વનિતાવિશેષ

રક્ષા શુક્લ

चाँदी जैसा रंग है तेरा, सोने जैसे बाल
एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल.
जिस रस्ते से तु गुज़रे, वो फूलों से भर जाए
तेरे पैर की कोमल आहट सोते भाग जगाये
जो पत्थर छू ले गोरी तू हीरा बन जाए
तू जिसको मिल जाए वो, हो जाए मालामाल

जो बेरंग हो उस पर क्या-क्या रंग जमाते लोग
तू नादान ना जाने कैसे रूप चुराते लोग
नज़रें भर-भर देखें तुझको आते-जाते लोग
छैल छबीली रानी थोडा घूँघट और निकाल

धनक घटा कलिया और तारे सब हैं तेरे रूप
ग़ज़लें हों या गीत हों मेरे सब में तेरा रूप
यू ही चमकती रहे हमेशा तेरे हुस्न कि धूप
तुझे नज़र ना लगे किसी कि, जिए हज़ारों साल

મુમતાઝ રાશીદે લખેલી અને પંકજ ઉધાસે ગાયેલી આ નઝમ સાંભળીને મનરો જ યાદ આવે. હોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી મેરેલીન મનરો સૌદર્ય સામ્રાજ્ઞી અને રૂપની રાણી હતી. એના અદભુત અંગો સામે ચાંદ પણ શરમબ્હાવરો બની જતો.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

મલ્લિકા એ હુસ્ન મનરોની એક ઝલક જોવા લોકો પાગલ થતા.

માણસે અમરત્વ પામતા પહેલા એનું મૂલ્ય ચૂકવવું પડે છે, મૃત્યુ પહેલા અનેક વાર મરવું પડે છે. લોકો હંમેશા યાદ રાખે તેવો ભોગ આપવો પડે છે. એ ભોગ પ્રિય વ્યક્તિ, પરિવાર, પ્રેમ કે સપનાંનો પણ હોય. મેરેલીનના ચુંબકીય સૌદર્યને લીધે લોકો વરસો પછી આજે પણ એને યાદ કરે છે જેને અમરત્વ કહી શકાય. અનેક અભિનેત્રીઓ ન ભૂલી શકાય તેવું સૌદર્ય અને અનોખું વ્યક્તિત્વ ધરાવતી હોય, પરંતુ મેરેલીન જેવા સંકુલ વ્યક્તિત્વ સાથે અપ્રતિમ રૂપ ધરાવતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય શકે. મેરેલીનના મૃત્યુને વર્ષો વીતી ગયા પછી પણ એના વસ્ત્રોની લીલામીમાં લોકો લાખો ડોલર ખર્ચીને એના વસ્ત્રો ખરીદવા પડાપડી કરતા, ઘેલા થતા.  પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર મેરેલિન મનરોએ પહેરેલા ડ્રેસની કિંમત એક લીલામીમાં ૧૨,૦૦૦ ડૉલર આંકવામાં આવી હતી. લીલામી વખતે નક્કી કરેલી રકમ કરતા એના અનેક ગણા વધુ રૂપિયા ચૂકવાયા હતા – રૂપિયા ૮ કરોડ ! યે બાત !

રશિયામાં એક વાર પગરખાંનો દુષ્કાળ પડ્યો. બધું મળે પણ ચપ્પલ, જોડાં, બૂટ, મોજડી, સેન્ડલ કે સ્લીપર કશું ન મળે. આ અતિશયોક્તિ હોય તો રામ જાણે પણ ત્યારે મોસ્કોના ભીડભાડવાળા વિસ્તારમાં સૌદર્યની સામ્રાજ્ઞી મેરેલીન મનરો બિલકુલ નગ્નાવસ્થામાં પણ પગમાં સેન્ડલ પહેરીને વિચરણ કરવા નીકળી. લોકો બધા અવાક્ બની માત્ર એના સેન્ડલને જોઈ રહ્યા !

મેરેલીનનું મૂળ નામ નોર્મા જીન બેકર હતું. ૧લી જૂન, ૧૯૨૬માં લોસ એન્જલસમાં એક સામાન્ય પરિવારમાં તે જન્મી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે મેરેલીનને એવા માણસ સાથે પરણાવી દેવામાં આવી જે એને બિલકુલ ચાહતો ન હતો. એ લગ્ન એકાદ વર્ષ જ ટક્યું હતું. એ પછી ૧૯૪૭માં એક ફોટોગ્રાફરની નજર મેરેલીન પર પડી. નોર્માની કેટલીક તસવીરો અમુક મેગેઝિન્સમાં છપાઈ પણ ખરી. જે જોઇને કેટલીક કંપનીઓએ તેને મોડેલ ગર્લ તરીકે પસંદ કરી. તેની મોડેલિંગની તસવીરો જોઈને એક કંપનીએ તેને ફિલ્મ માટે સાઈન કરી લીધી. તેના સંઘર્ષના સમયમાં તેણે કોઈ કેલેન્ડર માટે ન્યુડ પોઝ પણ આપ્યા હતા. ૧૯૫૦માં મેરેલીનની પહેલી ફિલ્મ ‘ધ આસ્ફાલ્ટ જંગલ’ રજૂ થતા એને એક બાહુબલી  બ્રેક મળ્યો. ત્યાં સુધી એના ન્યુડ પોઝ વિશે કોઈ જાણતું ન હતું. ફિલ્મ રજૂ થયા બાદ એ વાત બહાર આવતા મેરેલીને કબુલ કર્યું હતું કે તેણીને પૈસાની જરૂર હતી એટલે એ પોઝ આપ્યો હતો.

બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રી મધુબાલાને ‘ઇન્ડિયન મેરેલીન મનરો’નું ઉપનામ મળેલું હતું. મેરેલીન હયાત હતી ત્યારે એક પ્રખ્યાત મેગેઝિનમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને હેડિંગમાં લખ્યું હતું કે ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ‘બેવરલી હિલ્સ’ એ પોશ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. એ મેગેઝિનમાં એમ પણ લખેલું હતું કે ભારતના છેલ્લા દસ વર્ષનો ઈતિહાસ લખવામાં આવે તો તેમાં મધુબાલાનો ઉલ્લેખ અનિવાર્યપણે કરવો પડે. ‘સિર્ફ નામ હિ કાફી’.

મેરેલીન કહેતી “કીર્તિ તમને પૂર્ણતા આપતી નથી. એ તમને હૂંફ આપે છે ખરી, પણ માત્ર થોડો સમય. કીર્તિને લાંબો સમય ટકાવી રાખવા તમારે સખત ઉદ્યમ કરવો પડે અને સમય પણ આપવો પડે.” એ માનતી કે કોઈ પણ છોકરીને યોગ્ય માવજત કે સ્થાન આપવામાં આવે તો તે વિશ્વ પર વિજય મેળવશે. એના મતે માણસે વૃદ્ધ થાય એ પહેલા કોઈ પણ જાતનો ડર છોડી ને જીવવું જોઈએ. ડરવું એ મૂર્ખાઈભર્યું છે. જે ડરે છે એને જીવનમાં અફસોસ સિવાય કશું જ મળતું નથી. તે કોઈને ખુશ કરવા નહીં પરંતુ સફળતા મેળવવા જીવી. તેના હસતા અને મેઇકઅપ કરેલા ચહેરા પાછળ એક નાનકડી બાળકી છુપાયેલી હતી જે હંમેશા આખી દુનિયાને ઈચ્છતી હતી. પ્રેમ ઈચ્છતી હતી. એ કહેતી “I’m the type of person that tries to fall back asleep in the morning just to finish a dream,” એ એટલી સૌદર્યવાન અને લોકપ્રિય હતી કે તેના શરીર પરના નાના તલની પણ તેના ચાહકોને જાણ કરાતી. જો કે પ્રચાર માધ્યમોના આવા વાવાઝોડાંના કારણે એના દિલને તો કોઈએ વાંચ્યું જ નહીં. જોયું જ નહીં. મેરેલીનના જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મમેકર મધુર ભંડારકરે કરીના કપૂરને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘હિરોઈન’ નામની ફિલ્મ પણ બનાવી હતી. એકવાર એક મુલાકાતમાં કેટરીના કેફને પૂછવામાં આવેલું કે ‘એવી કઈ ત્રણ હસ્તી છે કે જેની સાથે ડીનર લેવાની તને ઇચ્છા છે ?’ ત્યારે તેણે જે જવાબ આપ્યો તેમાં પી.એમ મોદી સાથે હોલીવુડની આ વિખ્યાત અભિનેત્રી મેરેલીન મનરો પણ સામેલ હતી.

પુરુષોને એક અલગ કલ્પનાલોક આપનારાં પ્લેબૉય મેગેઝીનના સ્થાપક હ્યુ હેફનરનું ૨૦૧૭માં અવસાન થયું. ૧૯૫૩માં ‘પ્લેબોય’નો પ્રથમ ઈશ્યુ બહાર પડ્યો ત્યારે એના કવર પેજના ફોટો માટે હેફનરે મેરેલીન પર પસંદગીનો કળશ ઢોળ્યો. પ્લેબોયની ઓળખ સમાન ન્યૂડ તસવીરો તો હંમેશા તેના દરેક અંકમાં છપાતી જ. પરંતુ પ્રથમ અંકમાં પ્રથમ ન્યૂડ તસવીર મેરેલીન મનરોની હતી. અને પહેલા અંકથી જ પ્લેબોયની લાખો નકલ ફટાફટ વેચાઈ ગઈ. આ પછીથી હેફનર મેરેલીનને હમેશ માટે લકી માનવા લાગ્યા. માત્ર ૩૬ વર્ષની નાની વયે મેરેલીનનું અવસાન થયું. પછીનાં ૩૦ વરસે લોસ એન્જલસના વેસ્ટવૂડ મેમોરિયલ પાર્કમાં કે જ્યાં મનરોની કબર છે ત્યાં હેફનરે પોતાની કબર માટે મોંઘો પ્લોટ ખરીદ્યો. હેફનરની ઇચ્છા મૂજબ એના મૃત્યુ પછી એમને ત્યાં જ દફનાવવામાં આવ્યા. આશ્ચર્યની વાત તો એ હતી કે જીવતા હતા ત્યારે મેરેલીન કે હેફનર ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા ન હતા. પણ હેફનર ઈચ્છતા હતા કે એમની કબર મેરેલીનની બાજુમાં જ કરવી. હવે મૃત્યુ પછી તેઓ હંમેશા સાથે જ છે.

મેરેલીન એ વખતના વિશ્વના સૌથી શક્તિશાળી એવા રાજકારણી અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પ્રેમમાં પાગલ હતી. ૧૯૫૪થી આરંભાયેલો આ પ્રણયસંબંધ ૧૯૬૨ સુધી ચાલ્યો. કેનેડી ત્યાં સુધી માત્ર સેનેટના સભ્ય હતા. ૧૯૬૨માં પ્રેસિડેન્ટ થયા પછી પોતાની પ્રતિષ્ઠા જાળવવા કેનેડી મેરેલીનને ટાળતા રહ્યા. મેરેલીન માટે કેનેડી વિના જીવવું અસહ્ય હતું. આથી ભગ્ન હૃદયી મેરેલીને ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને ઓગસ્ટ, ૧૯૬૨માં આત્મહત્યા કરી અને તેની સઘળી યાતનાઓનો અંત આવ્યો. મેરેલીન અત્યંત સંવેદનશીલ હોવાને લીધે વારે વારે પ્રેમમાં પડતી અને પીડાતી. જ્યારે ખૂબ દુઃખી થતી ત્યારે ઊંઘની ટેબ્લેટ લઈને દિવસો સુધી ઊંઘ્યા કરતી. કેટલાય દિવસો સુધી શુટિંગમાં ન જતી. સંજય દત્ત પણ ડ્રગ્ઝના આદી હતા ત્યારે એ પણ દિવસો સુધી ઊંઘ્યા કરતો. તેની કારકિર્દી ખૂબ ટૂંકી નીવડી. કરુણતા તો એ હતી કે એ મૃત્યુ પામી પછી એનો મૃતદેહ લેવા પણ કોઈ આવ્યું ન હતું. હંમેશા પોતાની ફિલ્મના  અંતમાં સૌને ખુશ કરતી મનરોના જીવનનો અંત આવો હશે એવી કલ્પના ન કરી શકાય ! અનિલ જોશીના શબ્દો સાથે વિરમીએ ‘હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો….. હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલો ને મોરલો અધૂરો રહ્યો.’

 ઇતિ

ઈશુને ખીલે જડ્યો,
સોક્રેટીસને ઝેર પાયું
અને ગાંધીને ગોળીએ દીધો.
પરંતુ હું કાંઈ આમ કમોતે મરીશ નહીં,
કારણ હું સત્યનો આગ્રહી જ નથી !

-વિપિન પરીખ


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.