આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
+ + +

“પાઈની પેદાશ નહીં અને ઘડીની ફુરસદ નહીં.”
આ એક જૂની પણ જાણીતી કહેવત છે. તેમાં એવા લોકોની વાત છે જે વ્યસ્ત તો બહુ હોય પણ તેમાંથી કંઈ નીપજતું ન હોય. અહીં “પાઈ’ શબ્દ છે તે ગણિતમાં આવતી સંજ્ઞા કે યુરોપની વાનગી નથી. એ આઝાદી વખતે ચાલતું એક નાણું છે. બ્રિટિશરોએ આપણને જે ચલણ આપ્યું હતું તે ‘રૂપિયા-આના-પાઈ’નું હતું. એક રૂપિયાના ૧૬ આના થતા. પરંતુ રસપ્રદ વાત છે કે ‘પાઈ’ નામનો સિક્કો અમે શાળાએ ગયા ત્યાં સુધી વ્યવહારમાંથી નીકળી ગયેલો! તેમ છતાં શાળામાં દાખલામાં એ દેખાતો. એક આનાના ૪ પૈસા થતા અને એક પૈસામાં ત્રણ પાઈ. આમ, એક આનામાં ૧૨ પાઈ આવે અને બજારમાં માત્ર આના અને પૈસા જ જોવા મળતા.

પરંતુ આ સ્થિતિ લાંબી ચાલી નહીં. આઝાદ ભારતે થોડાં વર્ષોમાં ચલણ જ બદલી નાંખ્યું. રૂપિયો તો રૂપિયો રહ્યો પણ આના નીકળી ગયા. એક આનાના ૪ પૈસા પ્રમાણે રૂપિયામાં ૬૪ પૈસા આવતા તેને બદલે રૂપિયામાં હવે ૧૦૦ પૈસા આવશે તેવી જાહેરાત થઈ. રૂપિયાનાં ત્રણ પેટાચલણ હતાં. ‘રૂપિયા-આના-પૈસા-પાઈ’. તેને બદલે હવે “રૂપિયા-પૈસા’ એ જોડી જ રહેશે (જેવી આજે છે). આ એક ક્રાન્તિકારી અને એતિહાસિક પગલું હતું, તે સાથે વ્યવહારમાં લાવવા માટે મુશ્કેલ પણ હતું. એ કેમ તે આગળ જોઈશું, પરંતુ આમ કરવા પાછળના હેતુ અથવા કારણ શું હતાં તે પહેલાં જાણી લઈએ.

માપનના એકમો
અંતર, વજન અને બીજી ભૌતિક રાશિઓની માપણી એ વિજ્ઞાન તથા ઇંજનેરીમાં અગત્યનો વિષય છે. દેશમાં અને વિશ્વમાં બધા લોકો માપણી એક જ રીતે કરે તે જરૂરી છે. વિજ્ઞાનમાં માપનની બે રીત પ્રચલિત છે એક બ્રિટિશ અને બીજી મેટ્રિક. (આ મેટ્રિક પદ્ધતિના મૂળ ફ્રાંસમાં છે). બ્રિટિશ રીતમાં લંબાઈના એકમ વાર, ફૂટ, ઈંચ છે તો મેટ્રિક પદ્ધતિમાં મીટર, સેન્ટિમીટર, મિલીમીટર, વગેરે વપરાય. વજન માટે બ્રિટિશ એકમ શેર હતો. એક શેરમાં બે રતલ આવે, જેને અંગ્રેજીમાં પાઉન્ડ કહે છે. આથી ધ્રિટિશ પદ્ધતિને “ફૂટ-પાઉન્ડ-સેકંડ’ (FPS system) પદ્ધતિ કહે છે. સમય બંને પદ્ધતિમાં સેકંડ-મિનિટ-કલાકમાં જ લેવાય છે. મેટ્રિક પદ્ધતિમાં વજન કિલોગ્રામ અને ગ્રામમાં લેવાય એટલે તેને ‘સેન્ટિમીટર-ગ્રામ-સેકંડ’ (CGS) પદ્ધતિ પણ કહે છે. જોકે, આગળ જતાં વિજ્ઞાને મીટર-કિલોગ્રામ-સેકંડ (MKS) પદ્ધાતે અપનાવી છે, પણ એની વાત નહીં કરીએ.

ભારત બ્રિટનનું સંસ્થાન હતું એટલે સ્વાભાવિક છે આપણી જિંદગી FPS પ્રણાલી પ્રમાણે ચાલતી. બજારમાં કાપડ પાંચ રૂપિયે વાર અને રિંગણાં ૬ આને શેર વેચાતાં. રતલનું ચલણ વ્યવહારમાં ઓછું હતું – લોકો “અડધો શેર’ જ માંગતા (ગુજરાતના અમુક વિસ્તારમાં રતલને “કાચો શેર’ કહેતા અને તેથી ગૂંચવણો થતી). શેરના પેટાભાગ કરો તો રતલ, પા શેર, નવટાંક અને છટાંક એવા ભાગ પણ વપરાતા. જેમ આજે લીલાં મરચાં સો ગ્રામ લઈએ તેમ ત્યારે નવટાંક લઈને સંતોષ માનતાં. તેથીય નીચે ‘તોલો’ આવે. એક શેરમાં ૮૦ તોલા થાય. એલચી, કેસર, ચાંદી, સોનું એવી કીમતી ચીજો તોલામાં વેચાય. લંબાઈ માટે વાર સાથે ક્યાંક ગજ વપરાતો, જે બે ફૂટનો હતો. અંતર માઈલ અને ફર્લાગમાં. પણ આ બધા એકમોનો પેટાએકમો જોડેનો સંબંધ જુદા જુદા આંકડામાં હતો. જેમ કે, એક માઈલમાં ૧,૭૬૦ વાર, એક વારમાં ૩ ફૂટ, ફૂટમાં બાર ઈંચ. એક મણ એટલે ૪૦ શેર, રૂપિયાના ૧૬ આના, આનામાં ૪ પૈસા, પૈસામાં ત્રણ પાઈ. ઉષ્ણતામાનની માપણી લો. ફેરનહીટ કમમાં પાણી ઊકળે ૨૧૨૦ Fએ ઉષ્ણાતામાને ને બરફ પીંગળે ૩૨0 Fએ. આમ બધા આંકડા એક બેસૂરા ઓર્કેસ્ટ્રા જેવા આડાઅવળા.
આથી ઊલટું, મેટ્રિક પદ્ધતિમાં પેટાએકમો દશ-દશના ગુણકોમાં આવે. આથી કામ કરવું સહેલું થાય. એક કિલોમીટરમાં ૧૦૦૦ મીટર, મીટરમાં સો સેન્ટિમીટર, વગેરે. એટલે ગણતરી કરતી વખતે ૧૦, ૧૦૦ કે ૧,૦૦૦થી ભાગવાનું અથવા ગુણવાનું આવે. મરચાં એક કિલોગ્રામના ૧૦૦ રૂ. હોય, પણ તમારે સો ગ્રામ લેવાં હોય તો ૧૦ રૂ. આપી દો (નવટાંક મરચાંમાં આઠ વડે ભાગાકાર કરવો પડતો). દશાંશ પદ્ધતિને સમજનારા જાણે છે કે દશાંશ બિંદુને ડાબી કે જમણી તરફ ખસેડવાથી અનુક્રમે ભાગાકાર અને ગુણાકાર થઈ જાય છે. કમભાગ્યે સમયના એકમોમાં દશના ગુણાકારથી નથી ચાલતું : ૧ કલાકમાં ૬૦ મિનિટ અને મિનિટમાં ૬૦ સેકંડ. પરંતુ સમય આંતરરાષ્ટ્રીય રાશિ હોવાથી તેમાં ફેરફાર કરવો લંબાઈના એકમમાં ફેરફાર કરવા જેટલું સહેલું નથી.
ભારત સરકારે વૈજ્ઞાનિકોની સલાહને કારણે મેટ્રિક પદ્ધતિનું મહત્ત્વ બહુ વહેલું સમજી લીધું. ભારતીય માનક સંસ્થા (Indian Standards Institution (ISI) , જે હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BSI)તરીકે ઓળખાય છે, ની એક ખાસ સમિતિએ છેક ૧૯૪૯માં જ કહ્યું કે ભારતે મેટ્રિક પ્રણાલી અપનાવવી જોઈએ. પ્લાનિંગ કમિશને ૧૯૫૬માં ધોરણસર રીતે તે વાત સ્વીકારી. બધી માપણીઓ નવી પદ્ધતિમાં તો છેક ૧૯૬૪થી થઈ પરંતુ સૌથી પહેલો વારો આવ્યો સૌથી મુશ્કેલ ફેરફારનો. તે હતો ચલણને દશાંશમાં બદલવાનો. એક રૂપિયાના ૬૪ પૈસાને બદલે ૧૦૦ પૈસા કરવાનું નક્કી થયું. વાચક આ નિર્ણય પાછળની હિંમત સમજી શકશે. દેશમાં કેટલા લોકો દર ક્ષણે પરચૂરણની લેતી-દેતી કરતા હોય છે! રૂપિયા કરતાં સિક્કા અનેક ગણા વધુ વ્યવહારમાં હોય. આ પડકાર ધ્યાનમાં લઈને આ પરિવર્તન માટે જબરદસ્ત તૈયારી કરવામાં આવી. સૌ પ્રથમ બંને પદ્ધતિમાં “પૈસા’ શબ્દ આવતો હોવાથી નવી કિંમતના પૈસાને ‘નયા પૈસા’ નામ અપાયું. અંગ્રેજીમાં Rs-p ની જોડીને બદલે Rs-np લખાયું.
નવું ચલણ ૧ એપ્રિલ ૧૯૫૭થી લાગુ થશે તેમ જાહેર થયું. પરંતુ વહીવટી તંત્રે ઘણા મહિનાઓ પહેલાંથી જ નવા ચલણનો પરિચય આપવો શરૂ કર્યો. એવી જાહેરાત સ્પષ્ટપણે કરવામાં આવી કે જૂનું ચલણ એક વર્ષ સુધી જોડાજોડ ચાલુ રહેશે. આથી પ્રજામાં ડરને બદલે આતુરતા હતી. પહેલી વાર જ્યારે એ નવા ચમકતા અને ટચૂકડા સિક્કાઓ જોયા હતા તે રોમાંચ અત્યારે પણ યાદ છે. મુખ્ય મુદ્દો હતો “આના’નો સિક્કો અને તેનો વ્યવહાર તદ્દન લુપ્ત કરી દેવાનો. બજારમાંથી અને લોકોનાં મનમાંથી! રૂપિયા પછી સીધી પૈસાની વાત કરવાની, વચ્ચે આના નહીં હોય.
પરંતુ એક વર્ષ માટે બંને ચલણ જોડાજોડ ચાલવાને કારણે બજારમાં ગેરસમજ, ઝઘડા અને રમૂજો થતી. એક રૂપિયાના એટલે કે ૧૬ આનાના ૧૦૦ નયા પૈસા થયા હોય તો એક આનામાં છ નયા પૈસા આવે – પણ ૬ના પાડામાં ૪ પૈસા બચી પડે છે! એટલે સરકારે કોષ્ટક બહાર પાડી અમુક તબક્કે આનાના મૂલ્યમાં ૭ પૈસા લઈને એ. ચાર પૈસાને સમાવી લીધા (જુઓ કોષ્ટક).
|
આના અને નયા પૈસાનો સંબંધ |
|||||
| આના | ન. પૈ. | આના | ન. પૈ. | આના | ન. પૈ. |
| ૧ | ૬ | ૭ | ૪૪ | ૧૨ | ૭૫ |
| ૨ | ૧૨ | ૮ | ૫૦ | ૧૩ | ૮૧ |
| ૩ | ૧૯ | ૯ | ૫૬ | ૧૪ | ૮૭ |
| ૪ | ૨૫ | ૧૦ | ૬૨ | ૧૫ | ૯૪ |
| ૫ | ૩૧ | ૧૧ | ૬૯ | ૧૬ | ૧૦૦ |
| ૬ | ૩૭ | ||||
શાકવાળા કે દાતણવાળા આ કોઠો લઈને તો બેસે નહીં. માનો કે તમે છ આનાની વસ્તુ લઈને આઠ આનીનો સિક્કો આપ્યો, તો એ તમને બે આનાની જગ્યાએ ૧૨ પૈસા આપે. પરંતુ તમે ભણેલા એટલે કોષ્ટકમાં ૬ આનાના ૩૭ પૈસા યાદ હોય. તમે ૧૩ નયા પૈસા પાછા માંગો! આવી જુદી જુદી પરિસ્થિતિ થયા કરે. એક કે બે પૈસા રકમ તો નાની છે, પરંતુ દલીલ ઠગવા-ઠંગાવા ઉપર જાય. આમેય ૬૮ વર્ષ પહેલાં બે પૈસા એટલા તુચ્છ પણ નહોતા, ગરીબો માટે તો નહીં જ. આવાં દશ્યો ટાળવા કેટલાંય સૂચિપત્રો કે ભાવનાં ફલકો બંને ચલણમાં ભાવ લખતાં. નવા દેશમાંનો આ અનોખો અનુભવ એ પેઢીએ લીધો. ન કોઈએ ફરિયાદ કરી, ન અણગમો વ્યક્ત કર્યો.
પણ જૂન ૧૯૬૪માં ચલણના નામ “નયા પૈસા’માંથી “નયા’ શબ્દ સત્તાવાર રીતે કાઢી નંખાયો. તે પછી એ નવા પૈસા પણ “પૈસા? જ કહેવાયા. ફુગાવાને કારણે ચલણની કિંમત એટલી ઘટી ગઈ કે ૨૦૧૧માં એક પૈસાનો એ “ક્યૂટ’ સિક્કો જ પાછો ખેંચી લેવાયો.

ચલણમાં સુધારો કર્યા બાદ માપનનાં બીજાં એકમોને પણ કાયદા દ્રારા દશાંશ પદ્ધતિમાં લાવી દેવાયાં. લોકો શેરને ભૂલી ગયા, માઈલને પણ ભૂલી ગયા, પરંતુ લંબાઈમાં ફૂટ અને ક્ષેત્રફળમાં સ્ક્વેર ફૂટ (વર્ગ ફૂટ) હજુ લોકોની જીભે છે. હજીય કેટલાક લોકો પૈસાના સિક્કાને આઠ આની’ કહે છે અને તાવ ફેરનહીટમાં જ માપીએ છીએ અને જણાવીએ છીએ.
સૌજન્યઃ નવનીત સમર્પણ * ઓક્ટોબર ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

ભગીરથ કાર્ય હતું , મોટાભાગની પ્રજા અભણ. વળી લોકોનુ વલણ તરત નવું અપનાવવાનું નથી હોતું પરંતુ વહીવટી તંત્રે ખાસ્સી પૂર્વ તૈયારી કરી હતી જાહેરાતો પણ પુષ્કળ કરવામાં આવતી સીગારેટના ખોંખા પર પણ કોષ્ટકો છપાતા આજની પેઢીને કલ્પનામાં પણ ન આવે કે સમગ્ર દેશમાં ચલણ કઇ રીતે બદલવામાં આવ્યું હશે
LikeLike