આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
+ + +

વાત ૧૯૫૮-૫૯ના વર્ષની છે. મિડલ સ્કૂલના છઠ્ઠા કે સાતમા ધોરણમાં અમારા એક સંગીતશિક્ષક હતા, શ્રી મેઘનાનીસાહેબ. દેશના ભાગલાના કારણે સિંધથી કચ્છ આવેલા એટલે પ્રોઢ ઉંમરે શાળામાં આવેલા. સંગીતના પિરિયડમાં બીજી વાતો પણ કરતા રહેતા. એક વાર કહે કે ગઈ કાલે મેં શહેરના નિવૃત્ત ન્યાયાધીશના ઘરે એક આશ્ચર્યકારક યંત્ર જોયું. તમે બોલો એ અવાજ તેમાં ઝિલાઈ જાય અને પછી તેનેફરીથી વગાડી શકો! તેઓ ટેપ-રેકૉર્ડરની વાત કરતા હતા. સાત ઈંચ વ્યાસના વર્તુળાકાર “સ્પૂલ’ રીલ)માં ચુંબકીય ટેપ વીંટળાઈને આવતી. તેને વગાડતું યંત્ર તે સ્પૂલ ટેપ-રેકોર્ડર. અમને બાળકોને નહીં, કોઈ મોટાંને પણ એ વાત ચમત્કાર જેવી જ લાગી હોત. એ યંત્ર સંવાદ સાચવવા માટે નહીં પણ સંગીત સાચવવા માટે હતું. આકાશવાણીએ આ વાત પછી અમુક વરસે પોતાના કાર્યક્રમ આ યંત્રમાં સંઘરવાનું શરૂ કર્યું. ત્યાં લગી કાર્યક્રમનું જીવંત પ્રસારણ થતું, નહીં તો મોટા કલાકારોની ગ્રામોફોન રેકૉર્ડ વગાડીને.
સંગીતક્ષેત્રે ત્યારે જે પ્રાપ્ય હતું તેમાં આ રેકૉર્ડર ક્રાન્તિકારી શોધ હતી. અને. ભવિષ્યની વધુ ક્રાન્તિકારી શોધોનું, બીજ એમાં હતું જેનાં વૃક્ષ આપણી આસપાસ દેખાય છે. સંગીત સાંભળવા માટે ત્યારે એક હતો રેડિયો, જે થોડાં વર્ષો પહેલાં જ દેશમાં આવેલો. બીજું હતું ગ્રામોફોન અથવા થાળીવાજું. તેના ઉપર લાખની બનેલી રેકૉર્ડ વગાડવામાં આવતી. રેડિયોએ હજુ ફિલ્મનાં ગીતો આપવાનું શરૂ નહોતું કર્યુ, તેથી શોખીનો માટે ત્યારના પ્રખ્યાત કુંદનલાલ સાયગલ, પંકજ મલિક કે કાનનબાળાને સાંભળવાનું એકમાત્ર સાધન આ “વાજું’ હતું. મોટાં ભૂંગળાંવાળાં લાઉડ સ્પીકરની સામે બેસી સાંભળી રહેલા કહ્યાગરા કૂતરાનું ચિત્ર. એ HMV/ (હિઝ માસ્ટર્સ વૉઇસ) કંપનીનું તો ચિહન હતું, પણ સાથે સાથે શોખીનો માટે સંગીતનું પ્રતીક પણ હતું.
થોમસ એડિસન અને એમિલ બર્લિનરના બમણા પ્રયત્નોથી મળેલ આ વાજું સંગીતનો સંગ્રહ કરવાને ક્ષેત્રે પ્રથમ પગથિયું હતું. કરાઓકે ઉપર ગીત ગાનારી આજના પેઢીને એ માનવું પણ મુશ્કેલ લાગશે કે એ ઇલેક્ટ્રિસિટી વિના જ ચાલતું! માનવની શોધખોળ પ્રવૃત્તિનું એ પ્રતીક હતું. એવાં પણ કેટલાંક ઘર ત્યારે હતાં જ્યાં આ વાજું તો હતું પણ હજુ લાઇટ નહોતી આવી.
કાર્યરચના
લાખ જેવા મૃદુ પદાર્થ ઉપર વલયાકાર ટ્રૅક’ બનેલો હોય. કહો કે એ ખાડો છે, જેની ઊંડાઈ અવાજની તીવ્રતા મુજબ વધ-ઘટ થાય. તેને વગાડવા માટે ઝીણી પિન વાળું રિસીવર એના ઉપર બેસાડેલું હોય. પિનને એક પાતળા પડદા સાથે એવી રીતે જોડી હોય કે પિન ઊંચી-નીચી થાય તો પડદો આગળપાછળ થાય. એ કંપનના સૂક્ષ્મ અવાજને મોટો કરવા માટે લાકડાના બૉક્સની ખાસ રચના કરેલી હતી, જેને સાઉન્ડ બૉક્સ કહેવાતું. રેકોર્ડને ગોળગોળ ફરવાની ઊર્જા ક્યાંથી આવે? ચાવીવાળા રમકડા અને મોટા ઘડિયાળમાં હોય તેવી લોખંડની સ્પ્રિંગ જેવી કમાન દ્વારા હાથેથી ચાવી ભરવાથી કમાન વીંટાઈ જાય અને એ. ખૂલવા માંડે ત્યારે તમારા હાથની ઊર્જા પાછી મળે, દાંતાચક્રો (ગીઅર)ની મદદથી તેનું પરિવર્તન ગોળગોળ ગતિમાં થાય.
આ રેકોર્ડ મિનિટનાં 78 ચક્ર ફરે તો અવાજ વ્યવસ્થિત આવે. એ પરથી કલ્પના આવે કે આખું યંત્ર કેટલી ચોકસાઈથી બન્યું હશે, કમાન પૂરી ખૂલવામાં હોય અને ગાયકનો અવાજ લંબાઈ જાય કે તરત ઘરમાં બાળકો બોલે, “એ… ચાવી ઊતરી ગઈ! ગ્રામોફોન ઘણી મહેનતથી પિતાજી લાવ્યા હોય અને પાછો અવાજ ધીમો, એટલે એ વગાડાય ત્યારે આખું ઘર એની ફરતે બેસી જાય. ઇલેક્ટ્રિસિટી આવી અને ગ્રામોફોનનું ટર્નટેબલ મોટરથી ફરવા લાગ્યું. વૉલ્યુમ ઉપર કાબૂ આવ્યો અને આ ઉત્સવની મજા ચાલી ગઈ!

વીજળીના કારણે અવાજ ઉત્પન્ન કરવાની રચના બદલી ગઈ. લોખંડની પિનની જગ્યાએ કૃત્રિમ સિરામિકનો કાર્ટિજ આવ્યો. લાખને બદલે રેકોર્ડ વિનાઇલ નામના સિન્થેટિક દ્રવ્યમાંથી બનવા લાગી. એક બાજુ સાડા ત્રણ મિનિટનું ગીત સમાતું, તેને બદલે ૪૫ મિનિટનું સંગીત પીરસી શકે તેવી LP (લોંગ પ્લે) અને EP (એક્સ્ટેન્ડેડ પ્લે) રેકોર્ડ આવી. શાસ્ત્રીય સંગીતનાં લાંબાં વાદન માટે એ વધુ યોગ્ય પણ હતી. એકસાથે ઘણી રેકૉર્ડ મૂકીને સતત સાંભળી શકાય તેવાં “ચેન્જર’ આવ્યાં. સંગીતના શોખીનો માટે સારો જ સમય ચાલી રહ્યો હતો.
ચુંબકીય ટેપ
આમ છતાં મેધનાનીસાહેબવાળું ટેપ રેકોર્ડર અને તેના પાછળ કેસેટ ટેપ આવ્યા જ. ટેક્નોલોજી ક્યારેક ફૅશન જેમ વર્તે છે. ચાલી રહેલ સ્ટાઇલમાં કશી ઊણપ હોય તેથી ફૅશન બદલે છે તેવું નથી. એ અમસ્તી જ બદલે છે. કદાચ રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગને નવું કરવાની ઇચ્છા થાય ત્યારે બદલે છે, તેવી જ રીતે થાળી-રેકૉર્ડના જમાનામાં ચુંબકત્વના સિદ્ધાંત પર કામ કરતી ટેપ સંગીતનો સંગ્રહ કરવા માટે આવી
પડી. સ્પૂલ પ્રકારનાં રેકોર્ડર તો બહુ ન ચાલ્યાં પરંતુ ઓછી પહોળાઈની કૅસેટ ટેપે આકર્ષણ જમાવ્યું. એ “કન્ઝ્યુમર પ્રોડક્ટ’ બની ગઈ. વિનાઇલ રેકોર્ડ અને સ્પૂલ રેકૉર્ડરમાં રેકોર્ડિંગ કરવું હોય તો વિશેષ વ્યવસ્થા અને સ્ટુડિયોની જરૂર પડે. કેસેટમાં રેકૉર્ડિંગ કરવું સહેલું હતું. ‘ટુ-ઈન-વન’ પ્રકારના રેડિયોની સાથે આવતા ટેપ-રેકૉર્ડરમાં તો રેડિયોમાંથી સીધું જ રેકૉર્ડિગ થઈ શકતું. એટલે શહેરના શોખીનો ઉપરાંત ગ્રામીણ પ્રજાએ પણ આ સસ્તી સગવડને હાથોહાથ ઉપાડી. સંગીત સિવાય પણ એના ઘણા ઉપયોગ થયા. ભોજપુરી ગીતો અને સદેવંત સાવળીંગાની કથાની કેસેટો ૨૦-૨૦ રૂપિયામાં વેચાવા લાગી.
ગીતોના શોખીન લોકોએ ગીતો ઉપરાંત ગઝલો અને વાજિંત્ર (ઇન્સ્ટૂમેન્ટ) સંગીતની દોઢસો-બસ્સો કેસેટો ઘરમાં વસાવી. સમાન રસ ધરાવનારા મિત્રો કેસેટની આપલે કરતા. એ વિનિમય પેલાં થાળીવાજાં જેવો મુશ્કેલ ન હતો! શર્ટના ખિસ્સામાં લઈ જઈને એ મિત્રને આપી શકાતી! એના નાના કદે એક બીજી નવાઈનું સાધન બજારમાં આણ્યું. ‘સોની’ કંપનીએ “વૉકમેન’ નામનું એવું ટચૂકડું ‘ટેપ-પ્લેયર’ બનાવ્યું જેને હાથમાં લઈ ને હાલતાંચાલતાં સાંભળી શકાય. યુવાનોમાં એ “સ્ટાઇલ સ્ટેટમેન્ટ’ જેમ વપરાયું.
ફેશન ફરી પલટી
ચુંબકીય ટેપનો વિચાર કમ્પ્યૂટર ટેકનૉલોજી પરથી આવેલો. પ્લાસ્ટિક અથવા પોલિસ્ટરની પટ્ટી ઉપર આયર્ન (લોહ) અને કૉમિયમના ઓક્સાઇડનું પાતળું પડ ચડાવવામાં આવ્યું હોય છે. સ્પૂલમાં ભરેલી ટેપ કમ્પ્યૂટરમાં ‘મેમરી’ સંઘરવા માટે વપરાતી હતી, ત્યાંથી સંગીતમાં આવી. ખાડાટેકરાને બદલે બદલાતાં ચુંબકત્વરૂપે અવાજ તેમાં કેદ થાય. પટ્ટી જ્યારે ટેપ-રેકોર્ડરના હેડની સામેથી પસાર થાય ત્યારે ચુંબકત્વની વધઘટ પ્રમાણે ‘હેડ’માં સૂક્ષ્મ વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે. તેનું સ્પીકર અવાજમાં રૂપાંતર કરે છે. આવી સરળ પ્રક્રિયાને કારણે જ કેસેટ પ્રચલિત બની હતી. તે છતાં કૉમ્પેક્ટ ડિસ્ક (સી.ડી.)એ આવીને અચાનક તેને ખસેડી મૂકી.
રૂપાળી કૉમ્પેક્ટ ડિસ્કની કાર્યપદ્ધતિ પેલી કાળી રેકોર્ડ જેવી જ હતી. સી.ડી. ઉપર ગોળ ફરતા “ટ્રેક’માં સૂક્ષ્મ ખાડા અને ટેકરા હોય છે. અવાજના ગુણધર્મ મુજબ એ બનાવવામાં આવ્યા હોય છે. ડિસ્કને વગાડતી વેળા એક સૂક્ષ્મ લેઝર કિરણ એ માહિતી “વાંચે’ છે અને અવાજમાં તેનું પરિવર્તન કરાય છે. રેકોર્ડને હટાવીને જેમ કેસેટ વણમાગી આવી, તે જ રીતે કૅસેટને હટાવીને સી.ડી.એ પ્રવેશ કર્યો. જેમ જૂની ફેશન પાછી આવે તેમ ખાડા-ટેકરામાં સંગીતને સંઘરવાની રીત પણ પાછી આવી, લોખંડની પિનને બદલે આધુનિક લેઝરનો ઉપયોગ કરીને! ફિલિપ્સ અને સોનીએ મળીને કમ્પ્યૂટરના ડેટા સાચવવાની રીતને સંગીતની સેવામાં આણી.
ડિજિટલીકરણ
કૉમ્પેક્ટ ડિસ્કના પગલે પગલે સંગીતમાં ડિજિટલ યુગ હળવેથી દાખલ થઈ ગયો. ડિજિટ – એટલે આંકડા અથવા સંખ્યા. અવાજને લગતી માહિતી હવે અમુકતમુક સંખ્યાના રૂપમાં સચવાઈ. એનો મુખ્ય ફાયદો એ કે અવાજ જેવો રેકોર્ડ થાય તેવો જ વગાડતી વખતે “પ્લેબૅક’ થાય. એનેલોગ (Analog) પદ્ધતિથી વંચાતી ટેપ અને વિનાઇલ રેકોર્ડમાં એવી ખાતરી નથી હોતી. ટેપ જૂની થાય તો અવાજ ધીમો થતો જાય. જો એ હેડ જોડે ઘસાય તો ગીતમાં ઘસારાનો અવાજ આવે. રેકૉર્ડમાં ખાડો હોય તો એ જ શબ્દો વારંવાર બોલાયા કરે. સી.ડી.માં લેઝર કિરણ દૂરથી જ ‘વાંચતું’ હોવાને કારણે તેનું આયુષ્ય વારંવાર વગાડવાથી ઘટતું નથી અને અવાજ સ્પષ્ટ જ રહે છે.
આજે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે તમે જે કંઈ સાંભળો છો અને કોઈ પણ માધ્યમથી સાંભળો છો, તે બધું જ ડિજિટલ સ્વરૂપે સંઘરાયેલ તેમ જ વગાડાયેલ છે. હા, તમારી પાસે જૂનું ટેપ-રેકૉર્ડર હોય તો એનેલોગ સંગીત સાંભળવાની એ એકમાત્ર જગ્યા રહી ગઈ છે. તમારો રેડિયો ભલે જૂનો હોય
પરંતુ રેડિયો સ્ટેશન પાસે કાર્યક્રમનો સંગ્રહ કમ્પ્યૂટરમાં જ છે અને તેના દ્વારા જ વગાડીને બ્રોડકાસ્ટ કરે છે! બીજી તરફ મોબાઇલ ફોનમાં કમ્પ્યૂટર સમાઈ ગયું હોવાથી પ્રજાનો મોટો ભાગ પોતાની પસંદનું સંગીત હવે ફોનમાં જ સાંભળી લે છે. પોતાનો સંગ્રહ, યુ-ટયૂબમાં ફિલ્મી ગીતો, અને છેવટે “સ્પોટીફાઇ’ જેવી એપ્લિકેશન (App) પણ ડિજિટલ જ છે ને? મોબાઇલને કારણે હવે સંગીત વૈયક્તિત અનુભવ બનીને રહી ગયું છે. શક્ય છે કે માતા અને દીકરો એ જ ગીત સાંભળી રહ્યાં હોય, પરંતુ પોતપોતાનાં સાધનમાં – એકલાં એકલાં.

ગુણવત્તા સુધરી ?
ડિજિટલીકરણ પછી મનોરંજનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સામાન્ય રીતે મનાય છે કે ડિજિટલ સંગીત ઉચ્ચ કક્ષાનું હોય, કારણ કે, તે સ્પષ્ટ હોય છે. તેને કમ્પ્યૂટર વાપરીને પ્રોસેસ પણ કરી શકાય. પરંતુ જે લોકોના કાન સંવેદનશીલ છે તેવા જાણકારો આ સંગીતને એનેલૉગ પ્રકાર કરતાં ચઢિયાતું નથી માનતા. ડિજિટલીકરણ ઉપરાંત આધુનિક વીજાણુ સર્કિટો કંઈક અંશે કૃત્રિમ અવાજ પેદા કરે છે. થોડો તીક્ષ્ણ-મૅટાલિક અવાજ. ચંદ્ર સપ્તકના ઓછી આવૃત્તિના સ્વરોમાં ઊંડાણ અને ગાંભીર્ય નીપજતું નથી. ડિજિટલીકરણની પ્રક્રિયા જ એવી છે કે આ વાતમાં વજૂદ હોઈ શકે.

ડિજિટલ સી.ડી. ઉપર એક મિનિટનું સંગીત ૧૦ મેગાબાઇટ (MB) જેટલા ડેટા પૉઇન્ટ અથવા મેમરી માગી લે છે. પરંતુ તેનું જ MP3માં પરિવર્તન કરો તો એક MBમાં સમાઈ જાય છે. તો આ પ્રક્રિયામાં કશુંક તો ધરબાઈ જ જતું હશે ને? બહુજન જેને માણે તેવાં હળવાં મનોરંજનમાં એ ચાલી જાય પરંતુ હળવેથી સ્વરોનું રસપાન કરનારાઓને એમાં સંતોષ નથી થતો.
છેવટે...
પોણી સદીમાં ઘણાં ઘણાં પરિવર્તનો આવ્યાં અને ગયાં સુધ્ધાં. પરંતુ એક વાત નથી બદલાઈ. સભામાં કે સ્કૂલનાં મિલનોમાં પોતાની છાપ છોડી જવા ગાયકો શાસ્રીય રાગો ૫ર આધારિત ૧૯૫૦-૬૦-૭૦ના સમયનાં જે ગીતો ગાતા હતા એ જ ગીતો આજે ટી.વી.ના રિયાલિટી શોમાં યુવાન સ્પર્ધકો સ્પર્ધા જીતવા માટેગાય છે! એ વાત ‘ત્યાર’ની સિદ્ધિ અને “અત્યાર’ના સંગીતની ગુણવત્તાની ચાડી ખાય છે!
સૌજન્યઃ નવનીત સમર્પણ * સપ્ટેમ્બર ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

મજાની સંગીત સફર અને ક્યાંથી ક્યાં વિકાસ થયો તે આશ્ચર્ય ચકિત કરે છે.
LikeLike