સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ
ગુજરાતીએ ગળથુથીમાં જ્યાંનું પાણી પીધું હોય એમ ઈ બોલવા, લખવા ને રોજીંદા વ્યવહારમાં શિષ્ટ અર્થાત શુદ્ધ ગુજરાતી કે પ્રાદેશિક ગુજરાતી વાપરે. એનો એક દાખલો ઈ કે મારું કણ કાઠિયાવાડી ને ઈ પણ નરાધમ ગામઠી એટલે હું મારી રીતે તળપદી લે’કાથી એમ કહું, “એ… ઓલ્યું યાં પડ્યુંતું” ને મારે ઘરેથી અમદાવાદથી એટલે ઈ સુધરેલ રીતે એમ કે’, “પેલું ત્યાં પડેલું.” હું સાચો છું એમ નથી પણ મને ઈ શિષ્ટવાણી કયડુવાળા મગ જેવી લાગે. અમારે કઠિયાવાડમાં મારા જેવા સારુ કે’વાય કે “બાર ગાવે બોલી બદલાય તરુવર બદલે શાખા, બુઢાપાએ કેશ બદલ્યા પણ લખણ ન બદલે લાખા” કારણ કે હું યુએસ.માં સાડાપાંચ દાયકે પણ ઈ લાખો જ રયો છ. જો કે આની સામે મારાં જ પોતાનાં પનોતું કાઠિયાવાડ છોડી અમદાવાદ, વડોદરા એમ આઘેરાં વસવા ગ્યાં તીંયેં અમારી મીઠડી કાઠિયાવાડી બોલીને વાંસો દેખાડીને ઈ સૌએ શિષ્ટગુજરાતી પકડી લીધી. ખેર! જેવી જેની મોજ.
હવે જીણી નજરે જોવો તો ગુજરાતમાં પણ કાઠીયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, કચ્છ, બરડો, દક્ષિણ ગુજરાત ને એમાં પણ સુરત, મહેસાણા, પાંચાળ, અમદાવાદ… એમ પંથકેપંથકે અલગ ગુજરાતી બોલાય છ ને સૌને પોતાની બોલી ગમે ને બીજાની કદાચ ગામઠી, ઉભડમથી કે તોછડી લાગે પણ સરવાળે તો “સીદીભાઈને સીદકાં વાલાં.” બીજું, આટઆટલી ગુજરાતી બોલીયુંમાં કયા પંથકની શિષ્ટભાષા ને ક્યાની નહીં ઈ પણ “તુંડેતુંડે મતિ ભિન્ના” જેવું છે. હું પોતે અમદાવાદ અને ઈ વિસ્તારની શુદ્ધ અને શિષ્ટવાણી ગણું છ કારણ કે યાંના લોકો બોલવામાં પણ “સ,” “શ,” “ષ,” “ક્ષ,” “ઉ,” “ઊ,” “ઈ,” “ઇ,”વ. જુદાં પાડે છ, પાડી શકે છ. બીજા ઘણા પણ આમ જુદું પાડતા હશે પણ મને ઈ “બાલજીવન ચમચો” કોઈએ નો’તો પાયો એટલે મારે મન તો હંધુંય હરખું.
મેં ઉપર કીધું એમ એક ઇલાકાના માણસને બીજાની બોલી કદાચ ન ગોઠે ને કાને વાગે તો એના થોડાક દાખલાઓમાં:
શાહબુદ્દીન સાહેબ કે’છ એમ ચરોતરના એક ગામમાં “રામાયણ પારાયણ”માં સ્થાનિક મહારાજે કીધું, “પે‘લો દશરથ ખરોને, તે લોડાઈ કરવા હેંડ્યો ને જોડે એની ત્રણ બૈરીમાંથી એક બૈરી કૈકઈ હોત હેંડી. તે લોડતાંલોડતાં દશરથના રથનું પેલું પૈડું નેકળી ગયું તો બરોબર એ જ સમયે એના જોડે ગયેલી કૈકયે એ પૈડાના કોણામાં એની ઓંગળી ઘોંચીને પૈડું રોકી આલ્યું. તે પછી પે‘લા બૈરીછાપ દશરથે રાજી થોઈને કૈકઈને વચનો આલી દીધાં, બોલો.”
આ જ મલકના ધરમજ ગામમાં ભાગોળે ગામના વડીલો બેઠાતા એમાં એક જુવાનડો પૂગ્યો ને કીધું, “હાઈ, આઈ એમ ડો. કિશોર પટેલ ફ્રોમ યુ.એસ.” એટલે શષ્ટિપૂર્તિ વટાવેલ એક વડીલે કીધું, “તે?… આઈ મોટી અમેરિકાવાળી.” હું વિદ્યાનગર ૧૯૬૫માં ભણ્યો ત્યારે “સ્કવેર હોસ્ટેલ”માં મારી પડખેના રૂમમાં વાસદનો અરવિંદ એની સાવકી માંને ખીજમાં “મારા બાપની બૈરી” કે’તો.
ભીખુદાનભાઈ કે’છ કે મહેસાણાના એક ડાયરામાં એની અને હારેના અન્ય કલાકારોની ઓળખ આપતાં સંચાલક બોલ્યો, “લાખાભઇ ગડવી ને એમની નામચીન ટોળકી હવે દોયરા બોલશે ને વાર્તા કરશે. વાર્તા ચકીચકાની નહીં એટલે કશું સમજમાં નહીં આવે તો પણ મોજ પડશે.”
મારી તળપદી કાઠિયાવાડી બોલીના દાખલા દઉં તો ભીખુદાનભાઈનો મુંબઈમાં ડાયરો એટલે ઈ રાતની મુસાફરી કરીને એક મુંબઈગ્રા ગુજરાતીના આગ્રહથી એને ઘેર બપોરના જમવા ટાણે પુગ્યા. જમવાની થાળી પીરસણા પે’લાં ભીખુદાનભાઈએ કીધું, “બે ઘડી ખમો. હું “ખંખોળીયું” ખાઈને પાટલે પૂગું.” અટલું કઈને ઇ બાથરૂમમાં ગ્યા ને ઘરવાળાં ઘુમરે ચડ્યાં કે આ “ખંખોળીયુ” સ્વાદે કેવું હશે ને ઈ પણ ગઢવી બાથરૂમમાં થાળી, વાટકા ને ચમચાચમચી વિના કેમ ખાસે. ચારેક મિનિટમાં ભીખુદાનભાઈ બાથરૂમ બા’રા આવ્યા એટલે એને ઘરવાળાંના હાવભાવ જોઈને ખુલાસો કર્યો, “સાબુ ચોળ્યા વિના બેચાર ઢળકા માથે ઢોળી લ્યો એને અમારીકોર “ખંખોળીયું” ખાધું કે‘વાય.”
મેંદરડામાં વેલાબાપાને ઘેર એના એન્જીનીયરીંનું ભણતા દિકરા આંબાનો અમદાવાદી દોસ્તાર દિવાળીની રજામાં ગામડાની દિવાળી માણવા આવ્યો. એમાં પે’લે જ દી’ સૌ લીપણની ભોંએ ભાણે બેઠા ને બધું પીરસાઈ ગ્યું એટલે બાપાએ ઈ દોસ્તારને પૂછ્યું, “ગગા, ઢિચણિયું દે?” જવાબમાં અમદાવાદીએ કીધું, “આલો. ભાવશે તો ખઇશું” કારણ કે એને એમ કે “ઢિચણિયું” ઈ ગામડાની ખાવાની વાનગી છે. આંબાએ ખુલાસો કર્યો, “ગામડામાં જમતી વખતે ગોઠણ હેઠે લાકડાનો ટેકો ભરાવે એને “ઢિચણિયું” કે‘વાય.”
મારા પિત્રાઇનાં લગન રાજસ્થાનના કોટા ગામની કન્યા હારે થ્યાં. ઈ છોકરીને લગનની શરૂઆતમાં ઘણું ઓછું ગુજરાતી આવડે. એક દી’ મારા પિત્રાઇએ કબાટમાંથી ઈસ્ત્રી કરેલ પાટલૂન પે’રવા કાઢ્યું તો ઈસ્ત્રી એને બરોબર ન લાગી એટલે ગુસ્સામાં ઈ ભભડ્યો, “આ ગધેડા સુરેશને ઈસ્ત્રી કરતાં પણ નથી આવડતું” ને ઈ એનાં તાજાં પત્ની સાંભળી ગ્યાં. થોડાક દી’ પછી સુરેશ ઇસ્ત્રીનાં કપડાં લેવા આવ્યો એટલે ઈ નવોઢાએ બૂમ પાડીને મારા પિત્રાઇને કીધું, “ગધેડા સુરેશભૈયા આવ્યા હૈ.”
મારે સથવારે ગરમ કોટમાં વીંટાયેલ ખીરસરાનાં બેન ૨૦૦૩માં રાજકોટથી વાયા મુંબઈ યુ.એસ. આવે. અમે રાજકોટમાં ચેકઈનની લાઈનમાં આગળપાછળ ઉભેલ. ચેકઈન ઓફિસર ગુજરાતી તો ન લાગી પણ ઈ ટ્રેનિંગમાં શીખેલ ભાંગ્યુંતૂટ્યું શિષ્ટગુજરાતી બોલતીતી. હવે એને જે શંકા પડી હોય પણ એને સુધરેલ ગુજરાતીમાં મારા સથવારાને પૂછ્યું, “બેન, તમારા પેટીકોટમાં કમર પર કશું છે?” મારાં સાથી બેન બીજું કાંઈ તો શુદ્ધ ગુજરાતીમાં ન સમજ્યાં પણ “પેટીકોટ” શબ્દ સાંભળીને એની કેરીઓન બેગ (કાઠિયાવાડમાં બેગ એટલે પેટી) ને પોતે પે’રેલો કોટ કાઢીને ટેબલે મૂક્યાં. મેં ઈ ઓફિસર હારે વાત કરીને મામલો ઉકેલ્યો.
આવા તો કેટલાય દાખલા મેં સાંભળ્યા છ ને અનુભવ્યા છ પણ સુરતી બોલી આવરતો મેં જે એક કિસ્સો વાંચેલ છે ઈ ઓહો ને માથે બાચકો છે એટલે ઈ હું આંઈ મારી રીતે મુકું છ. આમ તો હું પણ સુરતના પાડોસી નવસારીમાં ભણ્યોતો એટલે સુરતી બોલી તો મેં ઘણી સાંભળીતી ને સુરત જાતો તીયેં યાંનું જમણ પણ માણતો – કાશીનું મરણ તો આવે તીયેં!!!
તો સાહેબ, વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગ મુક્યો એટલે કન્યાઓ જોવાનું શરૂ કર્યું ને બેટર ચોઈસ અને વાઈડર સિલેક્શન માટે એને “ડક્સીન ગુજરાટ”ના “હુરટ” “હેર” બાજુ નજર નાખી. છોકરા-છોકરીની કુંડળી મળી ને પરિવારો પરસ્પર અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને જોવા વે’લી સવારે “હુરટ” આવ્યા. છોકરીના ઘરનું સરનામું “કતારગામ રોડ”નું હતું એટલે રીક્ષા “ટો” એને બાંધી પણ રિક્ષાવાળાને “ટ્રનેક” વાર “હમજાવ્યું” ત્યારે ઈ બોલ્યો, “એમ કેવની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ.” છેવટે રિક્ષાવાળાએ મીતકુમારને બરાબર “થેકાને” પહોંચાડયા. આંઈ મીતકુમારે પોતે કાંદા-લસણ ખાય છે ઈ ખાનગી રાખવાનું હતું કારણ કે ભાવિ સસરાની એક જ શરત હતી કે “પોયરો કાંડા-લહણ ખાટો ની હોવો જોઈએ.”
ભાવિ સાસરે પુગીને મીતકુમારે ડોરબેલ વગાડતાં નોકરે બારણાના જાળિયાનું તાળું ઉઘાડ્યું એટલે ભાવિ જમાઈને સસરાએ આવકારયા. પછી ઈ નોકરને તાડુક્યા, “બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય.” ભાવિ સસરાનું આ છેલ્લું વાક્ય સાંભળીને મીતકુમારે બે ઘડી વિચાર્યું કે પે’લો ભિખારી ઈ પોતે તો નહીં હોય ને. હવે, આવા સન્માન પછી સસરાએ નોકરને કહ્યું, “હોફા હાફ કર ની ટો જમાઈરાજને બઢી હુરટની ઢૂલ લાગી જહે.” ઈ સોફા સાફ થ્યો એટલે જમાઈરાજ બેઠા ને સસરાએ “રહોડા” તરફ જોઈને બૂમ પાડી, “ઈંડુ ટૈયાર છે?” મીતકુમાર ગભરાણા કે વાત તો થઈતી કે કાંદા-લસણનો પણ બાધ છે અને આ લોકો ઈંડાની વાત કેમ કરે છ.
મીતકુમારને થ્યું કે સસરા એની પરીક્ષા લે છ એટલે ઈ શાંતિથી બોલ્યા, “ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે.” આ સાંભળી સસરા ‘અકરાયા‘ ને બોલ્યા, “અરે! ઇંડુ પહંડ ની મલે તો હું કામ હુરટ હુઢી લામ્બા ઠિયા?” આ સંવાદ સાંભળી સાસુજી પણ “રહોડે”થી બા‘ર દોડી “આયાં” ને કીધું, “ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?”
મીતકુમારને સમજાયું નહીં કે ઇંડુ ખાવાની ના પાડવાથી એને કઈ રીતે આ પરિવારની ફજેતી કરી પણ છતાં ઈ “સોરી” બોલ્યા. સસરા સામા બોલ્યા, “તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્રાટીના મેરામાં અમે કેયું કે અમને ‘મીટ‘ ચાલહે તો ટમારાં મમ્મીપપ્પાએ બી કેયું કે અમારે “ઇંડુ” ચાલહે, પછી હવે હેના પલટી મારો?”
બે વૈષ્ણવ વેવાઈઓ વચ્ચે જ્ઞાતિના મેળામાં એગ અને મટનની વાત કેમ થઇ હશે ઈ મીતકુમાર વિચારતાતા એવામાં સસરાએ હાથ જોડીને કીધું, “ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ.” મીતકુમારને થ્યું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી એટલે એને હા પાડી. પછી મદારી લાલિયા લંગૂરને બોલાવે એમ સસરાએ ત્રણ તાલી પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈને આવી.
ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે ને ત્યાં જ સાસુ બોલ્યાં, “લોવ મોં મીથું કરોની.“ મીતકુમારે બે ઘડી વિચાર્યું કે સ્વીટ એગ્સ કદાચ સુરતી વાનગી હશે એટલે એને ઈ ગોળાકાર ઇંડાને પકડી સૂંઘી જોયું એટલે સસરાએ ખુલાસો કર્યો કે રસગુલ્લાં છે. અર્ધાથી ઓછો રાહતનો શ્વાસ લઈને મીતકુમારે પૂછ્યું “તમે તો ઈંડુઇંડુ કરતાતા ને?” એટલે સાસુએ કહ્યું, “ટે આ રેઈ અમારી ઇંડુમટી ટમી જેને નિહારવા આયા ટે ટમારી હામ્મે જ ઊભી છે. પોયરી પટલી ને નાનલી ડેખાવા પન વરહે નાનલી ની મલે.”
મીતકુમારને તરત જ ટયુબલાઇટ થઇ કે સસરાજી “ઈંડુ ટૈયાર છે” નહીં પણ ઇંદુ તૈયાર છે એમ પૂછતાતા. મીતકુમારે એમ કહ્યું કે અમારા પરિવારમાં “ઇંડુ” ન ચાલે ત્યારે આ હુરટીઓ ઇંદુ ન ચાલે એમ સમજ્યાતા અને સસરાને અમને “મીટ ચાલહે” એમ કહીને મીત પસંદ છે એમ કે’વુંતું. રૂપાળી ઇંદુને જોઈને અને આ સુરતી ગુજરાતીની મનોમન સ્પષ્ટતા થાતાં મીતકુમારનો પૂરો શ્વાસ માંડ હેઠો બેઠો યાં જ સસરાજી બોલ્યા, “ટમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈએ, ચાલહે ની?” મીતકુમારને ચીકનપૂરી ખાવાની કલ્પના નહોતી કરી પણ ઈ ના ન પાડી શક્યા. પછી જયારે શીખંડપૂરી પીરસાયાં ત્યારે ખબર પડી કે મિષ્ટાન પ્રાણીજન્ય હતું પણ વર્જિત નો’તું.
વડોદરા પાછા ફરતાં ઇંદુનાં સ્વપના જોવે ઈ પે’લાં મીતકુમારને મોડું પણ સમજાણું કે બાર ગાવે બોલી તો બદલાય પણ સુરતમાં તો સમૂળગી ગુજરાતી ભાષા જ બદલાય છ ને એટલે જ “મીટે કહી ડેવા કી ઈંડુ મને પહંડ છે.” ઘેર પુગીને મીતકુમારે એનાં માબાપને વાત કરી ને ખાસ તો સુરતી ગુજરાતીની એની સમજફેરની ને પરિણામે થયેલ ગોટાળાની તો માંડીને વાત કરી. બધું સરવા કાને સાંભળીને “ઈંડુ”ના ભાવિ સસરાએ કીધું, “એટલે તો હજુ સુધી સુરતમાં આકાશવાણીનું કેન્દ્ર નથી.”
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

It is interesting how we speak English and how people in US interpret. Within Gujarati itself there are so many dialects and it leads to misunderstanding. Quite funny. Very nice writing Dineshbhai.
LikeLike
વાહ દિનેશ ભાઈ જમાવટ કરી, તમે આટલા વર્ષો પછી પણ પરદેશ માં રહી તળપદી ભાષા ને જીવંત રાખી છે,
હુ તો કાઠિયાવાડી ટોન અને તળપદી ભાષા સાચું કહું તો ભૂલી ગયો છો,
ગુજરાત માં દર સો કિલો મીટરે ભાષા બદલાય છે, સૌથી અલગ સુરત છે મારા હિસાબે,
લખતા રહો તંદુરસ્ત રહો
LikeLike
I enjoyed reading. I was in Hurat for a while.
LikeLike
વાહ વાહ સુરતની મસ્તીભરી મીઠી સોરમનો સ્વાદ લઈ ને ધન્ય થયો ભાઇ દિનેશ
LikeLike
From FB.
LikeLike
FROM FB:
દિનેશભાઈ,
કુશળ હશો – છું.
“હુરટ” વાંચી . મજા આવી. શાહબુદ્દીન ભાઈની રામાયણ કથા મેં YouTube પર સાંભળી છે…તમે પોતે શાહબુદ્દીન ભાઈની તોલે આવે એવા જ છો. પણ લગભગ બધી જ બોલીમાં પ્રખ્યાત અને લોકપ્રિય ( નેતાઓ ને બાદ કરતાં ) માણસો માટે નામાંકીત ના બદલે ‘ નામચીન ‘ શબ્દ વપરાય છે. ‘ નામચીન ‘
શબ્દ ખરેખર તો ગુનેગાર અથવા અસામાજિક તત્ત્વો માટે વાપરવો જોઈએ…. તમે આજ સુધી ગુજરાતી બોલીની લાક્ષણિકતા જાળવી રાખી છે એવું બહુ ઓછા લોકો કરી શકે.
ભારત ક્યારે આવો છો…
શુભેચ્છા પાઠવું છું….
ધૂમકેતુ….
LikeLike