સંવાદિતા
જોન એલિયા એ રીતે અપવાદ હતા કે એ સત્વશીલ પણ હતા અને લોકપ્રિય પણ !
ભગવાન થાવરાણી
ઝિંદગી એક ફન હૈ લમ્હોં કો
અપને અંદાઝ સે ગંવાને કા
( જીવન એટલે ક્ષણોને આપણી મરજી મૂજબ વેડફી નાંખવાની કળા ! )
આ વિલક્ષણ શેરના રચયિતા છે ઉર્દુના વિદ્રોહી અને ખૂબ લોકપ્રિય શાયર જોન એલિયા. એ વાંચીએ એટલે આપણા મરીઝનો આ શેર અચૂક યાદ આવે :
પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા !
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ
એમને અરાજકતાવાદી, શૂન્યવાદી જેવાં વિશેષણો પણ અપાયાં છે. ખ્રિસ્તી જેવું લાગતું એમનું નામ એ વસ્તુત: એમણે અપનાવેલું તખલ્લુસ છે. એ ઉત્તર પ્રદેશના અમરોહાના સુશિક્ષિત મુસ્લિમ ખાનદાનનાં ફરજંદ અને પ્રખર વિદ્વાન પિતા શફીક એલિયાના સૌથી નાના પુત્ર હતા. મૂળ નામ સૈયદ સિબ્તે અસગર નક્વી.
કવિ ઉપરાંત એક અનોખા તત્વચિંતક, જીવનકથાકાર અને અનુવાદક એવા જોન ઉર્દુ ઉપરાંત અરબી, સિંધી, ઈંગ્લીશ, ફારસી, સંસ્કૃત અને હિબ્રુ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. ‘ પાકીઝા ‘ ના ફિલ્મકાર કમાલ અમરોહી એમના પિતરાઈ ભાઈ હતા. એમણે વિખ્યાત કટાર લેખિકા ઝાહિદા હિના સાથે લગ્ન કરેલા જેમણે વર્ષો લગી ‘ દૈનિક ભાસ્કર ‘ માં પાકિસ્તાન ડાયરી નામે કટાર લખી. એ ૧૯૫૭ માં પાકિસ્તાન ચાલ્યા ગયેલા જ્યાં ૨૦૦૨ માં એમનું અવસાન થયું.
એમનું પહેલું દીવાન છેક ૬૦ વર્ષની ઉંમરે ‘ શાયદ ‘ નામે ૧૯૯૧ માં પ્રસિદ્ધ થયું. એમના જીવનકાળમાં પ્રકાશિત થયેલો એ એમનો એકમાત્ર સંગ્રહ. એ સંગ્રહની રચનાઓ તો ખરી જ, એમણે લખેલી એની પ્રસ્તાવના પણ ઉર્દુ ગદ્યનો ઉત્તમ નમૂનો લેખાય છે. મરણોપરાંત એમના અન્ય પુસ્તકો યાની, લેકિન, ગોયા, ગુમાન, ફરનૂદ વગેરે પણ પ્રકાશિત થયાં. પત્ની ઝાહિદાને એમણે લખેલાં પત્રો પણ સંગ્રહિત થયાં છે.
વિચારસરણીએ એ ઘોર સામ્યવાદી અને દેશ વિભાજનના પ્રખર વિરોધી હતા. ભાષા અને એના ઉચ્ચારણોની શુદ્ધતાના એ ચુસ્ત હિમાયતી. ઇતિહાસ, તત્વજ્ઞાન અને જગતભરના ધર્મોમાં એમને ઊંડો રસ પણ ધાર્મિક જડતાના વિરોધી. એમની આ માન્યતાઓના કારણે એમનું વ્યક્તિત્વ અને કવિતા એક અનોખી અનન્યતા ધરાવતાં. એમની અનેક રચનાઓમાં પોતાના વતન અમરોહા પાછા ન ફરી શકવાની વેદના વર્તાય છે.
જો ગુઝારી ન જા સકી હમ સે
હમને વો ઝિંદગી ગુઝારી હૈ
અને
ક્યા પૂછતે હો નામો નિશાને મુસાફિરાં
હિંદોસ્તાં સે આએ હૈં, હિંદોસ્તાં કે થે
એમની બેપરવા જીવનપદ્ધતિ, શરાબ અને ધૂમ્રપાનનો શોખ એમને ક્ષયનો શિકાર બનાવી ચૂક્યા હતા. મૃત્યુ પ્રત્યે જાણે એમને દુર્નિવાર આકર્ષણ હતું જે એમના શેરોમાં વ્યક્ત થતું રહેતું. મીર તકી મીર એમના પસંદીદા શાયર હતા પણ ગાલિબને એ ‘ માત્ર પચીસ શેરોના શાયર ‘ માનતા ! આ અને આવા બેબાક, વિવાદાસ્પદ વિધાનો માટે એ નિરંતર ચર્ચામાં રહેતા. એમના મોટા ભાગના સમકાલીન શાયરો માટે એ એવું માનતા કે એ લોકો ક્ષમતાવિહીન છે. મુશાયરાઓમાં છાતી પર હાથ પછાડીને વાત કહેવી એ એમની આગવી લાક્ષણિકતા હતી. એમનો અહમ ( અથવા બહુ ઊંચી કક્ષાનું સ્વાભિમાન ! ) એમના અનેક શેરોમાં પણ ઉતરી આવતું. કેટલાક નમૂના :
ઈલાજ યે હૈ કિ મજબૂર કર દિયા જાઉં
વગરના યૂં તો કિસી કી નહીં સુની મૈંને
ક્યા તકલ્લુફ કરેં યે કહને મેં
જો ભી ખુશ હૈ હમ ઉસસે જલતે હૈં
કોઈ મુજ તક પહુંચ નહીં પાતા
ઈતના આસાન હૈ પતા મેરા
કામ કી બાત મૈંને કી હી નહીં
યે મેરા તૌરે ઝિંદગી હી નહીં
જુર્મ મેં હમ કમી કરેં ભી તો ક્યું
તુમ સઝા ભી તો કમ નહીં કરતે
ઠીક હૈ ખુદ કો હમ બદલતે હૈં
શુક્રિયા મશ્વરત કા – ચલતે હૈં
દાદ – ઓ – તહસીન કા યે શોર હૈ ક્યું
હમ તો ખુદ સે કલામ કર રહે હૈં
એ પોતે જાણે નિરંતર પોતાના સમકક્ષ સર્જકની તલાશમાં રહ્યા. એવો કોઈ ક્યારેય મળ્યો નહીં એટલે પોતાની જાતના જ પ્રેમમાં આજીવન ગળાબૂડ રહ્યા. જીવનની ક્ષણભંગુરતા વિષે એમની એક ખૂબ જાણીતી ગઝલ અને એનો અલગ બહરમાં ભાવાનુવાદ :
બેદિલી ક્યા યૂં હી દિન ગુઝર જાએંગે
સિર્ફ ઝિંદા રહે હમ તો મર જાએંગે
રક્સ હૈ રંગ પર રંગ હમરક્સ હૈ
સબ બિછડ જાએંગે, સબ બિખર જાએંગે
યે ખરાબાતિયાં – એ – ખિરદ – બાખ્તા
સુબહ હોતે હી સબ કામ પર જાએંગે
કિતની દિલકશ હો તુમ, કિતના દિલ-જૂ હું મૈં
ક્યા સિતમ હૈ કિ હમ લોગ મર જાએંગે
હૈ ગનીમત કે અસરાર – એ – હસ્તી સે હમ
બેખબર આએ હૈં, બેખબર જાએંગે
ગુજરાતી :
ઉદાસી ! આમ શું બેચાર દિન ખીલી ખરી જઈશું
જો કેવળ જીવીશું તો પાણીના મૂલે મરી જઈશું
હજી તો નૃત્ય છે પુરજોશમાં, રંગોનું નર્તન છે
પલકમાં થઈ જશું અળગા, ધડીભરમાં ખરી જઈશું
આ મદહોશી, આ મસ્તી, તર્કથી પર આ જલદ જલસા
જરી પો ફાટતાં સુધી બધાં સાવ જ ઠરી જઈશું
જો કેવી ખૂબસુરત તું ને કેવો મનલુભાવન હું
છતાં યે સત્ય તો બસ એટલું – બન્ને મરી જઈશું !
રહસ્યો હસ્તીના છો ને રહ્યાં આખર લગી અકબંધ
ઊંડા અંધારથી આવ્યાં, અગમ શૂન્યે સરી જઈશું
એમના વિષે એમના મિત્રો, પરિચિતો અને સાહિત્યિક પ્રતિભાઓએ અંજલિરૂપે લખેલા લેખનો સંગ્રહ ‘ મૈં યા મૈં ‘ શીર્ષકથી પુસ્તકરૂપે એમના મરણોપરાંત પ્રકાશિત થયો છે. એમનું વ્યક્તિત્વ જાણવા ઈચ્છતા રસિકો માટે એ એક અણમોલ કિતાબ છે.
એમની અનેક ગઝલો હૈદર ઇકબાલ, તૌસીફ અખ્તર, સલમાન અલવી, કવિતા સેઠ અને રેહમત હુસૈન જેવા કલાકારોએ ગાઈ છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

જોન એલિયા પર લખવાનું કાર્ય જ આવકારદાયક છે કેમ કે મોટા ભાગના આમ વાચકોમાં તેઓ જાણીતા નથી.
વિચારધારા પ્રત્યે વફાદારી બધા પ્રગતિશીલ ગણાતા કવિઓ નિભાવી નથી શક્યા. એલિયા એમના આદર્શો પ્રત્યે નિષ્ઠા જાળવી શક્યા એ એમની પ્રામાણિકતાનો પુરાવો છે.
એમના વિશે કુમાર વિશ્વાસે પણ પુસ્તક લખ્યું છે.
LikeLike
આભાર નરેશભાઈ !
એમનું સર્જન અને વ્યક્તિત્વ બંને અલગારી હતા.
આવા અલબેલા સર્જક વિષે લખવું એ પણ એક લ્હાવો છે. આપને ગમ્યું એનો આનંદ !
LikeLike
જો ગુઝારી ન જા સકી હમ સે
હમને વો ઝિંદગી ગુઝારી હૈ.
કોઈ મુજ તક પહુંચ નહીં પાતા
ઈતના આસાન હૈ પતા મેરા.
વાહ!
LikeLike
બંને શેર અફ્લાતૂન !
આભાર !
LikeLike