ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

જિગીષા દિલીપ

જીવનમાં મોજ કોણ કરી શકે? જે ખૂબ વિદ્વાન છે તે, જેણે ખૂબ વાંચ્યું છે તે કે જેની પાસે ખૂબ પૈસા છે તે ?

ના, તમે આવા ભ્રમમાં હોવ તો તરત જ તેને દૂર કરો. તમને એક એક ઉદાહરણ સાથે વાતો કરતા કરતા ધ્રુવદાદા ‘સમુદ્રાન્તિકે’ ની કથામાં  સમજાવી દે છે કે, આ દરિયા કિનારે વસતા લોકો ભણેલાં નથી, તેમની પાસે એક ટંક ખાવાનો રોટલો અને કાંદો છે, પણ  તેઓ કોઈ ફરિયાદ વગર મોજથી જીવે છે. તેમનું  હ્રદય દરિયા જેટલું વિશાળ છે. તેમણે વેદ, ઉપનિષદ વાંચ્યાં નથી, પણ તેમને માણસ માણસ પ્રત્યે અખૂટ પ્રેમ છે. પ્રકૃતિ, પશુપંખી અને પરમની બનાવેલ સમગ્ર સમષ્ટિને તે સાચા હ્રદયથી મનભરીને પ્રેમ કરે છે. સચ્ચાઈથી ચાહે છે. જેમાં ક્યાંય દેખાડો કે દંભ નથી અને તે અનુભવને આપણી સાથે વહેંચી દાદા આપણને પણ એ જ નિર્દોષતા સાથે સરળતા અને સહજતાથી પ્રેમ કરવાનું શીખવે છે.

‘સમુદ્રાન્તિકે’ માં ધ્રુવદાદાએ દરિયા કિનારે વસતા લોકોની વાતચીતમાંથી તારણ કાઢી, સંવાદોમાં જે શબ્દો મૂક્યાં છે તે ખરેખર એક એક વાક્યમાં આપણને જીવનનું  તત્વજ્ઞાન  પીરસી જાય છે. એક વૃદ્ધ સ્ત્રી  જે ચાલી પણ નથી શકતી, તે  દરિયે નહાવા આવે છે. તેને  જ્યારે કહેવામાં આવે છે કે “એક ડોલમાં દરિયાનું પાણી લાવી આપીએ,તમે તેનાથી નાહી લો.”

ત્યારે તે કહે છે,” દરિયો કંઈ ડોલમાં ના સમાય.” કેટલી મોટી વાત કરી આ વૃદ્ધાએ ! દાદા કહે છે, આ વૃદ્ધ સ્ત્રી  ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પણ તેને અહીં લાવનાર માત્ર ધર્મ નથી. તે તો તેના દરિયાને મળવા આવી છે. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા – છીપલાની ભેટ ધરીને શણગાર્યું છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે. તેના સમગ્ર જીવનનાં કડવા-મીઠાં સ્મરણોનો જે સાક્ષી રહ્યો છે. એ દરિયો આ વૃદ્ધાને સાવ પોતીકો લાગે છે. તેને દરિયાને મળવું છે કારણ તે તેના દરિયાને અઢળક પ્રેમ કરે છે, તે તેના પ્રેમમાં ભીંજાઈ જીવનની પાછલી અવસ્થામાં આનંદ લેવા ઈચ્છે છે.

સમુદ્રાન્તિકેનો નાયક,રાત્રે ક્રિષ્ના સાથે દરિયામાં શઢવાળી હોડીમાં સફર કરી રહ્યો હોય છે, ત્યારે પણ ક્રિષ્ના કહે છે, ”બધાંને બે જણ હંકારે, એક ઉપરવાળો ને બીજો દરિયો.’ ભગવાન જેટલી જ  લાગણી, પ્રેમ અને મહત્વ તેઓ દરિયાને આપે છે અને આ ખારાપાટનાં લોકોનો પ્રકૃતિનાં સર્જનપર પ્રેમ જોઈ, આપણો દૃષ્ટિકોણ પણ દરિયા માટે બદલાઈ જાય છે.

સુખી માણસ કોણ? કે સુખની વ્યાખ્યા શું ? મોજમાં જિંદગી કેવી રીતે ગુજારાય ? તેનો સુંદર સંદેશ પણ આ દરિયા કિનારે વસતા લોકો આપણને આપે છે. દરિયા કિનારાની આ પથરાળ જમીનમાં અનાજ પકવવું કેટલું અઘરું છે? ભર બપોરની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં કામ કરતાં ખેડૂત આદિવાસીને જ્યારે નાયક પૂછે છે ,

“કેમ છે?”

ત્યારે તે જવાબ આપે છે,

“હાકલાં છીએ.”

એટલે કે ખૂબ મઝામાં છીએ અને ધ્રુવદાદાના સૌને ખૂબ ગમતાં ગીતનું સર્જન  થાય છે.

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલી ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે
આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે. 

ધ્રુવદાદાનું સૌને ખૂબ ગમતા આ ગીતમાં દાદા કહેવા માંગે છે,

આપણી પાસે પ્રભુની કૃપાથી બધું જ હોવા છતાં કોઈ પૂછે કે ,”કેમ છો ?”તો આપણને અનેક ફરિયાદો હોય છે. આ આદિવાસી ખેડૂત પાસે ફાટેલા કપડાં, માથે ધગધગતો તપેલો સૂરજ, કાળીમજૂરીને અંતે પરાણે મળતો રોટલો અને રહેવા માટે નાની ઝૂંપડી છે છતાં પણ એ આનંદસભર જિંદગી જીવે છે. પોતે રસ્તે જનારને પણ પોતાનો સાવ અંગત હોય તેમ “બાપા ! હાકલા છીએ” તેમ કહે છે.

જિંદગી કેમ જીવવી જોઈએ ? ફરિયાદ વગર મોજથી, તે આ નાના માણસ પાસેથી શીખવાનું છે. તે તો દરિયા પાસે રહી દરિયાની જેમ જ હિલ્લોળા લેતો પોતાનું જીવન ગુજારે છે.

 તેણે તો તેનાં ફાટેલા ખિસ્સામાં પણ પોતાની મોજને  સાચવીને મૂકી છે. તેની પાસે કોઈ  કિંમતી ખજાનો નથી પણ તેના આનંદ અને મનની મોજનો ખજાનો કિંમતી દરદાગીના અને પૈસાથી પણ વધારે છે. એની ભીતરની મોજ એટલી મોટી છે કે તેને પેટી પણ નાની પડે છે. એ એના, અંદરનાં આનંદથી એટલો છલોછલ છે એટલે રસ્તે જતાં આવતાં લોકો પણ તેને પોતાનાં લાગે છે. એને ક્યારેય એકલાપણું લાગતું નથી. આનંદથી હર્યોભર્યો આ દૂબળો, હંમેશા મેળામાં ફરતો હોય તેવો આનંદ અનુભવે છે. તેને ક્યાં જવાની જરૂર છે હિમાલયમાં તપ કરવા કે શાસ્ત્રોને વાંચવાંની !

અને આ મસ્તમૌલા આદમીને જોઈ ધ્રુવદાદા આગળ ગાય છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાંઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમીયે  જાય મારી ઉપર આકાશ એમનેમ છે
આપણે તો કહીએ કે દરિયા -શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

જીવનની કઠિનાઈઓ સાથે જીવતાં આ નિર્મળ હૃદયનાં લોકોનાં જીવનમાં આંખમાં પાણી આવી જાય એટલી મુશ્કેલીઓ આવે છે પણ તેની સામે તેઓ ઝઝૂમે છે, પણ તેમની ભીતર રહેલી પ્રેમની ,લાગણીની તેમજ દરેક માનવને સૃષ્ટિનાં સર્જનને અને તેના થકી પરમને ચાહવાની ભીનાશ ઓછી નથી થતી. દરિયાની ભરતી ઓટની ચિંતા કિનારાને કરવી હોય તો કરે, દરિયો તો તેની જરાયે પરવા કરતો નથી. એવી રીતે  દરિયા કિનારે વસતાં માનવીઓ પણ સૂરજ આથમે કે ઊગે, સુખ દુ:ખ આવે અને જાય પરતું આકાશની જેમ અડગ રહી તેમનો જીવન જીવવાનો સિદ્ધાંત અને સરળતા, નિખાલસતા અને પ્રેમને એમનેમ રાખીને મોજમાં જીવે છે. તેમજ દરિયાશી મોજને પણ કુદરતની રહેમ સમજે છે.

 ધ્રુવદાદાનું આ ગીત દુનિયાનાં દરેકે દરેક માનવીને કેટલી મોટી શીખ આપી જાય છે ! આપણે માત્ર ને માત્ર આ ગીતને યાદ રાખીને જીવીએ તો પણ હંમેશા ખુશી અને આનંદથી દરિયા જેવી મોજમાં જીવી શકીએ.