વનિતાવિશેષ
રક્ષા શુક્લ
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને.
બરકત વિરાણી ‘બેફામ’
પૂ.રવિશંકર મહારાજે સ્ત્રી શક્તિને હંમેશા આવકારી છે. તેઓ વ્યર્થ શબ્દોમાં નવો અર્થ સમાવી તેને સાર્થક કરી આપે છે. એ સ્ત્રીને ‘અબળા’ નહિ પણ ‘અતિબળા’ માનતા. સ્રીની અધોગતિ તો અઢારમી સદી પછી શરુ થઈ. ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ્’ એવું કહેવાઈ ગયું…બસ. પરંતુ હેમરસ્ટેઇન અને રોજર્સ નામની ગીતકાર જોડીએ સાથે મળીને ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’નું એક સુંદર ગીત લખ્યું. જેની અવિસ્મરણીય પંક્તિઓમાં કહેવાયું છે કે…
A dream that will need
All the love you can give
Every day of your life
For as long as you live
પોતાનું સ્વપ્ન સાચું પાડવા માણસે ‘યેન કેન પ્રકારેણ’ જીવનની અંતિમ ક્ષણ સુધી મથવું જોઈએ. એને ચાહવું જોઈએ. ડૉ. આનંદીબાઈ જોશી(૧૮૬૫-૧૮૮૭) એ રૂઢિચુસ્ત વાતાવરણમાં અમેરિકા જઈને ડૉક્ટર બન્યા જે સમયે આપણે ત્યાં સ્ત્રીઓનું સ્થાન રસોડામાં જ ગણવામાં આવતું અને એક સ્ત્રી માટે વિદેશ જવું તો પાપ જ માનવામાં આવતું. ૯ વર્ષની ઉંમર તો રમવા-કૂદવાની ! પણ આટલી નાની આનંદીના એનાથી ૨૦ વર્ષ મોટા વિધુર ગોપાળરાવ સાથે લગ્ન થયા. જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો ગોપાલરાવ પર અત્યંત પ્રભાવ હતો. સામાન્ય કારકુન હોવા છતાં તેઓ સુધારાવાદી હતા. તેમણે સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પણ પત્ની આનંદીબાઈને ઘરે જાતે ભણાવવા માંડ્યું. તેઓ આનંદીબાઈને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રેરણા આપતા. તેઓ પોતે પણ સંસ્કૃતના વિદ્વાન હતા. અંગ્રેજી પણ શીખતા હતા.
૧૪ વર્ષે માતા બનેલી આનંદીબાઈનું સંતાન યોગ્ય સારવાર ન મળતા દસેક દિવસમાં જ મૃત્યુ પામ્યું. ત્યારે અર્ધદગ્ધ દાયણો કે મીડવાઇફ પ્રસૂતિ કરાવતી. તેથી બાળમરણ અને પ્રસૂતાના મૃત્યુના આંક માની ન શકાય તેટલા ઊંચાં રહેતાં. આ દુર્ઘટનાએ પતિ-પત્ની બંનેને હચમચાવી દીધા. આનંદીબાઈને ઉચ્ચ તબીબી અભ્યાસ કરવો મહત્વનો લાગ્યો. એ સમયે બંગાળમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના ફેલાવા અને પ્રભાવ સાથે સમાજ પરિવર્તનનો જુવાળ ઉઠ્યો. વળી પંડિતા રમાબાઈ સરસ્વતીએ પોતાની તિક્ષ્ણ બુદ્ધિશક્તિથી બંગાળના આગેવાનો પર અનોખો જાદુ કર્યો હતો. વીસ વર્ષની યુવા વયે દક્ષિણ હિંદુસ્તાનમાંથી બંગાળ પહોંચી, સંસ્કૃત ગ્રંથોના અગાધ જ્ઞાન અને વિચક્ષણ વાકચાતુર્યથી એમણે કલકત્તાના સમાજસુધારક કેશવચંદ્ર સેન સહિતના અનેક બૌદ્ધિકોને પ્રભાવિત કર્યા હતા.
આનંદીબાઈએ પંડિતા રમાબાઈના જીવનમાંથી પદાર્થપાઠ લીધો. આનંદીબાઈ અને ગોપાલરાવને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા મળી ગઈ. પત્નીની ઈચ્છાને માન આપી ગોપાલરાવે એને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું. જે વિદેશ જાય તો જ શક્ય હતું. સ્ત્રીઓ માટેની મેડીકલ કોલેજ અમેરિકામાં ચાલતી હતી. એ માટે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી હતી. આથી આનંદીબાઈને મિશનરી શાળામાં દાખલ કર્યા. આનંદીબાઈના રસને ધ્યાનમાં રાખીને ગોપાળરાવે તેને અંગ્રેજી શીખવામાં પૂરી સહાય કરી. જોશી દંપતીએ અમેરિકા જવાની તૈયારી શરુ કરી દીધી. આ વાત સાંભળી મરાઠા સમાજના રૂઢિચુસ્ત આગેવાનોએ જોશી દંપતિનો સખત વિરોધ કર્યો. આ સ્થિતિને સંભાળી લેવા આનંદીબાઈએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હોલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો કે અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. આ પ્રવચનની ધારી અસર થઇ અને સમગ્ર ભારતમાંથી આનંદીબાઈને અમેરિકા અભ્યાસ માટે જવા પૈસા મળવા લાગ્યા. એ વખતના વાઈસરોયે પણ રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. અમેરિકામાં અભ્યાસ કરવા પાદરીએ મદદરૂપ થવાની ખાતરી તો આપી પરંતુ શરત મૂકી કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડશે. પણ આ વાત ગોપાલરાવ કે આનંદીબાઈને મંજૂર ન હતી. અંતે મેરી કાર્પેન્ટર (થિયોડિસિયા કાર્પેન્ટર) નામની એક દયાળુ અમેરિકન સ્ત્રી મદદ કરવા આગળ આવી. મિસિસ કાર્પેન્ટરે મદદનો ભરોસો આપી આનંદીબાઈને અમેરિકા આવવા પ્રેમથી આમંત્રણ આપ્યું. લાંબા પત્રવ્યવહાર બાદ બંને સખી બની ગયા. એકવાર મેરીએ ચિત્રનું એક પુસ્તક આનંદીને મોકલ્યું જેમાં થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આનંદીબાઈએ એ પ્રશ્નોના ખુબ સુંદર અને ઉત્તમ જવાબો આપ્યા. જે વાંચીને મેરી કાર્પેન્ટર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે આનંદીબાઈને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું. પોતાનું ભોજન પોતે જ બનાવશે એવી શરત મૂકી. આનંદીબાઈ પુત્રીની જેમ રહેશે એમ નક્કી થયું. તે સમયના રિપોર્ટ્સ અનુસાર માત્ર અઢાર વર્ષની ઉંમરે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય નારી આનંદી ગોપાલ જોશી હતા.
આનંદીના વર્તન અને વિચારોથી પ્રભાવિત થઈને શ્રીમતી કાર્પેન્ટર એના આચારવિચાર અપનાવવા લાગ્યા. ફિલાડેલ્ફિયાની મેડીકલ કોલેજમાં પ્રવેશ મળતા ન્યુજર્સી છોડ્યું ત્યારે તેમના માનમાં જે પાર્ટી યોજાઈ તેમાં હાજર સૌએ ભારતીય રિવાજ પ્રમાણે હાથ વડે ભોજન લીધું. મેરી પણ તેમને મુકવા છેક ફિલાડેલ્ફિયા ગયા અને આનંદીબાઈની રહેવા-જમવાની વ્યવસ્થા કર્યા પછી જ પાછા ફર્યા. આનંદીના શબ્દોમાં કહીએ તો એનાથી છૂટા પડતી વખતે મિસિસ કાર્પેન્ટર બચ્ચાંની જેમ રડતાં હતાં.
ત્યાં સરળતાથી પ્રવેશ મેળવ્યા પછી કોલેજના કારભારીએ આનંદીની ધગશ અને મેધાથી પ્રભાવિત થઇને શિક્ષણના ત્રણેય વર્ષની શિષ્યવૃત્તિ આપી. ડોક્ટર રેચલ બોડલીએ આનંદીબાઈને પુત્રીની જેમ રાખી. આનંદીબાઈ પર ઈસાઈ ધર્મ સ્વીકારવા ખૂબ દબાણ કરાયું પણ આનંદી મક્કમ હતા. એ સમયમાં વોટ્સએપ નહોતું છતાં ભારતમાં અફવા ફેલાણી કે આનંદીબાઈએ ધર્મપરિવર્તન કર્યું. એટલે ગોપાલ્રરાવે આનંદીબાઈ પર કઠોર ભાષામાં પત્રો લખ્યા. પણ આનંદીએ એના વિનમ્રતાપૂર્વક અને કરુણાથી છલોછલ જવાબો આપ્યા. પણ ગોપાળરાવની શંકાનું સમાધાન ન થતા એમણે અમેરિકા જાતે જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. એ માટે તેઓ નોકરી છોડવા પણ તૈયાર થઈ ગયા.
અભ્યાસમાં સખત મહેનત અને રસોઈ વગેરેના શ્રમ અને પ્રતિકૂળ આબોહવાને કારણે આનંદીની તબિયત બગડી. ડિપ્થેરિયા થયો. રોગ એટલી હદે વધી ગયો કે બચવાની આશા ન રહી. પણ સાથી મિત્રોની સારવારથી તેઓ સ્વસ્થ બન્યા. ૧૮૮૫માં ગોપાલરાવ આનંદીબાઈને જાણ કર્યા વિના અમેરિકા પહોંચ્યા. કોઈ સૂચના વિના આનંદીબાઈ રહેતા હતા ત્યાં પહોંચ્યા. સાંજે આનંદીએ પતિને ઘરે જોયા અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. આનંદીબાઈને જોતા જ ગોપાળરાવની શંકાનું સમાધાન થઇ ગયું કે એ જરા પણ બદલાયા ન હતા. આનંદીબાઈએ પણ કોઈ ચર્ચા કરી નહીં. મુસાફરીની હાલાકીથી ગોપાલરાવ ત્યાં બીમાર પડ્યા તો આનંદીની પ્રેમાળ સારવારથી થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ગયા. પણ એના રહેણાકનો ફાયર પ્લેસ ધુમાડિયો હતો, જેના કારણે આનંદીને સતત તાવ, ઉધરસ રહેતાં. આનંદીબાઈ ફરી ડિપ્થેરિયાના રોગમાં સપડાયા. ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છાને લીધે બીમારી વચ્ચે પણ એમણે અભ્યાસ ચાલુ રાખ્યો.
આનંદીબાઈએ ‘હિંદુ આર્યોમાં પ્રસુતિશાસ્ત્ર’ પર થિસિસ લખી. એમને એમ.ડી.ની સર્વશ્રેષ્ઠ ડિગ્રી પ્રાપ્ત થઈ. પદવીદાન વખતે સમાજસુધારક પંડિતા રમાબાઈ પણ ત્યાં હાજર હતા. જેની બીમાર પુત્રીની સારવાર પણ આનંદીબાઈએ કરી. ૧૧માર્ચ ૧૮૮૬ના દિવસે પોતાના પતિ ગોપાલરાવ અને પ્રેરણામૂર્તિ પંડિતા રમાબાઈની ઉપસ્થિતિમાં આનંદીબાઈ જોશીએ એમ.ડી.ની ડિગ્રી મેળવી. ગોપાલરાવ યુરોપ થઈ ભારત પહોંચ્યા. પણ આનંદીબાઈ હજુ અમેરિકામાં જ હતા. એના ડૉક્ટર બન્યાની ખબર પડતા કોલ્હાપુરના રાજાએ આનંદીબાઈને નોકરીની ઓફર કરી પોતાના રાજ્યની આલ્બર્ટ એડવર્ડ હોસ્પીટલમાં સ્ત્રી-વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા અને સાથે સ્વદેશ પરત ફરવાનો ખર્ચ પણ મોકલી આપ્યો.
પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં જ એક ગરીબ સ્ત્રીને પ્રસુતિની તકલીફમાં હોવાના સમાચાર મળતા સૌની ના હોવા છતાં સારવાર કરી એને બચાવી. પણ ખુદ પોતે રોગનો ભોગ બન્યા. ડૉક્ટર પોતે જ દર્દી બન્યા. બગડેલા સ્વાસ્થ્ય સાથે લાંબી મુસાફરી કરવાથી આનંદીબાઈ વધુ બીમાર થયા. ૧૬ ડીસેમ્બર, ૧૮૮૬નાં રોજ તેઓ ભારત પહોચ્યા ત્યારે એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ગોપાલરાવ આનંદીને લઈને પૂણે આવ્યા પરંતુ સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી. મરાઠા સમાજ પણ શોકાતુર થઈ ગયો.
સંસ્કૃત ભાષાના મહાજ્ઞાની અને ભારતીય વેદ-ઉપનીષદના વિદ્વાન અભ્યાસી જર્મન સ્કૉલર મેક્સ મૂલર દ્વારા લિખિત પુસ્તક ‘માય ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ’માં પંડિતા રમાબાઈ તથા ડૉક્ટર આનંદીબાઈ જોશી પર વિસ્તૃત લેખો છે. મેક્સ મૂલરને પંડિતા રમાબાઈ તથા આનંદીબાઈ જોશી પ્રત્યે ખૂબ માન હતું. ૧૮૮૮માં કેરોલીન હેલી ડોલ નામના નારીવાદી લેખિકાએ આનંદીબાઈનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું. તેમાં આનંદીબાઈના જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. દૂરદર્શન પર કમલકર સારંગ વડે દિગ્દર્શિત ‘આનંદી ગોપાલ’ નામની હિંદી ધારાવાહિક પ્રસારિત થઇ હતી. શ્રીક્રિશ્ના જોશીએ આનંદીબાઈના જીવન પરથી ‘આનંદી ગોપાલ’ નામે એક નવલકથા લખી હતી. તેનું અંગ્રેજી ભાષાંતર આશા દામલે અને નાટ્ય રૂપાંતર રામ જોગલેકર દ્વારા કરવામાં આવ્યું છે. મરાઠી લેખિકા અંજલિ કીર્તનેએ આનંદીબાઈના જીવન પર ઊંડું સંશોધન કરીને ‘ડો.આનંદીબાઈ જોશી: કાલ આની કર્તુત્વ’ નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે.
તેમના મૃત્યુ પછી સંશોધનમાં એવું પણ બ્હાર આવ્યું કે તેમના મૃત્યુ માટે પતિ ગોપાલરાવની મહત્વકાંક્ષાઓ પણ જવાબદાર હતી. આનંદીના અભ્યાસને લઈને તેઓ ઘણા સ્ટ્રીક્ટ હતા. આ સિવાય મરાઠી અને હિન્દીમાં તેમના જીવન પર ઘણી શોર્ટ ફિલ્મ પણ બની છે. આનંદીબાઈનાં સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનને વણી લઈને ડિરેક્ટર સમીર વિદ્વાંસે એક મરાઠી ફિલ્મ પણ બનાવી છે. અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું નાટક ‘ડૉ. આનંદીબાઈ – લાઈક, કમેન્ટ, શેર’ એમના ડૉક્ટર બનવાની વાતને બખૂબી પ્રસ્તુત કરે છે.
સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર પૂર્વ દિશામાં ૩૪.૩ કિ.મી.નો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઈ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગનલ ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને આ રીતે નામ આપે છે. આનંદીબાઈએ મેડિકલમાં ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર રેચલ બોડલીને પત્ર લખીને બ્રિટીશ હિંદુસ્તાનની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશીની સિદ્ધિને બિરદાવી હતી અને તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
આનંદીબાઈએ ૧૩૧ વર્ષ પહેલા એમ.ડી.ની ડિગ્રી લઈને ભારતના પહેલા મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેમ ૧૨૮ વર્ષ પહેલા મોતીબાઈ કાપડિયા નામની મહિલાએ પણ આવી જ સિદ્ધિ મેડીકલ ક્ષેત્રે મેળવીને ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. ગૂગલે ડૂડલ બનાવીને ભારતના પ્રથમ મહિલા ડોકટર આનંદી ગોપાલ જોશીના ૧પ૩માં જન્મદિને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને સ્મરણાંજલિ પાઠવી હતી. ડો. જોશીનું ડૂડલ બેંગ્લૂરની આર્ટિસ્ટ કાશ્મીરા સરોડેએ બનાવ્યું હતું જેમાં તેમને મેડિકલ ડિગ્રી સાથે બતાવવામાં આવ્યાં છે. ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે ડીગ્રી મેળવ્યાં પછી તેમનો ભારત પરત આવવાનો હેતુ મહિલાઓ માટે મેડિકલ કોલેજ બનાવવાનો હતો. ફક્ત ૨૨ વર્ષની ઉંમરે ટીબીથી મૃત્યુ થતા તેઓ તબીબી સેવામાં પ્રેક્ટીસ કરી જ ન શક્યા. દેશવાસીઓની સેવા કરવાની એમની ઉદ્દાત્ત ભાવના અધૂરી જ રહી ગઈ. તેમના અંતિમ શબ્દો હતા, ‘મારાથી બન્યું તે બધું મેં કર્યું છે’. આનંદીબાઈના પરિવારે તેમના અસ્થિફુલ અમેરિકા મોકલ્યા હતા જે આજે પણ કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઈની સમાધિમાં સચવાયેલા છે.
ઇતિ
ખરાબ સમાચાર માટે આપણે ટપાલીને દોષ ન દેવો જોઈએ. એ જ રીતે જો આપણે જ ખરાબ સમાચારોનું સર્જન કર્યું હોય તો પછી અખબારોને શા માટે દોષ દેવો જોઈએ ?
અમિતાભ બચ્ચન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
