વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

‘’વહુ-બેટા, હવે જઈને સૂઈ જાવ.”

અવાજ સાંભળીને સુધા ચમકી. જોયું તો સામે સસરાજી ઊભા હતા. એટલો તો સંકોચ થઈ ગયો કે, ચુપચાપ માથું નમાવીને બાલ્કનીમાંથી અંદર ચાલી આવી. પોતાના દુર્ભાગ્યની પીડામાં એટલી તો વ્યથિત હતી, પણ તેથી બીજાને વ્યથા થાય એવું કરવાનો એને શું અધિકાર હતો?

“વહુ-બેટા, સાંભળો તો જરા. મેં તમને એક વાત કહી હતી એના અંગે વિચાર્યું?” ચૌધરીજીએ એને ઊભી રાખી.

“ના, મારાથી એ શક્ય નહીં બને.”  ચીસ પાડતી હોય એવા ઊંચા અવાજે બોલીને એ ગાંડાની જેમ પોતાના રૂમમાં જઈને ધ્રુસકેધ્રુસકે રડી પડી.

******

સુધા એના પિતાનું એક માત્ર સંતાન, નાનપણથી જ અત્યંત લાડેકોડે એનો ઉછેર. દુઃખ એટલે શું એની સુધાને ક્યાં ખબર?

સુધાની પસંદગીના યુવક સાથે નાની ઉંમરમાં જ લગ્ન નિર્ધાર્યા. યુવકમાં તમામ યોગ્યતા હતી. બસ, એ ફોજમાં કામ કરતો હતો એ એક જ વાત માતાને ખટકતી હતી. માની જેમ સગાંવહાલાંઓએ પણ ઘણો વિરોધ કર્યો, પણ સુધાની મરજી આગળ અંતે નમતું જોખવું પડ્યું. અત્યંત આનંદ, અનેકની મંગળકામના સાથે ભારે ધામધૂમથી અનિલ સાથે એ પરણી.

“આવતા વર્ષે તારા દીકરા માટે પારણું લઈને આવીશ.” એની ખાસ સખીનો પણ ઉત્સાહ સમાતો નહોતો.

નાનપણથી જ સુધાને રાણી પદ્માવતી, લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાની વાતોમાં ભારે રસ. દેશ માટે ઘોડે ચઢવાનું, તલવાર ચલાવવાની, મરી ફીટવાની વાતોથી એ ભારે અભિભૂત થતી.

“બાપુ, મારું લગ્ન એવા વર સાથે કરજો જે સાહેબ જેવો દેખાતો હોય. ખુદ વિમાન ચલાવીને મને આસમાનની સફરે લઈ જાય. વાઘ-વરૂ કે સિંહ આવે ને તો બંદૂકથી એનોય સામનો કરે. સામે કોઈ દુશ્મન આવે તો શિવાજીની જેમ તલવારથી એને મારે.” સાવ નાનકડી હતી ત્યારથી એ કહેતી.

“અરે, મારી દીકરી તો ઘોડે ચઢીને જાતે જ વર શોધી લાવશે.” ખુશહાલ સ્વરે બાપુ કહેતા.

“ના બાપુ, વર તો તમે જ શોધજો.” એ લાડથી કહેતી.

“હા દીકરા હા, તું કહીશ એમ કરીશ. ખુશ?”

એ સમયે હસતાં હસતાં કરેલી વાતો યાદ આવી. દીકરીનું દુઃખ, પરિવારજનોનાં વ્યંગબાણ સુધાના પિતાના હૃદયમાં શૂળ બનીને ભોંકાઈ રહ્યાં હતાં.

*******

સુધા લગ્ન કરીને સાસરે ગઈ ત્યારે તો જાણે આસમાનમાંથી ચાંદ ઊતરી આવ્યો એમ એનાં સાસુમા હરખાયાં. સુધાનો નિર્દોષ ચહેરો જોઈને અનિલના પિતાને એની પર વહાલ ઉમટી આવ્યું. સ્વજનો પણ ચૌધરી પરિવારના ભાગ્ય પર ઓવારી ગયાં.

અનિલ એરફોર્સમાં નોકરી કરતો હતો. લગ્ન માટે અનિલે એક મહિનાની રજા લીધી હતી. લગ્ન પછી સુધાને આસમાનની સહેલ કરાવશે એવી કલ્પના કરતો. અનિલ સુધાનાં સૌંદર્યને ચંદ્રની ચાંદની સાથે સરખાવતો. સપનામાં પ્રિયતમા માટે ઝગમગતા તારા જેવી ચાદર વણતો.

અને સુધા? એ તો અનિલને પામીને સપનાંની દુનિયામાં વિહરતી હતી. કેવુંય ભાગ્ય લઈને એ આવી છે કે, એને જેવો જોઈતો હતો એવો જ પતિ એ પામી છે. અનિલને બાપુજીએ ક્યાંથી શોધ્યો હશે, એ વિચાર માત્રથી એનું રોમરોમ આનંદિત થઈ જતું.

અનિલની રજાઓ મંજૂર થઈ ગઈ હતી. મધુરજનીની માટે દાર્જિલિંગ જવાની તૈયારીઓ આદરી દીધી. ભરપૂર ખરીદી થવા માંડી.

“અરે, તેં આજે બિંદી પણ નથી કરી?” કહીને ચાંદીની ડબ્બીમાંથી સુધાના ભાલે સાસુમાએ બિંદી કરી આપી.

“અરે હા મા, ભૂલી જ ગઈ.”

“સાવ ઘેલી. ન ખાવાની ચિંતા, ન સૂવાની ચિંતા. ઘરમાં પહેલાં એક ઘેલો ઓછો હતો કે આ બીજાનો વધારો થયો. કોણ સંભાળશે આ બંનેને?”

“કેમ? એક તું અને બીજો હું. આપણે બંને થઈને સંભાળીશું.” ચૌધરીજી હસતાં હસતાં બોલતા.

“જો જરા, આ સહેજ અમસ્તી બિંદી કરી એમાં ચહેરો કેવો શોભી ઊઠ્યો? અને હા, સાંભળ, લે આ રૂપિયા. અનિલને કહ્યા વગર થોડા તારી પર્સમાં અને બાકીના સાચવીને બેગમાં મૂકી રાખજે. બધા રૂપિયા ખર્ચાઈ જાય તો કામ લાગશે. અને બેગ પણ ખોવાઈ જાય તો ચિંતા કર્યા વગર ટેલિગ્રામ કરી દેજે. ટી.એમ.ઓ.થી રૂપિયા મોકલી દઈશું.”

ઘરમાં ભારોભાર આનંદનું વાતાવરણ હતું. હજુ તો જમી પરવારે એટલામાં બહારથી નોકરે આવીને અનિલના હાથમાં એક અર્જન્ટ ટેલિગ્રામ મૂક્યો.

દેશ પરના સંકટને લીધે યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી. અનિલની રજાઓ રદ કરવામાં આવી હતી. અનિલને આ જ ક્ષણે ફરજ પર હાજર થવા નીકળવાનું હતું.

બાબુજીએ એક ઊંડો નિસાસો નાખ્યો. માની આંખો આંસુથી છલકાઈ અને સુધા? એ તો અંદરથી ખળભળી ઊઠી. દોડીને બાલ્કનીમાં ચાલી ગઈ.

“સુધા, તારી ચિંતા સમજુ છું.  આમ તો તારા માટે આ ગૌરવની વાત કહેવાય ને કે, દેશ અને નાગરિકોની સુરક્ષા માટે હું જઈ રહ્યો છું. તારો પ્રેમ અને શુભકામના હંમેશાં મારી સાથે જ હશે.” માંડ આટલું બોલી શક્યો.  સુધાના ચહેરા પરની વેદના જોઈને આગળ શું કહેવું એની સમજ ન પડતાં એ રૂમ તરફ ચાલ્યો. સુધા પત્થરની જેમ જ બાલ્કનીમાં જ ખોડાઈને ઊભી રહી. આંખમાંથી વહેતાં આંસુની વચ્ચે નજરથી દૂર જતી અનિલની ધૂંધળી છાયા જોઈ રહી.

એ ક્ષણથી જ સુધાની પ્રતીક્ષા શરૂ થઈ. જેમ દિવસો પસાર થતા એમ એની અધીરાઈ માઝા મૂકવા માંડી.

અનિલ આવશે, બંને જણાં મધુરજની માણશે, એવાં સપનાં જોઈને જાતને આશ્વત રાખવા મથતી. કોણ જાણે વિધિએ શું નિર્માણ કર્યું હશે! એની આશા પર ઘોર કાલિમા લેપાઈ ગઈ. સુધાનું જીવન અંધકારમય બની ગયું. અનિલ જેવા અનેક ફોજીને લઈ જતા જહાજને જ દુશ્મનોએ નષ્ટ કરી દીધું હતું.

શ્વેત સાડીમાં લપેટાયેલી, અલંકાર-વિહીન સુધાનો માસૂમ ચહેરો જોઈને એનાં સાસ-શ્વસુરનો આત્મા કકળી ઊઠતો. સુધાની હાજરીમાં જાતને સંયમિત રાખવા મથતી એની સાસુ સુધા આસપાસ ન હોય ત્યારે ખૂબ રડી લેતી.

અંતે ચૌધરીજીએ હિંમત કરીને પત્નીની સંમતિ લઈને પોતાના મનની વાત સુધા પાસે રજૂ કરી. “બેટા, તારા ભવિષ્ય માટે, અમારા જીવની, અનિલના જીવની શાંતિ માટે થઈને હું તારા લગ્ન કરવા માંગું છું.”

કોઈ અન્ય સાથે લગ્ન? સુધા કલ્પનામાં પણ વિચારી શકતી નહોતી.

સુધાની ચિંતામાં ચૌધરીજીના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી. એમણે પથારી પકડી. સુધા સમજતી હતી, પણ સ્વીકારી શકતી નહોતી. અંતે બાબુજીના કથળતા સ્વાસ્થ્યને જોઈને અનિચ્છાએ તૈયાર થઈ.

સુધાની સંમતિ પછી ચૌધરીજીના સ્વાસ્થ્યમાં સુધારો વર્તાવા માંડ્યો. લગ્નની તૈયારી થવા માંડી. ફરી એકવાર સુધાના હાથે મહેંદી મૂકાઈ, ફરી એ નવવધૂનાં શણગારમાં શોભી રહી. કોઈ ઉતાવળ ન હોય એમ અનિલને છેલ્લો જોયો હતો એ જ બારી પાસે સુધા સ્થિતપ્રજ્ઞની જેમ ખોડાઈને ઊભી હતી.

“અરે, ભારે ઉત્સુકતાથી વરરાજાની રાહ જુવે છે ને કાંઈ?” સહેલીઓએ મઝાક માંડી.

“વરરાજા, ક્યાં છે વરરાજા? “કહેતી સુધા દોડી અને સમતુલા ગુમાવીને નીચે પડી.

ધડા….મ.

માથામાં ઊંડો ઘા થયો. લોહીની ધારા વહી રહી. સુધાએ ચેતના ગુમાવી દીધી.

આ એ જ સંધ્યાનો સમય હતો જ્યારે અનિલની ધૂંધળી થતી છાયા રક્તરંજિત બનીને ક્યાંક વિલીન થઈ હતી.

હાથમાં મહેંદી, પૂર્ણ શૃંગાર સજીને પતિ સાથે મધુરજની માણવા સુધાનો આત્મા ચાલી નીકળ્યો ત્યારે એના માથાના ઘાનું રક્ત એને સૌભાગ્યવતી બનાવતું સેંથી સુધી રેલાઈ રહ્યું.


ડૉ. શોભા ઘોષ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.