અવલોકન
– સુરેશ જાની

ઝારખંડના લાતેહાર જિલ્લાના નાનકડા ગામ ધોતીમાં જન્મેલી રૂપાંતી મુંડાનું એક જ સ્વપ્ન હતું, ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું. ધોતી ગામ નક્સલવાદીઓના વિસ્તારથી ઘેરાયેલું છે. ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલી રૂપાંતીનું બાળપણ નક્સલવાદીઓના ભયના ઓછાયા હેઠળ વીત્યું હતું. બાળવિવાહ અને માનવ તસ્કરી તો ઘર ઘરની કહાની હતી. નક્સલવાદીઓ ગામના કોઇ પણ ઘરમાં ઘૂસી જતા અને અનાજ, પૈસા તેમ જ છોકરીઓની માગણી કરતા. ધોતી ગામના લોકો ગરીબીના કારણે દીકરી પાંચ વર્ષની થાય કે તેને વેચી દેતા. આવા વાતાવરણમાં ઉછરેલી ૨૦ વર્ષીય રૂપાંતીએ ભારતીય ફૂટબોલ ટીમના કોચ બનવાનું સ્વપ્ન જોવાનું સાહસ કર્યું.
રૂપાંતીએ ત્રીજા ધોરણથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. એક દાયકા સુધી તેણે આ રમત રમી તેમાં નિપુણતા હાંસલ કરી હતી. તેની શાળાના શિક્ષક ભગતનામે તેને ફૂટબોલ રમવાની પ્રેરણા આપી હતી. તેમણે જ રૂપાંતીને રમવા માટે શૂઝ ભેટમાં આપ્યા હતા. અગાઉ રૂપાંતી સાદા ચપ્પલ પહેરીને જ રમતી હતી. ફૂટબોલ પ્રત્યે લગાવ અને શિક્ષકની તાલીમથી તેણે આ રમતમાં સફળતા મેળવી હતી. કેરિયરની શરૂઆત થઇ ઇન્ટર સ્કૂલ મેચોથી. ત્યારબાદ તેણે ‘ખાસી’ ફૂટબોલ તરીકે ઓળખાતી ઇન્ટ્રા અને ઇન્ટર વિલેજ મેચોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ખાસી ફૂટબોલમાં જીતનારને બકરી ભેટમાં આપવામાં આવતી હતી અને ‘અમે બકરી મેળવવા જ રમતા.’ એમ રૂપાંતી હસતા હસતા કહે છે.
તેનો દિવસ સવારે સાડાચાર વાગ્યામાં શરૂ થઇ જતો હતો. વહેલાં ઊઠી તે સૌ પ્રથમ ઘરના તમામ કામ પતાવી દેતી. સાડાસાત સુધીમાં તો તેની તાલીમ શરૂ થઇ જતી. બે કલાકની પ્રેક્ટિસ બાદ તે ઘરે પાછી ફરતી અને તૈયાર થઇ શાળામાં જતી. ફૂટબોલની રમત તેના જીવનનો એક હિસ્સો બની ગઇ હતી. તેને ફૂટબોલ રમવું ખૂબ ગમતું. બાળપણમાં તો તેને એમ જ હતું કે ફૂટબોલ એટલે ખાસી મેચ, જેમાં જીતવાથી બકરી મળે. આ રમત રાષ્ટ્રીય સ્તરે રમાય છે તેની રૂપાંતીને જાણ પણ નહોતી.
૧૪ વર્ષની વયે તેણે પ્રથમ વાર ગામની હદ પારી કરી મેચ રમી હતી. રાજ્યસ્તરની ટીમના સિલેક્શન માટે તે પહેલીવાર ગામની બહાર નીકળી હતી. વર્ષ ૨૦૧૧માં ઉત્તરાખંડમાં યોજાયેલી મેચમાં ઝારખંડની ટીમની તે સભ્ય હતી. એ જ વર્ષે રૂપાંતીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાને યાદ કરતા રૂપાંતી કહે છે કે મારા પિતા હંમેશાં મને મદદ કરતા, મારી રમતને ટેકો આપતા. જ્યારે પણ હું મેચ રમવા જતી ત્યારે તેઓ સાથે આવતા અને મારી સફળતા માટે પ્રાર્થના કરતા.
રાજ્યસ્તરની ટીમમાં સારા દેખાવને કારણે તેનું રાષ્ટ્રીય ટીમમાં સિલેક્શન થઇ ગયું. તાલીમ માટે તેને કેરળ જવાનું હતું, પરંતુ પિતાના આકસ્મિક મૃત્યુના કારણે પૈસાની તંગી હતી. તેની માતા પાસે કેરળ સુધીના પ્રવાસના પૈસા પણ નહોતા. રૂપાંતીની માતાએ જેમ તેમ કરીને પૈસા એકત્ર કરી તેને કેરળ ખાતે તાલીમ કેમ્પમાં મોકલી હતી. કેમ્પમાં તેણે સખત મહેનત કરી હતી. આકરી તાલીમ બાદ તેને વિશ્વાસ હતો કે, આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટમાં તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળશે. ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું અને ‘ઇન્ડિયા’ લખેલા જર્સી પહેરવાનું સપનું ત્યારે ચકનાચૂર થઇ ગયું જ્યારે વિઝા મેળવવા માટે તેની પાસે પૈસા નહોતા. વિઝા માટેની ફીની સગવડતા કરવી રૂપાંતીના ગરીબ પરિવાર માટે મુશ્કેલ હતી.
ટૂર્નામેન્ટમાં સહભાગી થઇ ન શકી એનો આઘાત હજુ ઓછો હોય એમ તેના પર વધુ એક દુ:ખનો પહાડ તૂટી પડ્યો. વર્ષ ૨૦૧૫માં તેનો ભાઇ નક્સલવાદીના હુમલાનો ભોગ બન્યો. ભાઇના મૃત્યુ સમયે તે જમશેદપુરના ટ્રેઇનિંગ કેમ્પમાં હતી. સમાચાર સાંભળીને રૂપાંતી ઢળી પડી, અને ટ્રેઇનિંગ અધૂરી મૂકી ઘરે પાછી ફરી. તેણે નક્કી કરી લીધું કે હવે ફરી ફૂટબોલ રમવા આવવું જ નથી. તેના ભાઇનો હત્યારો તેના જ ગામના નક્સલવાદી નેતાનો પુત્ર હતો. રૂપાંતીને જાણવા મળ્યું હતું કે મારો ભાઇ ઇર્ષાનો ભોગ બન્યો હતો. બસ, તેણે ફૂટબોલ રમવાનું છોડી દીધું અને દારૂ બનાવવા માટે વપરાતા મહુઆ નામનાં ફૂલો એકઠાં કરવાના કામમાં જોતરાઇ ગઇ. પારકાં ઘરના કામ અને મજૂરી શરૂ કરી.
પણ રૂપાંતીના નસીબમાં ફૂટબોલ રમવાનું લખેલું જ હતું. તેની મહેનત આમ એળે જાય એ કદાચ નિયતિને પણ પસંદ નહીં પડ્યું હોય એમ વર્ષ ૨૦૧૬માં તેની મુલાકાત આહાન ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ડૉ. રશ્મિ તિવારી સાથે થઇ. રશ્મિબેન માનવતસ્કરીનો ભોગ બનનારી આદિવાસી મહિલાઓના હિતમાં કાર્ય કરતા હતા. પીડિત મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાડવા અને તેમને આત્મનિર્ભર કરવા તેમની સંસ્થા બનતા પ્રયત્નો કરતી. આદિવાસી મહિલાઓને તેમની આવડત અનુસાર આગળ વધારવા રશ્મિબેન બનતા તમામ પ્રયાસો કરતા. તેમને ખબર હતી કે રૂપાંતી ફૂટબોલ રમે છે. એક દિવસ તેમણે રૂપાંતીને કહ્યું કે, તું દિલ્હી આવીશ?’. પિતા અને ભાઇના મૃત્યુના આઘાતમાંથી બહાર નીકળી રૂપાંતીએ પોતાના સપનાને સાકાર કરવા દિલ્હી જવાનો નિર્ણય લીધો. તેને રશ્મિબેન પર પૂરો ભરોસો હતો.

રશ્મિબેને રૂપાંતીને અન્ય યુવતીઓ સાથે મળીને પોતાની ફૂટબોલ ટીમ બનાવવા પ્રોત્સાહિત કરી. એ વખતે તેની વય માત્ર પંદર વર્ષની હતી. ફૂટબોલની રમતની સાથે સાથે તેણે માતા, મોટી બહેન અને ભાઇની પત્ની તેમ જ બાળકોની જવાબદારી ઉપાડી લીધી. તે પરિવારની એકમાત્ર કમાઉ વ્યક્તિ હતી. આઠ મહિના સુધી રૂપાંતીએ તેના પરિવારનું એકલા હાથે ભરણપોષણ કર્યું હતું.

ઑસ્લો ખાતે યોજાનારી ૧૫મી ‘હોમલેસ વર્લ્ડ કપ’ની ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા તેણે પોતાની જાતે પૈસાની સગવડતા કરી લીધી. પચાસથી વધુ દેશ અને પાંચસોથી વધુ રમતવીરો સાથેની આ ટૂર્નામેન્ટમાં વિશ્વના શેરી ફૂટબોલરો એકઠાં થયા હતા. ‘રૂપાંતી’ લખેલું ઇન્ડિયાનું જર્સી પહેરવાનું તેનું સપનું સાકાર થયું એ ક્ષણ તેના જીવનની સૌથી યાદગાર ક્ષણ બની રહી.
‘હોમલેસ વર્લ્ડ કપ’માં ભાગ લીધા બાદ તેને સમજાયું કે,
આર્થિક સંકડામણ ક્યારેય સપનાની આડે આવી ન શકે.
દરમિયાન ધોતી ગામના લોકો તેના વિશે જાતજાતની વાતો કરતા હતા. યુવકોની રમત રમવાની શું જરૂર છે? આમાં કંઇ નહીં વળે. ગામવાસીઓની પંચાત અને ટીકા રોજની વાત હતી. અગાઉ આવી વાતો સાંભળી રૂપાંતી નાસીપાસ થઇ જતી, પરંતુ હવે તેણે લોકોની પરવા કરવાનું છોડી દીધું હતું. રૂપાંતીએ એક જ વાત પકડી રાખી હતી : લોકો ભલે ગમે તે કહે ભારતની ફૂટબોલ ટીમના કોચ બનવાનું સપનું પૂરું કરવું જ છે.
ઉપરાંત તે અન્ય આદિવાસી યુવતીઓને મદદ કરવા માગતી હતી. ભારતના અંતરિયાળ વિસ્તારમાં રહેતી તેના જેવી અન્ય યુવતીઓને તેમના સપનાં સાકાર કરવામાં મદદરૂપ થવા રૂપાંતી પ્રયત્નશીલ રહેતી.
આ દરમિયાન પુત્રના મૃત્યુનો આઘાત સહન ન થતાં તેની માતાએ પાણીમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું. આઠ સભ્યના પરિવારની જવાબદારી રૂપાંતીના ખભે હતી. આટલા મોટા પરિવારનું પેટ ભરવા તેને ફાર્મિંગ અને આહાન ફાઉન્ડેશનની આવક ચાલુ રાખવા કામ કરવું પડતું. ધોતી ગામમાં ફૂટબોલની રમતને આગળ વધારવા તે એક કોચિંગ સેન્ટર ખોલવા માગતી હતી. આદિવાસી યુવતીઓ ફૂટબોલ રમી શકે એ માટે તેણે ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યું.
મારે હજુ બીજી ૨૦ રૂપાંતી ઊભી કરવી છે, જે ભારતના અંતરિયાળ વિસ્તારમાં રહેતી ગરીબ આદિવાસી યુવતીઓનું જીવન બદલી શકે, એમ તે કહે છે. આદિવાસી યુવતીઓ રાજ્ય સ્તરની અને રાષ્ટ્ર સ્તરની ફૂટબોલ ટીમનો હિસ્સો બની શકે એ જ રૂપાંતીનું ધ્યેય છે.
સંદર્ભ –
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=384315
https://www.thebetterindia.com/115495/rupanti-munda-international-footballer/
https://www.aahanfoundation.org/
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

માહિતી બદલ આભાર
LikeLike