અવલોકન

 – સુરેશ જાની

This box  dreams of becoming another box .
– Domino Pizza

      લે! કર વાત. એને પણ વળી સ્વપ્ન છે! આમ તો આ જાહેરાતના અવનવા નુસખાનો જ એક પ્રકાર છે. પણ એનો હેતુ ઉમદા છે, સાર્વજનિક હિત અંગેનો છે – ખોખાને રિસાયકલ કરવાનો જ તો.

થોડાંક વર્ષ પહેલાં ‘3 Re’ એવા અંગ્રેજી શિર્ષકવાળો લેખ વિશ્વમાં સૌથી વધુ વંચાતા માસિક ‘રીડર્સ ડાયજેસ્ટ’ માં વાંચ્યો હતો. એ લેખમાં વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશો અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનિક સુખ-સગવડો માટે વધી રહેલી દોડની વાત કરવામાં આવી હતી. એના કારણે સર્જાઈ રહેલી એક અપરિવર્તનશીલ અને સર્વનાશ તરફ દોરી જતી; કઠોર, કડવી, વાસ્તવિકતા પર આધારિત, કરૂણ શક્યતા તરફ અંગુલીનિર્દેશ પણ કરવામાં આવ્યો હતો. આના એક ઉપાય તરીકે ત્રણ ‘રી’ ની ભલામણ કરવામાં આવી હતી.

Reduce : Reuse : Recycle

વપરાશ ઓછો કરો.
વસ્તુઓ ફરીથી વાપરો.
વસ્તુઓનું/ કચરાનું રૂપાંતર  કરો.

     અને છતાં હકીકત એ છે કે, આપણે અને બધા વિકસતા દેશો અમેરિકન જીવન-પધ્ધતિના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છીએ.

ખેર, એ લગભગ અશક્ય વાતને બાજુએ મૂકી દઈએ તો, બીજી વાત પુનર્જન્મની છે. એક ચીજ મરણ પામે છે, અને એના અવશેષમાથી બીજી જન્મ લે છે. કોઈ પણ જીવનો ફરી જન્મ થાય છે – એવી ભારતમાં પ્રચલિત ધર્મોની માન્યતા છે. એ માન્યતા સાચી છે કે, નહીં – એ વિવાદનો પ્રશ્ન છે. આપણે એમાં નથી ઊતરવું. પણ એક ખોખું તો બીજું ખોખું  બની શકે છે!

વિજ્ઞાનના ‘દ્રવ્ય સાતત્ય’ના નિયમ પ્રમાણે પણ, એક વસ્તુનું બીજી વસ્તુમાં રૂપાંતરણ થતું જ રહે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે તો તેનાથી પણ આગળ વધીને શક્તિ અને દ્રવ્ય પણ એકબીજામાં પરિવર્તન પામી શકે છે. એ માટે આભાર મહાન વિજ્ઞાની અને ગણિત શાસ્ત્રી આલબર્ટ આઈનસ્ટાઈનનો. વળી હવે તો એવી વાત ચાલે છે કે, કશું ન હોય ( anti matter ) તેમાંથી પણ પદાર્થનો જન્મ થાય છે!

આ બધા વિવાદોને બાજુએ મૂકીએ તો ત્રીજી વાત ‘સ્વપ્ન’ની પણ આમાંથી તરી આવે છે. કોણ જાણે કેમ?  પણ કિશોરાવસ્થામાં વાંચેલી આદરણીય હંસાબહેન મહેતાની બાળકથા ‘અરૂણનું અદભૂત સ્વપ્ન’ યાદ આવી ગઈ.  ખોખાને સ્વપ્ન આવે, એ એના બનાવનારની સર્જકતા ભલે હોય; આપણને સપનાં બહુ પ્રિય હોય છે – નિંદરમાં આવતાં અને ‘ઉઘાડી આંખના’ સપનાં. કદાચ આપણી બધી પ્રવૃત્તિઓના પાયામાં કોઈ ને કોઈ સપનું હોય છે. આશાઓ, કલ્પનાના તરંગો.  માણસ સિવાયના પ્રાણીઓને સપનાં આવતાં હશે?!

જવા દો – આ બધા તરંગોને. ખોખું ખોલીને પિઝા ખાઈ લો!


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.