શબરી

(રામ એકવાર મળી ગયા એ પછીની પ્રતીક્ષાની ગઝલ)

સૌમ્ય જોશી

અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી
પર્ણ, પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?

સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો
વાટ – નીરખવું છોડી દેશે જ્યારે શબરી

મારગ ઉપર ઝાડી ઝાંખર ઊગી ગયાં છે
બધું જુએ ને તોય કશું ના ધારે શબરી

દૂર દૂર લગ ‘રામ નથી’નું દરદ રહ્યું નઈ
વૃદ્ધ આંખની ઝાંખપનાં આભારે શબરી

રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી

તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે
એ દિવસે તો બધુંય મીઠું તારે શબરી

કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માંગે
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી


મેચ્યોરીટી

રક્ષા શુક્લ

મારે કેટલા મેચ્યોર થવું જોઈએ ?

પેલું પક્વ હોવું….!

મારા પાસે દરેક ક્ષણે
કેવી અને કેટલી મેચ્યોરીટીની અપેક્ષા રખાતી હશે ?

અતિ પક્વ થઈને હું ખરી પડું એ પહેલા
મેચ્યોર સાબિત થવા મારે શું શું કરવું જોઈએ ?
અને શું શું છોડવું જોઈએ ?

અને હા, તે તે મુજબની પકવતા બતાવ્યા પછી
મને મેચ્યોર હોવાનું સરતી મળશે ખરું ?
કોણ મને એની ટકોરાબંધ ખાતરી આપશે ?

અને ધારો કે
જે તે પળે હું અમુક માત્રામાં મેચ્યોર થાઉં
તો એ પકવતા સૌને પૂરી તો પડશે ને ?

કે સંજોગો અને વ્યક્તિ બદલાતા
મેચ્યોરીટીની વ્યાખ્યા અને ડિમાન્ડ પણ બદલાશે ?

હું ઘડીક પાસ અને ઘડીક નાપાસ થવાની ?
‘ને હે …આ લાં….બી લોહીઝાણ ટેસ્ટમાં પાસ થાઉં
એટલી મેચ્યોરીટી મારી ઝોળીમાં
ઈશ્વરે આપી હશે ખરી ?

પણ સાલુ, મેચ્યોર સાબિત થતા દરેક વખતે
મારી હયાતીનો કોઈ ને કોઈ ટુકડો જરૂર હણાશે…

ખટાક્…….

ને હું મારામાંથી જ બાદ કરીશ.
પણ પછી હું શેષ બચીશ ખરી ?

હું મને જ મળીશ ખરી ?

નહીં મળું તો હું મને ક્યા શોધીશ ?

સૌને થયેલી એ નિરાંતમાં કે મારી મૂંગી ચીસોમાં ?