વનિતાવિશેષ

રક્ષા શુક્લ

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

                          -હર્ષ બ્રહ્મભટ્ટ

 

કુદરતે તો સ્ત્રીને અઢળક બક્ષ્યું છે પણ સમાજની માનસિકતાએ એને સાવ ઓછું આપ્યું છે. કાયદાઓ બદલાયા છે છતાં સ્ત્રીને મુક્ત આકાશ મળતું નથી. ઊલટાનું એ દંભની દાદાગીરીનો ભોગ બની છે. એને અપાતા સ્વાતંત્ર્યમાં સન્માન કરતા સાર્કેઝમનો સૂર વધુ સંભળાતો હોય છે. મહાભારતમાં એક શ્લોક છે ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ્ અર્હતિ’. આ કેટલે અંશે સ્વીકાર્ય હોય શકે એ ચર્ચાનો વિષય છે. પણ સ્ત્રી રૂટેડ હોય છે અને વહેતી પણ હોય છે. એવું ઇન્ફોસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિએ સાબિત કર્યું છે. વર્જીનિયા વુલ્ફ ખૂબ સુંદર વાત કહે છે કે ‘Lock up your libraries if you like; but there is no gate, no lock, no bolt that you can set upon the freedom of my mind’. સંભારણાની સફર, મનની વાત, શોધે તેને જડે અને તમે જ તમારું અજવાળું જેવા અનેક પ્રેરણાદાયી પુસ્તકોના લેખિકા સુધા મૂર્તિ નોખી જ વાતો લઈને આવે છે. જે આપણાં જીવનને સાવ બદલી નાખે છે. તેમણે અનેક નવલકથાઓ, ટેકનીકલ અને મોટીવેશનલ પુસ્તકો, બાળસાહિત્ય, પ્રવાસવર્ણનો તથા જીવન ઉપયોગી લેખો લખ્યા છે.

રોજીંદા પ્રશ્નો અને તકલીફો સામે સંઘર્ષ કરતા આપણે અંદરની સહજતા ખોઈને દુનિયા વિચારે એ ઘરેડમાં વિચારતા થઇ જઈએ છીએ. દુનિયાથી જુદું – ‘Out of Box’ વિચારવાનો આપણને સમય જ હોતો નથી. અથવા ચીલો ચાતરી શકવાની તાકાતનો આપણામાં અભાવ હોય છે. રિવાજોની કેદમાં મર્યાદાના વજનિયાં ઊંચકીને મુક્ત વિહાર ન કરી શકતું મન અંતે થાકે છે. જિંદગીને વેંઢારે છે. નાના હોઈએ ત્યારે કેવા ક્રિએટીવ હોઈએ ! આઈડિયાબાજ મગજ બધે મેથી મારવા દોડતું હોય. ચાલો, ‘હવે તો મોટા થઈ ગયા’ના રિટાયરમેન્ટને ઉફરા વિચારવાના વહેણે વાળીએ. આપણા પ્રશ્નોના ઉકેલ આપણી અંદર જ છે. રોજ સામે મળતા સામાન્ય માણસોની ભીતર રહેલા મુઠ્ઠી ઊંચેરા કદને આપણે પામી શકતા નથી. ‘નોખી માટીના જીવ’માં આવા પ્રતિષ્ઠિત ન હોય તેવા ઉમદા માનવીઓની હ્રદયસ્પર્શી વાતો છે. જે સૌને ઉમદા જીવવા પ્રેરિત કરે છે. અહીં સુધા મૂર્તિની સરળ અને વિનોદી શૈલીનો પણ પરિચય થાય છે. એ વાતો જાણે સુગંધિત ફૂલોનો આખો બગીચો છે.

ઈન્ફોસિસ ફાઉન્ડેશન નામની સેવા સંસ્થાના અનુભવે સુધા મૂર્તિ ભારતના વિવિધ પ્રાંતોના, વિધવિધ ભાષા, ધર્મ અને સ્વભાવ ધરાવતા અસંખ્ય લોકોના પરિચયમાં આવ્યા છે. માનવમનના આટાપાટાએ તેમની આંખ જુદી જ દિશા ભણી ઉઘાડી છે. એમના ‘મનની વાત’ પુસ્તકમાં મુંબઈના ભિખારી ચાચાની વાત હોય કે ડાંગના શૈલેષકુમારની, દરેક પ્રસંગ મનનીય છે, અવિસ્મરણીય છે. શ્રી સોનલ મોદીએ સુધા મૂર્તિના ઉત્તમ પુસ્તકોનો અનુવાદ ગુજરાતની વ્યવહારકુશળ પ્રજાને સ્પર્શી જાય તેવી સરળ અને સચોટ ભાષામાં કર્યો છે. સુધા મૂર્તિને ભાગે પણ એમના બાળપણથી લઈને એમનાં કુટુંબ જીવનમાં, મુસાફરીઓ દરમિયાન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશનનાં કામને લીધે એવી અસંખ્ય સત્યઘટનાઓનો હિસ્સો બનવાનું આવ્યું છે. એ જ અનુભવો એમણે એમના સ્પષ્ટ છતાં હૂંફાળા અંદાજમાં ‘જીવનની વાત’ નામના પુસ્તકમાં વહેંચ્યા છે. સુધા મૂર્તિ કહે છે કે જિંદગી નામની નમકીન ચીજ સાથે મળેલા સમયગાળામાં સૌએ નિયતિએ ગોઠવેલ શતરંજની બાજી રમી લેવાની છે. કંઈ કેટલાયે વિધ વિધ અને અદ્ભુત પાત્રો એ માર્ગે આપણને મળશે, ઘડશે અને અવનવાં આકારોમાં ઢાળશે. કર્ણાટકમાં યુવાન વયે ધર્મ અને કુપ્રથાના નામે દેવદાસી બનાવી દેવામાં આવતી સ્ત્રીઓને મદદ કરવા ગયેલા સુધા મુર્તિને પહેલા તો દેવદાસીઓએ અપમાનિત કરી તગેડી મૂક્યા હતા. પછીથી તેમના સંતાનોને ભણાવવા બાબતે રસ લેતા સુધાજી ધીમે ધીમે તેઓના ‘અકકા’- મોટીબેન બની ગયા. ‘થ્રી થાઉઝન્ડ સ્ટિચીઝ’ પુસ્તકમાં એમણે દેવદાસીઓના જીવનની હ્રદય વલોવી નાખતી પીડાની વાત કરી છે. તે વખતે યુવાન સુધા મૂર્તિને તેમની વ્યથા સાંભળ્યા પછી સમજાયું કે ફ્ક્ત પૈસાનું યોગદાન આપવું એ તેમની યાતના અને સંઘર્ષનો ઉકેલ નથી. તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મસન્માનની લાગણીનો સંચાર કરવો અનિવાર્ય છે.

સુધા મૂર્તિના વ્યક્તિત્વના અનેક પાસા છે. એક ઉત્તમ માનવીય ગુણો ધરાવનાર સુધાજી એન્જિનિયરિંગના વિદ્યાર્થિની, સફળ ઉદ્યોગપતિના પ્રેરણામૂર્તિ, કમ્પ્યુટર સાયન્સના લેકચરર, ઇન્ફોસિસ ફાઉન્ડેશનના સેવા કાર્યો કરનાર સમાજ સેવિકા, ઉત્તમ લેખિકા અને એક કોલમિસ્ટ પણ છે. ટાટાની ટેલ્કોમાં નોકરી માટેની જાહેરાતમાં ‘મહિલાઓએ અરજી ન કરવી’ એવું સ્પષ્ટ જણાવાયું હતું. કંપનીની આવી ભેદભાવયુકત નીતિ અંગે તેમણે સીધો ટાટાને જ ટીકાત્મક પત્ર લખી નાખ્યો. તેમના આ આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈને ટાટાએ તેમનો ઇન્ટરવ્યૂ લેવડાવ્યો અને પછી તો  તેમણે ટેલ્કોમાં આઠ વર્ષ સુધી નોકરી કરી. એક બાજુ પતિની ઇન્ફોસિસ કંપની આગળ ધપવા લાગી ત્યારે બેવડી જવાબદારી અદા કરવી મુશ્કેલ બનવા લાગી. આથી તેમણે ટેલ્કોમાં રાજીનામું આપી દીધું. સુધા મૂર્તિને ટાટાએ તેમની ઇન્ફોસિસ કંપની અંગે કોઈ ડંખ વિના હૃદયથી શુભેચ્છા આપી અને ઈન્ફોસિસનું નામ મોટું થાય ત્યારે સમાજોપયોગી કાર્યો કરવાની આપવાની સોનેરી સલાહ પણ આપી. ઈન્ફોસીસ ફાઉન્ડેશન દ્વારા સુધા મૂર્તિ, સ્વાસ્થ્ય, શિક્ષા, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ અને ભારતીય કળા અને સંસ્કૃતિને આગળ વધારવાનુ કાર્ય કરે છે. તેમનું  પહેલેથી જ એક સ્વપ્ન હતું  કે દરેક સ્કૂલ  દીઠ એક પુસ્તકાલય હોવું જરૂરી છે. આના ફલ સ્વરૂપે ઇન્ફોસિસ ફાઉન્ડેશને અનેક સરકારી તેમ જ ખાનગી શાળાઓમાં ‘લાયબ્રેરી’ ઊભી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરેલો છે. જેના દ્વારા વિદ્યાર્થીને સારા પુસ્તકોનુ વાંચન કરવાનો મોકો સતત મળી શકે. અને આ સ્વપ્નને તેઓએ પૂર્ણ પણ કર્યું. જે માટે સુધા મૂર્તિ અંતરાળ ગામોમાં ખુદ ફરે છે. હોટલની સુવિધા ન હોય, ત્યાં કોઈ શિક્ષકના ઘરે રાતવાસો કરવાનું તે પસંદ કરે છે, ભોજન લે છે અને તેમના અનુભવોને પોતાની આગવી શૈલીમાં પોતાના લેખોમાં બયાન પણ કરે છે. અત્યાર સુધીમાં આવી અગણિત લાયબ્રેરીઓ ઊભી કરવા બદલ તેઓને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. માત્ર બેંગ્લોર શહેરના વિસ્તારોમાં તેમણે દશ હજાર જેટલા સાર્વજનિક શૌચાલય બનાવ્યા છે. તે ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ શૌચાલય બનાવવા માટે મદદ કરી રહ્યા છે. દેશના પુરગ્રસ્ત વિસ્તારોમાં તેમણે ૨૩૦૦થી વધારે ઘરો બનાવી આપ્યા છે. અને દેશ માં જ્યાં પણ કુદરતી આફતો આવે છે, ત્યાં તેઓ અને તેમના કાર્યકરો સેવા અર્થે પહોંચી જાય છે. ૨૦૦૪માં હિંદ મહાસાગરમાં જ્યારે સુનામી આવ્યું ત્યારે સેંકડો લોકો મદદ માટે આગળ આવ્યા, પણ આ બધામાં સામાજિક કાર્યો કરવામાં અગ્રેસર રહેતા સુધા મૂર્તિ દ્વારા કરવામાં આવેલી મદદ સાવ અનોખી હતી. તેમણે સેંકડો મહિલાઓ માટે ચાર ટ્રક ભરીને સેનેટરી નેપકીન્સ મોકલાવ્યા હતા.

દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો સાથ હમેશા હોય છે, તેમ નારાયણ મૂર્તિની પ્રગતિનો પ્રારંભ જ તેમના પત્ની હતા. પત્ની સુધા મૂર્તિના છુપાવીને મુસીબતના સમયે કામ આવે તે માટે એકઠા કરેલા દશ હજાર રુપયાની રકમથી જ નારાયણ મૂર્તિએ ઈન્ફોસીસ કંપનીની શરૂઆત કરી હતી. તેઓ ઈન્ફોસીસ ફાઉન્ડેશનના ચેર-પર્સન તો છે જ. ઉપરાંત બીલ ગેટ્સના ‘ગેટ્સ ફાઉન્ડેશન’માં પણ સામાન્ય સ્વાસ્થ્ય દેખભાળની બાબતોના સદસ્ય છે. સુધાજીના માતાને કવિતા લખવાનું ગમતું. એ વાતને તેઓ તેમની લખવાની ઇચ્છાનું મૂળ માને છે. તેમણે ૧૯૭૯માં પ્રથમ પ્રવાસકથા લખી. તેઓ અમેરીકામાં ત્રણ મહિના એકલા રહેલા એની એ પ્રવાસકથા છે જેના પ્રકાશિત કરવા અંગે એમણે કદી વિચાર્યું ન હતું. તેઓ એક ખૂબ  જ સારા સાહિત્યકાર અને લેખક પણ છે. આજ સુધીમાં તેઓના ઈંગ્લીશ, હિન્દી, કન્નડ અને બીજી અનેક ભાષાઓમાં ૨૪ જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે અને એનાં ૧૬ ભારતીય ભાષાઓમાં અનુવાદ થયાં છે. અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં એ સારી સંખ્યામાં વેચાયાં પણ છે. તેઓનું એક પુસ્તક ‘હાઉ આઈ ટોટ માય ગ્રાંડમધર ટુ રીડ એન્ડ અધર સ્ટોરીઝ એટલે કે ‘મેં કેવી રીતે મારા દાદીમાને વાંચતા અને બીજી વાર્તાઓ શીખવી’નું દેશની ૧૫ ભાષાઓમાં અનુવાદ થયો છે. બાળવાર્તા લખવામાં સફળ નીવડેલાં સુધા મૂર્તિનું બાળસાહિત્ય અત્યંત સરળ ભાષામાં હોય છે. લખવા બેસે છે ત્યારે એમની સામે નાનું બાળક બેસીને સાંભળતું હોય એવી તેઓ કલ્પના કરે છે. એની આંતરસૂઝ અને સજાગતા ઉત્તમ પ્રકારની છે જે જાણે છે કે બાળક માટે કેવી ભાષા યોગ્ય રહેશે. એમની વાર્તાનો બોધ મુખર પણ નથી કે આજના બાળકોના દફતર જેવો ભારેખમ પણ નથી.

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. આર. નારાયણ મૂર્તિ અને તેની પત્ની સુધા મૂર્તિ પર બાયોપિક ફિલ્મ બનાવવાની તૈયારી થઈ રહી છે. એક સમાચાર મૂજબ સુધા મૂર્તિના પાત્ર માટે આલિયા ભટ્ટના નામનો વિચાર થઈ રહ્યો છે. આમ પણ આલિયા ભટ્ટ અત્યારે એક સારી બાયોપિકની શોધમાં છે . આ એક્ટ્રેસ માટે સુધા મૂર્તિ જેવી ઇન્સ્પાયરિંગ અને આઇકોનિક પર્સનાલિટીનું પાત્ર ભજવવું ચેલેન્જિંગ રહેશે. આ ફિલ્મ મૂર્તિની જીવનકથની પર આધારિત હશે, જેમાં તેમનું દેશ માટેનું યોગદાન અને તેમની કારકિર્દીની સફરને કેન્દ્રમાં રાખવામાં આવશે. આ ફિલ્મનું શિર્ષક ‘મૂર્તિ’ રાખવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન અશ્વિની ઐય્યર તિવારી કરશે. અશ્વિની પ્રખ્યાત ડાયરેક્ટર છે. તેણે બરેલી કી બર્ફી અને પંગા જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. સુધા મૂર્તિને ફિલ્મ જોવાનો અતિ શોખ છે. તેમણે એક વર્ષમાં ૨૬૫ ફિલ્મ પણ જોયેલી છે. તેમની ‘ડૉલરવહુ’ નવલકથા ઝી ટીવી પર સીરીયલરૂપે પ્રસારિત થઈ હતી.

સુધા મૂર્તિને ૨૦૦૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને વિવિધ પ્રકારના અનેક પુરસ્કારો મળી ચુક્યા છે. રોટરી ક્લબ દ્વારા ‘શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર’, કન્નડમાં ‘અતીમાબે પુરસ્કાર’, ‘ઓજસ્વીની પુરસ્કાર’, ‘મિલેનિયમ મહિલા શિરોમણી પુરસ્કાર, ‘બસશ્રાવી પુરસ્કાર’, ક્રોસ વર્લ્ડ રેમંડ બુક્સ એવોર્ડમાં લાઈફ ટાઈમ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, માનદ ડોકટરેટની ઉપાધિ, અભ્યાસ દરમિયાન અનેક ગોલ્ડ મેડલ તેમ જ અનેક વિધ અન્ય પુરસ્કારો મળી ચુક્યા છે. સમાજની મહિલાઓ અને શ્રીમંત લોકો માટે તેઓ, એક શ્રેષ્ઠ ઉદાહરણ સ્વરૂપ રહ્યા છે.


ઇતિ

ભાષા એટલે વિચારોનો પહેરવેશ.

-ડૉ. જોનસન


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.