અવલોકન

 – સુરેશ જાની

–    –

કાલે હોટ ટબમાં બે ચાર મોટા પરપોટા જોયા. નાના પરપોટામાંથી ધીમે ધીમે મોટા થતા હતા. ટબમાં ચારેક આંટા મારીને એ ફૂટી જતા હતા.

આપણું જીવન પણ આમ જ …..બાલ્યાવસ્થામાંથી યુવાન, વયસ્ક અને અંતે શૂન્ય! સામાજિક રીતે પણ શૂન્યમાંથી ધીમે ધીમે કે હરણફાળે વિકાસ થાય. વિકાસનો કોઈ પણ માઈલ સ્ટોન પણ પરપોટાની જેમ ફૂલે અને છેવટે એ ફુગ્ગો ફૂટી જાય. નવો જન્મ લે. હમણાં અમેરિકાના વિકાસની યાત્રાના એક માઈલ સ્ટોન જેવા કાળ ‘roaring twenties‘ અંગે વાંચવામાં આવ્યું. પહેલા વિશ્વ યુદ્ધ બાદ, દસેક વર્ષ માટે આખો અમેરિકન સમાજ ઝૂમી ઊઠ્યો. રોક સંગીત, પાકા રસ્તાઓ, હજારો સસ્તી કારો, મોટલો, પ્રવાસન, વિમાન મુસાફરી, મદમસ્ત પાડા જેવા શેર / સ્ટોકના ભાવો  વિ. ઘણી બધી બાબતો.

પણ ૧૯૨૮ ના એક કાળઝાળ દિવસે આખો અમેરિકન સમાજ ભયાનક મંદીમાં સરી પડ્યો અને એમાંથી બહાર આવતાં એને આખો એક દસકો લાગ્યો. આખું વિશ્વ પણ આજે કદી ન ફૂલ્યા હોય એવા ફૂલકા/ પરપોટાની જેમ સર્વનાશની ઊંડી ખાઈ તરફ પૂરપાટ ધસી રહ્યું છે.

શું એ પરપોટો પણ ફૂટી જશે?

–    –

ડબડબ……ડબડબ…..ડબડબ…….ડબડબ…….

થોડી થોડી વારે આ અવાજ આવતો રહ્યો. ક્યાંથી આવે છે – આ અવાજ ?  સ્વીમીંગ પુલના જેકુઝીમાં કોઈ દિવસ આ અવાજ સાંભળ્યો ન હતો. એટલે તરત એની તરફ ધ્યાન ખેંચાયું. વાત એમ છે કે, તે દિવસે પુલના જેકુઝીમાં bubbler – પરપોટાકાર (જેકુઝીમાં હવા ફેંકતું સાધન)  કોઈક કારણસર બંધ હતું. રોજ તો એના અવાજમાં આ  ડબડબ સંભળાતી ન હતી.

થોડીક વારે ખબર પડી કે, જેકુઝીની સપાટી એકસરખી રહે તે માટે વધારાનાં આવતાં  પાણીનો નિકાલ કરવાના રસ્તા પર આડશ માટેનો એક ફ્લેપ  બેસાડેલો હતો, પાણીમાં મારા પગના હલનચલનને કારણે એ ખોલ-બંધ થતું હતું અને દિવાલ સાથે  અથડાતું હતું. એનો આ અવાજ હતો. પરપોટાકારના અવાજમાં એ ડબડબ દબાઈ જતી હતી.

જીવનમાં પણ આમ જ બનતું હોય છે. જાતજાતના અવાજોમાં અંતરનો  અવાજ દબાઈ જતો હોય છે!  એ કરૂણતા છે કે, આપણને બહારની વૈખરી અને મનના વિચારોના હુલ્લડના કારણે આપણી પોતાની ‘ અંતરની વાણી’ સંભળાતી જ નથી હોતી!

જો કેમ ડબડબ શબ્દ એ વૈખરી માટે પણ વપરાતો હોય છે. આપણી ઘણી વાતચીત મોટા ભાગે આવી ડબડબ જ હોય છે. કાથા કબલા, કોણં સારું અને કોણ ખરાબ? એમાં એક માત્ર અ-ડબડબ

હું જ સાચો કે સાચી !

એમાં તો અંતરનો એ અવાજ પણ

ડબડબ……ડબડબ…..ડબડબ…….ડબડબ…….


શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.