વનિતાવિશેષ
રક્ષા શુક્લ
– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને
મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો,
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…
મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી,
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી.
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…
-રમેશ પારેખ
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ રમેશ પારેખે ‘મીરાં સામે પાર’ નામક કાવ્યસંગ્રહ આપી ગુજરાતી ભાષાને રળિયાત કરી. મીરાંની સંવેદના આત્મસાત કરી એને અદભુત કાવ્યદેહ આપ્યો છે. મીરાં જેવું સમર્થ પાત્ર હોય અને રમેશ પારેખની કલમ હોય પછી તો ‘શું કહેવું અને શું ન કહેવું’ની ક્ષિતિજે પહોંચી જઈએ. પછી તો શબ્દના જ ઘુઘવાટ.
મીરાંબાઈએ ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી એમ બિલીપત્ર જેમ ત્રણ ભાષામાં કાવ્યસર્જન કર્યું હતું. મીરાંએ કૃષ્ણપ્રીતિ નિમિત્તે કાવ્યસર્જન કર્યું છે. નારીચેતનાનો આ પ્રથમ પડાવ. રાજપાટને ઠોકર મારી કૃષ્ણપાટને પૂજી હતી. ઈબ્સનના ‘ડોલ્સહાઉસ’ની નોરા પણ અંતે બારણું પછાડીને બધુ છોડીને નીકળી ગઈ હતી. એ પછડાટનાં પડઘા સમગ્ર રશિયામાં સંભળાયા હતા. મધ્યકાળમાં મીરાંની આ ઠોકરની કળ રાણા જેવા કૈંક મહારાજાઓને વરસો સુધી વળી નહોતી, પણ મીરાંને તો રાજકારણ કરતા કૃષ્ણકારણમાં રસ હતો. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ન કોઈ’ ગાતી મીરાંને કોઈ પણ દુન્યવી ચીજમાં રસ નહોતો. કૃષ્ણ પ્રથમ અને અંતિમ પ્રેમ હતો. પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોચ્ચ શિખર એટલે મીરાં. પ્રેમનો પહાડ ચીરીને સંવેદનાનો ધોધ શ્યામ સાગરમાં ભળે છે.
જોધપુરના રાવ દુદાજીના પુત્ર રતનસિંહની દીકરી એટલે મીરાંબાઈ. નાનપણમાં આંગણે આવેલા સાધુ મહારાજના હાથમાં કૃષ્ણની સુંદર મૂર્તિ જોઈને મીરાંએ પૂછ્યું કે ‘આ કોણ છે ?’ સાધુએ કહ્યું કે ‘એ તો મારા ઇષ્ટદેવ કૃષ્ણની મૂર્તિ છે, હું રોજ એની પૂજા કરું છું.’ મીરાંએ કહ્યું ‘મને એ આપો. હું પણ રોજ પૂજા કરીશ.’ સાધુએ એ મીરાંને આપતા જ મીરાં એને છાતી સરસી દાબી અને હરખથી નાચવા લાગી. એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો. માતા તરફ ફરી નિર્દોષતાથી પૂછ્યું, ‘હે મા, મારો વર ક્યાં છે ?’ ત્યારે માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, ‘શ્રીકૃષ્ણ તારા પતિ છે ને’ એ દિવસથી જીવનની અંતિમ ક્ષણ સુધી કૃષ્ણને જ પોતાનો પતિ માન્યો હતો. સ્થૂળ રીતે ભલે ભોજરાજ સાથે વિવાહ કર્યા પણ મનથી તો મોહનને વરી ચૂકી હતી. સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહના પાટવી પુત્ર ભોજરાજ સાથે યુવાન વયે લગ્ન થયા. પોતાને ગમતી ગોપાલની પ્રિય મૂર્તિ એ સાથે લઈ ગયા. પિયરમાં વૈષ્ણવ ધર્મ પાળતા હતા અને સાસરું શૈવધર્મી હતું. આના કારણે સાસરિયામાં ખૂબ સહન કરવાનું આવ્યું. સાધુસંતોની સંગત વધી જવાથી દિયર વિક્રમસિંહે છાબમાં ઝેરી નાગ મોકલ્યો. બીજી વાર વિષનો પ્યાલો મોકલ્યો અને ત્રીજી વાર ખુલ્લી તલવાર સાથે વિક્રમસિંહ શિરચ્છેદ કરવા આવ્યો. પણ ત્રણેય વખત મીરાંનો આબાદ બચાવ થયો હતો. છેવટ કંટાળી પિયર ગયા તો ત્યાં પણ લોકરીતિ અને લોકનીતિ માફક ન આવતા વૃંદાવનની વાત પકડી. ત્યાં કૃષ્ણ વિષે વધુ જાણવા જીવા ગોસાંઈને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. ‘હું સ્ત્રીઓને મળતો નથી.’ એમ ગોસાંઈજીએ કહ્યું ત્યારે મીરાંબાઈએ જવાબ આપ્યો કે…
‘આજ લગી તો હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક,
વ્રજમાં વસી હજુ પુરુષ રહ્યા છો તેમાં ધન્ય તમારો વિવેક.’
આ સાંભળીને ગોસાંઈજી દોડીને સામેથી મળવા આવ્યા. મીરાંબાઈની દીર્ઘ કથાનાત્મક રચનાઓ ભલે એટલી ખ્યાત ન હોય પણ એમની પદકવિતા ભારતીય સંસ્કૃતિનું મોરપિચ્છ છે. મીરાંનું કવન અને જીવનને એકબીજાથી જુદા ન પાડી શકાય. એના પદો એની વહેતી સંવેદનાની નીપજ છે, હૃદયનાં ઊંડાણમાંથી નીકળી અનેક હૃદય સુધી પહોંચી ગઈ. ‘ઝેર તો પીધા છે જાણી જાણી’, ‘યે રી મેં તો પ્રેમદીવાની’, ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે’ વગેરે અનેક રચનાઓ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. વર્ડ્ઝવર્થે કહ્યું છે કે ‘Poetry is a spontaneous overflow of powerful feelings recollected in tranquility.’ આ વાક્ય જાણે મીરાં માટે જ લખાયું લાગે ! મીરાંની રચનાઓને આટલા વર્ષો પછી પણ સમયનો કાટ લાગ્યો નથી. થોડા સમય પહેલા સલમાન પર પિક્ચરાઇઝ થયેલું ગીત ‘પ્રેમ રતન ધન પાયો’ મૂળ મીરાંબાઈના પદથી જ પ્રેરિત હતું.
ઘણા લોકો એમ કહે છે કે મીરાંબાઇના કોઇ ગુરુ ન હતા પણ એ ખોટું છે. સંતો-ભક્તોએ પોતાની અનેક વાણીઓમાં ઢોલ વગાડીને કહ્યું છે કે ‘ગુરુ બિન જ્ઞાન ન ઉપજે.’ મીરાંબાઇ બાલ્યાવસ્થાથી ભક્તિવાન હતા એ ખરું પણ સાચા આધ્યાત્મિક જ્ઞાન માટે ગુરુની જરૂર તો રહે જ છે. મીરાંબાઇ પણ આ સત્યથી વાકેફ હતા આથી તેમણે પુરા ગુરુની શોધ આદરી ને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઇએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે. ‘ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી’.
દુન્યવી વ્યવહારો પતાવીને મીરાં રોજ કૃષ્ણમંદિર જતા. કૃષ્ણ સામે નાચગાન કરતા હતા. મીરાબાઈનું કૃષ્ણભક્તિમાં નાચવું અને ગાવું રાજ પરિવારને સારું ન લાગ્યું. એમણે મા દુર્ગાની પૂજા કરવા આગ્રહ કર્યો. મીરાં માન્યા નહીં અને કૃષ્ણભક્તિ શરુ રાખી. નણંદે મીરાંને બદનામ કરવા ભાઈને કહ્યું કે ‘મીરાં કોઈ સાથે ગુપ્ત રીતે પ્રેમ કરે છે. મેં મારી સગી આંખે કૃષ્ણમંદિરમાં કોઈની સાથે વાત કરતા સાંભળ્યા છે’. આ સાંભળી રાણાજી મીરાંબાઈને મારવા દોડે છે. પરંતુ સંયોગવશ સત્ય સામે આવે છે. હજારો સંઘર્ષોમાં પણ કૃષ્ણસ્મરણ ભૂલ્યા નથી. એમના જન્મસ્થળ મેડતામાં એમનું મંદિર છે. મંદિરમાં પ્રવેશતા જ લાગે કે જાણે હમણા મીરાંબાઈ કૃષ્ણપદો ગાવા લાગશે. કૃષ્ણના મંદિર જ્યાં જ્યાં છે ત્યાં અપ્રત્યક્ષ મીરાંબાઈનો વાસ છે.
જીવનના પાછલા વર્ષોમાં મીરાંબાઈ દ્વારકા આવીને વસ્યા હતા. વિક્રમસિંહ બાદ ચિતોડની ગાડીએ ઉદયસિંહ બિરાજમાન થયા. એમને થયું કે મીરાં સાથે ખૂબ અન્યાય અને અપમાન થયા છે. એથી હાથીઘોડા અને પાલખી લઈને મીરાંબાઈને પાછા ચિત્તોડ આવવા વિનંતી કરી. ત્યારે મીરાંએ કહ્યું કે ‘હવે તો મારું રાજ અને રજવાડું એ માત્ર કૃષ્ણ છે.’ ઈ.સ. ૧૪૯૮માં મીરાંબાઈ નામે એક તેજપૂંજનું અવતરણ થયું હતું અને ઈ.સ. ૧૫૬૫માં આ જ તેજપૂંજ દ્વારિકાના શ્રીકૃષ્ણના મંદિરમાંની મૂર્તિમાં સમાઈ ગયું હતું. આજે પણ દ્વારકાધીશના દર્શન અંતરની આંખે કરીએ તો કૃષ્ણના હૃદયમાં મીરાંબાઈ મૂરત દેખાશે.
ઇતિ
તમારી સંકલ્પશક્તિના માલિક બનો પણ તમારા અંતરાત્માના દાસ.
(જર્મન સુભાષિત)
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
