તે બેસે અહીં

 – સ્નેહી પરમાર 

કોઈનું પણ આંસુ લૂછ્યું હોયતે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોયતે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોયતે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોયતે બેસે અહીં.

સમજી જા

 ચિનુ મોદી

 અધમણ અંધારું ઘેરાયુંસમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયુંસમજી જા

મુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયુંસમજી જા.

નભની આ ગેબી વાણી છેસમજી જા
પળ પોતે પણ પટરાણી છેસમજી જા

દરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છેસમજી જા.

પડછાયાનું ટોળે વળતું ધણ છેસમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છેસમજી જા

મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છેજીવતું જણ છેસમજી જા.