વનિતાવિશેષ
રક્ષા શુક્લ
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
-શૂન્ય પાલનપુરી
ન્યુટન પાસે ડાયમંડ નામનો એક કૂતરો હતો. તોફાની હતો તો પણ ખૂબ વ્હાલો હતો. એકવાર રાત્રે ડાયમંડે ટેબલ પર કૂદકો માર્યો. તેથી મીણબત્તી પડી અને ટેબલ પરનું પુસ્તક સળગવા લાગ્યું. ન્યુટન પહોંચે એ પહેલા પુસ્તક અર્ધું બળી ગયું હતું. સાત વર્ષની મહેનત પછી લખાયેલું પુસ્તક ઘડીમાં રાખનો ઢેર થઇ ગયું. થોડી ક્ષણોમાં જ સ્વસ્થ થઇ ન્યુટન ફરી એ જ પુસ્તક લખવા બેસી ગયા.
કમલા હેરિસ સાત વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા. કમલાએ પણ ન્યુટન જેમ ફરી સંશોધન આદર્યું પણ જીવનનું… એમાંથી જ પ્રગતિની પગદંડી મળી. પિતા વગર સાત વર્ષના બાળક પર કેવી માઠી અસર થઇ થાય એ કહેવું મુશ્કેલ છે. પણ માતાએ એને સંભાળી લીધી. કમલા નામની બાળકી અભ્યાસમાં કેન્દ્રિત થઇ. બધી નિરાશાઓને ખંખેરી, આવનારી ઉજળી આવતીકાલ માટે કમર કસવા લાગી હતી. ક્યારેક એની મા નિરાશા થતી હતી ત્યારે કમલા આશ્વાસન આપતી હતી. એકલા હાથે ઝંઝાવાતો ખાળતા ખાળતા કમલામાં નાની ઉંમરે મેચ્યોરીટી આવી ગઈ. વસંત પહેલા વૃક્ષણે બધા પાન ત્યજવા પડે છે. જીવનનું પણ કદાચ એવું હશે…!
વિલિયમ પેન કહે છે કે ‘જે દેશમાં માણસો સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોય શકે’. મહાસત્તા અમેરિકાની પ્રજા એની શિષ્ટ, સૌહાર્દ અને સંનિષ્ઠા માટે જાણીતી છે. જે દેશમાં નાગરિક હોવું પણ ગૌરવ ભર્યું હોય ત્યારે ત્યાં ઉચ્ચ હોદા પર હોવું એ તો એથી પણ વિશેષ ગૌરવભર્યું.
જૉ બાયડેન અને કમલા હેરિસને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા છે. તેમને આ ખિતાબ અમેરિકાની ચૂંટણીમાં અકલ્પનીય રીતે વિજય મેળવવા બદલ આપવામાં આવ્યો છે. ભારતીય મૂળના કમલા હેરિસે ઈતિહાસ રચી નાખ્યો છે. અમેરિકામાં તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા ભારતીય મૂળના પ્રથમ, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. પહેલીવાર ભારતીય મૂળના કોઈ મહિલા અમેરિકામાં આટલું મોટું પદ સંભાળ્યું. ઓબામાના કાર્યકાળમાં ‘ફીમેલ ઓબામા’ના હુલામણા નામથી મશહૂર અને લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ પહેલીવાર જ બન્યા હતા. ભારત અને ભારતીય મૂળનાં લોકો માટે આ ઘણી ખુશીની વાત છે. આ ચેન્નાઈ એક્સપ્રેસ આવવાને કારણે હવે ભારત અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે.
જૉ બાઈડનની શપથવિધિનો દિવસ એ કેટલાયે અમેરિકનો માટે અનહદ ખુશીનો દિવસ બની રહ્યો. બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે લોકોએ દિલ ખોલીને મત આપ્યા હતા. જો કે અમુક લોકો માટે એ દુ:સ્વપ્ન સમાન હતું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને પરાણે વ્હાઇટ હાઉસ છોડવું પડ્યું. ખુરશીનું ખેચાણ જ એવું છે જે ભલભલાને એનું વ્યસન થઇ જાય છે. સૂર્યભાનુ ગુપ્ત કહે છે કે ‘જો લોગ જૂતોં કે સાથ પેડોં પર નહીં ચઢ પાતેં હૈ, વે કુર્શિયા બનવાતે હૈ’ રાજકારણ અને કારણનું રાજ બધે સરખું. આ વખતે અનુભવાયું કે કાગડા અમેરિકામાં પણ બ્લેક હોય છે.
વીસ લાખથી વધારે ભારતીય અમેરિકનોએ વોટિંગ કર્યું. પરિણામ આવ્યા બાદ સમજાયું કે એ બાઈડન તરફી રહ્યું. કમલા હેરિસ બાઈડનને માટે હુકમની રાણી સાબિત થઈ. બાઈડને ચૂંટણીના ઘોષણાપત્રમાં પણ ભારતીયોને અલગ મહત્વ આપ્યું. જેની રૂપરેખા કમલાએ તૈયાર કરી હતી. ૨૦૨૦ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરતા બાઈડને જણાવેલું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ફરીથી ચૂંટણી જીતશે તો તે દેશની આત્માને દાવ પર લગાવવા બરાબર ગણાશે. જૉ બાઈડેને બરાક ઓબામાના ઉપરાષ્ટ્રપતિ તરીકે આઠ વર્ષ કામ કર્યું હતું. અમેરિકી સેનેટમાં પણ ત્રણ દાયકા કામ કરેલું છે. વળી તેઓ ડેમોક્રેટ્સ વચ્ચે પ્રિય પણ રહ્યા.
સાલ્વાડોર સાલી કહે છે કે ‘Intelligence without ambition is a bird without wings.’ હેરિસ ખૂબ મહત્ત્વાકાંક્ષી છે, એમની પાસે પારાવાર પ્રતિભા પણ છે. કમલાને જલ્દી સમજાય ગયું હતું કે વટવૃક્ષ બનવું હશે તો કૂંડામાંથી નીકળી જમીન સાથે જોડાવું પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચી શકે એવી સંભાવનાઓ એમનામાં છે. કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલન મૂળ ભારતનાં ચેન્નાઈનાં રહેવાસી છે અને તેમના પિતા ડૉનલ્ડ હેરિસ મૂળ જમૈકાના છે. કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં તા. ૨૦-૧૦-૧૯૬૪ ના રોજ જન્મેલા કમલામાં બાલ્ય અવસ્થાથી જ નેતૃત્વના લક્ષણ હતા. પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકનોમિક્સના પ્રોફેસર હતા. માતા શ્યામલા ગોપાલન સ્તન કેન્સર વૈજ્ઞાનિક હોવાથી ખૂબ વ્યસ્ત રહેતા હોવા છતાં કમલાને પૂરતો સમય આપતા હતા. કમલા અને તેમની નાની બહેન માયા માતા સાથે રહ્યા. કમલા ભારતીય વારસા સાથે મોટા થયા. કમલા અને માયાના ઉછેર દરમિયાન માતાએ બંનેને પોતાના સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરવાનું શીખવાડ્યું. કમલાની બહેન માયા હેરિસ કહે છે કે ‘અમારી માતા કોણ હતી એ જાણ્યા વિના તમે કમલા કોણ છે એ જાણી ન શકો.’ આ ગૌરવાન્વિત પળોમાં તેની માતાની ખોટ તેને ખૂબ સાલી. એ સમય અશ્વેત લોકો માટે ધારીએ એટલો સહજ ન હતો. ત્યારે પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા.
બાઈડેન-હેરિસની પ્રચાર વેબસાઈટમાં કમલાએ પોતાની આત્મકથા ‘ધ ટ્રુથ્સ વી હોલ્ડ’માં લખ્યું છે કે તેમની માતાને ખબર હતી કે તેઓ બે અશ્વેત પુત્રીઓનું પાલન-પોષણ કરી રહ્યા છે અને તેમને હંમેશા અશ્વેત તરીકે જ જોવામાં આવશે, પરંતુ તેમણે પોતાની પુત્રીઓને એવા સંસ્કાર આપ્યા કે કેન્સર રિસર્ચર અને માનવાધિકાર કાર્યકર શ્યામલા અને તેની બંને પુત્રીઓ ‘શ્યામલા એન્ડ ધ ગર્લ્સ’ તરીકે ઓળખવા લાગ્યા. હેરિસનો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા સુધીની સફર ખૂબજ રસપ્રદ અને રોમાંચક રહી.
વર્ષ ૨૦૦૮માં જ્યારે એક કાળી વ્યક્તિ બરાક હુસેન ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાયા. એ પહેલા અમેરિકામાં રંગભેદની નીતિ-રીતિ રહી છે. આવા માહોલમાં કમલા હેરિસનો ઐતિહાસિક વિજય શાતા આપનાર છે. કમલાએ ૨૦૧૪માં પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા. આફ્રિકી, અમેરિકી અને યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા. આ ત્રણેય પરંપરા સાથે ભારતીય સંસ્કૃતિ ધબકતી રહી. આજે જેટલા ગાઢ મિત્ર છે એમ એક સમયે પોતાના પૂર્વ હરીફ બાઈડેનના તેઓ કટ્ટર આલોચક હતા. તેમણે હોમલેન્ડ સિક્યોરિટી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સ કમિટી, ઈન્ટેલિજન્સ પર સિલેક્ટ કમિટી, જ્યૂડિશિયરની કમિટી અને બજેટ કમિટીમાં કામ કર્યું. કમલા સૌપ્રથમવાર ૨૦૦૩માં તેઓએ સિટી અને સાન ફ્રાંસિસ્કોથી કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોની તરીકે ચૂંટાયા હતા. એ વાતને યાદ કરતા કહે છે કે ‘એ ખુશી અવર્ણનીય હતી’. ત્યારબાદ ૨૦૧૦માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ બન્યા. વર્ષ ૨૦૧૭માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સેનેટર તરીકેના શપથ લીધા હતા. આમ કરનાર તેઓ બીજા અશ્વેત મહિલા હતા.
આજે પણ કમલાના પરિવારના લોકો ભારતમાં વસે છે. દિલ્હીમાં તેના કાકા બાલાચંદ્રને મીડિયાની વાતને સમર્થન આપી કહ્યું હતું કે કમલા હેરિસની જીત અપેક્ષા મુજબની છે.’ અહેવાલો મુજબ, ભારતમાં કમલા હેરિસનો પરિવાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા યુ.એસ. પણ ગયો હતો. જોકે કમલા વર્ષોથી વિદેશમાં રહ્યા છે, પરંતુ ભારત અને ભારતીય પ્રત્યેનો તેનો પ્રેમ હજી જીવંત છે. તાજેતરમાં કમલાએ ઈડલી-સાંભાર અને ટીક્કાને તેની પસંદીદા ભારતીય વાનગી તરીકે ગણાવ્યા હતા. કમલા ભારતની મુલાકાત લેતાં ત્યારે ભાવવિભોર થઇ જતા હતા. ભારતીય સંસ્કૃતિના ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા:’ને સમર્થન આપતા હોય તેમ કમલા હેરિસ કહે છે કે ‘If We Don’t Lift Women, Everyone Will Fall Short’ તેઓ ઈચ્છે છે કે દરેક મહિલા એવું જાણે કે તે શક્તિશાળી છે અને એના અવાજનું આગવું મહત્વ છે. અમેરિકા નિવાસ કરતા ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવયિત્રી પન્ના નાયકના એક ગદ્યકાવ્યથી લેખનું સમાપન કરું…
મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.
મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.
ઇતિ
મારાં પુસ્તકો તો દર્પણ જેવાં છે, કોઈ ગધેડો એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન થોડા થવાના છે !
-આર્થર શોપેનહોર
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
