નિસબત

ચંદુ મહેરિયા

તાજેતરની ગુજરાતના અરવલ્લી જિલ્લાની છાપે ચઢેલી એક સત્ય ઘટના. પાંચમીમાં ભણતી દસ વરસની બાળકી ઈન્સ્ટાગ્રામને કારણે  સોળ વરસના  કિશોરના પરિચયમાં આવી.પરિચય વધતાં એક દિવસ બાળા ભાગીને કિશોર પાસે પહોંચી ગઈ. છત્રીસ કલાકના સહવાસ દરમિયાન બંનેએ લગ્ન પણ કરી લીધા અને પતિ-પત્નીની જેમ શરીર સંબંધ પણ બાંધ્યો. સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાની તરુણો પરની ભયાનક અસરનો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. અને એટલે જ દુનિયામાં ટીનેજર્સના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધની માંગ બળવત્તર બની છે. કેટલાક દેશોએ તો તેનો અમલ પણ શરુ કર્યો છે.

અમેરિકી સેનેટ સમક્ષની સુનાવણીમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે વાલીઓની માફી માંગતા કહ્યું હતું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે ઘણા બાળકો-કિશોરો અને તેમના માબાપોને વેઠવું પડ્યું છે. તેમને મોટું નુકસાન થયું છે. આ ખરેખર ન થવું જોઈએ.

૨૦૨૪નો ઓક્સફર્ડ વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ થયેલો  શબ્દ  બ્રેન રોટ ( Brain rot ) છે. મગજનો સડો  જેવો શાબ્દિક અર્થ ધરાવતો આ શબ્દ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગ અને તેને લીધે ત્યાં જોવા મળતી નકામી કે અર્થહીન સામગ્રીની મગજ પર થતી  ખરાબ અસરને  વ્યક્ત કરે છે તેમ જ તે અંગેની વૈશ્વિક ચિંતાને પ્રતિબિંબિત કરે છે.

ઓસ્ટ્રેલિયા દુનિયાનો પહેલો દેશ છે જેણે બાકાયદા સોળ વરસથી ઓછી વયના બાળકો-કિશોરોના સોશિયલ મીડિયા ઉપયોગ પર બંધી ફરમાવી છે. ઓસ્ટ્રેલિયન સેનેટમાં ૩૪ વિરુધ્ધ ૧૯ મતે પસાર થયેલ સોશિયલ મીડિયા સેફ્ટી અમેન્ડમેન્ટ બિલ કે સોશિયલ મીડિયા મિનિમમ એજ બિલની જોગવાઈ મુજબ સોળ વરસ કે તેથી ઓછી વયના બાળકો-તરુણોનો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એક્સ, સ્નેપચેટ, અને ટિકટોકનો ઉપયોગ ગુનો ગણાશે. જોકે ટીનેજર્સ કે તેના માતા-પિતાને બદલે કાયદામાં કંપનીઓને દોષિત ઠેરવવવામાં આવી છે અને આકરો દંડ નક્કી કર્યો છે.

વધુ સ્ક્રીન ટાઈમ આરોગ્ય માટે હાનિકારક હોઈ સિંગાપોર સરકારે હેલ્થ પ્લાનનું આયોજન કરવું પડ્યું છે. નોર્વે સરકાર અલ્ગોરિધમની પ્રચંડ તાકાત સામે બાળકોને સલામતીનું કવચ પૂરું પાડવા તેર વરસ કરતાં વધુ વય સોશિયલ મીડિયાના ઉપયોગ માટે ઠરાવવાની છે. ફ્રાન્સ ગવર્નમેન્ટ પંદર વરસથી ઓછી વયના બાળકો માટે માબાપની સંમતિ જરૂરી કરવાની છે. અમેરિકાના ઘણા રાજ્યોમાં પ્રતિબંધ અમલી છે. સ્પેનમાં તો ત્રણ વરસ સુધીના બાળકોના સ્માર્ટફોન વપરાશ પર પૂર્ણ અને ત્રણ થી છ વરસ માટે અંશત: પ્રતિબંધ છે.

ભારતમાં હાલમાં પ્રતિબંધની બાબત વિચારણામાં ન હોવાનું આઈટી મંત્રાલયના સચિવે કહ્યું છે. પરંતુ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેકશન એક્ટ ૨૦૨૩ના નિયમોના મુસદ્દામાં અઢાર વરસથી નાની વયના કિશોરોના સોશિયલ મીડિયાના ઉપયોગ માટે માબાપની સંમતિ અનિવાર્ય બનાવી છે. ગુજરાતમાં સરકાર માર્ગદર્શિકા તૈયાર કરવાની છે.

સ્માર્ટ ફોનનો વપરાશ અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઘણો મોટો અને સાર્વત્રિક છે. તેના લાભાલાભ પણ છે. એટલે બાળકો તથા કિશોરોના ઉપયોગ પર કેટલાક દેશોએ પ્રતિબંધ લાદ્યો તો કેટલાકે નિયંત્રણો મૂક્યા તે પગલાંની સરાહના ખૂબ થઈ છે. કંપનીઓ સિવાયનો એક વર્ગ તેનો તાર્કિક વિરોધ પણ કરે છે.

અભ્યાસો દર્શાવે છે કે સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક અને શારીરિક આરોગ્ય સંબંધી સમસ્યાઓ જન્મે છે. વળી ટીનેજર્સમાં તો તેનું પ્રમાણ વધુ છે. સોશિયલ મીડિયાનું વળગણ તેમને સ્માર્ટ ફોનના વ્યસની બનાવી દે છે. ચીડિયાપણું, મેદસ્વિતા, એકાગ્રતાનો અભાવ, ઓછી ઉંઘ  જેવી સમસ્યાઓ ઉભી થાય છે. કરોડરજ્જુ અને આંખોની મુશ્કેલી જોવા મળે છે. અભ્યાસ અને વાચન પ્રત્યે દુર્લક્ષ સેવે છે. વ્યાયામથી દૂર થાય છે. સામાજિક સંબંધો પર અસર પડે છે. માતાપિતા સાથેનો સંવાદ ઘટ્યો છે. અશ્લીલ સામગ્રી સરળ રીતે હાથવગી થતાં તરુણો પર નકારાત્મક અસર ઉભી થાય છે. બાળકો શાંત અને સિંગલ માઈન્ડેડ બની જાય છે. અધિક ઉપયોગ અને અધિક નિર્ભરતા સંવાદની ક્ષમતા ઘટાડે છે. તરુણોમાં જોવા મળતા ચિંતા અને તણાવ સોશિયલ મીડિયાના અત્યાધિક ઉપયોગને લીધે છે.  આ તમામ બાબતોના નિવારણ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર કડક નિયંત્રણો કે પ્રતિબંધ એક જ વિકલ્પ લાગે છે. આ પ્રકારના વિચારો ધરાવતા લોકો (જે બહુમતીમાં છે) બંધીને વાજબી ઠરાવી તેના વખાણ કરે છે.

સોશિયલ મીડિયા પર બંધીના કાયદા અને નિયંત્રણો માટેના નિયમોનો સૌથી ઉગ્ર અને મુખર વિરોધ કંપનીઓએ કર્યો છે.  એલન મસ્કના મતે આ બંધી નાગરિકોને માહિતી સુધી પહોંચતા અટકાવવાનો પ્રયાસ છે. કંપનીઓને સજા કે દંડ પણ તેમને અસ્વીકાર્ય છે. એ ખરું કે હાલના કાયદા અને નિયંત્રણો ઘણાં મર્યાદિત છે અને તે બૂરી અસરને ખાળવાનો પ્રયાસ છે. તે કિશોરોને ઈન્ટરનેટ કે માહિતી સુધી પહોંચતા પૂર્ણપણે અટકાવતો નથી. સોશિયલ મીડિયા વિચારોના આદાનપ્રદાનનું મૂલ્યવાન સાધન છે. જેમનો અવાજ કથિત મુખ્યધારામાં ગૌણ છે તે સબળ રીતે  આ માધ્યમનો ઉપયોગ કરી શકે છે અને કરે પણ છે. અમેરિકામાં આફ્રો-અમેરિકન યુવકની હત્યાની ઘટના કે અરબવસંતમાં તેણે જાગ્રતિ માટે મોટો રોલ ભજવ્યો હતો. સોશિયલ મીડિયા અફવા ફેલાવે છે, દુશ્મની વધારે છે તો તે બૌધ્ધિક દુનિયાનું નિર્માણ પણ કરી શકે છે. વંચિતો, દુભાયેલા લોકો અને અન્યના સંઘર્ષોમાં તે ધારદાર હથિયાર બની શકે છે. લોકજાગ્રતિ કે આંદોલન માટે તેમ ધંધા રોજગાર માટે પણ તે કામનું છે. કિશોરોના સ્ક્રીન ટાઈમને ઘટાડીને કે તેમને જાગ્રત કરીને  આ કામ થઈ શકે છે. પ્રતિબંધ યોગ્ય ઉકેલ નથી એમ માનનારો એક વર્ગ છે.

ટીનેજર્સને સોશિયલ મિડીયાની નકારાત્મક અસરોથી બચાવવા માટે મોટેરાંઓએ પહેલ કરવી પડશે. એક અંદાજ મુજબ મોટેરાં સરેરાશ પાંચ કલાક અને તે પણ મોટેભાગે બાળકોની હાજરીમાં સોશિયલ મીડિયા પર ગાળે તો તેની અસર બાળકો પર થવાની જ છે. એટલે બાળકો પર બંધી મૂકતા પહેલાં મોટેરાં સ્વયં નિયંત્રણ  કરે તે જરૂરી છે. એક સર્વે પ્રમાણે ભારતમાં સ્માર્ટફોન યુઝર્સ સરેરાશ ૨.૪ કલાક સોશિયલ મીડિયા પાછળ ખર્ચે છે. દુનિયામાં સૌથી વધુ દૈનિક સરેરાશ ચાર કલાક ફિલિપાઈન્સના લોકો ખર્ચે છે પરંતુ જાપાનીઓ માત્ર પોણો કલાક જ ખર્ચે છે. તેના પરથી જાપાન કેમ દુનિયાનો અગ્રણી દેશ છે તે સમજાવું જોઈએ.

કોરોનાએ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાના આપણને આદિ બનાવી દીધા છે. ઓનલાઈન શિક્ષણે બાળકો અને કિશોરોને પણ તેનો વધુ ઉપયોગ કરતા કર્યા  અને હવે તેના વ્યસની થઈ ગયા છે. આજકાલ પુસ્તકોનું સ્થાન સ્માર્ટફોને, કાગળનું સ્થાન સ્ક્રીને અને પેનનું સ્થાન કી બોર્ડે લઈ લીધું છે. એટલે તેના વળગણથી પૂર્ણ છૂટકારો તો શક્ય લાગતો નથી પરંતુ વિવેકસરનો ઉપયોગ તેની માઠી અસરો જરૂર ઓછી કરી શકે છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.