તારું  સામર્થ્ય

નીલમ  હરીશ દોશી

ગાલિબને યહ કહ કર તોડ દી માલા,
ગિન કર ક્યોં નામ લૂં ઉસકા, જો બેહિસાબ દેતા હૈ

પ્રિય દોસ્ત,

મારી પાસે આ વાત કરાય કે ને આ વાત ન કરાય એવો કોઇ સંકોચ રાખવાની જરૂર નથી.તું મોકળા મને મારી પાસે ઠલવાઇ શકે છે. તારા દિલની વાત સાંભળવા હું હમેશા તત્પર છું જ. જો તું મિત્રદાવે મારી પાસે ઠલવાઇને હળવો થવા ઇચ્છતો હો તો દોસ્ત, તારું સ્વાગત છે. અલબત્ત મિત્ર કંઇ  તારા દરેક પ્રશ્નને હલ કરી આપે એ જરૂરી નથી. એની પાસે કોઇ આશા રાખ્યા સિવાય બસ ઠલવાવાનું હોય.આમ મુકત મને  ઠલવાઇને હળવા થવાના ઠેકાણૂં મળે એ પણ કયાં ઓછું હોય છે ?

દોસ્ત, તું આમ ઉદાસ રહે એ મને જરાયે ગમતું નથી. મને તો જોવો ગમે છે તારો પ્રસન્નતાથી છલક છલક થતો ચહેરો.

દોસ્ત, તને માનવ જેવો અવતાર મળ્યો છે એનું મૂલ્ય રખે ઓછું આંકતો. પશુ પંખીને સુખ કે દુખ જે આવે તે ભોગવી લેવાના હોય છે, માનવીમાં એ તાકાત છે કે એ દુખને પણ સુખ બનાવી શકે. પ્રેમ એવો ચૈતન્ય સ્પર્શ છે જે શલ્યાને અહલ્યા બનાવી શકે. જરૂરી છે તારા ભીતરી સ્વરૂપને ઓળખવાનું. તું પોતે કદાચ તારા સાચા સ્વરૂપથી, તારી અંદરની શક્તિઓથી અજાણ છે. તારામાં છૂપાયેલા સામર્થ્યની તને પોતાની જ જાણ નથી. એને ઓછું આંકવાની ભૂલ ન કરીશ.

 દોસ્ત, અપાર શક્તિનો તું માલિક છે. એ વાત વિસર્યા સિવાય મહેનત કરતો રહીશ તો આનંદ, ખુશી તારાથી દૂર કદી રહી શકે નહી. આમ પણ આનંદ એ મારા  તરફથી માણસમાત્રને  પ્રાપ્ત થયેલો વિશેષાધિકાર..પ્રીવીલેજ છે. એ વિશેષાધિકારનો કેવી રીતે ઉપયોગ કરવો, કેમ પ્રાપ્ત કરવો એ જો આજ સુધી હજુ તું શીખ્યો ન હોય તો દોસ્ત, હજુ મોડું નથી થયું. કોઇ પણ નવી વાત શીખવા માટે કયારેય મોડું નથી હોતું.

દોસ્ત, તારી પાસે અઢળક પૈસો હોય પણ  ઘરમાં આવેલો એ પૈસો  જો  આનંદમાં રૂપાંતરિત ન થવાનો હોય તો એની કીંમત કેટલી ?  આયખુ ઓછુ કરે કે ઉંઘ હરામ કરે તેવી કમાણીનો શો અર્થ હોઇ શકે એ મને તો સમજાતું નથી. દોસ્ત, પૈસો જરૂરી નથી એવું તો આજે હું પણ કહેતો નથી. આજે તો તેં મને પણ છપ્પનભોગની, નિતનવા સાજ શણગારની આદત પાડી દીધી છે ને ? આ તો જસ્ટ મજાક કરું છું. બાકી દોસ્ત, હું તો ઇચ્છું કે તું એ પૈસા મારા શણગારને બદલે કોઇ વધારે સારા કાર્યમાં વાપરે.

લિ. તારો જ અલ્લાહ


પ્રાર્થના એટલે  કોઇ ધર્મ, કોઇ નાત જાત, કોઇ સંપ્રદાય કે કોઇ અર્થના  વળગણ વિનાની મૌન ભાષા.

જીવનનો હકાર..

આજનો  દિવસ  સારો છે કે ખરાબ એનો આધાર આપણા પોતાના એટીટયુડ પર  છે.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે