નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !
ભારનુ વાહન કોણ બની રહે? નહી અલૂણનું કામ,
આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
જલભરી દગ સાગર પેખે, હસતી કમળફૂલ,
કોકડું છે પણ રેશમનું, એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
એક છોકરીએ..
-રક્ષા શુક્લ
ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.
છોકરીની આંખોને સોળમું સદી ગ્યું ‘ને ટેરવેથી તરસ્યુંનાં ટોળાં આવ્યાં.
વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના તો ય છાતીએ કપોત કંઈ હાંફે,
અળવંડા ખાતી એ છોકરીને જોઇને છોકરો યે બોલવામાં બાફે.
છૂઈમૂઈ એ છોકરી સંતાડે આંખ પછી દર્પણને બહાનાઓ બાવન ફાવ્યાં.
ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.
ભીંતને અઢેલીને ઊભેલી છોકરીએ ધરતી પર નામ એક ચીતર્યું,
ટપ્ દઈ ટીપું, ‘ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીંચીને નીતર્યું.
અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને છોકરાએ ઉંબર પર સાથિયા મૂકાવ્યા.
ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.
મોભારે કાગડો બોલે ‘ને છોકરી તો સોળે શણગાર સજી દોડે,
માળિયેથી ઉતારી કાચની અડાળી ‘ને ઝટ્ટ દઈ ફળિયામાં ફોડે.
અમથું તો એને ના ખાવું ગમતું ‘ને આજ રોટલો સુકો ‘ને ડુંગળીયે ભાવ્યાં.
ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.
