અનિલ જોશી

આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.

નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.

નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.

આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.

કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.

આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.


:આસ્વાદઃ
દેવિકા ધ્રુવ

  સિદ્ધહસ્ત કવિ શ્રી અનિલ જોશીને આપણે  ફેબ્રુઆરી ૨૦૨૫માં ગુમાવ્યા. આમ તો એ ગીતોના કવિ. એમના ગીતો નદીના વહેણ જેટલી નૈસર્ગિકતાથી ગતિ કરનારાં અને ખૂબ જાણીતાં બનેલાં. પણ આ છે તેમની એક અછાંદસ કવિતા. એમાં એ કહે છે કે, આકાશમાં જૂઠાં વાદળાં છે, પણ વરસાદ નથી.અહીં જુઓ કે કવિને કહેવું છે કે, વરસાદ નથી એટલે પાણી નથી. પણ એ કેવી રજૂઆત કરે છે કે, વાદળાં જૂઠાં છે! આક્ષેપથી શરૂઆત. પાણી નથીની વાત પણ સાવ જુદી જ રીતે કહે છે કે, ક્યાંય પાણી નથી એટલે કે, નળની પાઈપમાંયે પાણી નથી એટલે અંધારું ટૂટિયું વાળીને બેઠું છે. સજીવારોપણ અલંકાર પ્રયોજ્યો છે અને પછી ઉમેરે છે કે, પાણી હડતાલ પર ગયું છે! ઓહોહો… આવી કલ્પના કોઈએ કરી છે?

પછી આગળ એ કહે છે કે,

કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.

અહીં એકદમ વ્યંગ કર્યો છે અને તે પણ ખૂબ ઓછા શબ્દોમાં.  કહે છે કે, પાપ ધોવા માટેય પાણી નથી  એટલું જ નહિ, અછત હોય ત્યારે બચતમાં આંખના આંસુ લાવીને મૂકી દીધા છે! અહીં તો શબ્દે શબ્દે ચિત્ર ઊભું કરી દીધું છે. એક તો આકાશને તાકીને બેસી રહેલા લાચાર માણસો અને બીજું આંસુના પાણી બચાવતા લોકો! હવે આ સૂકા દુકાળના વાતાવરણને વધુ ઘેરો રંગ આપતા આગળ એ શું કહે છે? ઉપમા કોની આપે છે?

કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.

 આ કલ્પન જ કેવું, કદી ન જાગે એવું, સાવ જ જુદું છે? પછી એના કારણ તરફ આગળ વિચારતા એ કહે છે કે,

આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાર્થના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?

અહીં કવિ કલાપીની પંક્તિઓ જરૂર યાદ આવે જ.

‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.
જો કે, એ પરિસ્થિતિ જુદી હતી.

અનિલ જોશી કહે છે કે, વરસાદ આપણા કરોડો ગુનાઓને માફ કરવાના મૂડમાં નથી.

 ૧.૨.૩.૪. નહિ કરોડો ગુનાઓ.. કેટલી કરુણતા ભરી છે? એ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.

અને છેલ્લી પંક્તિમાં એ આબાદ વાત કરી દે છે!

એમ કહીને કેઃ

મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

સખતની ચોટ સાથે આ કવિતા પૂરી થાય છે.

આમ તો આ નાની અછાંદસ કવિતા છે. પણ તેમાં કેટકેટલું ભર્યું પડ્યું છે? વરસાદ નથી તેથી પાણી વિનાના ત્રસ્ત જગતનું વર્ણન છે. તેમાં વિવિધ અલંકારો છે, કાર્ય-કારણનું ચિંતન છે, તેમાં વ્યંગ છે. જૂઠા જગતના પાપો કે ખોટા કર્મો પર વેધક બાણો છોડ્યાં છે અને અંતે પાણી પર શ્લેશ કરીને માનવજાતને ભારોભાર ઠપકારીને સમજાવી દીધી છે. આ બધું જ ચિત્રાત્મક બન્યું હોઈ વાચક મન પર અંક્તિ થઈ જાય છે. એક અછાંદસ કવિતામાં  આવો સરસ વિવિધ ભાવોનો લય, લયબદ્ધ ગીતોથી ચઢી જતો વર્તાય છે!

કવિ શ્રી અનિલ જોશીની ખોટ લાગશે જ. તેમની કવિતાની અ-ક્ષર કાયાને આ શબ્દાંજલિ સાથે નમન.

અસ્તુ.


 Devika Dhruva | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com