કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

મૂળે તો આપણે એને વસવાટ કરાવ્યો હતો ખારી જમીનની સુધારણા માટે. ખારી જમીનમાંથી ખારાશ ઓછી કરવાના ઘણા પ્રયોગો માંહ્યલો ગાંડા બાવળના વાવેતરનો પ્ણ એક પ્રયોગ જ હતો. જ્યાં બીજા પાકો કે વૂક્ષો [ખારાશ સહન ન થવાથી ] નથી થઈ શકતા તે ખારી જમીનમાં ગાંડા બાવળ ઊછરી શકે છે. ધીરે ધીરે કરતાં ખૂબ સારી રીતે વકરી પણ શકે છે. પાંચ સાત વર્ષ ઉભો રહેવા દઈ તેને કાઢી નાખવામાં આવે તો તે જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટી ગયેલું હોય છે. અને તેમાં ખેતીના બીજા કેટલાક ખાસ પ્રકારના પાકો અને વૃક્ષો ઉછરવા લાગી જાય છે. એટલે ખારી જમીનમાં બીજા પાકોનો પ્રવેશ કરાવવા, આગળ આગળ લાઇન ક્લીયર કરાવવા આમંત્રણ આપેલું.

અને એવું જ બીજું કારણ કચ્છના રણને આગળ વધતું અટકાવવા – રક્ષણ કરવાનું કામ ગાંડા બાવળને વાવીને શરૂ કરેલું. પણ પછી તો એ બાવળની વૃદ્ધિ અને વિકાસે આપણી આંખો આંજી દીધી. તેને આપણે મહેમાન મટાડી ગ્રીનકાર્ડ જ ધરી દીધું ! તેમાં એનો ક્યાં દોષ જ છે ?

બધાં દર્દમાં એક જ દવા ! : શેઢે પાળે બહુ ઝડપથી વાડ કરવા ક્યુ વૃક્ષ પસંદ કરવું ? તો કહે કરો ગાંડો બાવળ ! ઊછેરી દ્યો એને શેઢે. સડકના કાંઠે.! બિયાં વાવો ફોરેસ્ટની નર્સરીમાં અને કરો રોપડા તૈયાર ! વરસાદ થયા ભેળા રોપી દ્યો સુવાળા વૃક્ષોનાં   ખામણાની ફરતી ધારે આ ગાંડા બાવળના રોપડા ! વાડી માહ્યલા ફળઝાડોને પવન બહુ લાગે છે ? તો પવનની ગતિ મારી નાખે અને જલ્દી જલ્દી તૈયાર થાય તેવું વૃક્ષ ક્યુ ? તો કહે ગાંડો બાવળ ! લગાડી દ્યો વાડ્યે અને બનાવી દ્યો વિંડબ્રેક ! અને માળો ગાંડો બાવળ પણ એવો જ ગાંડિયો ! વધવામાંયે એવો જબરો કે ન પૂછો વાત ! બે ત્રણ વરસમાં તો એનો અડાબીડ વિકાસ. નાની એવી દાતણ જેવી સોટીને જો થડિયેથી કાપી ? તો જોઇ લ્યો એની મજા ! એને ખીજવ્યો એટલે વાત ગઈ, ઇંટનો જવાબ પથ્થરથી ! બમણા ને ત્રમણા જોરથી એકની જગ્યાએ નીકળે ત્રણ-ચાર પીલા ! રાજાના કુંવરની જેમ જોત જોતામાં પહોંચી જાય ક્યાંયના ક્યાંય ! અને એનો કાંટો પણ કેવો ખબર છે ને ? તીરખી સાથે દેશી બાવળની જેમ “વેલ્ડિંગ” થી લગાડેલ નહીં, પણ “મોલ્ડિંગ” કરી તીરખીની ભેળો જ બનાવેલો તારની ચૂંક જ જોઇ લ્યો ! તૂટવા-બૂટવાનું નામ લે એ બીજા ! જે ખારી જમીન પચાવી જાણે, તે મીઠી જમીનમાં શું કામ મોળો રહે? જમીનમાંથી પાણી પીવા ન મળે તો કંઇ વાંધો નહીં, હવામાંથીજ ભેજ પી લેતા આવડે બોલો !

ખેતર વાડીના શેઢે, સડકોની બાઉંડ્રી પર, તલાવડીની પાળે, ગામના ગોંદરે, વાડીની વાડ્યે, ગોચરની રાંગે, જ્યાં જગ્યા ભાળી ત્યાં આપણે મહેનત લઈને લગાડ્યા એને. પછી તો તેની પરડા-શીંગો ખાધી બધાં ગોચરમાં ભમતાં પશુઓએ. કઠ્ઠણ બિયાંને હોજરીની ગરમીમાં રાખી જલ્દી ઊગે એવું નરમ બનાવી દીધું. અરે ! વધારાની સગવડો તો એવી થઈ કે બધાં જ બિયાં પેટમાંથી બહાર નીકળ્યાં ફરતું છાણ-લીંડીનું આવરણ કરીને-ખાતરનું જ કવર પહેરીને ! ભેજ મળ્યા ભેળું  માંડે ઊગવા ને વિકસવા. આડે વગડે આપમેળે જ વિસ્તરણ કામ આરંભાયું. એને તો ભાવતું હતું ને વૈદે કીધું ! “ખારી” ને બદલે “મીઠી” મળવા માંડી ! ખાડા-ટેકરા કે ઊંચાણ-નીચાણનો એને ક્યાં વાંધો હતો જ ! એને મન તો સબભૂમિ ગોપાલકી. સમય જતાં આજે હવે કોઇ જગ્યા બાકી નથી કે જ્યાં ગાંડો બાવળ હાજર ન હોય ! અરે, જો ધ્યાન ન રહે તો વાવેતરવાળી વાડીમાંયે કબજો જમાવી દે એવી છે એની દાદાગીરી !

જો કે તે છે ત્રેવડવાળો, તેમાં ના તો ન જ કહી શકાયને ? બીજાં વૃક્ષોની સરખામણીમાં  જે કંઇ જમીન,પાણી, હવામાન મળે છે, તેમાંથી બધું પચાવી લઈ, બીજાથી સવાયો-દોઢો પોતાના દેહનો વિકાસ કરી જાણે છે. એટલે જ “બળિયાના બે ભાગ” કહેવત જેમ આજુબાજુમાંથી લોંટાઝોંટી કરી લે છે, એટલે બાજુવાળા દૂબળા રહે તે પણ સ્વાભાવિક જ છે ને ! ગાંડો બાવળ પણ છે તો વનસ્પતિનો જ જીવ, પણ બીજી વનસ્પતિઓ કરતા ચડિયાતી  એક કળા એવી એ જાણે છે કે બીજા ન મેળવી રહે તે પહેલાં એ ઝડપથી મેળવી જાય છે. એટલે બીજાથી ઊંચેરો દેખાઇ શકે છે.

જંગલમાં ફરતાં પશુ-પ્રાણીઓને તેનાં હરિયાળાં પાંદડાં તથા સ્વાદિષ્ટ શીંગોથી કાયમ નીરણ-ખાણમાં ટેકો પૂર્યો છે. જમીનને સૂકા પાંદડાંનાં પાલાનું ખાતર સમર્પિત કરી, વૃક્ષ તરીકેના પર્યાવરણીય લાભો જેવાકે પાણી જમીનમાં પચાવવું અને જમીન ધોવાણ અટકાવવા જેવા તો મળે જ છે. ઉપરાંત માણસ માટે કોલસા અને લાકડા-ઇંધણરૂપે ખૂબ પૂરાં પાડ્યાં છે.

 તો હવે શું ? :  પણ આજે હવે આપણા ખ્યાલમાં આવ્યું છે કે જો પાછા નહીં વળીએ, કંઇક ફેર નહીં વિચારીએ તો આ ગાંડા બાવળ એટલી માઝા મૂકતા જાય છે કે બીજાં વૃક્ષોને દબાવી દબાવી ક્યારે નેવકા નષ્ટ કરી દેશે એની આપણનેય ખબર નહીં રહે ! અને જ્યાં બીજા પાકોની અને વૃક્ષોની ખેતી સારી રીતે થાય છે ત્યાં પણ તે કબજો જમાવી લેનારા એ માતેલ સાંઢને મનફાવે તેમ બધે જ રખડવાનું બંધ કરવા નાથવો પડશે અને જ્યાં બીજા વૃક્ષો કે ખેતીપાકો નથી થતાં ત્યાં ખારી, નબળી અને આછી-પાતળી ભોંયમાં પાછો ધકેલવો પડશે.

સરકારશ્રીના ધ્યાન પર મોડી મોડી પણ આ વાત આવી છે, અને અત્યાર સુધી તેના રોપા ઉછેરી ફોરેસ્ટ ખાતા દ્વારા એના વાવેતર કરવાના બજેટ બનતાં હતાં ત્યાં હવે તેને જડમૂળથી ઉખેડવાના પૈસા મંજૂર કરવામાં આવે છે. જો ગાંડા બાવળ કાઢવા જ હોય તો તેને સ્થાને કોઇ બીજા વૃક્ષોને આમંત્રણ દેવું જોઇશે ને ? કાર્યક્રમ ક્યાંક ધરતીને વૃક્ષ વિહોણી કરવાનો ન થઈ જાય તે પણ ધ્યાનમાં રાખવું જોઇશેને ? ગાંડો બાવળ જે સારી અને મીઠી જમીનમાં પગ પેસારો કરી ગયો છે ત્યાંથી ઓછો કરીએ, કોઇ કોઇ જગ્યાએથી નેવકો પણ  કાઢીએ, પણ ડાહ્યા વૃક્ષો ઉછેરવાનું ન ભૂલીએ-તે પણ સાથોસાથ વિચારવું જોઇશે મિત્રો !

ડાહ્યા વૃક્ષો કોને કહેવા વગડે વાવવાનાં કેવા વૃક્ષો પસંદ કરવાં ?

બળતણ, ઘરવપરાશી લાકડકૂકડ, ચારો અને કંઇક અંશે ફળો કે પછી ઔષધીય ઉપયોગ આપી જાણે અને છતાં બધી જાતની વિષમ પરિસ્થિતિમાં ઊછરી જાણે એવાં વૃક્ષોનો આપણી પાસે તોટો નથી. એવી ત્રેવડવાળાં વૃક્ષો આપણા પર્યાવરણમાં આ રહ્યાં.

લીમડો : સારી, નરસી, ઉબડખાબડ, સાવ નબળી કે ગોરમટિયાળ જમીનમાં પણ લીમડો થઈ જાણે. તે સૌરાષ્ટ્રના પર્યાવરણમાં બડકંદાજ વૃક્ષ સાબિત થયું છે. તેનાં ફૂલ, છાલ, ગુંદર અને પાનનો માનવ આરોગ્યમાં મહત્વનો ઉપયોગ હોવા ઉપરાંત ફળ અને પાંદડાંનો ખેતીપાકોને જીવાતોથી રક્ષણ બક્ષવામાં બહુનામી ઉપયોગ સિદ્ધ થયો છે. લીમડાનાં લીલાં પાન દુષ્કાળમાં તો ઉત્તમ પણ કાયમ ખાતે એકાદી નીરણની ટેવ ઢોરને પાડી હોય તો પ્રેમથી ખાય છે. વાતાવરણ ચોખ્ખું રાખવું કે એવા બીજા ઘણા બધા હેતુ પોતે વૃક્ષ હોઇ, વૃક્ષ તરીકેના બધા લાભો આપી જાણે છે. કોઇપણ જગ્યાએ લીમડાનું વાવેતર આશિર્વાદરૂપ સાબિત થશે.

 સુબાબુલ : “સુબાબુલ” જેવું સોહામણું નામ નહોતું મળ્યું ત્યારે સૌ આ વૃક્ષને ‘પરદેશી આવળ’ કહેતા. બહુજ ચીડવું અને નકટું વૃક્ષ છે આ. એક વખત થોડા છોડ ઊછરી ગયા, એટલે નાની ઉંમરમાં જ ઢગલાબંધ બીજ પેદા કરી ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેનો ફેલાવો કર્યે છૂટકો કરે ! વાડી-વગડામાં જો એક વૃક્ષ દાખલ થઈ ગયું, તો કોઇની દેન નથી કે તેને આગળની વસ્તી વધારતાં રોકી શકે. તેનાં પાન માલઢોર ખૂબ ખાય. જો વ્યવસ્થિત વાવેતર કરી વાઢ્યા કરીએ તો રજકાની ઝડપે વધે. રજકાથી પણ સ્વાદે સારું. પાંદડાં તો ખાય, પણ મોટા ઝાડને ઢગલાબંધ આવતી શીંગો તો ખૂબ જ ખાય. લાકડું સીધું થતું હોવાથી ખેડૂતોના ખેતી વપરાશ કામના હાથા, સાંતીના સાંબડા, છાપરા-માળણની વળી-ગેપટા, વાવાઝોડામાં પડી ગયેલ જાડું થડિયું હોય, એને બેંસે જઈ વેરાવો તો હળદરવાના રંગે ડેલાનાં પાટિયાં-વેણીધોકા પોલિશદાર બને ! દ્વિદળ વર્ગનું હોવાથી મૂળમાં હવામાંથી નાઇટ્રોજન ચૂસનારા બેક્ટેરિયાનો વાસ. પોતે જ પોતાને જરૂરી ખાતર હવામાંથી મેળવી લે તેવી સ્વયંભૂ તાકાતવાળું વૃક્ષ છે. રોડકાંઠે ઉત્તમ રીતે નીચાહામાં થઈ શકે તેવું ઝાડ છે આ.

બોરડી :  સાવ ચણી બોરડી કરતાં ગોળ પારાબોર કે ઉમરાન જેવા કલમી બોર આપમેળે ઊગી નીકળેલી દેશી બોરડીના થડ ઉપર લગાડી દેવાથી ક્રાંતિકારી પરિણામ મળે છે. ઝાળું આખું શોષાઇને ઝાડ બની જાય છે. બોર મળે, બળતણ મળે અને પાંદડાં સીધાં ઊંટ-બકરાં-હરણાં તો ખાય પણ ખેરેવી ખેરવીને માલઢોરને ખવરાવવામાં આવે તો તેને પણ ચારો મળે તે વધારામાં. ગમે ત્યાં, ગમે તે ધરતીમાં વગર પાણીએ જ થાય. બહુ ઉપયોગી અને વિસ્તારનું જ ગણાય તેવું પોતીકું ઝાડ છે.

ગ્લીરીસિડિયા : આ પણ સુબાબુલથી થોડા મોટા કદનાં પાન ધરાવતું ઝાડ છે, અને આના પાંદ પણ ઢોર હોંશે હોંશે ખાય છે. પાન લે લે કરીએ તો નાનું રહે છે, નહીં તો છાંયો અને લાકડું આપે તેવું મોટું મસ ઝાડ થઈ જાય છે. મધ્યમ જમીનમાં સહેલાઈથી થઈ શકે તેવું ખડતલ હોવાથી થોડા નીચાહા-વહેણકાના કાંઠે-ખાળિયામાં લગાડવા જેવું ઝાડ છે. કઠોળવર્ગના પાકોની જેમ તેનાં પાંદડાંનો લીલો પડવાશ પણ થઈ શકશે.

ખીજડા-હરમા ; લાકડું બહુ મજબૂત નહીં પણ વધે બહુ ઝડપથી. વળી ગમે ત્યાં થાય. બાજુની મોલાતો કે ઝાડને નડતરરૂપ થવાનો એનો સ્વભાવ જ નહીં. આપમેળે જ ઊગી નીકળે, એની જો રોપણી કરી હોય તોતો ઓર મજા આવી જાય ! પાંદ ચારામાં હાલે, શીંગો – “સાંગરા” ઢોર-બકરાં તો ખાય પણ માણસોયે ખાય. છાંયો સરસ, પાણીની જરૂર જ નહીં. કુદરત સાથે પૂરા તાલમેળવાળું વૃક્ષ.

ખાટી-મીઠી આમલી : ખાટી આમલી કાંટા વિનાનું અને ઘણા વરસો સુધી જીવતું, પણ પ્રમાણમાં મધ્યમ પ્રકારની જમીનમાં થતું ઝાડ છે. તેના ફળ-કાતરા તો ઉત્તમ કમાણી કરી આપે છે. વધવામાં ધીમી પણ એકવાર ઊછરી ગઈ એટલે પછી જિંદગીભરનું સાટું ! છાંયો અને લાકડું ખૂબ સારાં આપે. લગાડ્યા જેવું ઝાડ છે. મીઠી આમલી [ગોરસ આમલી] પણ શેઢા, વાડ અને પાળા વગેરે પર થતું ઝાડ છે.ફળ પંખીઓ અને માણસો બધાંને ભાવે છે. કાંટા ભલે રહ્યા છતાં પાન,કૂણી ડાળીઓ પશુઓ ખૂબ ખાય છે

કેરડા : વાડમાં ઉપયોગી એવું ક્ષુપ ટાઇપનું અને કાયમ લીલું રહેતું રૂપાળું ઝાળું છે. પંખીઓ તો ખાય, ઘેટાં-બકરાંયે ખાય અને માણસો પણ અથાણાં કરી હોંશે હોંશે ખાય તેવા‘કેરડાં’-ફળ આપે.આડે વગડે, વિના પાણીએ, નહીં માવજતે જ્યાં-ત્યાં થતું ઝાડ છે

રતનજ્યોત :  નેપાળાના નામથી ઓળખાતા ક્ષુપની સુધારેલી જાત એટલે રતનજ્યોત. સાવ નબળી અને ઉબડખાબડ તો શું પણ વાડીની વાડ્યમાંયે ઊછરવાનો એને વાંધો નથી. બિલકુલ ઓછા પાણીથી થાય. ન બકરું ખાય કે ન રોઝ રંજાડે ! વળી ફળો લાગે તે રાષ્ટ્રીય ઇંધણ એવા ડીઝલની અવેજી પૂરે તેવું તેલ પૂતું પાડે. સરકારશ્રીએ પણ સડકની બન્ને બાજુથી ગાંડા બાવળને વળાવી રતનજ્યોતને આવકારવાના કાર્યક્રમો આદરવા જોઇએ.

     ઉપરાંત ગુંદા, કરમદાં, ખાખરો, ઇંગોરિયો, વિકળો, આંકડો, ફૂલે-રૂપાળા ગરમાળો, બુલમહોર, સોનમહોર, શીરીષ જેવા જંગલનાં ઝાડ જો એકવાર ધરતીને વળગી ગયાં તો બેડો પાર ! આવાં વૃક્ષોને યાદ કરીને ગાંડા બાવળની જગ્યાનો ચાર્જ સોંપીએ અને ધરતીને વૃક્ષ આચ્છાદિત હરિયાળી રાખવાના પ્રયત્નો કરીએ.

હવે તો સૌરાષ્ટ્રમાં પાણી રોકવાનાં જે જે કામો થયાં છે, ત્યાં બધે જ ચેકડેમ-તલાવડી અને આડબંધોની પાળીની બાજુમાં આવાં ચુનંદા, ખડતલ વૃક્ષો જતનથી ઊગાડવાનું અભિયાન ઉપાડીએ તો સોનામાં સુગંધ ભળે તેવું આપને નથી લાગતું ?


સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com