વનિતાવિશેષ
રક્ષા શુક્લ
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.
-અનિલ ચાવડા
દસ વર્ષની એક નાનકડી, માસુમ છોકરી ૩૦ વર્ષના પતિને પોતાનું નસીબ સમજીને સ્વીકારી લે છે. જન્મથી જ પોતાના જ ઘરમાં અણગમતી એન્ટ્રીનો બોજ ઊંચકીને જીવતી એક સ્ત્રી વિચારતી હશે કે કદાચ આ લગ્નરૂપી વળાંકથી એના જીવનમાં કોઈ બદલાવ આવે. પરંતુ અહીં પણ ‘હાય અબળા, તેરી યહી કહાની, આંચલ મેં દૂધ ઔર આંખો મેં પાની’. ફરી એક દબાયેલ, કચડાયેલ..તરછોડાયેલ સ્ત્રીની એ જ પીડાનું પુનરાવર્તન. વાત છે મહારાષ્ટ્રમાં જન્મેલા સિંધુતાઈ સપકાલની. જેને એક અનિચ્છનીય બાળક તરીકે ઘરમાં ‘ચિંદી’ કહીને બોલાવવામાં આવતા હતા. જેનો અર્થ થાય ફાટેલું કપડું-ચીંથરું. સગી જનેતા તરફથી બાળ ચિંદીની સતત અવહેલના થતી રહી. દુઃખની વાત તો એ છે કે સમાજના કુરિવાજો અને જડ માન્યતાઓને કારણે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે. આત્મનિર્ભર ન હોવાના કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેને સતત કોઈને કોઈ પુરુષના ઓશિયાળા રહેવું પડે છે. એ પિતા, ભાઈ, પતિ કે પુત્ર જેવા ગમે તે રૂપમાં હોય. આજે ૨૧મી સદીમાં પણ નારીવિકાસની દંભી ગુલબાંગો વચ્ચે સ્ત્રીનું શોષણ થતું જ રહે છે.
‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન ૧૧માં ‘કર્મવીર સ્પેશિયલ’ એપિસોડમાં સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલે ભાગ લીધો હતો. શોમાં ખુદ અમિતાભ બચ્ચને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના ચરણસ્પર્શ કરી હોટસીટ પર બેસાડ્યા હતા. તાઈ એ સમયે અમિતાભ કરતા પણ ઊંચા દીસતા હતા. સિંધુતાઈએ જયારે કેબીસીનાં એપિસોડમાં પોતાના સંઘર્ષ વિષે વાત કરી ત્યારે બધાના જ રૂંવાડા ઊભા થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું કે, ‘હું જ્યારે ૨૦ વર્ષની હતી અને મારી બાળકી મમતા ૧૦ દિવસની હતી. ત્યારે મારા સાસરાંવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. મારી માએ પણ મને કાઢી મૂકી. ખાવાપીવાનું મારી પાસે કઈ બચ્યું ન હતું. હું રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ફરતી. પેટ ભરવા માટે મેં ટ્રેનમાં ગીત ગાવાનું શરુ કરી દીધું. હું ભિખારીઓ સાથે બેસી ખાતી. મારી પાસે રહેવા માટે ઘર પણ ન હતું. દિવસ તો નીકળી જતો પણ સવાલ રાતનો હતો. હું માત્ર ૨૦ વર્ષની. મને પુરુષોથી ખૂબ ડર લાગતો. મને સમજ ન આવ્યું કે આટલી નાની બાળકીને લઈને હું ક્યાં જાઉં. આથી હું સ્મશાનમાં જઈને ઊંઘતી. કારણ કે રાતે ત્યાં કોઈ ન જતું. ક્યારેક કોઈ ત્યાં આવતું તો મને જોઈને ‘ભૂત-ભૂત’ કહી, ડરીને ભાગી જતું.’ એક રાત્રે કકડીને ભૂખ લાગી ત્યારે ભોંય પર પડેલો ચપટી લોટ એની નજરે ચડે છે. સ્મશાનમાં પડેલી તૂટેલી માટલી લે છે. કોઈની સળગતી ચિતા પર ચડાવી એમાં એ લોટ રાંધે છે. આત્મહત્યાના વિચારો વચ્ચે પહેલો કોળિયો મોંમાં ઓરે છે ત્યાં જ એક વિચાર આવે છે – જીવી જવાનો. ભૂખ્યા અનાથો માટે જીવી જવાનો અને અન્યોને જીવાડી દેવાનો વિચાર અને ત્યાંથી શરૂ થાય છે ચિંદી સાઠેથી સિંધુતાઈ સપકાલ બનવાની કહાની. જીવનમાં કોઈ એક ક્ષણ જ દ્રઢ નિર્ણયથી જીતી લેવાની હોય છે જે સમગ્ર જીવનને જબરદસ્ત વળાંક આપે છે. ગાંધીજીને આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી અપમાનિત કરી બહાર ફેંકવામાં આવ્યાં અને ગાંધીજીનો પૂનર્જન્મ થયો.
આગળ તેણે કહ્યું કે, ‘હું ભૂખી હતી એટલે મને બીજાની ભૂખનો પણ અંદાજ હતો. આથી મારા હિસ્સાનું ખાવાનું વહેંચીને ખાધું અને અનાથોની મા બની ગઈ, જેનું કોઈ ન હોય એમની હું મા’. પછીથી સિંધુતાઈએ અનાથોને દત્તક લઈને એની દેખરેખનું કામ શરુ કરી દીધું. તેમણે જ્યારે અનાથોનો સહારો બનવાનું નક્કી કર્યુ ત્યારે સૌથી પહેલુ કામ પોતાની સગી પુત્રીને અનાથાશ્રમમાં મૂકવાનું કર્યુ. તેમનું માનવું હતું કે જો પુત્રી તેમની પાસે રહેત તો તેમનું ધ્યાન અને પ્રેમ તેના પ્રત્યે વધુ રહેત અને પોતાનું વાત્સલ્ય અનેક અનાથોમાં સરખું વહેંચી ન શકેત. પહેલો અનાથ દીપક નામનો છોકરો મળ્યો. જેના મા-બાપ શોધી આપવાનું તેમણે વચન આપેલુ. પણ પછી તો એના પર એમનું વાત્સલ્ય એવું વરસ્યું કે દીપકના મા-બાપ મળ્યા તો પણ તે કદી તેમની પાસે રહેવા ન ગયો. દીપક પણ આજે સિંધુતાઈની અનાથાશ્રમની એક શાખા ચલાવે છે. ગાંધીજી કહેતા કે ‘Man can never be a woman’s equal in the spirit of selfless service with which nature has endowed her’. હેલન કેલર ત્રેવડી અપંગાવસ્થા ભોગવતાં હોવા છતાં કદી નાસીપાસ થયા ન હતા. આવા શારીરિક પડકારો વચ્ચે જિંદગીનો જંગ સફળતાથી જીવી બતાવી તેઓએ લાખો વિકલાંગોને હિમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. જીવનનું મધુર સંગીત તો દુઃખ અને પીડામાંથી જ નીપજે છે.
સિંધુતાઈ સપકાલ આજે ૧૪૦૦ અનાથોના પાલક માતા છે. તેને કોઈ બાળક એકલું રખડતું દેખાય તો તે તેને પોતાનું બનાવી લે છે. સિંધુતાઈની કર્મભૂમિ છે પુણે, મહારાષ્ટ્ર. એમના કેટલાય દીકરા-દીકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. એક બાળક તો સિંધુતાઈના જીવન પર પી.એચ.ડી કરી રહ્યો છે. સિંધુતાઈ માત્ર બાળકોને દત્તક લેવાનું જ કામ નથી કરતા પરંતુ તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દીકરા-દીકરીને પરણાવે છે. આજે સિંધુતાઈને ૨૦૭ જમાઇ છે, ૩૬ પુત્રવધુઓ છે અને ૪૫૦થી પણ વધુ પૌત્ર- પૌત્રીઓ છે. તમામ અનાથ બાળકોને સાચવવા માટે હવે સિંધુતાઈ પ્રવચનો આપે છે અને એમાંથી જે કંઇ આવક થાય એ આવકમાંથી એમના દિકરા-દિકરીઓ માટે રહેવા-જમવા-ભણવાની બધી વ્યવસ્થા કરે છે. પહેલીવાર વર્ષ 2009માં વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનમાં અમેરિકામાં ભાષણ આપવા માટે સિંધુતાઈને આમંત્રણ આપવામા આવ્યું ‘માતા’ અને ‘જય મહારાષ્ટ્ર’ના જયજયકાર વચ્ચે સિંધુતાઈએ પોતાના ભાષણ દ્વારા ત્યાં હાજર દરેક વ્યક્તિનું મન જીતી લીધું.
સિંધુતાઈ સપકાલને દેશના રાષ્ટ્રપતિના વરદ્દ હસ્તે દેશનો નારી માટેનો સર્વોચ્ચ એવોર્ડ “નારી શક્તિ એવોર્ડ” ૨૦૧૭માં મળી ચુક્યો છે. એટલું જ નહીં પરંતુ બસવા ભુષણ પુરષ્કાર, મધર ટેરેસા એવોર્ડ, નેશનલ એવોર્ડ ફોર આઇકોનિક મધર, રીઅલ હીરો એવોર્ડ, અહલ્યાબાઈ હોલકર એવોર્ડ, વુમન ઓફ ધ યર એવોર્ડ, દત્તક માતા પુરષ્કાર, રાજાઈ પુરષ્કાર, શિવલીલા મહિલા પુરષ્કાર, હોંગકોંગમાં રોટરી ક્લબ દ્વારા અપાયેલા ‘ધ વન’ એવોર્ડ સહિત દેશવિદેશના બીજા ૭૫૦ જેટલા સન્માનો અને પુરસ્કારો મળી ચુક્યા છે. લોકો તેમને ‘અનાથોના માતા’ અને ‘માઈ’ ના હુલામણા નામથી બોલાવે છે. ડી.વાય.પાટીલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ દ્વારા તેમને ડોકટરેટ ઇન લીટરેચરનું સન્માન પણ આપવામાં આવેલું છે. અનાથો માટે સગી પુત્રીને અનાથઆશ્રમમાં મુકનારા સિંધુતાઈને અમદાવાદમાં પદ્મશ્રી રીમા નાણાવટીના હસ્તે નિરજા ભનોત એવોર્ડ એનાયત થયો ત્યારે ખુદ અમિતાભ બચ્ચને એક વીડિયો મેસેજથી તેમને શુભેચ્છા પાઠવી હતી. સિંધુતાઈએ ત્યારે એવોર્ડ પેટે મળેલા ૧ લાખ ૫૦ હજારથી મહારાષ્ટ્રના ચિખલધરામાં કુપોષણથી મોતના મોંમાં ધકેલાતા બાળકો માટે અન્નક્ષેત્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેઓ પુણેથી કાર્ય કરી રહ્યા છે. પરંતુ પુણે ઉપરાંત સાસવડ, અમરાવતી અને વર્ધા સહીત તેમની ૬ જેટલી વિવિધ સંસ્થાઓ છે, જ્યાંથી અવિરતપણે કાર્ય ચાલી રહ્યું છે. સિંધુતાઈ કહે છે, ‘હું ત્રણ વર્ષ પહેલા મારા પતિને પણ અમારી સંસ્થામાં લઈને આવી હતી. તેઓ રડતાં હતા પણ હું હસતી હતી. આજે હું જે કંઈ પણ છું તે મારા પતિના જાકારાના કારણે જ છું.’
તેમના જીવન પર મરાઠી ભાષામાં ૨૦૧૦માં એક ફિલ્મ પણ બની ચુકી છે, જેનું નામ છે, ‘મી સિંધુતાઈ સપકાલ’. આ ફિલ્મને ૫૪મા લંડન ફિલ્મ ફેસ્ટિવલના વર્લ્ડ પ્રિમિયર માટે સિલેક્ટ કરવામાં આવી હતી. મરાઠી નિર્દેશક અનંત મહાદેવને જ્યારે સમાચારપત્રમાં સિંધુતાઈના વિશાળ પરિવાર અને તેમના જીવન વિષે વાંચ્યું તો તેમને તેમની વાર્તા એટલી લાગણીસભર લાગી કે તેમણે તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અનંત મહાદેવને પોતાની ફિલ્મમાં ખાસ કરીને દર્શાવ્યું છે કે જ્યારે તેમના પતિ ચિંદીમાંથી સિંધુતાઈ બનેલી પોતાની પત્ની પાસે આવીને તેને પોતાની શરણમાં લેવાની પ્રાર્થના કરે છે ત્યારે સિંધુતાઈ તેને પોતાના પતિ તરીકે નહીં પણ પોતાના સૌથી મોટા પુત્ર તરીકે સ્વીકાર કરી માતાની ઉદારતાની પરાકાષ્ટાને સ્થાપિત કરે છે. અવિનાશ વ્યાસનું ઉત્તમ ગીત યાદ આવી જાય…’
‘દયાના સાગર થઇને, કૃપા રે નિધાન થઈને,, છો ને ભગવાન કેવરાવો,
પણ રામ, તમે સીતાજીની તોલે ન આવો’.
સિંધુતાઈનું જીવન દર્શાવે છે કે અણીનો ચુક્યો સો વર્ષ જીવે એમ નહીં પણ અણીનો ચુક્યો ક્યારેક સેંકડોને જીવાડી પણ જાય. ‘ચિંદી’પાસેથી તેના પોતાના જ લોકોએ તેનું બધું જ છીનવી લીધું હતું પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ એક અજાણ્યા સાહસે એને પ્રકાશની કેડી ચીંધી. પોતાની સાથે થયેલા અન્યાયના કારણે જ ચિંદીને જીવવાનું નોખું સાધ્ય મળી ગયું. પોતાના જેવા અનેક નિસહાય બાળકો માટે ચિંદીએ પોતાનું જુનું નામ છોડી ‘સિંધુ’ તરીકે જાણે બીજો જન્મ લીધો અને સિંધુતાઈએ નિસહાય, અનાથ અને નસીબના માર્યા બાળકો માટે પોતાનો સ્નેહ પાથરી દીધો. શર્લી સીઝમ સરસ કહે છે કે ‘Service is the rent that you pay for room on this earth. આપણે સૌએ તેમના જીવનમાંથી શીખવું જોઈએ કે સંઘર્ષ સામે લડીને, તેમાંથી નવી ઉર્જા પ્રાપ્ત કરીને કંઈક ઉત્તમ કેવી રીતે જીવવું. તેમણે મહારાષ્ટ્રના જંગલોમાં આવેલા ૮૪ ગામડાઓના પુનર્વસન માટે લડત આપેલી. એ કતલખાને જતી ગાયોને પણ બચાવે છે. મિડીયાની નજરમાં કરોડોના કૌભાંડ કરનારા બહુ આવે છે. છાપાઓમાં એના નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝમાં વારંવાર એની વાતો થાય છે. આપણને કોઇને સિંધુતાઈ જેવી સંઘર્ષ કરનારી અને અદભૂત સેવા કરનારી સ્ત્રી વિશે આપણે જાણતા જ નથી. સો સો સલામ આ સાક્ષાત સેવામૂર્તિને…
ઇતિ
લોકો એવું કહે છે કે ટોચ પર હંમેશા એકાંત હોય છે. ખોટી વાત, ખરેખર તો ટોચ પર ભારે ધક્કામુક્કી હોય છે !
-શાહરૂખ ખાન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
