પ્રવાસી યુ. ધોળકિયા

અગાઉના લેખોમાં આપણે સનાતન ધર્મ, તેનું આધ્યાત્મ અને તેની સંસ્કૃતિ પર વેદ, શ્રમણ અને ભક્તિ પરંપરાનું સંક્ષિપ્ત દર્શન કર્યું. હવે, પ્રસ્તુત લેખમાં આપણે સવા અબજની વિશ્વવ્યાપી વસ્તી ધરાવતી હિંદુ પ્રજાની જીવંત ધાર્મિક પરંપરાનું વિશ્લેષણ કરીશું.

આ પરંપરાના ત્રણ સ્તંભો છે:

૧) પુરાણ (વાચ્યાર્થ : પુરાતન સમયની કથાઓ)

૨) આગમ, અને

૩) તંત્ર

આપણે અહીં માત્ર પુરાણની જ ચર્ચા કરીશું.

પૌરાણિક હિંદુ પરંપરા કેટલી પ્રાચીન  છે તે બહુ વિવાદાસ્પદ વિષય રહ્યો છે. વિદેશી ઈતિહાસકારો, વિદ્વાનો અને તેમણે અનુસરનારા ભારતીય લેખકો પણ આ પરંપરા ૨,૦૦૦ વર્ષ જૂની છે તેવું તો ભારપૂર્વક જણાવે છે. પરંતુ, આ તારણ સત્યથી સાવ વેગળું છે. પુરાણો અને મહાકાવ્યોનો સમગ્રપણે અભ્યાસ કરવામાં આવે તો આ પૌરાણિક પરંપરાનો ઉદભવ આજથી લગભગ સીત્તેર હજાર વર્ષ પૂર્વે, છઠ્ઠા ચાક્ષૂસ મન્વંતરના અંત સમયે અને વર્તમાનમાં ચાલી રહેલા સાતમા વૈવસ્ત મન્વંતરના પ્રારભકાળે, થયો હતો. આ પરંપરાના સર્જકો વેદકાળના ઋષિઓ  અને તે પછી તેમનું સ્થાન લેનારા ત્રીસ વ્યાસ છે.

આ ચર્ચાનો અંત નથી, તેથી આપણે આપણા વિષય પર આગળ વધીએ.

સામાન્ય મત એવો છે કે મહાપુરાણોની સંખ્યા ૧૮ છે. એટલી જ સંખ્યા ઉપપુરાણ અને  ઔપપુરાણની પણ છે. આમ, પુરાણોની કૂલ સંખ્યા ૫૪ની ગણાય છે. આધુનિક વિદ્વાનોએ એ ૫૪ પુરાણો ઉપરાંત આ પુરાણો પછી સંસ્કૃત અને પ્રાકૃતમાં રચાયાં છે એવાં અન્ય ૨૮ પુરાણો શોધી કાઢ્યાં છે. આમ એકંદરે ૮૨ પુરાણો અને તેમાંના ૧૦ લાખ શ્લોકો પર એક જન્મમાં નિષ્ણાત બનવું કોઈ પણ એકને માટે શક્ય નથી એવું આ લેખકનું દૃઢપણે માનવું છે.

પુરાણોનાં વિષયવસ્તુનાં પાંચ લક્ષણો  –  સર્ગ (સૃષ્ટિ સર્જન), પ્રતિસર્ગ (પ્રલય પછીની નવરચના), ૧૪ મન્વંતરો, સૂર્ય-ચંદ્ર વંશનો ઇતિહાસ તથા વંશાવલીઓ – ગણાય છે, અહીં પણ આધુનિક વિદ્વાનોએ શોધી કાઢ્યું છે કે આ પાંચ લક્ષણો પર જે લખાયું છે તે તો પુરાણોનો માત્ર ૩ ટકા હિસ્સો છે. વિદ્વાનોનું માનવું છે કે પુરાણ ગ્રંથોનો મૂળ આશય તો વેદોમાં રહેલ જ્ઞાનવિજ્ઞાનથી જનસમાજને પરિચિત કરાવવાનો હતો. આ ચર્ચાનું પુરાણોમાં લગભગ ૫૦ પ્રતિશત સ્થાન હતું. આજથી લગભગ ૨૩૦૦  વર્ષ પૂર્વે, શ્રમણ પરંપરાને ટક્કર આપવા માટે, ત્યારે ઉપરોક્ત પુરાણોનું નવસંસ્કરણ કરવામાં આવ્યું જેમાં આપણી પૌરાણિક પરંપરાના ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પુરાણોમાં ૯૭ પ્રતિશત હિસ્સામાં સ્થાન અપાયું. જોકે આ પ્રક્રિયામાં પુરાણોનું જે સાંપ્રદાયીકરણ કરી નાખવામાં આવ્યું તેમાં વૈદિક જ્ઞાન વિજ્ઞાન લુપ્ત થઈ ગયું.

સર્વમાન્ય ૧૮ મહાપુરાણનાં નામ  અને તેમાંના શ્લોકોની સંખ્યા નીચે પ્રમાણે દર્શાવાય છે:

પુરાણનું નામ શ્લોકની સંખ્યા
બ્રહ્મ ૧૦,૦૦૦
પદ્મ ૫૫,૦૦૦
વિષ્ણુ ૨૦,૦૦૦
ભાગવત

(શ્રી કૃષ્ણ મહિમા)

૧૮,૦૦૦
નારદીય ૨૫,૦૦૦
માર્કન્ડેય

(દેવી મહાત્મ્ય)

૯,૦૦૦
અગ્નિ ૧૫,૦૦૦
ભવિષ્ય ૧૪,૦૦૦
બ્રહ્મ વૈવર્તક ૧૮,૫૦૦
૧૦ લિંગ ૧૧,૦૦૦
૧૧ વાયુ ૧૨,૦૦૦
૧૨ વામન ૧૦,૦૦૦
૧૩ કૂર્મ ૧૬,૦૦૦
૧૪ મત્સ્ય ૧૪,૦૦૦
૧૫ ગરુડ ૧૯,૦૦૦
૧૬ શિવ ૨૪,૦૦૦
૧૭ વરાહ ૨૪,૦૦૦
૧૮ સ્કંદ ૮૧,૧૦૦

કેટલાક વિદ્વાનો ઉપરોક્ત યાદીમાંથી એક નામ કાઢીને તેની જગ્યાએ દેવી ભાગવત મુકે છે. પુરાણોનાં નવસંસ્કરણ પછી તેમાં રહેલ કથાવસ્તુ પર કંઈ પણ લખવું બહુ કઠણ કાર્ય છે. આપણાં સદભાગ્યે આ કાર્ય સુશ્રી પૂર્વી મોદી મલકાણે બહુ સરળતાથી, પણ વિદ્વતાપૂર્વક કરેલ છે જે વેબગુર્જરી પર ઉપલબ્ધ છે. [1]

હવે આપણે ભારતના અન્ય નિષ્ણાતોએ પુરાણનાં કથાવસ્તુ પર જે મનન – ચિંતન કર્યું છે તે ટુંકમાં વર્ણવશું.

શ્રી આર સી હઝારાએ તેમના પુસ્તક ‘સ્ટડીઝ ઇન ધ પુરાણિક હિંદુ રાઈટ્સ એન્ડ રિચ્યુયલ્સ’માં નીચે મુજબ પોતાના નિષ્કર્ષો રજૂ કર્યા છે:

૧) ત્રિદેવો – બ્રહ્મા, વિષ્ણુ અને શિવ  – સમાન ગુણધર્મા છે, પરંતુ તેમની મહાનતાનાં ગુણગાન ગાતી વખતે ઘોર સ્પર્ધા અને એકબીજાથી પોતે ચડિયાતા છે તેનું સમર્થન

૨) ત્રિદેવ ઉપરાંત દેવી અને આની દેવોને પણ પુરાણોમાં સ્થાન

૩) તે સમયમાં સમાજમાં પોતાની શ્રેષ્ઠતા અને વિશિષ્ટ જ્ઞાતિઓનાં ગુણગાન

૪) સમાજનો દરેક વર્ગ સારી રીતે જીવન વ્યતિત કરી શકે તે માટે સલાહસૂચન

૫) દરેક સમાજ પોતાની પવિત્રતા જાળવી રાખે તે માટેની ફરજોનું જ્ઞાન. સ્ત્રીઓનું સ્થાન અને તે વર્ગની ફરજો

૬) કુટુંબના વડીલો તેમ જ આની વ્યક્તિઓના સ્વર્ગવાસ પછીની તાત્કાલિક તેર દિવસ પછી કરાતા શ્રાદ્ધ – તર્પણ અને અંતિમ શ્રાદ્ધ વિષે વિગતવાર ચર્ચા. આ દરમ્યાન કંઈ ભૂલચૂક થાય તો જીવન પૂર્વવત અને પવિત્ર બનાવવાની વિધિઓ

૭) મંદિરોમાં મૂર્તિની સ્થાપના. આ દેવી દેવતાઓના અંગોનાં માપ, ઊંચાઈ ઈત્યાદી, મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરોનાં સ્થાપત્યનું વિજ્ઞાન. મૂર્તિનાં પૂજન – અર્ચન અને તેની સાથે સંકળાયેલા ઉત્સવો

૮) ઉત્સવના મેળાઓમાં દરેક વર્ણોએ આનંદપૂર્વક ભાગ લેવો

૯) કુટુંબના ઉત્કર્ષ માટે કર્મકાંડોનાં વિધિવિધાન; પુરોહિતોને નિશ્ચિત દાનદક્ષિણા

અન્ય એક ભારતીય વિદ્વાન શ્રી નારાયણરાવ તેમના લેખમાં લખે છે કે દરેક હિંદુનાં મનોવિશ્વ પર પુરાણોની ઊંડી અસર છે. હિંદી બીજું કદાચ ભલે ન જાણતો હોય પણ સૃષ્ટિ સર્જનની લયપ્રલયની પ્રક્રિયા સારી રીતે સમજે છે. શેષનાગની શય્યા પર ભગવાન વિષ્ણુ સ્થિત છે. તેમની સેવામાં દેવી લક્ષ્મી છે. ઇચ્છાશક્તિનો પ્રાદુર્ભાવ થવાથી વિષ્ણુની નાભીમાંથી એકાએક દેવી સરસ્વતી સાથે બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજીના ચાર હાથમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચાર વેદ સર્જાંય  છે. આ સમયે સૃષ્ટિના પ્રલયકર્તા, ભગવાન શિવજી ક્યાં તો કૈલાસ પર્વત પર અને નહીં તો અર્ધનગ્ન અવસ્થામાં સ્મશાનમાં ધ્યાનસ્થ છે, સંસારથી તેઓ સાવ અજાણ અને વિરક્ત છે. સૃષ્ટિસર્જનની પ્રક્રિયા આદ્યશક્તિએ કરી છે તેવું આની પુરાણોમાં દર્શાવાયું છે. તે ઉપરાંત સર્જનપ્રક્રિયામાં સત્વ, રજસ, તમસ, પ્રકૃતિ અને પુરુષ એવાં અન્ય પરિબળો છે તેવું પણ દર્શાવાયું છે. શ્રી રાવ એમ પણ જણાવે છે કે પુરાણોમાં ગંભીર ચર્ચાઓને પણ સ્થાન છે. પુરાણો કહે છે કે દરેક વ્યક્તિ તેના ગુણધર્મ પ્રમાણે મોક્ષનો અધિકારી છે. પુરાણોમાંનાં અનેક મતમતાંતરોને ગંભીરતાથી ન લેતાં હિંદુ જીવનમાં આગળ વધે છે.

હિંદી લેખક કુંવરલાલ  (વ્યાસ શિષ્ય) જૈન તેમના મહાન ગ્રંથ ‘पुराणों में वंशानुक्रमिक कालक्रम’ માં આપણાં દેશના ૩૦,૦૦૦ વર્ષના ઇતિહાસનો પરિચય આપે છે. તેમાં તેમણે પ્રથમ સ્વયંભૂ મન્વંતરથી મહાભારતના યુદ્ધ સુધીનો ક્રમ મુજબનો ઇતિહાસ રજૂ કર્યો છે. પુરાણોમાં દેવાસૂરોના બાર સંગ્રામો વિષે વિશદ્  વર્ણન છે. શ્રી જૈન આ યુદ્ધોને કાળક્રમ અનુસાર ગોઠવી અને તેના અધિષ્ઠાતા નાયકો વિષે લખે છે તે વાચકોની જાણ સારૂ અત્રે આપ્યું છે.

સંગ્રામનું નામ અધિષ્ઠાતા નાયક
વારાહ વારાહ દ્વારા અસુર હિરણ્યાક્ષનોવધ
નરસિંહ નરસિંહ દ્વારા અસુર હિરણ્યકશ્યપનો વધ
વામન વિષ્ણુની મદદથી દાનવ બલિનો ઇન્દ્ર દ્વારા વધ
સમુદ્રમંથન અનેક દેવો, અસૂરો અને દાનવો, વિષ્ણુ, શિવ વગેરે આ મંથનમાં ભાગ લીધો. મંથન દરમ્યાન જે વિષ નીકળ્યું તેનું શિવ દ્વારા અપાન તથા વિષ્ણુનું મોહિની રૂપ, અમૃતકુંભની રક્ષા
તારકામય બૃહસ્પતિની પત્ની તારા માટે ચંદ્ર સાથે યુદ્ધ
ત્રૈપૂર શિવ દ્વારા અસુર ત્રિપુરના ત્રણ પુત્રો અને તેનાં નગરોનો નાશ
અંધક શિવ દ્વારા અસુર અંધકનો નાશ
ધન્વ ઇન્દ્ર તથા ધન્વંતરી અને અસુર સાથે યુદ્ધ
વાર્તઘ્ન ઇન્દ્ર
૧૦ હલાહલ ઇન્દ્ર
૧૧ કોલાહલ ઇન્દ્ર
૧૨ આડીઆઇવક ઈક્ષ્વાકુ વંશના કાહૂસ્થે બચી ગયેલા અસુરોનો કરેલો વધ

આ યુદ્ધો પછી પણ દેવાસુર સંગ્રામો ચાલુ રહ્યા કેમકે હવે ઇન્દ્ર એ એક પદ બન્યું હતું. તેનું રાજ્ય દેવલોક (સ્વર્ગ) તિબેટમાં હતું. રામાયણની કથા પ્રમાણે ઇન્દ્રને બચાવવા તેના આમંત્રણથી રામના પિતા દશરથ યુદ્ધ લડવા તિબેટ ગયા હતા. તેઓ ત્યાં દુશ્મનો વચ્ચે ઘેરાઈ ગયા ત્યારે યુદ્ધમાં હમેશ તેમની સાથે રહેતાં કૈકેયીએ તેમણે બચાવ્યા. ગદગદ થઈને દશરથે કૈકેયીને કોઈ પણ બે વરદાન માગી લેવા કહ્યું. મંથરાની ચડામણીથી એ બે વરદાનોનો દુરુપયોગ કરીને કૈકેયીએ રામનો રાજ્યાભિષેક અટકાવીને તેમણે વનવાસ અપાવ્યો.

વિધર્મીઓ અને વિદેશીઓ એવી ગંભીર ટીકા કરે છે કે હિંદુઓ પોતે અન્યો કરતાં વધારે અહિંસાવાદી છે તેવો દાવો કરે છે. આમ છતાં તેઓના દેવોના હાથમાં ચક્ર, ત્રિશુળ, ખડગ, બાણ, તલવાર અને ગદા જેવાં અસ્ત્રશસ્ત્ર કેમ દર્શાવાય છે? વળી દેવાસુર સંગ્રામમાં ઉઘાડે છોગ છળકપટનો આશ્રય લઈને દેવો અસુરોનો પરાજય કે સંહાર કરતા આવતા જોવા મળે છે.  મધુકૈટભ અને શુંભ  – અશુભ જેવા અનેક દૈત્યોનો હિંદુઓનાં જગતજનની દેવીઓ રક્તરંજિત અંત આણે છે. બ્રહ્માજી અને શિવ જેવા ભગવાનો સમજ્યા વિચાર્યા વિના અયોગ્ય વ્યક્તિઓને અમર અને અજય બનવાનાં વચનો આપી દેતા હોય એવું જોવા મળે છે. પછી તેમાંથી મુક્તિ મેળવવા માટે ફરી છળકપટ, હિંસા અને અમાનવીય કૃત્યોનો સાથ લેવાતો હોય છે.

આથી પણ ગંભીર આક્ષેપ એ છે કે આપણા દેવી દેવતાઓ વ્યભિચારી, કામી અને ચારિત્ર્યશિથિલ છે. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યા પછી પહેલાં તો પોતાના દેહમાંથી પુત્રીની રચના કરી. પછી તેની પાછળ જ કામાતુર થઈને દોડ્યા. તેમના આ કૃત્યથી ક્રોધિત થયેલા શિવે તેમનું પાંચમું મસ્તક કાપી નાખ્યું. શિવ પણ અનેક પ્રસંગોએ વિર્ય સ્ખલન અનુભવતા જોવા મળે છે. વેશ બદલી બદલીને સતીઓના શિયળ ભંગ કરવામાં ઇંદ્ર અચકાતા નથી. અપ્સરાઓ વડે બહુ સરળતાથી હજારો વર્ષોથી તપ કરતા ઋષિઓને દેહસંબંધ બાંધવા લલચાવીને તેમના તપનો ભંગ કરાવી દેવાતો હોય છે.

આવાં મહેણાંટોણાં સાંભળીને હિંદુઓ ભારે ક્ષોભ અનુભવતા હોય છે. પરંતુ, અહીં આપેલાં ઐતિહાસિક પરિબળોને ખુલ્લાં મન અને શુદ્ધ હેતુથી સમજવામાં આવે તો ગળે ન ઊતરે તેવી આ ઘટનાઓ અને વિગતોનું હિંદુ પુરાણો અને ધર્મગ્રંથોમાં યથાર્થ સમાધાન પણ મળી રહે છે.

ભગવાન બુદ્ધ અને મહાવીરના નિર્વાણ બાદ રાજ્યાશ્રય મળતાં શ્રમણ ધર્મનો સમગ્ર અખંડ ભારતમાં જનતાએ સ્વીકાર કરી  લીધો. તે સમયે ભારતમાં પ્રચલિત વૈદિક અને પૌરાણિક ધર્મોનાં વળતાં પાણી થયાં. પરંતુ શ્રમણ પરંપરાના સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં વિસ્તારને કારણે ભારે અંધાધૂંધી અને અરાજકતા ફેલાઈ ગયાં. ક્ષત્રિયો પોતાના શસ્ત્રોનો ત્યાગ કરીને સંસાર છોડીને સંન્યાસી બનવા લાગ્યા. ભારતનાં ક્ષાત્રત્વનું હીર લોપાઈ ગયું. વળી આ પરંપરાને લઈને સામાન્ય લોકોમાં પણ કામવિકાર અને સ્ત્રીગમનથી વિમુક્ત થવાની વૃત્તિ વધી. પરિણામે, માનવ વસ્તી ઘટવા લાગી. આ પરિસ્થિતિઓનો લાભ લઈને વિદેશીઓ ભારત પર ચડી આવ્યા અને સેંકડો વર્ષો સુધી દેશ ગુલામીમાં સરી પડ્યો.

આવી દયાજનક અને અસહનીય પરિસ્થિતિનો પડકાર વ્યાસ કુટુંબના બચી ગયેલા સભ્યો અને જ્ઞાનીઓએ ઝીલી લીધો. તેઓએ પુરાણગ્રંથો અને રામાયણ – મહાભારતનું નવસંસ્કરણ કર્યું. તેઓએ લોકોમાં પુનઃ ક્ષાત્રત્વ જાગૃત થાય અને સામાન્ય લોકોમાં સંસાર પ્રત્યેનો રોગ વધે તે માટે ઉપરોક્ત ઘટનાઓનો તેમાં સમાવેશ કર્યો. દેવી દેવતાઓમાં હિંસા અને કામાચારોના પ્રસંગ બતાવ્યા છે તે આધારવિહિન છે અને તેનું કોઈ વજૂદ નથી.

હિંદુ ધર્મના શ્વાસ અને પ્રાણનો આધાર આ પુરાણો છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પરપરાનું સિંચન અને સંવર્ધન વ્યાસ પરિવારની ત્રીસ પેઢીઓએ કર્યું છે.

ભારતનાં કરોડો હિંદુઓ પ્રયાગરાજના મહાકુંભના અવસર પર પવિત્ર ગંગામાં સ્નાન કરતાં આપણે આજે ટીવી પર જોઈએ છીએ. દર બાર વર્ષે, પૃથ્વી સાથેના  અમુક ચોક્કસ સંદર્ભે ગુરુ ગ્રહ જ્યારે પોતાનું ખગોળીય ભ્રમણ પૂરું કરે છે ત્યારે આ કુંભ મેળાનું આયોજન થાય છે. આ ઘટનાનું વિષદ વર્ણન ફક્ત પુરાણોએ જ જાળવ્યું છે. એ તો સર્વ વિદિત છે કે દેવો અને દાનવોના સંયુક્ત પ્રયત્નોથી સમુદ્ર મંથન થયું હતું તેની સ્મૃતિમાં આ કુંભમેળાનું આયોજન કરવામાં આવે છે.

આમ, પુરાણો સનાતન  અને શાશ્વત છે.

સ્માર્ત પરંપરા

સ્માર્ત પરંપરાના ઉલ્લેખ વિના પૌરાણિક ધર્મની ચર્ચા અપૂર્ણ છે. વૈષ્ણવપંથીઓને વિષ્ણુમાં, શૈવપંથીઓને શિવમાં શ્રદ્ધા છે તે રીતે સ્માર્તપંથીઓને ઉપરોક્ત દેવો ઉપરાંત આદ્યાશક્તિ, સૂર્ય અને ગણપતિમાં પણ અનન્ય વિશ્વાસ છે. આધુનિક ગણતરી પ્રમાણે હિંદુઓમાં વૈષ્ણવપંથીઓ ૬૮ પ્રતિશત, શૈવપંથીઓ ૨૫ પ્રતિશતતથા શાક્ય અને અન્ય પંથીઓનું પ્રમાણ ૭ પ્રતિશત છે. પરંતુ, સાચા અર્થમાં આજના આધુંક યુગનો દરેક હિંદુ આ પંચદેવોમાં માને છે. તેથી સ્માર્ત પરંપરા તો ૧૦૦ પ્રતિશત છે. તે ઉપરાંત સ્માર્ત પંથ માટે વેદ અપૌરુષેય છે. તેથી એમ કહી શકાય કે સ્માર્ત પરંપરા હિંદુઓનું સાચું પ્રતિનિધિત્વ રજૂ કરે છે.


હવે પછીના મણકામાં આપણે ‘બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – ની વાત કરીશું.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે

[1] પુરાણ – રચનાનો સમય – વણી લેવાયેલા વિષયો

અઢાર પુરાણોનાં ઉપપુરાણો કયાં કયાં છે?