વનિતાવિશેષ

રક્ષા શુક્લ

ચિતરેલી નાવ છે પણ ફોટો જક્કાસ પાડો.
ખાલી જ વાવ છે પણ ફોટો જક્કાસ પાડો.
ઊભો છું ચાર રસ્તા વચ્ચે ભૂલીને રસ્તો,
નાજુક પડાવ છે પણ ફોટો જક્કાસ પાડો.

રમેશ ચૌહાણ

તસ્વીરને તકદીર બનાવનાર હોમાય વ્યારાવાલાની પૂર્ણ શબ્દતસ્વીર તો કેમ આલેખવી ? લેન્સની આરપાર દૂર સંવેદનાની ક્ષિતિજ સુધી જવું કદાચ…  મોબાઈલથી ફોટો પાડતા આપણે ક્યારેક તલત મહેમુદે ગાયેલું ખુમાર બારાબંકવીનું ગીત ગણગણવું પડે છે… ‘તસવીર બનાતા હૂં, તસવીર નહીં બનતી’. કારણ કે એ ફોટો કોઈ બ્યૂટી એપથી પણ ન સુધરે એવો હોય છે. પરંતુ હોમાય વ્યારાવાલાની વાત જ નોખી હતી. તેઓ સુપેરે જાણતા હતા કે એક સુંદર, પરફેક્ટ તસવીર યોગ્ય સમયે લેવા માટે અલગ દ્રષ્ટી, કેમેરા અને એના જુદા જુદા પાર્ટ્સનું સંપૂર્ણ જ્ઞાન, પ્રકાશની સમજ અને કેમેરાનો ગુણવત્તાયુક્ત ઉપયોગ જરૂરી છે. નાનપણમાં કોઈ કેમેરામેન ફોટો પાડતો હોય ત્યારે હોમાયની દ્રષ્ટિ એના ચહેરા પર અને કાન કેમેરાની ક્લિક પર જ રહેતા. ૧૩ વર્ષની વયે એમનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું, ત્યારે એમણે એક પારસી મિત્ર પાસેથી ફોટોગ્રાફીની જાણકારી મેળવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મુંબઈની પ્રખ્યાત જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી ફોટોગ્રાફીમાં ડીપ્લોમા મેળવી, કારકીર્દીની શરૂઆત કરી. પતિ માણેકશા વ્યારાવાલા થકી તેઓ ન્યુઝ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ્યાં હતાં. ત્યારે  અન્ય ક્ષેત્રો જેમ આ ક્ષેત્રમાં પણ માત્ર પુરુષોનો એકાધિકાર કહી શકાય એવું હતું. છતાં પોતાની આગવી પ્રતિભાથી ટકી રહ્યા અને મોખરાનું સ્થાન મેળવ્યું.

હોમાયે દેશના ઇતિહાસની કેટલીક મહત્વપૂર્ણ, રસપ્રદ અને દુર્લભ તસવીરો કેદ કરી હતી. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ટોચ પર હતા ત્યારે સરદાર પટેલથી ઇન્દિરા ગાંધી સુધીના અનેક નેતાઓ એમને વ્યક્તિગત રીતે ઓળખતા અને સન્માન આપતા. ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને સરદાર ખુશ થતા. ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ હોમાયને કોઈ પ્રેસ કોન્ફરન્સમાં ન જુએ તો એમના વિષે પૂછતા. એમની ગરિમાપૂર્ણ વર્તણૂક અને ઉત્કૃષ્ટ કામને લીધે મહત્વની રાજકીય ઘટનાઓમાં ફોટોગ્રાફર તરીકે એમનું સ્થાન મોખરે રહ્યું. ગાંધીજીની અંતિમ યાત્રા હોય કે ૧૯૪૭નું એ ઐતિહાસિક ધ્વજવંદન, નહેરુ ફેમિલીની કોઈ અંગત પાર્ટી હોય કે મહાન રાજકીય વિભૂતિ સાથેની કોઈ પાર્ટી, હોમાયજી એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે બધે હાજર હોય જ.

૧૯૫૩માં હેલન કેલર નહેરુજીના અંગત મહેમાન તરીકે આવેલા એ વખતે હોમાયબાનુએ જ અલભ્ય તસવીરો લીધેલી જેમાં દ્રષ્ટિહીન હેલન નહેરુજીના ઉત્સાહને જોઈ શકતા ના હતા પરંતુ હસ્તધૂનનથી મહેસૂસ કરી રહ્યા હતા. હેલન જોઈ શકતા હોત તો હોમાયની ફોટોગ્રાફીથી અચૂક આનંદિત થયા હોત. કોઈ મકાનની બાલ્કનીમાંથી કે ટેરેસ પરથી ગાંધીજીની સ્મશાનયાત્રાના પાડેલા ફોટામાં માત્ર નહેરુજીનો જ નહીં પરંતુ સેંકડો વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય એટલું શાર્પ એમનું ફોકસિંગ હોય. ૧૯૪૮નાં કેમેરાથી આટલી ભીડમાં આવી તસવીર લેવી એ કોઈ નીવડેલા ફોટોગ્રાફર જ કરી શકે. વડાપ્રધાન નહેરુ એમને ખૂબ પ્રિય એટલે નહેરુના અલગ અલગ મિજાજને હોમાયે અનોખી રીતે કેમેરામાં ઝીલ્યા છે. એમાં ‘ફોટોગ્રાફી નોટ અલાઉડ’નાં બોર્ડ પાસે ઊભા રહી ફોટો પડાવતા નહેરુજીનો ફોટો ખૂબ જાણીતો છે. ભારતના ઇતિહાસને ઉજાગર કરતી એમની ફોટોગ્રાફી આપણો અમૂલ્ય વારસો છે.

ફોટોગ્રાફીમાં પ્રકાશ જેટલું જ મહત્વ સમયનું હોય છે. અણી ચુક્યો સો વરસ જીવે પણ ફોટોગ્રાફીમાં એવું કહેવાય છે કે એક ક્ષણ પણ ચૂકાય ગયેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના સ્ફૂરણ સાથે જ કોઈ ક્ષણ કેમેરામાં કેદ કરવાની હોય છે. હોમાયે એમના જમાનામાં આજની ટેકનોલોજી જેવી કોઈ મદદ વિના અફલાતુન કેન્ડીડ ફોટોગ્રાફી કરી હતી. કોઈ વ્યક્તિ પોતાના મૂળ મિજાજમાં હોય, કેમેરા એના તરફ મંડાઈ રહ્યો છે એ વાત પ્રત્યે બેધ્યાન હોય ત્યારે એનો ફોટો લેવો એટલે ‘કેન્ડીડ ફોટોગ્રાફી’. હોમાય વ્યારાવાલાની ૧૦૪મી જન્મજયંતી પર ‘ફર્સ્ટ લેડી ઓફ લેન્સ’ તરીકે સન્માનિત કર્યા. ભારત સરકારે ૯૮મા વર્ષે તેમને પદ્મવિભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા. ‘ડાલ્ડા ૧૩’ના ઉપનામથી તેમના ફોટોગ્રાફ્સ પ્રસિદ્ધ થયા હતા. એ ઉપનામ રાખવા પાછળ કારણો હતા. એમનો જન્મ ૧૯૧૩માં થયો હતો. ૧૩ વર્ષની ઉંમરે પતિને મળ્યા હતા. પ્રથમ કારનો નંબર પણ ‘ડીએલડી ૧૩’ હતો.

હોમાય વ્યારાવાલાની ઓળખ ભારતની સૌપ્રથમ મહિલા ફોટો જર્નાલીસ્ટ તરીકે સીમિત કરીએ તો એ એના જાયન્ટ, અસાધારણ વ્યક્તિત્વને અન્યાય કરવા જેવું થશે. ૧૯૭૦મા પતિના અવસાન બાદ નવી પેઢીના ફોટોગ્રાફર્સની નિમ્ન વર્તણુક જોઈને ખુમારીપૂર્વક ફોટોગ્રાફી છોડી દીધી. જે સહજતાથી ફોટોગ્રાફી શરુ કરી હતી એ જ સહતાથી ફોટોગ્રાફી છોડી. પછીથી ૪૦ વર્ષ સુધી તેમને એક પણ ફોટો લીધો ન હતો. પોતાની તસવીરોનો સંગ્રહ પાછળથી વ્યારાવાલાએ દિલ્હી સ્થિત આલ્કઝી ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સને આપ્યો. છોડી દીધેલો એ ભવ્ય ઝળહળ ઈતિહાસનો ભાર એમની વાતોમાં કદી ડોકાતો નહીં. એ અંગે તેઓ કદી વાત ન કરીને ગરિમાપૂર્ણ જીવન જીવ્યા. હોમાયજી એક ભવ્ય ભૂતકાળને ભીતર સંઘરીને વર્તમાનમાં જ જીવ્યા. એમણે સાબિત કરી બતાવ્યું કે આપણી પાસે જે ફૂલો છે એમાંથી સુંદર ગજરો બનાવવાની કળા એટલે જિંદગી. જિંદગી બાબત ફરિયાદ તો જાણે હતી જ નહીં. તેઓ કહેતા કે માણસે હાથ વડે થઈ શકે તેવા એકાદ-બે શોખ વિકસાવવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં પગ અટકે ત્યારે એ ખુબ મદદરૂપ બને છે. ફોટોગ્રાફી તો એમણે ૧૯૭૦થી મૂકી દીધી હતી. જો કે ત્યારે કેમેરો પણ એમને મિસ કરતો હોવો જોઈએ. પછીથી ૧૯૧૨માં અવસાન થયું. પણ એનો માંહ્યલો તો એક સર્જકનો હતો જે એની ભીતર સતત ધબકતો રહેતો. એટલે જ હોમાય વ્યવસાય છોડ્યા પછીના વર્તમાનમાં ય છલોછલ જીવ્યા. શેષ જીવનનો એમનો ભૂતકાળ ખુબ ભવ્ય અને અદભૂત હતો. પ્રવચન માટે હાવર્ડ યુનિ.માં આમંત્રણ મળ્યું. તેમને નવો પાસપોર્ટ કઢાવ્યો. એ તૈયાર થઈને આવ્યો પછી હોમાયે કહ્યું કે ‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું જ પડશે’. વાહ વ્યારાવાલા ! સૌમ્ય જોશીના નાટક ‘૧૦૨ નોટ આઉટ’ના બડે ભૈયાની ખણખણતી ખુમારી યાદ આવી જાય છે.

હોમાયબાનુ સાથે ઘરોબો હોવાના કારણે શ્રી બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં હોમાયજીના વ્યક્તિત્વનો સુંદર પરિચય આપ્યો છે. એમના ઘરની લાકડા અને તારની નાનકડી સુંદર ઝાંપલી તમને એક વિરાટ વ્યક્તિત્વ સુધી દોરી જતી. એમણે એ જાતે બનાવેલી છે એ જાણીને તમે એને કદાચ સાચવીને ઋજુતાથી બંધ કરો એવું પણ બને. એમની સર્જનાત્મકતા અદભૂત હતી. રસોઈ, ઇકેબાના કે વેસ્ટમાંથી બનતી અનેક ચીજ એના સર્જનનો એક ભાગ હતા. વળી એમનું સર્જન ઓછામાં ઓછી વસ્તુ વડે થતું. એ કોઈ વાનગી હોય કે વસ્તુ. એમનું સર્જન સામાન્ય કદી ન હતું. એમના ટેરવાનો સ્પર્શ સામાન્યને વિશિષ્ઠ બનાવી દેતો. તેમને ફૂલો બહુ પસંદ હતાં, પણ પોતાને મળતાં બૂકે અને એ નિમિત્તે થતા પુષ્પોના વેડફાટ સામે તીવ્ર અણગમો. છેવટે તેમણે ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની રીત શીખી લીધી અને પોતાને મળતા બુકેમાં આવતાં ગુલાબનો સદુપયોગ કરવા લાગ્યાં. ઇકેબાના-જાપાનની ફૂલોની ગોઠવણીની પ્રખ્યાત કલા એમને ખુબ પ્રિય. એ વિષે સમજાવે તો કહેતા કે ‘બહુ બધા ફૂલો હોય તો જ ઇકેબાના થાય એ માન્યતા સાવ ખોટી છે’. કોઈ મિસ્ત્રી પાસે ન હોય એવા ટૂલ્સ એમની પાસે હતા. વિધ વિધ સાઈઝના સ્ક્રૂ, પાના, કરવત, નટ, ખીલીઓ કે વાયર્સ એ ખજાનામાં હતા. એ બધાનો ઉપયોગ એ કુશળતાપૂર્વક કરી જાણતા. એટલે જ મિત્રો દ્વારા એમને ‘કબાડીવાલા’નું બિરુદ મળેલું.

આંબળાનો વાઈન બનાવીને જિંદગીને ખટમીઠી ફ્લેવર પણ આપતા. આઈસ્ક્રીમની દુકાને દરોડો પડતા જથ્થાબંધ બન પકડાયાના સમાચાર વાંચતા જ હોમાયે ઘરે અખતરો કરીને પાણીના સ્ફટિક વગરનો આઇસક્રીમ બનાવ્યો. કોઈ નકામી ચીજમાં અવનવા આકારો દેખાતા અને એમના સર્જક જીવમાં સળવળ શરુ થતી. વળી ‘આ જાતે બનાવ્યું છે’ એવું કહી તેઓ કદી અહોભાવની ઉઘરાણી ન કરતા. પોતાના ખપની ચીજ જાતે જ બનાવતા. ઉંમરને લીધે પગની આંગળીઓ વળી જતા જાતે જ અનુકૂળ સ્લીપર બનાવ્યા જેમાં ટ્રકના ટાયરની ટ્યુબનો ઉપયોગ કર્યો. વધુ પડતી મોટી એવી ઓવનની ટ્રેને એમણે એવી કુશળતાથી નાની કરેલી કે એ કપાયેલી છે એનો ખ્યાલ જ ન આવે. કોઈ પણ વસ્તુ શીખવામાં ઉંમરનો બાધ હોતો નથી એનું જીવંત ઉદાહરણ એટલે હોમાય વ્યારાવાલા.

હોમાય એકલાં હતાં પરંતુ એની એકલતા ઈશ્વર પ્રત્યેની અતૂટ અને અખૂટ શ્રદ્ધાથી સભર હતી. પાડોશમાં કોઈ કાળજીપૂર્વક એમનું ધ્યાન રાખે તો તેઓ કહેતા કે ‘ખોદાયજીએ એવનને મારે વાસ્તે જ અહીં મારા ઘરથી નજીક મોકલ્યા છે.’ થોમસ મૂરની આ કવિતા એમની પ્રિય હતી જેમાં એમને લાગતું કે પોતાની જ વાત છે..

‘TIS the last rose of summer,
Left blooming alone ;
All her lovely companions
Are faded and gone ;
ક્યારેક તેઓ કહેતાં, ‘ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાલ લેવાની જવાબદારી પન એવનની જ છે, એમ હું માનું છું.’ એમનામાં રમૂજવૃત્તિ પણ ખૂબ હતી. એકવાર કોઈએ હોમાયજીને પૂછ્યું, ‘આ ઉંમરે પણ આપ બાગકામ અને ડ્રાઈવિંગ કરો છો ? ત્યારે એમણે કહ્યું, ‘આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪‘ પોતાની કાયમી બેઠક સમાન ખુરશીને એ પોતાનું તખત કહેતા. પોતાની વધતી ઉંમર વિશે તો કહે છે, “હવે મારી ગાડી રિવર્સ ગિયરમાં ચાલે છે. હું સત્તાણુંની નહીં, પણ સેવન્ટી નાઇનની થઇ.” ગીધોની સંખ્યા ઘટી ગઈ હોવાથી તેમનો દેહ પડ્યો ન રહે એટલે તેઓ ઈચ્છતા હતા કે તેમને અગ્નિદાહ અપાય. હોમાય વ્યારાવાલાના વ્યક્તિત્વનો અનોખો ફોટોગ્રાફ આપણા મનમાં કાયમ ક્લિક રહેશે.

ઇતિ

વિદ્વાનોની મંડળીમાં કોઈ મૂર્ખ પ્રવેશ કરે એ સ્વચ્છ સફેદ ચાદર ઉપર ગંદા પગલાં પાડવા જેવું છે.

તિરુવલ્લુવર


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.