સંવાદિતા

અલગ અલગ સર્જકો એક જ પાત્રને કઈ રીતે ઉપસાવે છે એ પણ એક રસપ્રદ અભ્યાસનો વિષય છે

ભગવાન થાવરાણી

હીરામન નામ સંભારીએ એટલે દ્રષ્યપટલ પર ૧૯૬૬ ની શૈલેન્દ્ર – બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘ તીસરી કસમ ‘ નો રાજકપુર ઉભરી આવે – એમણે પરદા પર ગાયેલાં ‘ સજન રે જૂઠ મત બોલો ‘, ‘ સજનવા બૈરી હો ગએ હમાર ‘ અને ‘ દુનિયા બનાને વાલે ‘ ગીતો સહિત !
અસલ હીરામન એટલે આ ફિલ્મી પાત્ર નહીં પરંતુ ફિલ્મ બન્યાના દસ વર્ષ પહેલાં હિંદી લેખક ફણીશ્વરનાથ રેણુએ ૧૯૫૬ માં સર્જેલ વાર્તા ‘ મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ ‘ નો નાયક. એ બિહારના અંતરિયાળ ગામડાંનો ચાલીસ વર્ષીય અપરિણિત પ્રૌઢ છે. એ ગાડીવાન છે. બળદગાડું ભાડે ચલાવે છે. એ ભોળોભટાક છે પણ મૂર્ખ નથી. એનું મન નિર્મળ, કપટહીન છે. એની લુચ્ચાઈ અને ચતુરાઈ ઉપર પણ આપણને વહાલ ઉભરાઈ આવે. ગાડામાં માલની હેરાફેરીમાં એ ક્યારેક ખોટું પણ કરી બેસે, પણ પછી એને પશ્ચાતાપ પણ થાય. જાત અનુભવે એણે પ્રણ લીધું છે કે પોતાના ગાડામાં જકાતચોરીનો માલ લાદવો નહીં અને વાંસની હેરાફેરી ન કરવી. એને પોતાના બે બળદ જીવ કરતાં વધુ વહાલાં છે. માલની હેરાફેરી છોડી હવે એણે મુસાફરોને લેવા – મૂકવા માટે ટપ્પર જોતર્યું છે.
એક વાર એને ચંપાનગર સ્ટેશનથી ફાર્બસગંજના મેળે એક મુસાફરને લઈ જવાની વર્ધી મોં માગ્યા ભાડે મળે છે. એની પેસેંજર એક નાટ્ય કંપની – નૌટંકીની નર્તકી છે. ચોવીસ કલાકથીયે વધુ સમયનો પ્રવાસ સાંજે શરુ થાય છે. ટપ્પરમાં ઓઝલ આ અજાણી સ્ત્રીની ઉપસ્થિતિ માત્રથી હીરામનને એવું લાગ્યા કરે છે કે એનું ગાડું ચંપાની સુગંધથી મઘમધી ઊઠ્યું છે. એ સ્ત્રી નામે હીરાબાઈ એનું નામ જાણી કહે છે કે આપણું નામ એકસરખું એટલે આપણે એકમેકના ‘ મીતા ‘ કહેવાઈએ. એ સ્ત્રી એનાથી ખાસ્સી દૂર બેઠી હોવા છતાં એને નિરંતર પીઠમાં ગલગલિયાં જેવું થયે રાખે છે ! ખચકાટ દૂર થતાં બન્ને વાતોએ વળગે છે. હીરાબાઈનું સ્મિત પણ હીરામનને ખુશ્બૂદાર લાગે છે !
હીરામનના મતે જે ચાલાકી છે તે હીરાબાઈને મન નર્યું ભોળપણ છે. સામે મળતો ગાડીવાન પૂછે કે ટપ્પરમાં કોણ છે તો એ કહે ‘ પિયરથી બાજુના ગામે સાસરે જતી છોકરી ‘ ! કયું ગામ તો કહે અગડમ બગડમ ! એને એમ છે કે સાચું કહીશ તો લોકો અવનવી અફવાઓ ઉડાડશે અને આ ‘ કુમારિકા ‘ બદનામ થશે એ વધારામાં ! અન્ય એક ગાડીવાનની પૃચ્છાનો જવાબ ‘ શહેરથી દાક્તરનીને બાજુના ગામમાં સુવાવડી સ્ત્રીની સારવાર માટે લઈ જાઉં છું ‘ અને હીરાબાઈ આગળ ચોખવટ ‘ ગામડાંના લોકોને પારકી ચોવટ બહુ હોય ! ‘
હીરામન જબરો વાતોડિયો છે. બતરસ એની નસ નસમાં છે. એ હીરાબાઈને આ વિસ્તારની લોકવાયકાઓ, દંતકથાઓ અને લોકગીતો સંભળાવતો જાય છે. એના ગળાની હલક ઘેઘુર છે. એ એવું માનવા લાગ્યો છે કે એનાં ગાડામાં કોઈક દેવકન્યા સવાર છે. એ એને મહુવા ઘટવારિનની કથા સંભળાવે છે. એ દુખી ગરીબ કન્યાને એક સોદાગર ખરીદીને પોતાના વહાણમાં જબરદસ્તીથી લઈ ગયો હતો. છુટકારો પામવા મહુવા પાણીમાં કૂદી પડી હતી. એને બચાવવા એની પાછળ એને છુપો પ્રેમ કરતો સોદાગરનો ગુલામ પણ કૂદી પડેલો. હીરામન મનોમન વિચારે છે કે એ મહુવા એટલે હીરાબાઈ અને ગુલામ એટલે એ પોતે ! હીરાબાઈ ટપ્પરનો પડદો ખોલે એ હીરામન સાંખી શકતો નથી. કોઈકની બુરી નજર ન લાગી જાય !
વિચારોમાં ખોવાયેલા હીરામનનો ચહેરો જોઈ હીરાબાઈ વિચારે છે દરેક વિચારમગ્ન માણસ આવો ભોળો લાગતો હશે ! હીરામને ગાયેલું ગીત એ ગણગણે છે તો હીરામન વિચારે છે કે આ તો જાણે પેલા ફેનુગિલાસ – ગ્રામોફોનનો અવાજ !
મેળો આવી પહોંચે છે . હીરામનને એના જેવા જ એના ગામના હીરામનો ઘેરી વળે છે. હીરાબાઈ એને ભાડું અને બક્ષીશ આપે છે તો એને ખોટું લાગે છે. હીરાબાઈ પાસેથી ભાડું લેવાય ! હીરાબાઈ બધા હીરામનોને નૌટંકી જોવા આવવા માટે પાસની વ્યવસ્થા કરી આપે છે. હીરામન ફૂલ્યો સમાતો નથી. અધુરામાં પૂરું હીરાબાઈ કંપનીના ચોકીદારને કહી રાખે છે ‘ આ મારો હીરામન છે. એને મારી પાસે આવતાં રોકવો નહીં ! ‘ નૌટંકી જોવા આવનાર કોઈક નશેડી હીરાબાઈને રંડી કહે છે અને હીરામનનો પિત્તો જાય છે. એ મારઝૂડ કરે છે. પોતાની પાસેની રુપિયાની થેલી એ હીરાબાઈને સાચવવા આપે છે. મેળામાં તો ચોરી ચપાટી થાય ! એના મનમાં સતત હીરા નામનું વાજિંત્ર બજતું રહે છે.
હીરાબાઈ હીરામનની આસક્તિથી પ્રસન્ન પણ છે અને વ્યગ્ર પણ. એ સ્ત્રી છે પણ હીરામન એને દેવી માને છે. એ હીરામનનું દિલ અને સપનું તોડવા માંગતી નથી. એ અચાનક મક્કમ નિર્ણય લઈ પોતાને ગામ જતા રહેવાનું નક્કી કરે છે. હીરામનની અમાનત પરત આપવા એ એને સ્ટેશને પહોંચવાનું કહેણ મોકલે છે. ત્યાં એ એને ફરી બક્ષીશ આપવાની ચેષ્ટા કરે છે . હીરામન બોલી ઊઠે છે ‘ પૈસા ! વાતવાતમાં પૈસા ! માણસનું કંઈ નહીં ! ‘ હીરાબાઈની ગાડી ઉપડે છે અને હીરામનને બધું ખાલી ખાલી, સુનું સુનું લાગે છે. પોતાનું ટપ્પર પણ !
 
પ્રાણનું પ્લેટફોર્મ સુનું થઈ જશે
ટ્રેન અજવાળું લઈ સરશે પછી
 
હીરામન ત્રીજું પ્રણ લે છે. કંપનીની બાઈને ક્યારેય ટપ્પરમાં બેસાડવી નહીં !
ગીતકાર શૈલેન્દ્રના વડવાઓ બિહારના એ જ વિસ્તારના હતા જ્યાંના રેણુ હતા અને જે પરિવેશને કેન્દ્રમાં રાખી એમણે હીરામનનું પાત્ર રચ્યું . એમનું સ્વપ્ન હતું કે રેણુની આ વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવી. સાવ હીરામન જેવા શૈલેન્દ્રને ફિલ્મોના આર્થિક પાસા અને બેરહમ રીત રસમોની ખબર નહોતી. ફિલ્મના નિર્માણમાં એ પૈસે – ટકે અને વ્યવહાર જગતની ક્રૂરતાથી શરીર અને મનથી એવા ભાંગી પડ્યા કે ફિલ્મ પ્રદર્શિત થઈ એ પહેલાં જ અવસાન પામ્યા ! એ જેમને મિત્ર માનતા હતા એ રાતોરાત ફરી ગયા. એમનું અંતિમ ફિલ્મી ગીત ‘ રુલા કે ગયા સપના મેરા ‘ એમના આ ભગ્ન સ્વપ્નની જ વાત છે . હા, એમણે રેણુની મૂળ વાર્તા અને હીરામનના પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો. બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એમણે ફિલ્મમાં ખલનાયકનો ઉમેરો કર્યો ખરો પણ ફિલ્મનો અંત બદલી હીરાબાઈ અને હીરામનનું ‘ સુખદ મિલન ‘ કરાવવાની વાતમાં એ ટસના મસ ન થયા. ફિલ્મમાં ઘણાં ગીતો છે પણ મજેદાર વાત એ કે એમાંના પાંચ ગીતના મુખડા તો રેણુની મૂળ વાર્તામાં પણ છે. ગીતકાર શૈલેન્દ્રએ એમનો અર્થવિસ્તાર કર્યો છે. આ ગીતો એટલે સજન રે જૂઠ મત બોલો, સજનવા બૈરી હો ગએ હમાર, મારે ગએ ગુલફામ, લાલી લાલી ડોલિયા મેં લાલી રે દુલ્હનિયા અને તેરી બાંકી અદા પર મૈં હું ફિદા. હીરામનના પાત્રમાં ક્વચિત અભિનેતા રાજકપુર પોતે ડોકાઈ જતા હોવા છતાં એમની અભિનય કારકિર્દીનું એ શ્રેષ્ઠ સોપાન છે.
હીરામનનું ત્રીજું પ્રતિરૂપ એટલે હિંદી કવિ ભગવત રાવત. એ હીરામન અને રેણુથી એટલા જ અભિભૂત હતા. પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીમાં એમણે વર્ષો લગી પોતાના વિદ્યાર્થીઓને આ વાર્તા ભણાવેલી. એ ભારપૂર્વક કહેતા કે આને પ્રેમકથા કહેવાય નહીં. એના પ્રકારને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં ! એ સંબંધને કોઈ નામ આપવું એ સંબંધનું અવમૂલ્યન કરવા તુલ્ય છે. જીવનના એક તબક્કે માંદગીના બિછાને હતા ત્યારે એમણે બાવીસ કવિતાઓ લખી અને એ બધી જ હીરામનને સંબોધીને લખાયેલી હતી ! એ કવિતાઓ જે સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ એનું નામ ‘ સુનો હીરામન ‘ ! એ બધી જ બે હીરામન વચ્ચેનો સંવાદ છે !
રેણુ, શૈલેન્દ્ર અને ભગવતની જેમ આપણા સૌમાં પણ ક્યાંક ને ક્યાંક હીરામન વસે છે. બસ એટલું કે દુનિયાદારીના રંગો અને મજબૂરીઓ હેઠળ એ કચડાઈ જાય છે !


સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.