૧૬ નવેમ્બર ૨૦૨૪ના મણકામાં આપણે સલમાન અખ્તરનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનો પરિચય કર્યો. આજના બીજા અને અંતિમ મણકામાં  તેમનાં વ્યક્તિત્વનાં હજુ પણ રસપ્રદ પાસાંઓ વિષે જાણીએ…..


નરેશ પ્ર. માંકડ

હું લખું છું શા માટે? સલમાન કહે છે,ગાલિબના શબ્દોમાં :

आते हैं ग़ैब से ये मज़ामीं ख़याल में
‘ग़ालिब’ सरीर-ए-ख़ामा नवा-ए-सरोश है

*मज़ामीं= લેખ, વિષય

*सरीर-ए-ख़ामा = કલમનો અવાજ

* नवा-ए-सरोश = દેવદૂતનો અવાજ

સલમાન કહે છે કે કવિતા લખવાનું સવારના ત્રણ કે ચાર વાગ્યે જ વધુ બને છે.  દારૂ પીને શાયરી લખાય એ વાત બકવાસ છે. એ કામ તંગ દોરડાં પર ચાલવા જેવું મુશ્કેલ છે, એમાં સખત શિસ્ત જરૂરી છે.  મેં જ્યારે ડ્રીંક લઈને લખ્યું છે ત્યારે બીજા દિવસે ધ્યાન પર આવે છે કે બહુ ખરાબ કામ થયું છે.

લખવાની ભાષા કઈ હોઇ શકે – હિન્દી, અંગ્રેજી કે માતૃભાષા?  કેટલા મહાન કવિઓ – મારા જેવા બી ગ્રેડના નહિ પણ મહાન કવિઓએ  પોતાની માતૃભાષા ન હોય એમાં લખ્યું છે?  કેટલા મહાન નવલકથાકાર છે જેમણે પોતાની માતૃભાષા ન હોય એવી ભાષામાં લખ્યું છે? તો નવલકથા લેખક વીસ પચીસ મળી આવે પણ કવિ એક પણ ન મળે.

મુક્ત રીતે વિષયો વચ્ચે વિહરતા સલમાન ગાલિબની વાત કરે છે.  લોકો માને છે કે એ અવ્વલ દરજ્જાના શરાબી હતા પણ એવું કંઈ નહોતું. ગાલિબ નિયમિત રીતે શરાબ પીતા હતા, પણ રમ કે વ્હિસ્કી નહિ, જીન. જ્યારે પોસાય ત્યારે તેઓ ઓલ્ડ ટોમ નામની બ્રાન્ડ વાપરતા.  એ પણ કાચના ગ્લાસમાં નહિ, માટીની કુલડીમાં પીતા.  કમાલની વાત એ છે કે જીનને ગુલાબજળ સાથે મિશ્રણ કરીને દિવસમાં ચાર વાર લેતા. કાશ્મીરી ગેટ પાસે એક દારૂની દુકાન હતી ત્યાંથી એ ખરીદતા હતા.

સલમાનને પ્રશ્નોની ઝડી વચ્ચે આ શેર સૂઝે છે:

समझ सके तो समझ ज़िंदगी की उलझन को
सवाल उतने नहीं है जवाब जितने हैं।

એક રસપ્રદ કિસ્સો સાઈકોએનાલિસ્ટનો.

સલમાનના પિતા નિરીશ્વરવાદી હતા, જાવેદની જેમ, પણ  નાના ધાર્મિક મુસલમાન હતા અને બાળકોને કહેતા કે આપણે મુસલમાન છીએ એટલે સુવરનું માંસ આપણાથી ન ખવાય. આનું પરિણામ એ આવ્યું કે કિશોર અવસ્થાની બળવાખોર માનસિકતાને કારણે સલમાન તો સુવરનુ માંસ ખાતા રહ્યા. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પણ એ માંસ ખાય ત્યારે એવું લાગતું કે તે નાનાની કબર પરથી કૂદી જાય છે.  એમને થોડી મૂંઝવણ થતી. પછી વિચાર્યું કે આ સારો માણસ હતો, મારા માટે પણ મદદરૂપ હતો, એ અહીં સૂતો છે તો હું એને કેમ મારવા નથી દેતો, શાંતિથી સૂવા નથી દેતો? એને શાંતિથી સૂવા દો એમ વિચારીને મેં પૉર્ક ખાવાનું છોડી દીધું અને એ મરણ પામ્યા, મને એના વિચાર આવતા બંધ થયા. પછી ઉમેરે છે, ભગવાનનો પાડ માનું છું કે એમણે મને શરાબ ન પીવાનું નહોતું કહ્યું.

એમના મામા ખ્યાતનામ શાયર અસરાર – ઉલ – હક મજાઝ નું મૃત્યુ ૪૪ ની ઉંમરે થયું, કોઈ દેખીતા કારણ વિના. એ સમય અને સંજોગોને જોતા વધુ રહસ્યમય હતું. રાતે દારૂ પીને સૂતા, સવારે મૃત્યુ પામ્યા હતા. સલમાનના મતે એમણે મૃત્યુ વહોરી લીધું હતું, એક રીતે એ આપઘાત જ હતો.  ડિસેમ્બરની ઠંડી રાતે, અગાસીમાં ચિકનનો ઝભ્ભો અને પાયજામો  પહેરીને આખી રાત, લગભગ ત્રણ વાગ્યા સુધી દારૂ પીતા રહ્યા! ” આ અકસ્માત નહિ આપઘાત હતો,” સલમાન કહે છે.

મજાઝ પરિવારમાં પુષ્કળ પ્રેમ પામ્યા હતા, દુઃખ દેખીતી રીતે કંઈ ન હતું છતાં એમની શાયરીમાં મૃત્યુનો પડછાયો દેખાયા કરતો. એમનો શેર જુઓ:

वक़्त की सई-ए-मुसलसल कारगर होती गई
ज़िंदगी लहज़ा-ब-लहज़ा मुख़्तसर होती गई

साँस के पर्दों में बजता ही रहा साज़-ए-हयात
मौत के क़दमों की आहट तेज़-तर होती गई

*सई-ए-मुसलसल = લગાતાર પ્રયાસ

*लहज़ा-ब-लहज़ा = ક્ષણ ક્ષણ

*मुख़्तसर = ખુલાસો, સ્પષ્ટતા

ज़िंदगी साज़ दे रही है मुझे
सेहर-ओ-एजाज़ दे रही है मुझे

और बहुत दूर आसमानों से
मौत आवाज़ दे रही है मुझे

*सेहर-ओ-एजाज़ = કરિશ્મા અને ચમત્કાર

સલમાન શેરોનો વરસાદ વરસાવે છે:

छोड़ कर जिस को चले आए हैं बेरहमी से
हाय, उस शहरमे थे अपने ठिकाने क्या क्या

कर के लोगों से वो एक शख्स बहाने क्या क्या
पूछता रहेगा मेरे बारे में जाने क्या क्या

हम को उससे शिकवा क्या था अब तो ये भी याद नहीं है
कैसे उसने दिल तोड़ा अब तो ये भी याद नहीं है

आज तो उस की हर कमज़ोरी साफ दिखाई देती है
पहले उस में क्या देखा था अब तो ये भी याद नहीं है

उसको हम पहचान गए हैं, अंदर क्या है जान गए हैं
फिर भी धोखा क्यों खाया था अब तो ये भी याद नहीं હૈ

आज की रात कोई सच न कहो
आज बस वक्त को टल जाने दो

ભારત છોડીને એકાવન વર્ષ પહેલાં અમેરિકા ગયા એ બાબત તેઓ કહે છે કે શરૂઆતમાં એમ લાગતું કે ભારત વધારે સારું છે, અમેરિકા કરતાં. પછી એમ લાગ્યું કે અમેરિકા વધુ સારું છે. વર્ષો પછી હવે સમજાય છે કે બંનેના સારાં અને ખરાબ પાસાં છે.

” હું  સો ટકા હિન્દુસ્તાની છું, અને હું સો ટકા અમેરિકન છું. હું અમુક રીતે હિન્દુ અમેરિકન છું, તો અમુક રીતે હું અમેરીકો ઇન્ડિયન છું અને અમુક રીતે બેમાંથી કંઈ નથી.  હવે સમજાય છે કે માનવીની સમસ્યાઓ અને જરૂરતો સરખી છે, પણ ઉપાયો અને ઈચ્છાઓ અલગ છે.

इफ़्तिख़ार आरिफ़ ના શેર

तमाम ख़ाना-ब-दोशों में मुश्तरक है ये बात
सब अपने अपने घरों को पलट के देखते हैं

એ સંદર્ભમાં ઇફ્તિખારનો જ શેર સલમાન કહે છે:

अज़ाब ये भी किसी और पर नहीं आया
कि एक उम्र चले और घर नहीं आया

એમનો બીજો શેર:

मिरे ख़ुदा मुझे इतना तो मो’तबर कर दे
मैं जिस मकान में रहता हूँ उस को घर कर दे

પોતાનો જ શેર કહે છે:

मेरे शहर में घर नहीं कोई मेरा
जहां घर है वहां का नहीं हूं।

વયસ્ક વ્યક્તિઓ વચ્ચે બિનશરતી પ્રેમ જેવું કંઈ હોય શકે જ નહિ એમ સાઈકોએનાલિસ્ટ સલમાન અખ્તર કહે છે.

એકાવન વર્ષથી અમેરિકામાં વસતા સલમાન તેના મજબૂત સમર્થક છે. તેઓ માને છે કે મૂડીવાદના અનેક દૂષણો છે, તો તેના ફાયદાઓ પણ છે એનું ઉદાહરણ અમેરિકા છે.  ઉચ્ચ કક્ષાના ચિત્રકારો, નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો અને સાહિત્યકારો અમેરિકામાં છે. એમનું સંશોધન અને સર્જનાત્મકતા ને કારણે અમેરિકા વિશ્વમાં મોખરે છે.

તબીબના કાર્ય વિશે તેઓ કહે છે કે કોઈ કહે કે મને માથું દુખે છે કે પેટમાં દુખે છે તો  તેને કંઇક દવા આપવી પડે છે પણ ડોકટરનું કામ છે રોગના લક્ષણ નહિ, કારણ જાણવાનું. મને આ દુખાવામાં રસ નથી, એ દુખાવો શાને કારણે થાય છે એ જાણવામાં રસ છે.  ડોકટરને પેથોલોજીમાં રસ હોવો જોઈએ, રોગના લક્ષણો નહિ.

આપણે ટેલિપથી વિશે સાંભળતા હોઇએ છીએ પણ વાસ્તવમાં એવું કંઈ હોઇ શકે એ અંગે શંકા રહે છે. સલમાનના મતે ટેલિપથી ખરેખર હોય છે.

ફ્રોઇડે કોઈ અજાણ્યા સ્ત્રોતને ટાંકીને કહ્યું છે કે પત્થર ફેંકવાની બદલે ગાળનો જે માણસે પ્રથમ ઉપયોગ કર્યો એ માનવસંસ્કૃતિનો સ્થાપક છે! જ્યારે ભાષા હતી જ નહિ ત્યારે પણ લોકો કોઈક રીતે સંવાદ તો કરતા જ હશે અને એ જે રીતે કરતા હતા એ અપની અંદર હશે જ. મારા ભાઈ સાથે મારે  વાત નથી થઈ પણ અંદરથી અને સંકળાયેલા છીએ.  અમને intuitively એક બીજા વિશે ખ્યાલ છે. એ ટેલીપથી છે.

“હું જ્યારે સારી ફિલ્મ જોઉં છું કે કવિતા વાંચું છું ત્યારે થોડા સમય માટે સાઇકોએનાલિસ્ટનો સંશયવાદ (skepticism) છોડી દઉં છું. શાયરી વધુ અક્કલથી લખાય તો શાયરી નથી રહેતી, તેમ જ વધુ અક્કલથી સાંભળવામાં આવે તો પણ શાયરી નથી રહેતી, એ વચ્ચેની જગ્યાએ છે.”

રુમી કહે છે, Listen to presences in poems.  આનો અર્થ શું, આ કોને કહ્યું છે એનો અંદાજ લગાવવો પડે.

માણસનું અજબ છે, એ કંઈ પણ વિચારી શકે છે, એમાં કંઈ જ અશક્ય નથી.  એક માણસ પાસે બિલાડી હતી, જેને એ ખૂબ ચાહતો હતો.  એક વાર એને વિચાર આવ્યો કે બિલાડીને જમીનમાં દાટી અને માથું બહાર રાખીએ પછી લોન મોવર ફેરવીએ તો માથું કપાઈ જાય?  એને એમ કર્યું અને માથું કપાઈ ગયું.  આ બની ગયેલો બનાવ છે. એના પરથી માણસના મનનો તાગ લગાવવો મુશ્કેલ છે એનો ખ્યાલ આવે છે.

ઘણા લેખકો કે કવિઓ સવારના ત્રણ કે ચાર વાગે ઊઠીને લખે છે. એનું શું કારણ હોઈ શકે?  સલમાન કહે છે એનો સંબંધ મગજના શરીરશાસ્ત્ર સાથે હોય શકે. સપનામાં સમસ્યા આવે પછી બીજું અને ત્રીજું સપનું આવે પછી એ સમસ્યા હલ થઇ જાય એવું બને. એટલે પછી તેને કવિતામાં વ્યક્ત કરવાનું  સંચલનક્ષમ manageable થઈ જાય. સલમાન ઉદાહરણ આપે છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે એ ભયાનક ઘટના વિશે ઘણું લખાયું, પછી લગભગ પચાસ વર્ષ સુધી એ વિષય પાછળ ધકેલાઈ ગયો. પચાસ વરસે ફરી એન વિશે લખ્યું, ફિલ્મો બની.  લોકોને એ પચાસ વર્ષનો સમય વધુ મજબૂત બનવા, દુઃખ ઓછું થવા માટે જરૂરી હતો; વધારે પડતું દુઃખ હોય ત્યારે શાયરી ન થઈ શકે, દુઃખ થોડું manageable થવું જોઈએ.

ઉપરાંત, દરેક માટે અલગ બાબતો પણ ભાગ ભજવતી હોય છે. મારી મા નું મૃત્યુ ત્રણ વાગ્યે થયું હતું તેથી મારા માટે એ સમયનું મહત્વ છે. આવી ideosyncratic બાબત પણ હોય છે.

સલમાન એમની રમૂજી શૈલી માં એક વાર્તા કહે છે ને સૂચવે છે કે પત્ની સાથે શોપિંગમાં ન જવું. પુરુષ ખરીદે છે, સ્ત્રી શૉપિંગ કરે છે. એક યુગલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં વાઇન ગ્લાસ ખરીદવા જાય છે. પુરુષ જતાં વેંત પૂછે છે, વાઇન ગ્લાસ ક્યાં મળશે? જવાબ મળે છે, ચોથા માળ પર. પુરુષ જુએ છે કે એની પત્ની ક્યાંક અટકી છે, એ સ્વેટર જુએ છે. પુરુષ પૂછે છે, ડાર્લિંગ, સ્વેટર લેવું છે? સ્ત્રી કહે છે, ના ના, અમસ્તું જોઉં છું. પુરુષ ગ્લાસ લઈને કહે છે, હવે ઘરે જઈએ, હું થાકી ગયો છું. એ દરમ્યાન પત્ની ઘડિયાળના વિભાગમાં રોકાય છે, માત્ર જોવા માટે. ગ્લાસ લઈને પાછાં ફરે છે. ત્રણ માસ પછી એક રવિવારે બપોરે કપૂર અંકલનો ફોન આવે છે કે મારો પુત્ર તમારાં શહેરમાંથી પસાર થાય છે તો તમને બે કલાક મળવા આવશે. પતિ વિચારે છે કે ઘરમાં કોઈ એવી વસ્તુ નથી જે એને ભેટ આપી શકાય પણ પત્ની મદદે આવે છે. “અરે, તે દિવસે સ્વેટર જોયેલા ને એ હું ફરીથી જઈને લઇ આવી હતી, એ એમને આપી દઈશું!” આ જ ફર્ક છે સ્ત્રી અને પુરુષમાં. અત્યારે ફેશન છે બંનેને સરખાં બતાવવાની. સલમાન કહે છે બધાં સમાન છે પણ અલગ પણ છે.

સલમાન એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે જેનાથી બે મહારથીઓની શક્તિ વિશે પણ આપણને કંઈક નવું જાણવા મળે છે.

એક વાર ફ્રેન્ડ્સ કોલોનીમાં એક શ્રીમંત મહિલાનાં ઘરમાં પચીસેક એવાં જ ફેન્સી લોકોની એક પ્રાઇવેટ બેઠક ગોઠવી હતી જેમાં મલ્લિકા – એ – ગઝલ બેગમ અખ્તર ગાઈ રહ્યાં હતાં.  એ સમયે બેઠકમાં સલમાનના પિતા, ખ્યાતનામ ગઝલકાર જાં નિસાર અખ્તર પ્રવેશ્યા. તેઓ મુંબઈથી આવ્યા હતા. તેઓ શાંતિથી એક બાજુ બેસી ગયા.  બેગમ અખ્તરે યજમાનને એક મધ્યાંતર (ઇન્ટર્વલ) પાડવાનું સૂચવ્યું,  યજમાને કહ્યું, થોડી વાર પછી રાખીએ. બેગમ અખ્તરે ઇન્ટરવલ માટે આગ્રહ કર્યો. યજમાને મધ્યાંતર રાખી દીધો. બેગમ અખ્તરે એમને કાનમાં કહ્યું, મેં જાં નિસાર અખ્તરની કોઈ ગઝલ નથી ગાઈ. મારી આદત છે કે પહેલાં શાયરનું નામ લઈને પછી એમની ગઝલ ગાઉં. જો એમ નહિ કરું તો મારા અને એમના માટે મૂંઝવણભરી સ્થિતિ થશે. તમારા પાસે એમની ગઝલનું કોઈ પુસ્તક હોય તો તમે જઈને એ તમારા બેડરૂમમાં મૂકી આવો, હું ત્યાં જઈને એમની એક ગઝલના ત્રણ અંતરા વાંચીને ગાઈ લઈશ.

પેલી મહિલાએ જાં નિસાર અખ્તરને કહ્યું કે તમારાં પુસ્તકો મારી પાસે છે, એમાંથી કઇ ગઝલ હું પસંદ કરું?  એમણે જવાબ આપ્યો કે બેગમને આટલો આત્મવિશ્વાસ હોય કે તે ગઝલ જોઈ, યાદ રાખી અને પછી એને ટ્યુંન કરીને ગઈ શકશે તો હું એના માટે અત્યારે જ નવી ગઝલ લખી આપીશ. એ નવી ગઝલના ચાર અંતરા યાદ રાખીને બેગમ અખ્તરે હાથમાં કાગળ રાખ્યા વગર ગાયા. એની સીડીમાં જાં નિસાર અખ્તરની આ એક  જ ગઝલ તેમણે ગાઈ છે એ જોવા મળશે:

सुब्ह के दर्द को रातों की जलन को भूलें
किस के घर जाएँ कि इस वा’दा-शिकन को भूलें

હમણાં એક નવો પ્રયોગ રજૂ કરતું પુસ્તક  એમણે બહાર પાડ્યું છે.  એની ગઝલો મીર તકી મીરના માનમાં લખાયેલી છે.  ગાલિબથી સો – દોઢ સો વર્ષ પહેલાં થઈ ગયેલ એ મહાન શાયરને સંબોધીને લખેલી, અથવા મીર વિશે કે એની શૈલિમાં એ લખાયેલી છે અને બધામાં મીરનું નામ આવે છે.

अश्कों से दामन भर लिया, लो फिर से तुमने मीरजी
घाटे का सौदा कर लिया, लो फिर से तुमने मीरजी

चाल नई और धुन मतवाली सुनते मीर तो क्या क्या कहते
हिंदी फिल्मों की कव्वाली सुनते मीर तो क्या क्या कहते

रस्मे सताइस याद नहीं है, वाह नहीं है, दाद नहीं है
अच्छे शेर पे बजती ताली सुनते मीर तो क्या क्या कहते

*सताइश = तारीफ़

સલમાન અખ્તરે એક પુસ્તક લખ્યું છે ‘ઘર કા ભેદી’,  એમાં  આ કિસ્સો અને પરિવારજનો વિશે પણ લખ્યું છે અને જાવેદ અખ્તર ઉપર તો એક આખું પ્રકરણ છે. એ પુસ્તક વિશે ભવિષ્યમાં ક્યારેક..

પિતા જાં નિસાર અખ્તર વિશે સલમાન એમ બોલી ગયા કે શાયર બહોત અચ્છે થે, અગર બાપ ભી ઉતને અચ્છે હોતે તો મજા હી આ જાતા. પિતાનો આ શેર એમણે કહ્યો:

न कोई ख्वाब, न कोई ख़लिश, न कोई खुमार
ये आदमी तो अधूरा दिखाई पड़ता है।

એક વધુ વાંચવા જેવો એમનો શેર સલમાન રજૂ કરે છે:

अब ये नेकी भी हमें जुर्म नज़र आती है
सब के ऐबो को छुपाया है बहुत दिन हमने।

અંતમાં એમની યુવાન મિત્રોને સલાહ સાંભળીએ.

વિશ્વાસ (faith) હોવો જોઈએ. Faith એટલે ધર્મ નહિ, બલ્કે ધર્મ તો faith ની વિરુદ્ધ છે. Faith હોવી જોઇએ કે જો સમય આપો, મહેનત કરો અને રાહ જુઓ તો સારું જ પરિણામ આવશે.

અમેરિકાના ધનિકોમાં આઠ કે દસમું સ્થાન ધરાવતા માર્ક ક્યુબન કહે છે કે જે આ છ શબ્દો હૃદયપૂર્વક બોલી શકે એ જરૂર મોટો માણસ બની શકે છે:

I will do whatever it takes.

કંઈ પણ થાય, હું આ કરીશ.

****

સલમાન ઉવાચ :

હિન્દુસ્તાનમાં ઉર્દૂનું એ સ્થાન છે જે બિમલ રોયની ફિલ્મોમાં સુજાતાનું છે.


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.