હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.

આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.

વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.

તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.


બીરેન કોઠારી

ઉત્તમ કુમાર સાથે ફિલ્મ બનાવવાની આકાંક્ષા બહુ વખતથી મારા મનમાં સળવળી રહી હતી. આકાંક્ષા ગુપ્ત, છતાં દૃઢ હતી. મને કદી દિલીપ કુમાર સાથે ફિલ્મ બનાવવાની ઈચ્છા થઈ નહોતી. મને થતું કે મારી એકાદ ફિલ્મમાં ઉત્તમ કુમારને હું હીરો તરીકે ચમકાવું તો કેવું!

‘કિતાબ’ બનાવવાનું વિચાર્યું એટલે મને કેવળ તેમનો જ વિચાર આવ્યો. તેમના સેક્રેટરીને મેં ફોન કર્યો. કુશળમંગળના સમાચારની આપ-લે પછી એ કૉલ ઉત્તમ કુમારને ટ્રાન્સફર કરવામાં આવ્યો. અને એમની સાથેની વાતચીતે જ મને પ્રભાવિત કરી દીધો. તેમણે મને સ્ક્રીપ્ટ મોકલવા કહ્યું. થોડી ક્ષણોની ચૂપકીદી પછી તેઓ બોલ્યા, ‘ઓકે, હું તમારી ફિલ્મ કરીશ.’ મારી ખુશીની કોઈ સીમા ન રહી. એમના જેવા નખશીખ સજ્જન મેં ઓછા જોયા છે. હીરોસહજ નખરાંનો તેમનામાં સદંતર અભાવ હતો. મારા માટે સૌથી મોટી વાત એ હતી કે તેમણે ફિલ્મ વિશે ખાસ કશું જાણ્યા વિના મારી ફિલ્મ માટે સંમતિ આપી દીધી હતી.

શૂટ દરમિયાન તેઓ એકદમ નિયમિત રહેતા. પોતાની ભૂમિકાનું તેઓ સતત રીહર્સલ કરતા રહેતા. વાત કરવાની ઈચ્છા થાય ત્યારે તેઓ એ પણ પોતાની અનોખી શૈલીમાં કરતા, છતાં કદી તેઓ કોઈનું ઘસાતું બોલતા નહીં. એક કિસ્સો જણાવું. એક દિવસ (હાસ્ય અભિનેતા નહીં, દિગ્દર્શક) આસિત સેનની વાત નીકળી. મેં એમને કહ્યું, ‘ઉત્તમ કુમારજી, આસિતદાની ‘દીપ જેલે જાઈ’માં તમે એકે વાર દેખાતા નથી. પેલા ગીતમાં તમે બહુ સરસ કરેલું, પણ કેમેરામાં તમારી પીઠ જ દેખાડવામાં આવેલી.’ શાંતિથી, સહેજ મલકાઈને તેઓ બોલ્યા, ‘મેં એ ફિલ્મમાં અભિનય સુદ્ધાં કર્યો નથી. એ દૃશ્યમાં આસિત સેન પોતે જ હતા.’ તેઓ બંગાળના સુપરસ્ટાર હતા. મારી આવી વાતથી તેઓ છેડાઈ શક્યા હોત અને કહી શક્યા હોત કે મારે વિગતો બરાબર ચકાસીને વાત કરવી જોઈએ કે એ દૃશ્યમાં પોતે નહોતા.

તેમની રીતભાતમાં કંઈક વિશિષ્ટતા હતી. પડદા પર દેવતા સમો દેખાતો, જે કદી સ્પર્શી ન શકાય એવો જણાતો એ માણસ કોઈકની સાથે ગપશપ વખતે કે મજાકમસ્તી કરતી વખતે સાવ અલગ જણાતો. જાણે કે કોઈ પણ ક્ષણે એ તમને ભેટશે અને વાત કરવા લાગશે. મારે કહેવું જોઈએ કે સુચિત્રા સેનથી હું નિકટ હતો, પણ કદી તેમની સાથે કામ વિનાની ગપસપ લડાવવાનું વિચારી ન શકું. અમે મજાકમસ્તી કરતાં ખરાં, પણ એક અંતર રાખીને. જ્યારે ઉત્તમ કુમાર સાથે એવું કશું અંતર અનુભવાતું નહીં. તેમની આસપાસ ગૂંથાયેલી કથાઓ તો એ જ જાણે.

– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)

નોંધ:

આ સાથે આપેલી ‘કિતાબ’ ફિલ્મની એક ઝલકમાં ઉત્તમ કુમારને જોઈ શકાશે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)