અવલોકન

સુરેશ જાની

સુડોકુ – તમને બહુ જ પ્રિય પઝલ-રમત : તમારા પોતાના જીવન જેવી.

      નવ હાર, નવ સ્થંભ અને નવ ચોખંડી ખોખાંઓમાં વહેંચાયેલાં કુલ ૮૧ ખાનાંઓની રમત. આ ૮૧ માંથી લગભગ ૨૭ ખાનાંઓમાં આંકડાઓ આપેલા છે. આ તમને મળેલી મૂળ મૂડી છે. એ તમારા જીવનની : અરે! ભુલ્યો , રમતની સ્ક્રિપ્ટ છે – જાણે કે જન્મકુંડળીના નવ ગ્રહોથી રચાતું એક નાટક.  તમારે બાકીના ખાનાં શોધી કાઢવાનાં છે. શરત એ કે દરેક હાર, સ્થંભ કે ખોખામાં નવે નવ આંકડા આવી જવા જોઈએ. કોઈ આંકડો બેવડાવો ન જોઈએ. જેમ જીવનનો દરેક અનુભવ એક અનન્ય અનુભવ હોય છે, તેમ આ નવે નવ આંકડા જુદા જ હોવા જોઈએ. બહુ જ તર્ક અને ધીરજ માંગી લેતી આ રમત છે. ક્યાંક એક ભુલ કરી દીધી અને તમે એવા ગૂંચવાડામાં પડી જવાના છો કે, રમત અધૂરી જ સંકેલી લેવી પડે. આ દારૂણ જંગ તો ખરાખરીનો ખેલ છે. તલવારની ધાર પર ચાલવાનું છે. ક્યાંય શરતચૂક ન ચાલે.

      શરુઆતમાં તમે શોધી કાઢેલી જીવનપધ્ધતિ, અરે! તર્કપધ્ધતિ પ્રમાણે ચાર પાંચ જગ્યાઓએ તો એક જ શક્યતા તરત જણાઈ આવે છે. તમે હરખાઈ જાઓ છો. એના આધારે એક માત્ર શક્યતાવાળાં બીજાં બે ત્રણ ખાનાં પણ, થોડા પ્રયત્નો પછી તમને દેખાય છે. તમે અડધો જંગ જીતી ગયાના ગર્વમાં મુસ્તાક છો. જેમ બાળપણ મધુર હોય છે, તેમ સુડોકુનો શરુઆતનો આ ભાગ પણ સરળ અને ગૂંચવાડા વિનાનો લાગે છે.  પણ હવે આ અડધે રસ્તે જ ખરી કઠણાઈ શરુ થાય છે. જ્યાં જુઓ ત્યાં બે, ત્રણ કે ચાર શક્યતાઓ જણાવા લાગે છે. બધે ત્રિભેટા જ ત્રિભેટા! ક્યાંય આગળ વધાય જ નહીં. તમે અકળાઈ ઊઠો છો. ક્યાંય તમે આગળ વધી શકતા નથી. આ માયાજાળમાં આગળ ધપવાની ચાવી ક્યાંક ખોવાઈને સંતાયેલી છે. પણ ત્યાં પહોંચતાં પહોંચતાં તમને પસીનો પસીનો થઈ જાય છે. જીવનની બપોરનો આ તાપ છે!

      અને ત્યાં જ એકાએક પરમ તત્વની અસીમ કૃપાથી તે ચાવી આગળ તમે પહોંચી જાઓ છો. કોઈ પરીએ કરેલ પુષ્પવર્ષાની જેમ; ફરી એક વાર એક જ શક્યતાવાળાં ખાનાંઓની હારમાળા એક પછી એક તમારી ઉપર વરસવા માંડે છે. તમારા જીવનના મધ્યકાળના સુવર્ણયુગની જેમ તમારી સમ્પત્તિ અને સમૃદ્ધિ વધતાં જાય છે.

       હવે પોણો જંગ જીતાઈ ચૂક્યો છે. વિજયશ્રી તમારા હાથવેંતમાં છે. પણ હવે બે બે શક્યતાવાળાં જોડકાં – એ જ વિતાડતા ત્રિભેટા – ફરી ખડા થઈ જાય છે. તમારી અકળામણનો આ છેલ્લો તબક્કો છે. આમ તો હવે ઘણાં ઓછાં ખાનાં તપાસવાનાં બાકી છે. પણ ફરી ચાવી ખોવાઈ ગયેલી છે. તમે ચોપડીની પાછળ આપેલો ઉકેલ જોવા તત્પર બનો છો. પણ તમારી મર્દાનગીને, રમત રમવાની તમારી ચાલાકીને આ છેલ્લો પડકાર છે. તમે વળી એ પ્રલોભન બાજુએ મુકી, ફરી એ તર્કયુધ્ધમાં ખુંપી જાઓ છો. ખણી ખણીને સાવ નિર્વાળ (!) એવા તમારા ચકચકિત માથાનાં વધારે વાળ ઓછા થવા માંડે છે. વીતેલા સમયને કારણે તમારી શક્તિઓની પણ સીમા આવી ગયેલી છે. તમે અકળાયેલા, થાકેલા, અશક્ત છો. એ બાળપણની મધુરતા અને યુવાનીનો તરવરાટ આ વાર્ધક્યમાં હવે ક્યાં છે?

        અને ત્યાંજ એ છુપાયેલી ચાવી તમને દેખાઈ આવે છે. બસ એક નાનીશી અને છેવટની સમજણની (જીવનની જાગૃતિ ) જ જરુર હતી, જે તમને મળી ગઈ છે. અને મંજિલ પણ હવે ક્યાં દૂર છે? બાકીના ઉકેલોનું અવતરણ પત્તાનાં મહેલની જેમ ફરફરાટ થવા માંડે છે. ૮૧ ખાનાંઓનો એ મહેલ હવે પૂરો ભરાઈ ગયો છે. તમારો ખેલ હવે પૂરો થયો છે.

     તમે આ સમસ્યાના ઉકેલનું, જીવનયુધ્ધની પેલી પાર આવેલું એ પાનું ઉત્કંઠાથી ઉથામો છો. એક એક કરીને બધી હારોમાં તમારો શોધી કાઢેલો ઉકેલ સાચો છે; તેમ જાહેરાત થતી જાય છે. અને જીવનની ફળશ્રુતિ, આ જંગ તમે સફળતાથી પાર કર્યો છે તેની ખાતરી થતાં તમે નિર્વાણ અવસ્થાની લગભગ સમાંતર કહી શકાય એવી સુખસમાધિમાં લીન બની જાઓ છો. રમતના અને જીવનના ત્રણ ત્રણ તબક્કે ખેલાયેલા જંગોનો ભવ્ય ભુતકાળ પણ તમે ભુલી જાઓ છો. હવે કેવળ વર્તમાનના પરિતોષનો ભાવ ચિત્તમાં ધારી તમારી આ રમત તમે સંકેલી લો છો.

     જીવન યથાર્થ જીવ્યાનો આનંદ છે. હવે કોઈ તર્કની જરુર નથી. હવે કોઈ ચાવીઓની જરુર નથી. સુડોકુનો, જીવનનો આ ખેલ સફળતાથી તમે ખેલ્યા છો. બધી કસોટીઓમાંથી સર્વાંગ સાચી રીતે પાર ઉતર્યાની ગરિમા છે. કરી કો’ક દી કો’ક નવી જ સુડોકુ સમસ્યા ખેલવાનો સંકલ્પ કરી તમે નિવૃત્ત બનો છો.  જીવનના અંતે પણ સુડોકુની આ રમત જેવો, આવો હાશકારો અનુભવી શકાય, એવું જીવન તમે જીવ્યા છો ખરા? 

      આવી જ એક કવિતા…

જીવન કસરત

કોઇ સરકે છે. કોઇ ટહેલે છે. કોઇ ધસમસ શ્વાસે દોડે છે.
કોઇ હાંફે છે. કોઇ નીતરે છે. કોઇ લયમાં શિરને ડોલે છે.

કોઇ મરકે છે. કોઇ બબડે છે. કોઇ રડમસ ચહેરે લટકે છે.
કોઇ ભારે ભારને ઊંચકે છે. કોઇ હળવા દડાથી ખેલે છે.

ધરતી સરકે છે પગ નીચે, પણ ચિંતા વિણ હું ઊભો છું.
બળે કેલરી ક્ષણે ક્ષણે, પણ હું તો સાવ જ શીતળ છું.

કેટકેટલાં અંતર કાપું, છતાં નથી હું સહેજ ખસ્યો.
આ વાત જીવનની છે કે પછી, ટ્રેડમીલથી એક દર્શન છે?.


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.