વનિતાવિશેષ
રક્ષા શુક્લ
આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !
– મારિના ત્સ્વેતાયેવા
અનુવાદ: પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા
નારીક્રાંતિનું ઝળહળ લઈને આવતું ચોવીસ કેરેટનું કુંદન એટલે કુન્દનિકા કાપડિયા. કુન્દનિકા મૃત્યુ પામ્યા એવું કહેવા કરતા ‘paased away’ એવું કહેવું વધુ ગમે છે. કારણ કે સહજ રીતે એમના આત્માની એક ખૂબસૂરતી સાથે તેઓ અહીંથી પસાર થયા. જે પારદર્શક હતો. માણસ તૂટી પડે અને મૃત્યુ પામે. ઈશાજી જિંદગીભર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભા રહ્યાં અને મૃત્યુ પામ્યા. કોઈ ઉત્તમ સર્જક કે કલાકારની વિદાયથી જ્યારે આપણે ખળભળી ઉઠીએ, મૃત્યુ સામે ‘Why ?’નો વંટોળ લઈ મન ચકરાવે ચડે ત્યારે સમજાય કે એમના સર્જનથી તેઓ આપણા અસ્તિત્વમાં સાવ ઓગળી ગયા હોય છે. આપણો અંતરંગ હિસ્સો બની ગયા હોય છે. એણે જ આપણી સારી-નરસી લાગણીઓને ઘડી હોય છે, ઉછેરી હોય છે, પંપાળી હોય છે..અરે, ક્યારેક છંછેડી પણ હોય છે. એટલે જ આપણી વાતો, સર્જન કે વિચારોમાં એ સર્જકના વિચારો પડઘાયા કરે છે. કદી ન ભરી શકાય તેવો ખાલીપો એ ભાવકની ભીતર મૂકી જાય છે. ઇશા કુન્દનિકા એક એવી જ એક હસ્તી, એવા જ ઘુસણખોર સર્જક જેણે સૌ વાચકોના હ્રદયમાં એક અલગ સ્થાન બનાવી અડીંગો જમાવ્યો. ગુજરાતી સાહિત્યને ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ જેવી ઉત્તમ કૃતિઓ આપનારાં સર્જક કુન્દનિકાબહેનનું ૯૩ વર્ષે વલસાડસ્થિત નંદીગ્રામ આશ્રમમાં અવસાન થયું. સાહિત્યકાર વર્ષા અડાલજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “એક સ્ત્રી તરીકે, પોતાનાં સ્વપ્નો માટે જીવવું, પોતાના આદર્શોને અનુરૂપ એક સમાજનું નિર્માણ કરવું એ સૌથી મોટી વાત છે. આ કામ કુન્દનિકાબહેને આ જ સમાજની વચ્ચે રહીને કરી બતાવ્યું. તેઓ પોતાના કામ થકી અનેક જીવનને સ્પર્શ્યાં છે.”

કુન્દનિકા મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર છે. નારીમુક્તિ અને પુરૂષ સમકક્ષ સામાજિક દરજ્જામાં માનનાર અને ખરા અર્થમાં જીવનવિકાસનાં સહપથયાત્રી તરીકે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનાર પોતાના જીવનમૂલ્યોને ઉદારભાવે ખુલ્લા મનથી સમજનાર વિચારશીલ એવું સુધારાવાદી પ્રબુધ્ધ પાત્ર મળે તો જ લગ્ન કરવું નહીતર કુંવારા રહીને સાચા અર્થમા કર્મશીલ જીવન વિતાવવું આવા દ્રઢ નિર્ધાર સાથે જીવન જીવતા કુન્દનિકા કાપડિયામાં જીવનમૂલ્યો પ્રત્યેની દ્રઢ આસ્થા અને ધૈર્ય સૌના માટે પ્રેરક બને એમ છે, આના જ પરિણામ સ્વરૂપે કદાચ ૧૯૬૮માં મોટી વયે મકરંદ દવે જેવા પ્રતિભસંપન્ન અને તત્વદર્શી પ્રબુધ્ધ કવિ સાથે એમનાં લગ્ન થયાં. કવિ શ્રી મકરંદ દવે સાથે લગ્ન સંબંધે જોડાયા પછી તેઓ ‘સ્નેહધન‘થી ઓળખાવા લાગ્યા. પહેલા તેમણે ફ્રિલાન્સ લેખિકા તરીકે કામ કર્યું. ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ સામાયિકમાં અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’માં સંપાદક તરીકે કામ કર્યું. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે ધરમપુર નજીક વાંકલ ગામે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. નંદીગ્રામ આશ્રમના પાયામાં કુન્દનિકાબહેન અને મકરંદ દવેના આદિવાસીઓને પગભર કરવાના આદર્શો છે. આ વિસ્તારમાં રહેતાં આદિવાસી લોકોને જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને સ્વાવલંબી બનાવવા નંદીગ્રામ કામ કરે છે. પોતાના અંગત મિત્રોમાં ‘કુંદન’ તરીકે અને નંદીગ્રામમાં અને સાહિત્યજગતમાં ‘ઈશામા’ તરીખે ઓળખાતા.
કુન્દનિકાજીના સર્જનમાં પ્રકૃતિ દ્વારા, મનુષ્યત્વ અને સ્નેહની પ્રતિષ્ઠા દ્વારા પરમતત્વને પામવાનો મહિમા છે. ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ સામાન્ય માણસ જીવનના મુલ્યોને ત્યજતો નથી. એ વિપરીત સંજોગોમાં પણ લડે છે. ટકે છે અને જીતે છે. આ રીતે માનવ મૂલ્યોને એ કોઈ વ્યક્તિ કે ઘટના સંદર્ભે શોધવા કે સમજવા પ્રેરે છે. સાત્વિકતા તરફ દોરી જતું વિચારદોહન તેને ઉર્ધ્વ તરફ ગતિ કરાવે છે. વાસ્તવ સાથે નિસ્બત લઈને આવતી તેમની કૃતિઓ દર્શાવે છે કે તેઓ સમાજઘડતર માટે સતત પ્રયત્નશીલ છે. એથી જ એક ચિંતનશીલ સર્જક તરીકે તેઓનું પ્રદાન ખૂબ પ્રભાવશાળી અસરકારકતા ઉપજાવે તેવું છે. આપણા ઉત્તમ સર્જકો ધૂમકેતુ ,શરદબાબુ અને ટાગોર તેમજ શેક્સપિયર અને ઈબ્સનમાંથી તેમને પ્રેરણા મળેલી. આ ઉપરાંત તેમણે જે કાંઈ વાચ્યું એની અસર એમના પર થતી ગઈ અને તેમના રસ-રુચિ ઘડાતા ગયા અને સાહિત્ય દ્વારા સમાજને કશુંક આપવાની ભાવના પ્રબળ બનતી ગઈ.
અભ્યાસનિષ્ઠ સુશિક્ષિત સર્જક કુન્દનિકાજીના અહેસાસ અને અભિવ્યક્તિ વાચકોના ભીતરને સ્પર્શી, મન-હૃદય પર અંકિત થઈ ગયા છે. વાચકના અસ્તિત્વમાં એ એવા ભળી જાય છે કે જે પછી હયાતી હિલ્લોળા લેતી ઝૂલવા લાગે છે. સુકુનના ‘સ’માં ઝબકોળાઈને જિંદગી સાક્ષીભાવના સમ્યક ‘સ’ના સરનામે પહોંચી જાય છે. ‘પરોઢ થતા પહેલા’ જ એ જાણે ‘ચંદ્ર, તારાં, વૃક્ષ, વાદળ’ને સ્પર્શે છે. અંતરના ઉઘડતા દ્વારે ‘વધુ અને વધુ સુંદર’ને પામીને વાચકમાં ‘વસંત આવશે’ની શ્રદ્ધાને સીંચે છે. એટલે જ પછી ઝરુખે બળતા દીવાનું મંદ મંદ અજવાળું સતત રેલાયા કરે છે અને શાતા આપે છે. ભીતરમાં ભળી ગયેલી એક ગમતીલી હસ્તીની હાજરી આપણને આપણી જ ઓળખ ભણી દોરી જાય છે. આપણે આપણને જ જડી જઈએ છીએ. જાણે એનું સર્જન એ આપણા જ મનને વાચા આપતું હોય એવું અનુભવાય છે. એક નવો-નૂતન સંબંધ લેખકના પાત્રો સાથે જન્મ લે છે અને એ ભાવકને હસાવે છે, હરખાવે છે, રડાવે છે, મહેકાવે છે, ફણગાવે છે, ઝુલાવે છે, બેઠો કરે છે, સીંચે છે, સહેલાવે છે, સંકોરે છે…
તેઓની વિશેષ રસરુચિ ટૂંકીવાર્તા લેખનમાં હતી. તેઓ જે ઘટનાઓનું નિરૂપણ કરતા તેની પાછળના પરિબળો અને વૈચારિક ભૂમિકામાં એમને વધુ રસ પડતો. આ સંદર્ભે બહુ ગણ્યાગાંઠ્યા વાર્તાકારો જોવા મળે છે. એમના દ્રષ્ટિકોણમાં રસાળ શૈલી સાથેનું ચિંતન જોવા મળે છે. કુન્દનિકાજીએ પ્રકૃતિ અને ફિલસૂફી જેવા વિષયોને પણ વિશેષ રીતે પ્રયોજ્યા છે. ‘પરોઢ થતા પહેલા’ની એમની વાર્તાઓમાં વારંવાર એવું ફલિત થતું લાગે કે જીવનમાં આવી પડેલી વિપદાઓને, દુઃખના તત્વને અતિક્રમીને માણસે આનંદરૂપ અસલ સત્વ સાથે અનુસંધાન સાધવું જોઈએ. નવલકથા ‘અગનાપીપાસા’માં બૌદ્ધિક કરતા સ્નેહભીના હૃદય પર વધુ આસ્થા પ્રગટ કરે છે.
એમના અનેક કથાનકમાં સમાજના વિવિધ સ્તરમાંથી આવતી નારીને કુન્દનિકાજીએ બહુવિધ સ્વરૂપોમાં વર્ણવી છે. એ સમૃધ્ધ કે ગરીબ, શિક્ષિત કે અલ્પશિક્ષિત, ઉજળિયાત કે પછાત કોઈ પણ હોય શકે. નારીજીવનની જટિલ અને ગુઢ સમસ્યાઓમાંથી એ ઉપસી આવે છે. આપણા દંભી, સ્વાર્થી અને પુરુષપ્રધાન રૂઢિગત સામાજિક માળખામાં પીસાતી સ્ત્રીની પીડાને તે ઉજાગર કરે છે. બદલાતા સમયને અનુસરીને ક્યાંક વિચારોમાં પરિવર્તન આવ્યું છે ખરું. જેને લઈને સ્ત્રી સ્વતંત્ર રહીને વૈયક્તિક આદરસન્માન પામી છે. પરંતુ પુરુષ બરોબરીનો દરજ્જો હજુ એને નથી જ મળી શક્યો. અન્યાય, અત્યાચાર અને અપમાન જાણે એની નિયતિ છે. નારીમુક્તિ માટેનો પ્રબળ વિદ્રોહ કુન્દનિકાનાં લેખનમાં સતત તારસ્વરે પડઘાય છે.
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત દીર્ઘનવલ ‘સાત પગલાં આકાશમાં’ બહુચર્ચિત થઇ છે. સમાજમાં વિવિધ પ્રકારે થતા સ્ત્રીના શોષણની વાત અહીં આલેખાઈ છે. ‘સાત પગલા આકાશમાં’ – લેખિકા ‘આદર્શ’ નહીં પરંતુ ‘સાચી’ સ્ત્રીનું ચિત્ર રજૂ કરે છે. સ્ત્રી અબળા નહીં પણ ‘અતિબળા’ એવી નારીશક્તિ છે. અહી મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અંગ્રેજી ભાષાના જાણીતા નારીવાદી લેખિકા શશી દેશપાંડે પણ સ્ત્રીઓ ગૃહિણી તરીકે વૈતરું કરી પોતાની ઓળખ, સંવેદનશીલતા અને સર્જકતા ગુમાવી બેસે છે એનું ચિત્ર આલેખતા કહે છે કે ‘She has lost her name. She is known as somebody’s wife, somebody’s sister, somebody’s mother or daughter. Who is this ‘sombody’ ? નારીવાદના પ્રથમ પગરવ સમા ઇબ્સનના ‘ઢીંગલી ઘર’ નાટકમાં આપણને ગૃહત્યાગ માટે ઉંબર બહાર ડગ મૂકવા જતી નોરાના મુખે નારીવાદી સૂર સંભળાય છે. તેમ કુન્દનિકાજી પણ અણીદાર પ્રશ્ન પૂછી બેસે છે કે…
“કામ કરવા માટે પતિનું ઘર
આરામ કરવા માટે માનું ઘર,
તો પછી પોતાનું ઘર ક્યું ? “.
સ્ત્રી હોવાથી સતત અવહેલનાનો અનુભવ થવો એ દુ:ખદ સત્ય છે. ‘એ રૂમ ઓફ વન્સ ઓન’માં વર્જિનિયા વૂલ્ફ મેરી બેટનના પાત્ર દ્વારા પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોને વાચા આપે છે. મેરી બેટન કહે છે, ‘દરવાજા બહાર પુરાવું એ દુઃખદ છે તો એથી વધુ દુઃખદ દરવાજા અંદર પુરાવું છે.’
પરંતુ ઓશોથી પ્રભાવિત એવા નીડરપણે જીવનારા અમૃતા પ્રીતમ તો નારીશક્તિને ઝંઝોડતા કહે છે કે ‘No destiny is responsible, you have to creat yourself. Be your own effect. The total responsibility is yours. આવો, અંતમાં સાત પગલા આકાશમાં’ની નાયિકા વસુધાના મુક્તિના આકાશમાં ડોકિયું કરીએ.
”વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પોલી આંગળીઓમાંથી સરવા દીધી.
થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઇ ગયું….
બધું કાળના પ્રવાહોમાં વહી ગયું હતું.
હવે સામું હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર
તારાઓથી ઝળક્તું આકાશ.”
ઇતિ
આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું હું વધુ પસંદ કરું છું.
-એમર્સન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
