ને તેમણે લોકતાંત્રિક  સંસ્થાઓ પર અદાલતના પરમાણુ મિસાઈલ સાથે સરખાવીને કેટલાક જજીસ સુપર પાર્લામેન્ટ તરીકે વર્તતા હોવાનું પણ જણાવ્યું છે. ભાજપના અતિ મુખર લોકસભા સભ્ય નીશિકાંત દુબેએ અદાલતની ટીકા કરતાં ત્યાં સુધી કહી નાંખ્યું કે જો હવે સર્વોચ્ચ અદાલત જ કાયદા ઘડવાની હોય તો સંસદની જરૂર ક્યાં છે? તેમના જ પક્ષના રાજ્યસભા સભ્ય દિનેશ શર્માએ પણ તેમના વિચારોની અનુમોદના કરી છે.

લોકતંત્રના ત્રણ આધારસ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચેનો આ સંઘર્ષ કંઈ નવો નથી કે પહેલ વારનો નથી. સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો જેમને સંસદ અને ધારાસભાના કામમાં દખલ લાગે છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપરવટ જતો લાગે છે તેમણે એ સવાલનો જવાબ આપવો પડશે કે ચૂંટાયેલી ધારાસભાએ પસાર કરેલ વિધેયકોને રાજ્યના સર્વોચ્ચ બંધારણીય વડા અસીમિત સમય સુધી દબાવી રાખે અને ન્યાયતંત્ર તેને મંજૂર કરે તો તેનાથી લોકતંત્ર મજબૂત થાય છે કે નબળું પડે છે?

ત્રણ માસની સમયમર્યાદામાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે તેમની સમક્ષના વિધેયકો મંજૂર કરવા તેવું અદાલતી ચુકાદામાં નક્કી કર્યું છે, તે હાલની સરકારના ગૃહ મંત્રાલયના નવ વરસ પૂર્વેના આદેશના આધારે છે. તેમાં સુપ્રીમે  લોકતંત્રનું કયું અહિત કર્યું છે?  ખરેખર તો વિધેયકોને રોકીને રાજ્યપાલોએ વિધાનગૃહોની સર્વોચ્ચતાને પડકારી છે. સુપ્રીમના ટીકાકારો અદાલતો સમક્ષના પડતર કેસોની સમયમર્યાદાનું શું ? એમ પૂછે છે. તેઓ એ હકીકત વિસરી જાય છે કે અદાલતમાં કેસોના ભરાવા માટે કોઈ રાજકીય કારણો કે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી. આ બે બાબતોને સરખાવી જ કેવી રીતે શકાય?

સર્વોચ્ચ અદાલત ક્યારેક ન્યાયિક સક્રિયતા દાખવે છે કે તેના અધિકાર ક્ષેત્રની બહાર જાય છે તેની ના નહીં. આ ચુકાદામાં પણ સર્વોચ્ચ અદાલતે બંધારણીય વડા સમક્ષના બિલોને ન્યાયિક દ્રષ્ટિકોણથી ચકાસવા અનુચ્છેદ ૧૪૩ અનુસાર સુપ્રીમનો અભિપ્રાય મેળવવા જણાવ્યું છે. અહીં સવાલ ઉભો થાય કે શું આ શક્ય છે? સુપ્રીમ કોર્ટને ન્યાયિક સમીક્ષાની સત્તા હેઠળ કાયદાની ચકાસણી કરવાની છે નહીં કે વિધેયકોની. જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ તેમની સમક્ષના વિધેયકો ન્યાયિક સમીક્ષાને પાત્ર ગણશે તો તેની મંજૂરીમાં વધુ વિલંબ થશે કે નહીં ?

જો ત્રણ માસની મર્યાદામાં બિલો પાસ ન થાય તો ન્યાયિક સમીક્ષા માટે રાજ્યોને કે કેન્દ્રને અદાલત પાસે આવવા જણાવ્યું છે તે પણ કેટલું યોગ્ય છે?  વિલંબિત ન્યાયથી અને પડતર કેસોથી ઉભરાતી અદાલતો સમક્ષ વધુ કેસોનો ભરાવો નહીં થાય? અદાલતે ત્રણ મહિનાની સમયસીમા નક્કી કરી છે તે પર્યાપ્ત નથી? વળી તેના ભંગ માટે અદાલતમાં બોલાવવા કેટલું ઉચિત ગણાય?

સુપ્રીમ કોર્ટ સુપર સંસદ તરીકે વર્તી હોવાની ટીકાના સંદર્ભે કોણ સુપ્રીમ છે?  સંસદ કે સર્વોચ્ચ અદાલત?  તે મુદ્દો પણ ચર્ચવાલાયક છે. કાયદા ઘડવાની એકમાત્ર સત્તા બંધારણે સંસદ અને ધારાસભાઓને આપી છે એટલે જે કાયદા ઘડે તે સુપ્રીમ એમ તર્ક કરી શકાય. પણ સંસદે ધડેલા કાયદાની સમીક્ષા કરી તે બંધારણને  અનુરૂપ છે કે કેમ તે નક્કી કરી ગેરબંધારણીય કાયદાને રદ કરવાની સત્તા સુપ્રીમ કોર્ટ હસ્તક છે એટલે કાયદા ઘડનાર કરતાં રદ કરનાર વધુ ઉચ્ચ ગણાય એ રીતે સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે એવી દલીલ થાય છે. પરંતુ આ સઘળી ચર્ચામાં એ હકીકત વિસારે પાડી દેવાય છે કે સંસદ, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારીનું સર્જન બંધારણે કર્યું છે. એટલે ન તો સંસદ સર્વોચ્ચ છે કે ન તો ન્યાયતંત્ર. સર્વોચ્ચ તો છે આ દેશનું બંધારણ.

વકફ સુધારા કાયદા પર સુપ્રીમના અણિયાળા સવાલો પછી સુપ્રીમ કોર્ટ પર સત્તાપક્ષે હુમલો કર્યો છે તેથી સ્વતંત્ર ન્યાયતંત્ર પર ડારો બેસાડી શકાય. અગાઉ સુપ્રીમે કોલેજિયમને બદલે ન્યાયિક નિમણૂક અંગેનો કાયદો અને ઈલેકટોરલ બોન્ડને ગેરકાયદે ઠરાવેલ છે. સુપ્રીમના સરકારવિરોધી ચુકાદાઓથી સરકારો વિચલિત થઈ જાય છે અને બંને વચ્ચે સંઘર્ષ થાય છે.

સૌથી મહત્વનો સવાલ તો એ છે કે તમિલનાડુના રાજ્યપાલે જે દસ વિધેયકો અટકાવ્યા હતા તે કોઈ લોકહિતના કાયદા માટેના નહોતા પણ મોટાભાગના રાજ્ય યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક માટેના હતા. એટલે આખરે બધો ખેલ લોકહિતનો નહી, સત્તા કે વિપક્ષના ખુદના રાજકારણનો છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.