સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

વીસથી વધુ પેઢીએ મારા વડદાદા નરસિંહ મેહતાએ કીધું છ, “જેહના ભાગ્ય્માં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પોંહચે.” મારી વાત્યુંના ઊંડા ઈશકોત્રા માંથી આજ મારે જે વાત વે’તી મેલવી છ એનું પણ ક્યાંક એવું જ છે કારણ કે નસીબનો બળિયો જ ઈ જોઈ શકે, માણી શકે, જીવી શકે ને જીરવી શકે.

…તો મિત્રો, મારું બાળપણ જૂનાગઢ તાબાનાં ગામડાંઓમાં ગ્યું છ કે જ્યાં ન હતાં વીજળી, નળનું પાણી, બાંધેલાં પાકાં જાજરૂ, રેલવે સ્ટેશન, બજારુ ખાવા સારુ હોટેલ કે શેરની અન્ય સુવિધાઓ ને છત્તાં મને ક્યારેય કાંઈ ગુમાવ્યું હોય એવું નથી લાગ્યું કારણ કે ડો. જગદીશ ત્રિવેદી કે’છ એમ ગામડામાં:

“ધૂળ ઢેફા ને પાણાં હોય, ભીંતેભીંતે છાણાં હોય; ટાણાં એવાં ગાણાં હોય, મળવા જેવા માણાં હોય
ઉકરડાં ને ઓટા હોય, બળદીયાના જોટા હોય; પડકારા હાકોટા હોય, માણસ મનનાં મોટાં હોય
માથે દેશી નળીયાં હોય, વિઘા એકનાં ફળીયાં હોય; બધા હૈયાબળીયા હોય, કાયમ મોજે દરીયા હોય
સામૈયાં ફુલેકાં હોય, તાલ એવા ઠેકા હોય; મોભને ભલે ટેકા હોય, દિલના ડેકાડેકા હોય
ગાય,ગોબર ને ગારો હોય, આંગણ તુલસીક્યારો હોય; ધરમનાં કાટે ધારો હોય, સૌનો વહેવાર સારો હોય
ભાંભરડા ભણકારા હોય, ડણકું ને ડચકારા હોય; ખોંખારા ખમકારા હોય, ગામડાં શેર કરતાં સારાં હોય.”

આ કવિત માંથી જો હું “ટાણાં એવાં ગાણાં હોય,” ને “પડકારા હાકોટા હોય, માણસ મનનાં મોટાં હોય” એટલું જ પકડું તો ઈ ચારણી દાજી ડાયરા; ભજનો, સંતવાણી, લોકગીતો, માતાજીની સર્જો, ટીપણી ગીતો, ખારવાનાં ગીતો ને મરણે મરશિયાં હેકીક કરતાં મારાં નેણે ને માયલે બેઠાં થાય છ કારણ કે હું એનો સાક્ષી હતો ને શાશ્વત એને જીવ્યો છ કે જેના થોડાક દાખલાઓમાં:

અમે સનખડા હતા તીંયેં મારી ઉંમર નાની પણ થોડુંઘણું યાદ છે ને ઘણું પપ્પાએ કીધુંતું ઈ મુજબ યાં ભરવાડું શિયાળે ઢોરઢાંખર, ઘેંટાં ને ઊંટનું ખાડું દવાખાનાના ચોગાનમાં બેસાડતા ને સાચા ભાવે માતાજીની સર્જ્યું ગાતા. ઘણીવાર ગામની આસપાસ ધોબીયો, તડ, નારણબાગ ને ધોળીવાવમાં પણ ઈ સર્જ્યું ગાતા. પછી ગર્યના એક નાકા જેવા દેલવાડામાં અમે હતા તીંયેં સૂમરા માલધારી ચોમાસે અમારા દવાખાના પછીત ખેતરમાં કચ્છથી કુંઢીયુનાં ખાડાં લઈને ચરાવા આવતા ને કચ્છી જભાને સૂફી ગીતો ગાતાં તસબીહ ફેરવતા. તીંયેં પાસેમાં તુલસીશ્યામ, દુધાળા. ગાંગડા ને દ્રોણેશવરમાં ભજનું ને લોકગીત્યું અમે સાંભળતા. જાણ ખાતર કે સૂમરા અસલમાં પરમાર રજપૂત હતા પણ આઠમી સદીમાં એને મુસ્લિમ ધરમ સ્વીકાર્યોતો.

હવે જો આગળ કહું તો ગર્યના બીજા નાકા મેંદરડા ને પાડોસનાં ગામોમાં – માનપુર, નાજાપુર, આલીધ્રા, સમઢીયાળા, ગીર ખોરાસા, કણજા, ચીરોડા, જીંજુડા, અણીયા,વ.માં – ધાધલ શાખના કાઠી અને કડવા કણબી જાજા. આ બધા વાવણી થઇ જાય પછી ઘરની ફળીમાં, ગામના ગોંદરે કે મધુવંતીના કાંઠે ભથેશ્વર ને ધારેશ્વર મહાદેવના મંદિરમાં ડાયરા ને ભજનોના કાર્યક્રમ રાખતા. એમાં અમને ઈ અરસાના ઊંચા ગજાના કલાકરો માણવાની તક મળીતી. વધુમાં મેંદરડાનો એક બીજો પ્રસંગ કહું તો ૧૯૫૦ના વચાળે માનપુરમાં પપ્પાના એક જુવાન કાઠી દર્દીનું મયણું થ્યુંતું ને ગાડે બેસાય એટલે હું પણ મારા બાપની આંગળીએ ઈ ખરખરે ગ્યોતો. ગાડેથી નીચે ઉતર્યા યાં ઈ ઘરની ફળીમાં બાયું છાંજીયાં લેતીતી ને મરશિયાં ગાતીતી. મને થોડુંક યાદ છે એમ મરશિયું ક્યાંક આમ હતું:

“એ…ઘરનો મોભ ખડેડ્યો..
એ…અમે ઉઘાડાં થઇ ગીયાં..
એ…મારા ચૂડલાનો શણગાર નંદવાઇ ગીયો..
એ…મારા સેંથો ને ચાંદલો રોળાઇ ગીયાં..
એ… અમને નોધારાં ને નિમાણાં મેલીને હાલી ગીયા..”

બીજું મારું નાનપણનું ગામ ઈ ચોરવાડ કે એમાં ને પાડોસ કાણેક, ગડુ, કુકસવાડા, વિસણવેલ, વ.માં કોળી, રબારી, કારડીયા રજપૂત, ખારવા ને વેલારીની વસ્તી જાજી ને થોડાક સંત પઢિયારજીના વારસે વસેલા ગીરનારા પણ ખરા. એટલે યાં ડાયરા, ભજન, લોકગીત, ખારવાનાં ગીત, કોળણનાં ટીપણી નાચ ને ગીત, ગીરનારા ને કોળીની ગરબી ને રબારીની પુંજનો અનેરો લાભ અમને મળ્યો. હું પોતે ગરબી લેતાં ગિરનારા મિત્ર કિરીટ પઢીયાર ને ડાંડીયારાસ અમારા પટ્ટાવાળા ઘેલાભાઈ રબારી પાસેથી શીખ્યોતો. ચોરવાડની ટીપણી અને સંગીત દાયકાઓ પે’લાં રાજેન્દ્રકુમાર અને અમિતા અભીદર્શિત “ગુંજ ઉઠી શેહનાઈ” ચલચિત્રમાં દેખાડેલ. અલબત્ત, ઈ ફિલ્મી હતું પણ મેં જે અસલી અનુભવ્યુંતું ઈ ગામના નગરશેઠની અગાસીમાં ધ્રાબો પથરાણો તીંયેં. એમાં કોળણોએ આલા મીરની શરણાઈ ને પશાભાઈના ધ્રીજબાંગ ઢોલના તાલે ટીપણી ટીપતાં ક્યાંક આમ ગાયુંતું:

“ધ્રોબો ધ્રોબો રે ધાબો શેઠની મેડીએ રે લોલ,
ધાબે રૂડા પોપટ ને મોરલા ચિતરાવો રે લોલ…”

તો બીજીકોર ચોરવાડના દરિયા કાંઠે પપ્પાના ખારવા દર્દી કાનાભાઇ મોતીવારસના ખોયડેથી “નાળિયેરી પૂનમે” સાગમઠે સંભળાય:

“પાંચ વાણુંનો કાફલો, એલા! પાંચ વાણુંનો કાફલો;
તેમાંલો એકલો હકરાણો, જવાનડા!
એકલો હકરાઈશ મા,એલા હકરાઈશ મા;
કાચા હૈયાના ધણી! એકલો હકરાઈશ મા!
વાવડાનું જોર છે, એલા! વાવડાનું જોર છે;
હેમત રાખીને સઢાં છોડજે, જવાનડા.”

મેં ૧૯૭૦માં દેશ છોડ્યો ઈ પે’લાં અમે ગાંડી ગર્યના નાકા વિસાવદરમાં હતા. તીંયેં આ ગામ ને એને ફરતો વિસ્તાર – આપાગીગાનું સતાધાર, તાલાળા, માલણકા, વાણિયાવાવ, કાંસીયા નેસ, લખુઆઈનો નેશ, લીલાપાણીનો નેસ, મેલડીનો નેસ,વ. – હારે પણ અમારે જાજો ધરોબો. આ વિસ્તારમાં મોટાભાગની માલધારીની વસ્તી ને આંઈ પણ મેંદરડા વિસ્તારની જેમ દી’ આથમે ડાયરા ને ભજનુંની બેઠકુંમાં અમે ગાડે ચડીને જાતા. આંઈ ફરક ઈ હતો કે અમે બેસતા યાંથી પાસેના કરમદી કે બોયડીનાં ઢૂંવાં માંથી સાવજની ઝબુકતી આંખ્યું દેખાતી ને ડણાકું સંભળાતી ને તીંયેં મેઘાણીજીના નીચેના શબદો જીવ્યાનો એહસાસ થાતો:

ઝબૂકે

વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે

જેગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

ડણાક

બાવળના જાળામાં ગરજે
ડુંગરના જાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે’
ગિરિઓની ગોહરમાં ગરજે

ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

મને એક આડવાત આંઈ કેતાં પોરસના પલ્લા છૂટે છ કે તીંયેં એનો જનમ નો’તો થ્યો પણ આજ જગજાણીતા ગર્યગઢવી રાજભા ઈ લીલાપાણીના નેસની જ નીપજ છે.

…તો મિત્રો, જનમથી માંડીને હું એકવીસનો થ્યો ને દેશ છોડ્યો યાં લગીમાં નહીંનહીં તોયે સોએકથી વધુ ડાયરા, લોકગીતો ને સંતવાણીની બેઠકયુંમાં હું ગ્યોતો ને ઈ દિવસુંના અદકા કલાકરું જેવા કે માધુભગત જેઠવા, કનુભાઈ બારોટ, પરબના મહંત, અભરામ ભગત, ઇસ્માઇલ વાલેરા, કાનજી ભૂટા બારોટ, દુલા કાગ, હરદાનભાઈ, ઠારણભાઈ, ગંગુભાઈ, શંકરદાનજી, મેરૂભાબાપુ, બચુબાપુ, પદ્મશ્રી દાદબાપુ, પ્રવીણદાન ને જુવાનડા હેમુભાઈને ભરપેટ માણ્યાતા. વળી પપ્પા દાક્તર હતા ને ગામડામાં ઈ મોટું માથું એટલે અમે લગભગ આ બધા કલાકારોને હરૂભરૂ પણ મળ્યાતા ને હારે અડાળીઅડાળી ચા યે પિધોતો. હવે જો વિચારોતો આ સૌ નામોમાં પછીના પ્રખ્યાત ને ઊંચા ગજાના કલાકારો લાખાભાઇ ગઢવી, ઈશરદાન ગઢવી, મુગટલાલ જોશી, પ્રાણલાલ વ્યાસ, નારાયણ સ્વામી (શક્તિદાન ગઢવી), તખતદાન ગઢવી, પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે પદ્મશ્રી ભીખુદાન ગઢવી,વ.નો ઉલ્લેખ નથી કારણ કે તીંયેં એમાંથી કેટલાક ઉંમરે નાના હતા, કેટલાકની પાપાપગલી હતી ને જે જાહેર કર્યક્રમના માચડે ચડ્યાતા ઈ બધાએ હજી એટલાં ઊંચા માથાં નો’તાં કાઢ્યાં.

બીજું ત્યારે મેં જાહેર એકેય નહીં પણ દાજી ડાયરા ઘણા માણ્યાતા પણ એમાં જે બે જુદુ જાતના ડાયરા મને યાદ છે ઈ એક દરબારી ઠાઠનો ડાયરો માનપુર દરબાર સાહેબની ડેલીએ ને બીજો ચોરવાડમાં એક રઈસ ને દરિયાવ દિલના વેલારીની વાડીમાં. દરબારી ડાયરે ઘુંટેલ અફીણની ધ્રોબેથી અંજલિયું દેવાતી, કવાકસુંબા થાતા ને પડકારા હાકોટાથી ડેલી ને દરબાર સાહેબની મોટપથી સૌનાં હૈયાં ભરાઈ જાતાં. મેં અગાઉ આ ડાયરા સબબ લ્ખ્યુતું એટલે આજ ચોરવાડમાં મેં જે બીજી ભાતનો દાજી ડાયરો માણ્યોતો ને ઈ આજેયે ત્રાજવે ત્રોફાઈ ગ્યો છ ને છૂંદણે છવાઈ ગ્યો છ એની વાત પણ ભેળાભેળી માંડું છ.

…તો સાહેબ, ઈ ફાગણ સુદની ટાઢી રાત, ઈ સમૃદ્ધ વેલારી પરિવારની સોનાના કટકા જેવી વીસેક વીઘા વાડી ને એના આંબાવાડિયાના પડકામાં બગલાની પાંખ જેવું ઉજળું સામીયાણું. એની બારની પાંગતે ગર્યના કાઠી કનેથી લીધેલા પાણીદાર ઘોડા ને કાણેકના ડોડીયા પરિવાર કનેથી લીધેલ નમણી ગાયું, ભગરી ભીહું ને રઢિયાળા ઢાંઢાં એમ સૌ ગેલ કરતાંતાં ને ભમ્ભ્રાટીયું દેતાંતાં. આ હંધાય જનાવારું વાડીના જ ઢાળિયેથી કાઢેલું નિણ, મુઠીફાટ કપાસ ને ગોળના ગાંગડા સમેણી જાતાંતાં. જો સાચું કહું તો આજનાં પ્લાસ્ટિકનાં ઝભલાં ચાવતાં ઢોરાંને આવું ખાણ કદાચ પચે હોત નહીં.

આ સમીયાણામાં ચાંદો ગળાઈને પૂગતોતો ને રાતના નવેક થ્યા એટલે ડાયરો બંધાવા મંડ્યો. સૌ સાજન શેમળાના રૂના ગાદ્લે ગોઠવાણા કે જેમાં ભાયડા એક કોર ને બૈરા એક કોર બેઠાં. અમે તો વળી તકિયે ટેકા હોત દીધાતા કારણ કે પપ્પા દાક્તર હતા. અમારી પડખે ગામના ફોજદાર મહેતા સાહેબ, વૈદરાજ બંસીભાઇ, હેડમાસ્તર વ્યાસ સાહેબ એમ સૌ પણ બેઠા. કાનો, દેવો, તરભો ને ચમન એમ ચાર વાળંદું ડાયરે ફરતાતા. જો ભૂલેચૂકે પગ લાંબો કરો તો એમાંથી એક દાબીદે, માથું નીચું કરો તો ટોપરાનું તાજું તેલ માથે ભરી દે ને ખોખારો ખાવ તો પીતળની અડાળીમાં ટીનની કીટલીએથી ચાની દરેડ પાડી જાય. ઉપરાંત સૌ બંધાણી હાટુ ઈ હૂકો ભરી ને દેસી નળિયે ટેકવી જાય, મોઢે બીડી ટેકવી જાય કે દેસી તમાકુ જાડા ચુને ચોળી, એની ધુંસ ઉડાડીને ચપટી હેતથી હોઠે દાબી જાય. જેમ ભાયડાઉમાં વાળંદું ફરતાતા એમ બૈરાઉંમાં જાના, મોંઘી, લખમી ને ઉજમ એમ વાડીનાં જ “દાડિયાં” ફરતાંતાં ને ઉમળકે આકતાસ્વકતા કરતાંતાં.

દસેક વાગવાના થ્યા તીંયેં ડાયરાના સંચાલક મુળુ બારોટ આવ્યા ને ને ઈ ટાણાના રિવાજે હારે ભગત બાપુ, કાનજી ભુટા બારોટ, અભરામ ભગત, માધુ ભગત જેઠવા, કનુભાઈ બારોટ ને હેમુ ગઢવી ઇમ માચડે ગોઠવાણા. પછી આ સૌએ પેટી ઉપર પરબવાવડીના મહંત ને તબલા ઉપર ગામના માયાભાઇ ખુમાણ હારે ૨૦-૩૦ મિનીટ મેળ કર્યો ને હારોહાર રામસાગરના તાર મેળવાણા ને જાંજ ને મંજીરાની દોરીયું પણ આંગળિયું એ વીંટાઈ ગઈ. ઈ મેળ થ્યા પછી ડાયરો દુહા-છંદ હારે મુળુભાએ, ભગતબાપુએ, હેમુભાઈ ને કનુભાઈએ ઉપાડ્યો પણ સાહેબ, ઈમાં રેણુંકી, રેખ્તા, ત્રીભંગો, કટુડી, ધડુકી એમ એક પછી એક છંદ મંડાણા. કાનજીભાઈએ ને ભગત બાપુએ વાત્યું માંડી, ગઢવીઉએ લોકગીત્યું ગાયાં, ને ભજનીકુએ ભજનું ને સાખીયું. પણ જેમ ડાયરો ખીલતો ગ્યો એમ સમિયાણામાં ખાવાનું ફરવા મંડ્યું. આમાં જાદરિયું, બાજરાનો શાકરમાં ભેળવેલ પોંક, ગાયના દૂધની એલચી વાળી બળી, કાચાં કેળાંનાં પોપટીયાં ને પીવામાં સ્ટ્રો તરીકે પોપૈયાના પાનની દાંડી ખોસેલા ત્રોફા. આ બધું ખાતાંખાતાં એક પછી એક ગઢવી ને બરોટાના બોલને અમે આતમે ઉતારતા ગ્યા.

આ ડાયરેથી આજ મારે માયલે જે માયું છ ને મગજે ભ્રમણ કરે છ ઈ ભગત બાપુની હનુમાનજીની વાત, કાનજીભાઈની જંતરના સંગાથે “જીથરાભાભા”ની વાત, હેમુભાઈનું “ગામમાં પિયર ગામમાં સાસરું” ને “પે’લા પે’લા જુગમાં રાણી તું હતી પોપટી” લોકગીત. એટલાં જ ન ભુલાય ઈ અભરામ ભગત, માધુભગત ને કનુભાઈ વચાળે ગવાયેલાં ભજનો ને ગીતો “હાલો મારા હરીજનની હાટડીએ,” કુંતા બાંધે અભિમન્યુને અમર રાખડી રે લોલ,” બારબાર વરસે માધવવાવ ગળાવી,” “વીજળીના ચમકારે મોતીડાં પરવો પાનબાઈ” ને “રામદેપીર”નો હેલો. છેલ્લે ઢોરોને પહર ચારવાનું ટાણું થ્યું તીંયેં હેમુભાઈએ “ભૈરવી” કરી ને એના મધીયા ગળે “જાગને જાદવા” પરભાતિયું ગાયું.

છેલ્લે અટલું જ કહીને હું પણ “ભૈરવી” કરું કે “જો તમારાં કરમમાં હશે ને હજીયે ક્યાંક આવા ડાયરા થાતા હશે તો તમે ઈ માણસો બાકી બાદશાહ, યો યો હની સીંઘ, ડિવાઇન, રફ્તાર, ટીટોડી જેમ કૂંજતી કક્કર કે રાડીયા રેશમિયા જેવાની કઠણાઈ તો તમારા કરમે બેઠી જ છે.


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.