વનિતાવિશેષ
રક્ષા શુક્લ
આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.
આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.
– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)
મહાન વિભૂતિઓની પ્રામાણિકતા માત્ર ભ્રષ્ટાચાર ન કરવો કે ટેક્ષ ભરવા સુધીની નથી હોતી. તેઓ તેમના જીવનની સત્ય ઘટનાઓનું અને સંઘર્ષનું નિરૂપણ કરે છે તો એ એમના પ્રસંશકો અને ચાહકો માટે પ્રેરણારૂપ બને છે. મુક્ત વિચારો ધરાવતી એક ઉત્તમ લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમ ભારતીય સ્ત્રીની ’ઈમેજ’ વિશેની સભાનતાને ફગાવીને જિંદગીને પોતાની શરતો પર જીવ્યા. અઢળક સૌદર્યની સાથે એમને અત્યંત સુંદર અને ભાવપૂર્ણ શબ્દોનું વરદાન મળેલું હતું. સંકોચની એક ન દેખાતી લકીરની અંદરની તરફ વાચકોને બોલાવીને તેઓ પોતાની આત્મકથની કહે છે ત્યારે ‘એનું સાહસ એના સત્ય કરતા જરાય ઓછું નથી’ એમ કહે છે. ખલીલ જિબ્રાને કહેલું છે કે ‘સત્ય બોલવામાં સંયમ રાખવો એ પણ દંભનો જ એક પ્રકાર છે’.
રેવતીશરણ શર્માએ એકવાર અમૃતાજીને પૂછેલું કે ‘અમૃતાજી, તમારી નવલકથાની છોકરીઓ પોતાના સત્યની શોધમાં વસેલું ઘર તોડી નાખે છે. સમાજ માટે એ હાનિકારક નથી ?’ ત્યારે અમૃતાએ ખૂબ સુંદર જવાબ આપેલો કે ‘રેવતીજી, આજ સુધી જેટલા ઘર તૂટતા રહ્યા છે એ જૂઠના હાથે તૂટતા રહ્યા છે. હવે થોડા સત્યના હાથે તૂટવા દો’. અમૃતાને જીવનના દરેક પડાવે કોઈને કોઈ પુરુષનો હુંફાળો સાથ અને પ્રેમ મળ્યા છે. જેણે એમને સીંચ્યા છે, જીલ્યા છે અને પૂજ્યા છે. પિતા કરતારસિંહ, પતિ પ્રીતમસિંહનો નિર્વ્યાજ પ્રેમ, મિત્ર સજ્જાદ હૈદરની મિત્રતા, સાહિર સાથેનો ઉત્કટ પ્રેમ અને પતિને છોડ્યા પછી મળેલો ઈમરોઝનો અદભૂત સાથ.

આ સર્વના નિઃસ્વાર્થ પ્રેમની ઊંચાઈ એવરેસ્ટ જેવી છે. અત્યંત સંવેદનશીલ અમૃતાને એક અહોભાવ અને કૃતજ્ઞતા સાથે તરસ પણ આપે છે. એટલે જ એ કહે છે તેમ કેટલીક છાયાઓ વર્ષો વીતી ગયા પછી પણ એનામાં રોકાઈ ગયેલી છે. છાયા તો કોઈ કાયાની હોય છે. દરેક છાયાને કોઈ કાયાની અપેક્ષા હોય છે પણ કેટલીક છાયા એવી ય હોય છે જે આ નિયમની બહાર હોય છે. તેમાં એક છાયા ન જાણે ક્યાંથી કાયાથી છૂટીને તમારી પાસે આવી જાય છે. પછી એને લઈને તમે દુનિયામાં ફર્યા કરો છો. શોધ્યા કરો છો કે કઈ કાયામાંથી એ તૂટી છે, છૂટી પડી છે. પણ આ શોધ અનંત હોય છે. એટલે જ અમૃતા એની જીવનયાત્રાને ‘ગંગાજળથી વોડકા સુધીનું સફરનામું છે, મારી પ્યાસનું..’ કહી આપણી સમક્ષ મૂકે છે.
જો કે ઈમરોઝનો અદભૂત પ્રેમ અમૃતાને એના ભગવાન હોવાનો અહેસાસ આપે છે. એ લખે છે કે ‘પિતા, ભાઈ, મિત્ર અને પતિ – કોઈ પણ શબ્દનો કોઈ સંબંધ નથી. પણ જ્યારે તેને જોયો ત્યારે આ બધા અક્ષરો ઘેરા થઈ ગયા’. અમૃતાને લાગતું કે સાહિર અને સજ્જાદની દોસ્તી પણ ઈમરોઝની દોસ્તીના ખીલેલાં ફૂલમાં ક્યાંક સામેલ છે. એકવાર અમૃતાએ કહ્યું કે ‘ઈમ, જો મને સાહિર મળી ગયો હોત તો તું ન મળત’ ત્યારે ઈમરોઝે અમૃતાને ‘અમૃતા’થી પણ આગળ અપનાવીને કહ્યું હતું, ‘હું તમને મળત જ મળત. ભલે, તને સાહિરના ઘરમાં નમાજ પઢતા શોધી કાઢત’. ઈમરોઝ સાથે જિંદગીના ૪૦ વર્ષ અમૃતાએ વિતાવ્યા હતા. ઈમરોઝને ખબર હતી કે અમૃતા સાહિરને કેટલો ચાહે છે પણ તેને એ પણ ખબર હતી કે એ પોતે અમૃતાને કેટલું ચાહતો હતો. પ્રેમ માટેની અનન્ય પ્રતિબદ્ધતા અને વિશ્વાસને લીધે એ કહેતા કે ‘સાહિર સાથેનો અમૃતાનો સંબંધ મિથ્યા અને માયાવી છે. જ્યારે મારી સાથેનો નાતો સાચો અને યથાર્થ.’ સાહિરે અમૃતાને બેચેની આપી છે જ્યારે મારા સાથે એ સંતુલિત અને પરિપૂર્ણ છે’. સાહિરના નામને બહુ જ સુંદર રીતે કેલીગ્રાફીમાં એમ્બોઝ કરી ઇમરોઝે પોતાના રૂમની દીવાલ પર સજાવીને રાખેલ હતું. કારણ પૂછાતા એણે કહેલું કે ‘સાહીરનું નામ અમૃતાના હૃદયમાં કોતરાયેલું છે સંબંધની શરૂઆતમાં મેં જોયેલું કે એની આંગળીઓ દ્વારા પણ સતત સાહીરનું નામ જ રચાતું હોય છે. તો જેને અમૃતા પ્રેમ કરે તેને અમારા દિલમાં, ઘરમાં ખાસ જગ્યા છે.’ ‘અમૃતા ઈમરોઝ’ના લેખિકા ઉમા ત્રિલોક લખે છે કે સમય જતા અમૃતાની તબિયત લથડતી ગઈ. એ દરમ્યાન એક નાના બાળકને સાચવે તેમ ઇમરોઝે અમૃતાને સાચવ્યા. અમૃતાનું દરેક કામ ઈમરોઝ દૈવીભાવથી કરતા. ૨૦૦૫માં અમૃતાએ ઇમરોઝને સંબોધીને એક કવિતા લખી…કદાચ છેલ્લી…
‘मैं तुझे फ़िर मिलूंगी
कहाँ किस तरह पता नही‘
ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમ્રુતાનો ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો. અમૃતા પોતાની દરેક સંવેદનાને આપણી સામે નોખી રીતે જ મૂકે છે એ કહે છે કે ‘મા જીવતી હોત તો કદાચ સોળમું વરસ કંઈક જુદી જ રીતે આવત, પરિચિતોની જેમ. પણ એ અપરીચિતની જેમ દરવાજો ખખડાવ્યા વિના ચુપચાપ આવ્યું અને ચાલ્યું ગયું. એટલે જ પછી એ જિંદગીના દરેક વર્ષમાં ક્યાંક સમાયેલું રહ્યું’. એમની સંવેદનાની અભિવ્યક્તિ કાબીલેદાદ છે. એ લખે છે કે ‘કોઈ ઋષિની સમાધિ તૂટી જાય તો ભટકવાનો શ્રાપ એની પાછળ પડે – મારી પાછળ ‘વિચારો’નો શ્રાપ પડ્યો છે’. એ ખુશ હતા કે એને સમાધિના સુખનું વરદાન નહોતું મળ્યું પણ રખડવાની બેચેનીનો શ્રાપ મળેલો હતો.
પોતે સ્ત્રી હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ અમૃતાને જીવનમાં ત્રણ જ વખત થાય છે. પહેલી વાર યુવાન અમૃતાને સ્વપ્નમાં ફૂલના કુંડામાં એક બાળકનો ચહેરો ઉપસી આવેલો દેખાયો, બીજી વાર સાહિરને તાવ આવતા તેની છાતીમાં વિક્સ ચોળી આપતા અને ત્રીજી વાર સ્ટુડિયોમાં બેઠેલા ઈમરોઝે પાતળું બ્રશ કાગળ પરથી ઊંચકીને લાલ રંગમાં ડુબાડ્યું અને પછી ઉઠીને એ બ્રશથી અમૃતાના કપાળ પર એક બિંદી કરી ત્યારે. ક્યારેક અમૃતાએ એની અંદરની ‘કેવળ સ્ત્રી’ને નિરાંતે નિહાળી છે. જેને કોઈ કાગળ-કલમની જરૂર નહોતી. આ ક્ષણોને તેમણે જિંદગીભર ફ્રીઝ કરીને રાખી. અને જરૂર પડ્યે એમાંથી હૂંફ મેળવતા રહ્યા. આપણા દેશના ભાગલા વખતે જે ઘટ્યું એના જેવો ખૂની, બર્બર કાંડ કોઈની કલ્પનામાં પણ ન આવે તેવો ભીષણ અને અત્યાચારી હતો. જે મરી ગયા હતા કે વિખૂટા પડી ગયા હતા એનું મિલન કોણ કરાવે ? ટ્રેઈનમાં મુસાફરી કરતા અમૃતા લાશ જેવા લોકોની પીડા જોઇને ધ્રૂજી જાય છે. એ સમયે એને પંજાબના દુઃખને વાચા આપી શકે તેવા કવિ વારીસ શાહ યાદ આવે છે. જેણે હીર જેવી બેટીના દુઃખને ગાયું હતું. અને ચાલતી ગાડીએ અમૃતા કાંપતી આંગળીઓથી વારીસ શાહને સંબોધીને એમનું પ્રખ્યાત કાવ્ય લખે છે…’આજે વારીસ શાહને કહું છું કે તમારી કબરમાંથી બોલો…’
‘મારી મહોબતમાં એના માટે પૂજા પણ સામેલ છે…’ એવું લખીને અમૃતા પ્રીતમ પોતાની આત્મકથા ‘ધી રેવન્યુ સ્ટેમ્પ’માં સાહિર સાથેના પ્રેમને ડંકાની ચોટ પર કબૂલે કરે છે. આત્મકથા એ સર્જકના આત્માની ઓળખ છે. જે હૃદયની પ્રામાણિકતાથી લખાય છે. તેમાં બુદ્ધિની કસરત કોરે મૂકવી પડે. એમાં કલ્પના પણ ન ચાલે. હકીકતોનું જ આલેખન કરવાનું હોય છે. સાહિરના પ્રેમમાં ગળાડૂબ અમૃતા પાગલપનના શિખર પર સવાર હતી. માતૃત્વ ધારણ કરવાની અંગત પળોને અમૃતાજીએ પોતાની રીતે જ આકારી. ગર્ભાવસ્થા દરમ્યાન સતત સાહિરના જ વિચારોમાં જીવી, સાહિરની જ છબીને દિલો-દિમાગ પર કંડાર્યા કરી જેથી બાળકનો ચહેરો સાહિરને જ મળતો આવે. એટલે જ ૧૩ વર્ષનો પુત્ર નવરોઝ નિર્દોષતાથી પૂછી બેસે છે, ‘મમ્મા, શું હું સાહિર અંકલનો દીકરો છું ?’ કોઈ ગમે તે માને પણ સાહિર સાથેનો અમૃતાનો પ્રેમ અલૌકિક હતો. અમૃતા લખે છે કે સાહિર મળવા આવે ત્યારે એની ખામોશીમાથી નીકળીને એક ટૂકડો ખુરશીમાં બેસતો અને ચાલ્યો જતો. ‘કોઈક વાર… એક વાર એના હાથને સ્પર્શવાની ઈચ્છા થતી, પણ મારી સામે મારા જ સંસ્કારોનું એક એવું અંતર હતું કે જે કાપી શકાતું નહોતું’.
એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે –
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !
અમૃતાએ ૧૯૬૦માં પ્રીતમસિંહથી છૂટા પડવાનું નક્કી કર્યું એ નિર્ણય બંનેનો સંયુક્ત હતો. કોઈ ફરિયાદ કે આક્ષેપો નહીં. અમૃતાના મનમાં પતિ પ્રીતમસિંહ માટે સતત માન અને આદર રહ્યા. પોતાના નામમાંથી એમણે એટલે જ ‘પ્રીતમ’ને હટાવી દેવાની કોશિશ ન કરી. મુઠ્ઠી ઊંચેરા પ્રીતમસિંહે પણ હંમેશા અમૃતાનું માન-સન્માન જાળવ્યું. જીવનના પાછલા વર્ષોમાં અમૃતાને સતત ઈમરોઝનો હુંફાળો મૈત્રીભર્યો સાથ મળતો રહ્યો પણ પ્રીતમસિંહ છેક સુધી એકલા જ હતા. છેલ્લા વર્ષોમાં જ્યારે પ્રીતમસિંહ ખૂબ બીમાર રહેતા હતા ત્યારે અમૃતા અને ઈમરોઝ એને ઘરે લઇ આવ્યા હતા અને મૃત્યુપર્યંત એમની સેવા કરી. આ હતી એક ઉમદા ચારિત્ર્યની મિસાલ. સ્ટીફન કોવી કહે છે કે ‘આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે નહીં, પરંતુ આપણે જે વારંવાર ઉચ્ચારીયે અને આચારીએ છીએ તે જ આપણું સાચું ચારિત્ર્ય છે.’
સમાજના ખોખલા રિવાજો અને માન્યતાઓ સામે બંડ પોકારનાર અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’, જિંદગીનો અલગ રાહ પસંદ કરી જીવતી પ્રતિભાસંપન્ન નારીની આંતરિક મથામણો, સંઘર્ષો, તેના અંગત અને જાહેર જીવનની ખાટ્ટી-મીઠી ઘટનાઓ, તબક્કાઓ અને સંસ્મરણોની સ્મૃતિગાથા છે. અગણિત માન-સન્માન અને ઇનામ-અકરામ તેઓને મળેલા છે. મુખ્યત્વે ૧૯૮૨માં ‘કાગઝ કે કેનવાસ’ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત ૧૯૬૧માં પદ્મશ્રી અને ૨૦૦૪માં પદ્મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્ ડીગ્રી પ્રાપ્ત થઈ ! ઇનામો અકરામો એમને મળીને ગૌરવાન્વિત થયા છે.
ઇતિ
જે કાર્ય કર્યા પછી તમને પસ્તાવો થાય તે અનીતિ.
જે કાર્ય કર્યા પછી તમને આનંદ થાય તે નીતિ.
-અર્નેસ્ટ હેમિંગ્વે
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
