અમૃતાનુભવની ઉજાણી

દર્શના ધોળકિયા

ભારતીય પરંપરાની સમૃદ્ધ આચાર્ય – પરંપરાના કુળ સાથે નાળસંબંધે જોડાયેલા, સાંપ્રતકાળના અક્ષરદેહે વિદ્યમાન એવા આચાર્ય શ્રી યશવંત શુક્લ એમના વિદ્યાગુરુ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નિબંધસંગ્રહ ‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં નોંધે છે : ‘વિષ્ણુભાઈનો નિબંધસંગ્રહ ‘દ્રુમપર્ણ’ છપાઈ રહ્યો છે અને તેનો આમુખ તમારે લખી દેવાનો છે (એ) સાંભળીને હું અવાક થઈ ગયો. ગંગાને અવળી કેમ કરીને વહેવડાવાય?..એ તો નારી અનધિકાર ચેષ્ટા કરી કહેવાય.. પણ પછીથી ખુદ વિષ્ણુભાઈનો મારા પર પત્ર આવ્યો.. એટલે હવે આ અર્ધ્ય લઈને ઉપસ્થિત થયો છું.’ (‘દ્રુમપર્ણ’, આવૃત્તિ પ્રથમ, પ્રસ્તાવના, પૃ.૧૨)

આચાર્ય યશવંત શુક્લની શતાબ્દીવંદના નિમિત્તે એમના ‘કેન્દ્ર અને પરિઘ’ નિબંધસંગ્રહ વિશે વક્તવ્ય આપવાનું નિમંત્રણ આપતો ડૉ. નીતિન વડગામાનો ફોન આવ્યો ત્યારે યશવંતભાઈએ અનુભવેલી આ મીઠી મૂંઝવણ ને ખચકાટનું સાદર સ્મરણ થઈ આવ્યું. યશવંતભાઈ મારા ગુરુજન ડૉ. ધીરેન્દ્રભાઈ મહેતાના આદરણીય વિદ્યાગુરુ. મારા અભ્યાસ કે વક્તવ્યોના પ્રારંભિક કાળમાં સામે બેસીને મને ધ્યાનથી સાંભળતા યશવંતભાઈ ‘મારા વિદ્યાર્થીના વિદ્યાર્થીઓના અભ્યાસને ચકાસવો તો પડે ને ? કેવોક વારસો સચવાયો છે એ જોવા સ્તો !’ કહીને મને સત્કારતા એ ક્ષણોના સરવાળાએ એમનેય આ અર્ધ્ય ધરવાની ચેષ્ટા કરી બેસવાની હિંમત થઇ શકી છે.

‘કેન્દ્ર અને પરીઘ’ યશવંતભાઈનાં ત્રીસેક જેટલા નિબંધોનો સંગ્રહ ‘બુદ્ધિપ્રકાશ’, ‘સંસાર’, ‘નવચેતન’, ‘સંસ્કૃતિ’ જેવાં વિચારનિષ્ઠ સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખો અહીં ગ્રંથસ્થ થયા છે, જેનો સમયગાળો છેક ઓક્ટોબર ’૬૪ થી ’૮૦ દરમિયાનનો છે. પુસ્તકરૂપે આપણને મળ્યો નવેમ્બર ૧૯૮૦માં. કેટકેટલા વિષયો પર યશવંતભાઈએ વિચારણા કરી પણ એમની વિદ્વત્તા જેટલી મંચસ્થ ને મનસ્થ થઈ એટલી ગ્રંથસ્થ ન થઈ જેનો વસવસો આ સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રઘુવીર ચૌધરીએ પણ વ્યક્ત કર્યો જ છે : ‘એમણે આ શક્તિઓનો પૂરેપૂરો હિસાબ આપ્યો હોત તો? એક પૂરા સમયનો દ્રષ્ટિવંત સમીક્ષક સુલભ થાત.’(પ્રસ્તાવના)

પણ તેમ છતાં આ સંગ્રહમાં યશવંતભાઈ પાસેથી જે સાંપડ્યું છે તે અમૂલ્ય સંપદા સમું છે. દરેક નિબંધનાં મથાળાં લેખકની વિચારસૃષ્ટિનો વ્યાપ સૂચવે તેવાં છે : ‘પહેલ અને પરંપરા’, ‘કાર્ય અને વિવેક’, ‘રાષ્ટ્રીય ચારિત્ર્ય અને સાંસ્કૃતિક પરિબળો’, ‘નારીનું સખી સ્વરૂપ’, ‘મૂલ્યોની કાયાપલટ’, ‘મૂલ્ય અને કવિધર્મ’, ‘લોકધર્મી પત્રકારત્વ’ અને સાહિત્ય પરિષદ, દિલ્હી અધિવેશનમાં અહેવાલરૂપે પ્રગટ થયેલ વ્યાખ્યાન ‘કેન્દ્ર અને પરિઘ. ૧૯૬૪ થી ૧૯૮૦ દરમિયાનની લેખકની આ વિચારયાત્રાનો નકશો એક બાજુથી એમનું ગજું પ્રગટ કરે છે તો બીજી બાજુથી એમની જીવન પ્રતિની નિસબત. પ્રકૃતિએ બૌદ્ધિક ગણાય ને જણાય એવા લેખકની અહીં પ્રગટ થયેલી વિચારયાત્રા એમની નિસબતને લઈને એમને આસ્તિકની પંગતમાં સ્થાન અપાવે એવી જણાય.

પુસ્તકના આરંભે યેવતુશેન્કોનું આ વિધાન મુકાયું છે :

‘તારામાં જે કંઈ સુન્દર છે
તેનું મૂલ્ય ચૂકવવા માટે
અનિશ્ચિતતાઓ, પરાજયો, ગુમાવ્યાની વેદનાઓ
-એ બધું શું વધારે પડતું કહેવાય ?’

લેખકની જીવન પ્રત્યેની કૃતજ્ઞતા, જે આ નિબંધોમાં સતત વરતાયા કરે છે, તેનો આરંભ કદાચ અહીંથી થયો છે.

પ્રસ્તુત નિબંધો પ્રધાનતઃ ચિંતનાત્મક છે. પણ લેખકનું ચિંતન નિરીક્ષણ, અનુભવ ને એ અનુભવના અર્થઘટનથી રસાઈને દર્શનમાં પરિવર્તિત થતું સહૃદયને અનુભવાય છે. આવાં અનેક દષ્ટાંતો અહીં જડે છે :

“આ સહેલું ને સલામત બંને મનુષ્યને એકસાથે જોઈએ છે અને બંને એક સાથે બધાં ને ન મળે એવી વિધિઘટના છે… અનુભવે એને સમજાઈ રહ્યું છે કે વ્યવસ્થિતતા જો બંધન છે તો મુક્તિ અનુભવવા માટે એ અનિવાર્ય પણ છે, અર્થાત જે કંઈ અગાઉથી ગોઠવાયેલું છે તે બધુંયે ફેંદી નાખીને, ઊથલપાથલ કરીને, ફેંકી દેવા સરખું નથી.’(‘પહેલ અને પરંપરા’, પૃ.૩)

જીવન પ્રત્યેની નિસબતે લેખકને આપ્યું છે સમ્યક દર્શન. આથી જ પહેલ અને પરંપરાને બંનેનો સ્વીકાર કરતાં ટી.એસ. એલિયેટનું સ્મરણ કરાવે એવું વિધાન કરતાં લેખક નોંધે છે :

‘જૂની પરંપરાઓ તૂટે છે, પણ તૂટતાં તૂટતાંય એના જે અંશોમાં જીવનનું સ્થાયી દૈવત પડેલું હોય છે તે નવી પરંપરા સાથે ગંઠાઈ જાય છે અને ભૂત વર્તમાનમાં પ્રવેશીને ભવિષ્યને અભિનવ ઝોક આપે છે. આમ પહેલ અને પરંપરા વચ્ચેના ઘમસાણ દ્વારા ત્રિકાલનું અનુસંધાન થાય છે.’(‘પહેલ અને પરંપરા’, પૃ.૩)

ગંભીર અને ગહન વિષયની ચર્ચાની માંડણી કરતી વેળાએ યશવંતભાઈમાં રહેલો કેળવણીકાર ને ભાષાસ્વામી એની કેવી તો મદદે આવી છે તે જોવા જેવું છે. ‘ચાર વિચાર –બિંદુ’ની વાત માંડતાં ‘અભય’ પર લેખકે પહેલી પસંદગી ઉતારી છે . દૈવી સંપત્તિમાંની પ્રથમ એવા અભયને લેખક કેવી રીતે મૂલવે છે ? તેમને મને, ‘ભગવદગીતાકારે દૈવી સંપત્તિઓનું વર્ણન કરતાં અભયનો ઉલ્લેખ સૌથી પહેલો કર્યો તે કેવળ અનુષ્ટુપ છંદની આમન્યા પાળવા તો નહીં આમાન્યા પાડવા તો નહીં જ. એનું એક રહસ્ય છે, અને તે કદાચ એ છે કે સર્વ ગુણોમાં એ શ્રેષ્ઠ છે…’ તે પછી એમની મૌલિક અર્થઘટનશક્તિને ઉઘાડતાં જણાવે છે : ‘અભય એ જીવનની ઉપેક્ષા નથી, પણ જીવનનો સ્વીકાર છે. જીવનના જ વિજય માટે અસ્તિત્વલોપની બીજી ચિંતા છોડે તે નિર્ભય.’ (પૃ.૨૫)

સામાન્યતઃ જેના વિશે વાત કરતાં વ્યક્તિગત આગ્રહો, અભિગ્રહો નડે ને શૈલી અભિનિવેશપૂર્ણ બની જાય એવા વિષયોને ચર્ચતી વેળાએ લેખકની સ્વસ્થતા ને સમતોલ દ્રષ્ટિકોણ અહીં પાને પાને પ્રગટ થઈને લેખકને માત્ર વિચારક નહીં પણ આચાર્ય ઠેરવતા રહે છે. ‘લોકશાહી અને ધર્મસહિષ્ણુતા’જેવા સંવદેનશીલ મુદ્દાને ચર્ચતા લેખક નોંધે છે : (લોકશાહીમાં) વિચાર કહેવાય છે અને વિચાર સહેવાય છે, તેથી જ વૈચારિક સંઘર્ષને અંતે સંમતિનું તત્ત્વ ઊપસી રહે છે.’(પૃ.૮૯)

પણ લેખકને મતે આ વિચાર શું છે? “વિચાર એ પથ્થર નથી કે કોઈને વાગે. વિચારનું બળ ઘણું મોટું છે. પણ એ માનવચેતનામાં સરે છે અને ચેતનાનો અંશ બને છે. ચેતનાનો પ્રવાહ બદલવાનું સામર્થ્ય પણ તેજસ્વી અને સાચા વિચારોમાં રહેલું હોય છે…’(પૃ.૯૦)

તો ‘મૂલ્યોની કાયાપલટ ‘ જેવા નાજુક વિષય વિશે વાત કરતાં જરાય ડગ્યા વિના લેખક નોંધે છે : ‘મૂલ્યોની કાયાપલટ કેવળ આજનું સત્ય નથી, એ ચિરકાલનું સત્ય છે.’(પૃ.૧૯૨) આખરે આ વિચારનો, આ મૂંઝવણનો નિષ્કર્ષ શું ? લેખકને એમની પ્રતિભામાંથી એ આમ સાંપડે છે :”.વ્યક્તિ જો સમષ્ટિ સાથે ભિન્નતા અનુભવતી હોય તો વિશ્વભાવ જખ મારે છે. આ દ્વૈતનો પરિહાર બુદ્ધે, મહાવીરે, ગાંધીએ મૈત્રી અને કરુણા દ્વારા કરવાની માનવજાતને શીખ દીધી હતી.તેઓ એ મૂલ્ય જીવી ગયા હતા. એ મૂલ્ય ગઈ કાલે પણ હતું, આજે પણ છે.. માનવપ્રેમનું આ મૂલ્ય આજનું સત્ય ખરું કે નહીં ?” (પૃ.૧૯૭) અત્યંત માર્દવ અને જીવતરના અનુભવના દોહનમાંથી સાંપડેલું દર્શન પ્રશ્નના રૂપમાં મૂકીને તે એમાં જ એનો ઉત્તર વીંટી આપીને લેખક ખસી ગયા છે. ક્રાન્તિકારી વિચારધારાનો સહૃદય પૂરો પરિચય કરાવ્યા છતાં અનાગ્રહિતાનું અહીં થતું દર્શન સહૃદયને એક જુદા પ્રકારના ભાવજગતની અનુભૂતિમાં મૂકી આપે છે.

જોરશોરથી ચર્ચા માગી લે એવા વિષયોનું નિરાકરણ લેખકે ચપટી વગાડતાં કરી આપ્યું છે. ‘વિદ્વદભોગ્ય અને લોકભોગ્ય’ સાહિત્યની ચર્ચાને આરોપતું આ વિધાન એનું દ્રષ્ટાન્ત છે : ‘એ બે વચ્ચનો ભેદ સૌંદર્યલક્ષી નહીં, પપ્રત્યાયનલક્ષી છે. ભાવકના હૃદયને આંદોલિત કરવાની શક્તિ એ તો નોખી જ શક્તિ છે.’ (પૃ.૨૧૯)

કાલિદાસે કથેલા નારીનાં સ્વરૂપોને પોતાના દ્રષ્ટિકોણથી મૂલવતાં લેખક નોંધે છે : ‘ગૃહિણી સ્વરૂપમાં સચિવ સ્વરૂપ ભળે તો નારીજીવનની એટલી વધુ કૃતાર્થતા..’ પણ લેખક કાલિદાસકથિત નારીનાં ચતુર્થ રૂપ-પ્રિય શિષ્યાનાં રૂપને મૌલિક અભિગમથી અજવાળતાં નોંધે છે :’…જો સ્ત્રી કોઈક કોઈક બાબતમાં પુરુષની પ્રિય શિષ્યા બની રહેતી હોય તો પુરુષ પણ ઘણી બાબતમાં સ્ત્રીનો પ્રિય શિષ્ય બની રહેતો હોય છે. મને લાગે છે કે આ એવો એક વિશિષ્ટ ગુરુશિષ્ય સંબંધ છે, જેમાં વખતોવખત ગુરુ અને શિષ્ય પોતાનાં સ્થાનોની અદલાબદલી કરી લેતા હોય છે.’(પૃ.૭૩)કવિ કુલગુરુ કાલિદાસની ચેતનાનો સાંપ્રત યુગમાં થયેલો, કવિનેય કૃતાર્થ કરી દેતો આ કેવો ચેતોવિસ્તાર !

પત્રકારત્વ  અને એ સંદર્ભમાં દૈનિકો, ચર્ચાપત્રોની ચર્ચા કરતા અંતિમ નિબંધ ‘કેન્દ્ર અને પરિઘ’માં શીર્ષક અને લેખકની વિચારધારાનો અંતિમ પરિપાક નિષ્પન્ન થયો છે, જેમાં આવનારા ભવિષ્યનું સાફ દર્શન છે, એને કારણે જાગેલા વિષાદનો ધીમો સળવળાટ છે તે છતાં એમાંથી નીકળી શકતા માર્ગનું દર્શન પણ છે. “સમાજ વધારે ને વધારે વિશાળ થતો રહેવાનો છે, કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર ઉત્તરોત્તર કપાતું રહેવાનું છે. રાજ્યસંસ્થાની પવિત્રતાનો ભાવ ઓસરતો જવાનો છે. અને લોકો સમાનતા સ્થાપીને જ જંપવાના છે. એ પરિસ્થિતિની ઇષ્ટાનિષ્ટતા વિશે આપણો ખ્યાલ ગમે તે હોય, પણ એની અનિવાર્યતા ફીટવાની નથી. તેથી જ વિચારશીલ સમાજનું નિર્માણ કરવામાં પત્રકારત્વે વ્યવસાય તરીકે નિશ્વયપૂર્વક ફાળો આપવો ઘટે છે અને વચગાળાની પ્રક્રિયાજન્ય વેદનાને સહ્ય બને એવી પરિસ્થિતિ સરજવી ઘટે છે. (પૃ.૨૮૩-૮૪)

પોતાના આ નિબંધસંગ્રહની પ્રાકટ્યવેળાએ યશવંતભાઈએ ઋણસ્વીકાર કરતાં નોંધ્યું છે : “ઋણસ્વીકાર સિવાય આ નિબંધસંગ્રહ વિષે મારે જો કશું પણ કહેવાનું હોય તો તે આટલું જ કે ચાર દાયકા જેટલા સમયગાળા ઉપર પથરાયેલા આ લેખો ફરી વાંચી જતાં એમાં વ્યક્ત થયેલા વિચારો વિશેની મારી શ્રદ્ધા બદલાઈ નથી.’ લેખકની શતાબ્દી વેળાએ તો આ લેખોને લગભગ આઠ દાયકા થવા આવ્યા છતાંય સહૃદય યશવંતભીની આ અડોલ આત્મશ્રદ્ધા સાથે પૂરેપૂરો સંમત થાય એટલી  નક્કરતા, સચ્ચાઈ, મૌલિકતા ને શાશ્વતી એમાં સચવાયેલાં છે, જેનાં મૂળિયાં આગળ નોંધેલી લેખકની આસિકતા, જીવન પ્રત્યેની નિસબતમાં પડેલાં છે.

જીવન, સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ જેવાં પાસાંઓને ચર્ચતા યશવંતભાઈને નિરાશ કરે એવુંય ઘણું જોવા અનુભવવા મળ્યું જ હોય. પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરી આ અંગે ઈશારો કરતાં ઉચિત રીતે જણાવે છે તેમ, ‘ગાંધીજીના વાંદરાઓમાંથી ત્રણે ત્રણનો આદર્શ એમણે પાળ્યો નથી. ઘણું ખરાબ જોયું છે , સાંભળ્યું છે. એટલે કે તપોવનકાળથી આ ઉધાર જમાના સુધીની અવધિમાં ઉપવન અને રુગ્ણાલય સઘળાની હયાતીથી એ વાકેફ છે. તેથી એ ક્યારેય ભોળા આદર્શવાદી કે રુગ્ણ રોમાન્ટિક લાગતા નથી. એમની પાસેથી એક વ્યવહારુ, બૌદ્ધિકતા તાજા પ્રતિભાવ સતત મળતા રહ્યા છે.’ ને તેથી જ એમનું લગભગ અંતિમ મૂલ્યાંકન કરતાં રઘુવીરભાઈ નોંધે છે : ‘કશાય માટે નર્યો અહોભાવ નહીં, તેમ કશાયનો અભાવો પણ નહીં.. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શક્ય બનતો સમન્વય તાકીને એમણે ગમ્ધીયુગનો ઉત્તરાધિકાર શોભાવ્યો છે.’

પોતાના વિદ્યાગુરુ વિષ્ણુપ્રસાદ માટે પ્રસ્તાવનાનો અર્ધ્ય ધરનાર યશવંતભાઈ ને ‘દ્ર્રુમપર્ણ’માંથી પસાર થતાં એમને સાંપડેલી પ્રાપ્તિ ‘કેન્દ્ર અને પરિઘ’માંથી પસાર થતાં મારા સહિતના સૌ અભિભાવકોનીય એવી જ પ્રાપ્તિ એવું જ વળતર, જે એમને એમના જ શબ્દોમાં અર્પણ કરવાનું મન થાય.(આ અર્ધ્યથી) પુણ્ય એ રળ્યો છું કે મારા વિદ્યાગુરુની સમગ્ર ભાવનાસૃષ્ટિની પરિશીલન કરવાની આ નિમિત્તે મને ઉત્તમ તક મળી છે.’ આ જ તો આચાર્ય પરંપરાના વાહક યશવંતભાઈની ઓળખ !


સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.