પ્રવાસી યુ. ધોળકિયા

ત્રિમૂર્તિના બ્રહ્મા સૃષ્ટિકર્તા, વિષ્ણુ પાલનકર્તા અને મહેશ સંહારકર્તા છે. આમ ભગવાન શિવ પર વિશ્વની સર્જન અને સંવર્ધનની સતત ચાલતી ક્રિયાઓને સંહાર શક્તિ વડે ચાલતી રાખવાની વિકટ જવાબદારી છે.

મહેશ ભગવાન સદાશિવનું જ સાકાર રૂપ છે. ત્રિમૂર્તિના તે અધિનાયક છે. તેઓ વેદમાં નિરૂપાયેલ પરમ બ્રહ્મ સત્તા છે. પુરાણો ભલે એમ કહે કે શિવ વિષ્ણુના લલાટમાંથી અને બ્રહ્માની કુખમાંથી પ્રગટ્યા હોય પણ ખરા અર્થમાં શિવ જ સર્વવ્યાપક મહાન અને પરાત્પર છે.

આવા મહાદેવ વિશે કંઈક પણ લખવાનું સાહસ મહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંત કે ઉપમન્યુ જ કરી શકે, કેમકે મહાભારતમાં શ્રીકૃષ્ણે પણ કહેવું પડ્યું છે કે બ્રહ્મા, ઈન્દ્ર કે મહર્ષિઓ પણ શિવતત્ત્વને સમજવા અસમર્થ છે. તેઓ પોતે પણ શિવના ગુણોનું વ્યાખ્યાન કરવા જ સમર્થ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન કહે છે કે શિવ સિવાય તેઓ કોઈને વિશેષ પ્રિય નથી. વાયુપુરાણમાં બ્રહ્મા અને વિષ્ણુએ સંયુક્ત સ્તુતિમાં કહ્યું છે કેઃ नमस्तुभ्यं भगवते सुव्रतेऽनन्ततेजसे। (ભગવાન ! આપ સુવ્રત અને અનંત તેજોમય છો !)

ભગવાન શિવ સમસ્ત પ્રાણીઓનું વિશ્રામ સ્થાન છે. તેમનો અર્થ મહાનિદ્રા પણ થાય છે. તેથી જ તેમની વ્યુત્પત્તિ સમજાવતા ગ્રંથો તેમના માટે विश्राम स्थानमेकम् । शीङ् स्वप्ने ધાતુનો પ્રયોગ કરે છે.

વેદોમાં શિવની ઓળખ રૂદ્ર તરીકે આપવામાં આવી છે. તેથી શિવના ભક્તો રૂદ્રીનો પાઠ કરતાં જે કૃતાર્થતા અનુભવે છે તે અવર્ણનીય છે. શ્વેતાશ્વર ઉપનિષદ આનો પડઘો પાડતાં લખે છે કે સમગ્ર સત્તાઘીશ છે તે રૂદ્ર એક જ છે – एको हि रुद्रो न द्वितीयाय तस्थुर्य । વેદનાં અગ્નિ સુક્તો શિવના જ્ઞાન સ્વરૂપની સ્તુતિ છે.

શિવનાં મહાન કાર્યો નીચે મુજબ છેઃ

૧. દેવ દાનવોએ જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે જે કાલકૂટ વિષ નીકળ્યું તે શિવ પી ગયા અને પૃથ્વીને બચાવી લીધી. શિવ નીલકંઠ બન્યા.

૨. ભસ્માસુર, હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, રાવણ, કુંભકર્ણ અને બાણાસુરને એવા અજેય બનાવ્યા કે તેમના વિનાશ અર્થે ભગવાનને અવતાર લેવો પડ્યો.

૩. આરંભમાં ગણપતિ અને વિનાયક નામના દેવતાઓ લોકોને રંજાડતા. શિવપાર્વતીનું સંતાન બન્યા પછી ગણપતિ સનાતન ધર્મના વિઘ્નહર્તા દેવ બન્યા.

૪. ભગવાન વિષ્ણુ શિવની સહસ્ત્રકમળથી પૂજા કરતા. જ્યારે એક કમળ ઓછું પડ્યું ત્યારે પોતાનું નેત્રકમળ તેમણે ચડાવ્યું. શિવે પ્રસન્ન થઈને વિષ્ણુને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું.

૫. તારકાસુરના વધ અર્થે દેવોની વિનંતિથી શિવ પાર્વતી સાથે સંસાર બંધનમાં જોડાયા. તેમનાં સંતાન, કાર્તિકેય – સ્કંધે દેવતાઓના સેનાપતિ બનીને તારકાસુરનો વધ કર્યો.

૬. સગરના સાઠ હજાર મૃત પુત્રોના શ્રાધ્ધ સંસ્કાર માટે ગંગાનું જ્યારે પૃથ્વી પર અવતરણ થયું ત્યારે શિવે ગંગાને પોતાની જટામાં ઝીલી લઈને પૃથ્વીના કકડા થતા અટકાવ્યા. આ રીતે આપણને પતિતપાવની ગંગા મળી.

૭. કૈલાશ તજી કાશીવાટ સ્વીકારીને શિવે માનવજાતને કાશી જેવું તિર્થધામ આપ્યું.

૮. શિવે અસુરોનાં અજેય ત્રણેય શહેરો[1] – ત્રિપુર- નો પોતાનાં ધનુષ્ય પિનાકનાં એક જ બાણથી વીંધી નાખ્યાં. અહીં પિનાક તો ખરેખર આદ્યાશક્તિ માતાજીની તાંત્રિક શક્તિનું પ્રતિક છે. ત્રિપુર એટલે સત્વ, રજસ અને તમસ પ્રધાન પ્રકૃતિ. શિવે આ રીતે તંત્ર વિદ્યાને ગૌરવ અપાવ્યું.

૯. શિવે દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો એ કથા સર્વ વિદિત છે.

યજ્ઞમાં જાણીબૂઝીને શ્વસુરગૃહેથી શિવને આમંત્રણ ન અપાયું. પતિનું અપમાન સહન ન થવાથી સતીએ આત્મવિલોપન કર્યું. શિવની આજ્ઞાથી ગણોએ દક્ષના યજ્ઞનો ધ્વંસ કર્યો. પત્નીનો વિયોગ સહન ન થવાથી શિવ સતીના મૃતદેહને લઈને અહીં તહીં ભાગંભાગ કરવા લાગ્યા. વિશ્વ ડોલાયમાન થઈ ગયું. શિવને ભાનમાં લાવવા વિષ્ણુએ સુદર્શન ચક્ર વડે સતીના મૃતદેહના ટુકડા કરી નાખ્યા. આ ટુકડા સમગ્ર ભારતવર્ષમાં એકાવન જગ્યાએ વેરાયા. ત્યારે એ દરેક જગ્યાએ પવિત્ર શક્તિપીઠો સ્થપાયાં.

આ આખ્યાયિકા એ દર્શાવે છે કે વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન દેવી માતૃપૂજાને શિવે સનાતન ધર્મમાં દાખલ કરી, તેને સન્માનીય સ્થાન અપાવ્યું. ગૌરવવંતી દેવીપૂજાથી ફક્ત આપણો ધર્મ જ દેદીપ્યમાન બન્યો છે.

૧૦. શિવનાં તાંડવ નૃત્યનો વિશ્વમાં જોટો નથી. આ દૈવી નૃત્યનું અધ્યક્ષસ્થાન આદ્યશક્તિ દેવીમાતાજીએ લીધેલું. નારદજીએ તેમાં વીણા અને વિષ્ણુએ મૃદંગ વગાડેલ. નટરાજે અતિભંગ મુદ્રામાં પોતાનો ડાબો પગ ઊંચો કર્યો છે. તેઓની જટા બંધાયેલી છે. તેમની અમુક લટો હવામાં લહેરાયેલી છે. અપસ્માર પુરુષની ઉપર શિવ નૃત્ય કરે છે.

આ નૃત્યના ઘણા સુચિતાર્થો છે.

અરવિંદ આશ્રમવાળા નલીનકાન્ત ગુપ્તા કહે છે કે સમગ્ર સંકીર્ણતા અને મોહમાયાનો ત્યાગ શિવ પોતાના પાદ વિક્ષેપથી કરે છે. શ્રી અરવિંદ તાંડવનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે બધાં દેવદેવીઓ અહીં સંમિલિત છે, પણ શિવ એકાકી છે. શિવનું નૃત્ય જીવન – મૃત્યુના દ્વંદ્વનો આભાસ આપે છે. અહીં જ્ઞાન અને વિજ્ઞાનનું અદ્‍ભૂત મિલન થયું છે.

તેમના જમણા હાથમાં જ્વાળા શુદ્ધિ અને પરિવર્તન પ્રગટ કરે છે. તેમની વચમાં શિવનું અનાસક્ત અને શાંત મસ્તક સમગ્ર જીવસૃષ્ટિ તરફ કલ્યાણમયી અને કરૂણા દૃષ્ટિથી તાકી રહ્યું છે. બીજો જમણો હાથ અભય મુદ્રામાં માનવજાતને શાંતિ અને રક્ષા અર્પે છે. બીજો ડાબો હાથ ઊઠેલા ડાબા પગ તરફ સંકેત કરે છે,  જે માયાથી મુક્તિનું પ્રતીક છે. જીવ પરનો જમણો પગ દર્શાવે છે કે શિવ સિવાય આપણો કોઈ આશ્રય નથી.

૧૧. સીતા સ્વયંવરમાં કોઈથી ન તુટનાર શિવના ધનુષને જ્યારે રામે તોડ્યું ત્યારે રાવણવધના પાયા નંખાયા.

શિવ પર બીજું કંઈ કહીએ તે પહેલાં પુષ્પદંત સાથે સહમત થઈએ કે

लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीश पारं याति।।

જો સમુદ્રને દવાત બનાવી દેવાય, તેમાં કૃષ્ણ પર્વતની શાહી ઉમેરી દેવાય, કલ્પવૃક્ષની શાખાઓની કલમ બનાવીને, પૃથ્વીને કાગળ બનાવીને સ્વયં જ્ઞાન સ્વરૂપ મા સરસ્વતી દિનરાત આપના ગુણોનું વર્ણન કરે તો પણ, હે શિવ, તમારા ગુણોની વ્યાખ્યા ન થઈ શકે.

શિવલિંગ: પરમતત્ત્વનું કારણ

ત્રિમૂર્તિના ત્રીજા દેવ ભગવાન શિવ મહાદેવ દરેક ભારતીયના મનમાં ઉચ્ચ અને સન્માનીય સ્થાન ધરાવે છે. તેનું કારણ એ છે કે શિવ માર્ગમાં ભક્તિ અને અધ્યાત્મની અદ્‍ભૂત જુગલબંધી જોવા મળે છે. અહીં જ્ઞાન, તંત્ર, ધ્યાન, યોગ, અગમનિગમ, દૈનિક પૂજા – અર્ચન, જપ – તપ અને ભજન – કિર્તનનું કમાલનું સમાયોજન થયેલું છે.

શિવમાર્ગમાં માનવ શરીરનો કે ગૃહસ્થ જીવનનો તિરસ્કાર નથી. પણ બધું સ્વીકારીને ચાલવાનું છે, છતાં આત્મસાક્ષાત્કારના ધ્યેયને ચુકવાનું નથી. જીવનમાં આવતા દરેક પડકારને ઝીલી લેવાનો છે. શિવ માનવને તેના અસ્તિત્ત્વના અંતિમ ધ્યેય તરફ દોરી જાય છે. શિવમાર્ગ જીવન, મૃત્યુ અને મુક્તિના પડાવ પર માર્ગદર્શક બને છે.

શિવ એક અધ્યક્ષ સ્વરૂપ હોવા છતાં સૃષ્ટિમાં જે કંઈ પેદા થયેલું છે એમાં તેનો વાસ  છે. આ રીતે વિશ્વભરમાં જે કંઈ ફલિત થઈ રહ્યું છે અને વિઘટિત થઈ રહ્યું છે તે શિવશક્તિના પરિપાક રૂપે છે.

સામાન્ય પ્રજાજનો, યોગીઓ, સંતો, પ્રેમીઓ, તત્ત્વજ્ઞાનીઓ કે માનસવિદો એ બધાં માટે શિવ આરાધ્ય દેવ છે. તેથી વિશ્વમાં તે સર્વોચ્ચ છે. શિવતત્ત્વ જીવનાં ઉતારીને રોજબરોજના વ્યવહારમાં મુકવાનું છે. શિવમાર્ગમાં જાતપાત કે ઊંચનીચના ભેદભાવ નથી. કચડાયેલા અને અદના માનવીને પણ અહીં ઊંચે ઉઠવા આમંત્રણ છે. શિવનો આગ્રહ અનેકતામાં એકત્વનો અને એકત્વમાં અનેકનો રહ્યો છે.

મહાન તાંત્રિક બ્રીજમોહન ભટ્ટાચાર્ય પોતાના પુસ્તક, ‘શિવધર્મ અને લિંગમાર્ગ’,માં જણાવે છે કે શિવપંથમાં રહેલી લિંગ – યોનીની પૂજાને કારણે વિદેશીઓએ ને અત્યંત હીન કક્ષાનો ચીતર્યો છે. વિદેશીઓ તેમની ટિકાઓમાં લખે છે કે બર્ફીલા કૈલાશ પર્વત પર નગ્ન હાલતમાં સર્પને વીંhaaટાળીને રહે છે. શરીર પર શબની રાખ ની ભસ્મ લગાવે છે. ગળામાં મુંડમાળા અને ગળામાં વિષ છે.  શિવ ગાંજા અને ભાંગના નશામાં ધૂત રહે છે. ભૂતપ્રેત, પિશાચ, ડાકણો અને ભયાનક ગણો તેમના સેવકો છે. આમ સંસારની બધી ગંદી વસ્તુઓ અહીં જ ઠલવાઈ છે.  આવા શિવ ત્રિમૂર્તિના દેવ કઈ રીતે હોઈ શકે?

શિવ વિશેની વિદેશીઓની આવી ગેરસમજ તેમના અધકચરા જ્ઞાન અને પૂર્વગ્રહને આધારિત છે. ‘લિંગ’નો સાચો અર્થ ‘સૂક્ષ્મ’ થાય છે. લિંગ અને યોનીની પૂજા પ્રકૃતિ અને પુરુષના સંભોગ દ્વારા ઉદ્‍ભવતી શૃષ્ટિ સૂચવે છે. અહી કશું અશ્લીલ નથી. સૃષ્ટિ કર્મથી સંતાન ઉત્પન્ન થાય છે તેથી ઋણમુક્તિ મળે છે.  બીજા અર્થમાં, લિંગ પ્રાણી માત્રનું પરમ કારણ અને પરમ નિવાસસ્થાન છે. લિંગનો એક અર્થ છે लियते यस्मिन्नति लिंगम् (અર્થાત્ જેમાં સમગ્ર સૃષ્ટિ સમાઈ જાય છે). તે જ્યોતિ અને પ્રણવ (ૐ) રૂપ છે લિંગ સ્થૂળ નથી, ચિન્મય છે. સદાશિવમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ અને ચિન્મય પુરુષ પ્રગટ્યા તે યથાર્થ લિંગ છે, જેમાંથી સચરાચર જગત ઉત્પન્ન થયું છે. તેથી  બાર જ્યોતિર્લિંગો સમગ્ર ભારતવર્ષ ભરમાં મહાતીર્થો સ્વરૂપે છવાયેલાં છે.

એક મહત્ત્વની બાબત એ છે જે પ્રાચીન સમયમાં જગતની તમામ સભ્યતાઓમાં ફળદ્રૂપતા ( Fertility cult), રક્ત બલિ, આદિજાતિના પશુ – પ્રાણીને દેવતા માનવાં (Totems), પશુ તથા નર બલિ, જનનેન્દ્રીય પૂજા, કાળો જાદુ, તંત્ર તથા વામ માર્ગ અને કામવિલાસની બોલબાલા હતી. આ બધી પરંપરાઓએ પ્રચીન સમયના ભારતના દરેક ધર્મો અને સંપ્રદાયો પર પ્રભાવ કરેલ છે. શિવમાર્ગે આ બધી અસરોને પોતાનામાં સમાવી લીધી અને તેનું ઉર્ધ્વીકરણ અને દૈવીકરણ કર્યું. કાળક્રમે, આવા શિવધર્મ અને વૈદિક ધર્મનું સંમિલન થયું. પરિણામે આપણો પવિત્ર સનાતન ધર્મ પ્રગટ્યો.

વળી, શિવ તો પવિત્રતા,  દિવ્યતા, સાદગી અને સાત્વીકતાના મહાસ્તંભ છે. જો આમ ન હોત તો સતી પાર્વતી તેમને વર તરીકે પામવા આવાં કઠણ તપ શું કામ આદરે? શિવ તો જ્ઞાની, યોગી અને ઋતંભરાપ્રજ્ઞા છે. કામદેવને શિવના હાથે ભસ્મ થવું પડ્યું એ બહુ સૂચક છે. કદાચ આ કારણોથી જ ઈજિપ્તના પ્રાચીન ધર્મગુરુઓએ શિવ પર આફ્રીન થઈને સ્ફિંક્સ નામનો નંદી ખડો કરી દીધો !

શિવ ધર્મે સૌથી પુરાતન માતૃ-પૂજાને અને તેની મહાન ગતિશીલ રહસ્યવાદી પરંપરાને પોતામાં આત્મસાત કરીને સનાતન ધર્મને હિમાલય જેટલી ઊંચાઇ અપાવી. શિવને શક્તિ વિના ક્લ્પવા અશક્ય છે.  બન્ને અભિન્ન છે. શિવ અજન્મા, અવ્યક્ત, અદૃશ્ય અને અરૂપ છે. શક્તિ દૃશ્ય, ચલ, સ્વરૂપવાન અને નામ સ્વરૂપથી વ્યક્ત થાય છે. શક્તિ શિવનું પ્રતિરૂપ ( Alter Ego) અને પરાવર્તન (Reflex ) છે. શક્તિથી જ શિવ પરમતત્ત્વ (Absolute) પદ પામ્યા છે. શિવ અને શક્તિમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. સાંખ્ય સિદ્ધાંતના પુરુષ અને પ્રકૃતિ જેવી શિવ અને શક્તિની અતૂટ બેલડીને આધારે આ વિશ્વ ટકી રહ્યું છે.

શિવ મહાયોગી છે. યોગમાં મનનાં સાત સ્તરો પર મંત્ર, લય, હઠ, રાજ અને શિવ યોગ વડે નિયંત્રણ પામીને સત્યને પામવાનું છે. શિવના યોગમાં પાતંજલિ યોગ અને તાંત્રિક કુંડલી યોગના પાયા છે.  શિવમાર્ગનું તત્ત્વજ્ઞાન રહસ્યવાદી છે. તે વેદાંત જેટલું સંપૂર્ણ, ગંભીર અને તલસ્પર્શી છે. તેના પર કપિલના સાંખ્યવાદ અને વેદાંતની પ્રબળ અસરો છે તેવું વિદ્વાનો માને છે. આ બધું કાશ્મીરના શિવ – સિદ્ધાંત, દક્ષિણ ભારતના શૈવ સિદ્ધાંત અને અઢાર આગમોમાં સંગ્રહસ્ત છે.

પ્રાણી માત્ર માટે શિવ મંગળની કામના કરે છે.

શિવ પુરાણ અને ઉપમન્યુની પ્રાર્થના સાથે શિવ મીમાંસા કરવી યોગ્ય જણાશે

जयाभुत जयाक्षुद्र जयाक्षत जयाव्यय
जयामेय जयामाप जयाभव जयामही

હે પ્રભુ! આપ અદ્‍ભૂત છો. આપનો જય હો! આપ મહાન છો. આપનો જય હો!  આપ અવિનાશી અને અનન્ય છો. આપનો જય હો!

(શિવ પુરાણ)

જો મને મારા દોષોને કારણે વારંવાર પુનર્જન્મ મળે તો તે તે જન્મમાં શિવમાં મારી અક્ષય ભક્તિ રહે.

(ઉપમન્યુ સ્તુતિ)

ભગવાન શિવ: મંગળમૂર્તિ અને કલ્યાણકર્તા

ત્રિમૂર્તિના ત્રીજા દેવ, શિવ,ને પ્રલયકારી માનવામાં આવે છે. પરંતુ, પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં શિવનાં વિનાશકારી કૃત્યોની બહુ ઓછી માહિતી મળે છે. સત્ય તો એ છે કે શિવ મંગળમૂર્તિ અને કલ્યાણકારી છે.

સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજીએ શિવની મનોરમ્ય છબી દોરી છે.  શંકરનાં શરીરનો રંગ ચાંદી જેવો શ્વેત છે, જે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. મસ્તકમાં શશીકલા શોભે છે, જે મનનું દર્પણ છે. હાથીની સૂંઢ જેવા ચાર હાથ છે. એક હાથમાં પરશુ છે જે અર્થસૂચક છે. બીજા હાથમાં ધનુષ્ય છે જે કામનું પ્રતિક છે. ત્રીજો હાથ વર મુદ્રા – ધર્મનું પ્રતિપાદન કરે છે. જ્યારે ચોથો હાથ અભય મુદ્રા મોક્ષનું નિરૂપણ કરે છે. વ્યાઘ્ર ચર્મ અનાસક્તિ દર્શાવે છે. ત્રિનેત્ર સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું પ્રતીક છે. શિવનાં પાંચ મુખ પંચમહાભૂત સૃષ્ટિ છે. ત્રિશૂળ સત્વ, રજસ અને તમસનું સૂચક છે. જટામાં ગંગા એ કરોડો સૌરમંડળવાળી આકાશગંગા શિવ ઉપર ટકી રહી છે તેનું પ્રતિપાદન કરેલ છે.

અગાઉ વર્ણવેલાં શિવનાં મહાન કાર્યોમાં ઉમેરો કરતાં કહી શકાય કે અર્જુનને શિવે અજેય શસ્ત્રો આપ્યાં જેને પરિણમે પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી શક્યા. છેલ્લે મહાતંત્રિક અશ્વત્થામાએ દુર્યોધનનાંમોતનો બદલો લેવા પાંડવોની નિશ્ચિતરૂપે હત્યા કરી હોત. પણ, અશ્વત્થામાની તાંત્રિક વિદ્યાને શિવે બુઠ્ઠી બનાવી દીધી અને પાંડવોને બચાવી લીધા.

શિવ વિશ્વના પહેલા શલ્ય ચિકિત્સક છે. ગણપતિ પર હાથીનાં મસ્તક અને દક્ષ પર બકરાનાં મસ્તક્નું પ્રત્યારોપણ શિવજીને કારણે શક્ય બન્યું.

શિવના ડમરૂમાંથી જે નાદ પ્રસવ્યો તેમાંથી પંચ ભૌતિકી સૃષ્ટિ સર્જાઈ.  વ્યાકરણના ચૌદ મૂળ સિદ્ધાંતો અને સંસ્કૃત વર્ણમાળાના એકાવન મૂળાક્ષરો આ નાદમાંથી પ્રગટ્યા છે. અણુના સુક્ષ્માણુઓની સંખ્યા હજુ સુધી વિજ્ઞાન નક્કી નથી કરી શક્યું. ભવિષ્યમાં વિજ્ઞાન એ વાત સાબિત કરી શકશે કે વિશ્વભરના સુક્ષ્માણુઓની સંખ્યા એકાવન છે અને વર્ણમાળાના અક્ષરો પણ એકાવન છે. કેવો સુભગ યોગ!

શિવ વિશાળતમમાં વિશાળતમ એકાઈ છે. બ્રહ્માજીના એક વર્ષને માનવ વર્ષમાં માપવું હોય તો ૩૧૧૦૪ની સંખ્યા પાસે દસ મીંડાં મુકવાં પડે. વિષ્ણુનાં એક પાદ-જીવન- માં માનવોનાં આવાં ૯૩૩૧૨ પાસે ચૌદ શૂન્ય જેટલાં વર્ષો પુરાં થઈ જાય છે.  શિવજીના પ્રલયકાળનો સમય અધધધ છે! ૨૨૩૯૪૮૮ની પાછળ એકવીસ મીડાં મુકીએ એટલાં માનવ વર્ષો શિવનાં એક ચરણમાં ખર્ચાઈ જાય છે/

મહાભારતમાં એક રમ્ય કથા છે. એક વાર માતા પાર્વતીએ રમત રમતાં શીવજીની બન્ને આંખો બંધ કરી દીધી ત્યારે શિવજીએ અજાણતાં ત્રીજું નેત્ર ખોલી નાખ્યું. પરિણામે આખું વિશ્વ વિનાશના આરે આવી ગયું. શિવની દરેક મુદ્રાની સ્થિરતામાં વિશ્વની સ્થિરતા છે. વિશ્વની એક ઉપાધિ ‘સ્થાણુ’ છે.

શિવ પૃથ્વીના દેવતા છે, એટલે એમનાં ત્રણ નિવાસસ્થાન છે – ભદ્રવટ (મહાતિબેટમાં), ત્રિવિષ્ટપ (કૈલાસ – ભારત – તિબેટની સીમા પર) અને મુંજવાન્ પર્વત (હિમાલયના નીચેના ભાગમાં સ્થિત).

શિવનો પરિવાર પણ ગજબનો છે. આમ તો સમગ્ર વિશ્વ જ શિવનો પરિવાર ગણાય. ઉમા જેવાં અર્ધાગિની, ગણપતિ અને સ્કંધ જેવા પુત્રો અને પરિવારને ગમતાં પ્રાણીઓ – શિવનાં સર્પ અને નન્દી, પાર્વતીનું વાહન સિંહ, કાર્તિકેયનું મોર અને ગણપતિનું મુષક. આ બધાં પ્રાણીઓ એકબીજાનાં વેરી હોવા છતાં શિવ સદા શાંતિ ધારણ કરીને તપમાં લીન રહે છે.

શિવે આપણા કલ્યાણ અર્થે જ્યારે એક હજાર વર્ષનું તપ કરેલું ત્યારે તેમની આંખમાંથી જે અશ્રુ ખરી પડ્યું તે રુદ્રાક્ષ [ સંધિ. રુદ્ર + અક્ષિન્ ( આંખ ) ]. રુદ્રાક્ષનાં ચૌદ મૂળ છે. દરેક મુળમાં શિવની શક્તિ સંગ્રહાયલી છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી સાધકની દિવ્ય સાધના સફળ થાય છે.  શિવપૂજા સરળ છે. શિવલીંગ પર જળધારા અને બિલ્વપત્રો ચડાવવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. ભારતીય પ્રજાએ અનુગ્રહિત થઈને શ્રાવણ માસ શિવનાં પૂજન – અર્ચન ખાતે જ અનામત રાખ્યો છે.

શિવના પંચાક્ષરી – નમઃ શિવાય – અને ષડાક્ષરી – ૐ નમઃ શિવાય – જાપ માત્રથી શિવસાધના સંપૂર્ણ કરી શકાય છે. શિવરાત્રીનું ખાસ મહત્ત્વ એ છે કે એ રાતે લાખો સૂર્યનું તેજ ધરાવતું લિંગ પેદા થયું હતું. શિવની વિભૂતિ અને વૈદિક યજ્ઞનું ફળ સરખાં છે.  શિવની શ્વેત વિભૂતિ માતૃશક્તિ – ચુલાની અધિષ્ઠાત્રી- નું પ્રતીક છે. શિવની પ્રલયકારી શક્તિ પણ વિભૂતિ રજુ કરે  છે. તે સાથે વિભૂતિ એ સત્ય સ્થાપિત કરે છે કે સમગ્ર જગત સ્મશાન છે. શિવની ચેતના શક્તિ વિના બધું શવ સમાન છે.

ભગવાન શિવનાં અનેક નામ અને રૂપ છે. આ બધાં સામાન્ય નામ કે ઉપનામ નથી, પણ અધ્યાત્મવાદી ગૂઢાર્થથી અભિપ્રેત છે. જેમકે, મૃત્યુંજય, આશુતોશ, ચડેશ્વર, અર્ધનારીશ્વર, પંચવત્રક, સદ્યોજાત, વિશ્વરૂપ, દિગ્પાદ, ત્રિનેત્ર, કૃતિવાસા, શિનીકંઠ, ખડપરશુ, પ્રમથધિપ, ગંગેશ્વર, પિતામહ, સર્વજ્ઞ, કપાલ, શર્વ, ભવ, ઉગ્ર, રૂદ્ર, ભીમ, પશુપતિ, ઈશાન, મહાદેવ, વામદેવ, અધીર વગેરે.

શિવના અનેક સંપ્રદાયો છે, જેમાં નાથ, સિદ્ધ, પાશુપાત, વીરશૈવ, લિંગાયત મુખ્ય છે.

શિવ સત્, ચિત્ અને આનંદમાં આનંદ રૂપે છે. સત્યમ્, શિવમ્, અને સુંદરમ્ એ શિવનું સંપૂર્ણ સ્વરૂપ છે.

આવા શિવને નમસ્કાર.

नमः शम्भवाय मयोभवाय नमः शङ्कराय मयस्कराय नमः शिवाय शिवतराय

કલ્યાણ અને સુખના મૂલ સ્રોત ભગવાન સદાશિવને નમસ્કાર. કલ્યાણને અને સુખને વિસ્તારનારા ભગવાન શિવને નમસ્કાર.


[1] મયાસુરે રાક્ષસો માટે આકાશ, અંતરિક્ષ અને પૃથ્વી ઉપર બાંધેલાં સોના, ચાંદી અને લોખંડનાં ત્રણ શહેર. પૂર્વે દેવદાનવોને ઘણા કાળ પર્યંત સંગ્રામ થતાં દાનવોનો પરાભવ થયો. ત્યારપછી પોતાના તારક અને વિદ્યુન્માલી નામના બે મિત્રોને જોડે લઈ મયાસુરે લાંબા કાળ સુધી તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે, સો સો યોજનને અંતરે હું ત્રણ શહેર બાંધી શકું. વળી તે શહેરો ફરતાં ઊડતાં રહી શકે અને દેવોથી તેમ જ બ્રાહ્મણોના શાપથી અભેદ્ય હોય. વખત છે ને મહાદેવના બાણે કરીને કોઈ ભાગનો નાશ થઈ જાય, તોપણ બાકીના ભાગને કશી અડચણ ન આવે એવાં હોય. તથાસ્તુ કહીને બ્રહ્મદેવ સ્વસ્થાને ગયા.

પછી મયાસુરે પુષ્ય નક્ષત્રને દહાડે લોઢું, રૂપું ને સોનું એમ એક ઉપર એક એમ સરખે અંતરે ત્રણ પુર નિર્માણ કર્યાં અને તારકાસુર, કમલાક્ષ અને વિદ્યુન્માલીને અનુક્રમે તેમનું અધિપતિપણું સોંપ્યું. વળી એ ત્રણ શહેરની પાસે બીજાં કેટલાંક અંતરિક્ષ પુર બનાવી ત્યાં બીજા અસુરોને રહેવાની સોઈ કરી. એ બધાંથી ઊંચા ભાગમાં એક ઘણું દિવ્ય પૂર નિર્માણ કરી તેમાં મયાસૂર પોતે રહ્યો. પહેલાં તો તેઓ આચાર પ્રમાણે વર્તતા હતા, પણ ધીમે ધીમે ઉન્મત્ત બનીને જુલમ કરવા લાગ્યા. તેથી બ્રહ્મદેવની પાસે દેવો ગયા અને બ્રહ્મદેવ બધાને લઈને મહાદેવ પાસે ગયા.

મહાદેવે એ ઉપરથી પૃથ્વીને રથ કલ્પી બ્રહ્મદેવને સારથિ કલ્પ્યા. બીજા દેવોને જે જે સ્થાને યોજવા હતા તે કલ્પી વિષ્ણુને બાણ કલ્પ્યા. પછી જ્યારે પુષ્ય નક્ષત્ર આવ્યું અને બધાં શહેરો ક્ષણભર સમસૂત્ર સ્થિતિમાં આવ્યાં કે તે ક્ષણ સાધીને મહાદેવે ત્રણે પુરનો નાશ કર્યો. પોતે પરમ નિયમશાળી અને ઈશ્વરોપાસક હોવાથી મયાસુર એકલો બચ્યો. –  સ્ત્રોતઃ ભગવદ્‍ગોમંડળ શબ્દકોશ


હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંનાં આદ્યાશક્તિની વાત કરીશું


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે