વનિતાવિશેષ

રક્ષા શુક્લ

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

                           – હિતેન આનંદપરા

નારીના નવલા રૂપોને જોઈ કહેવાનું મન થાય કે વનિતાવરિષ્ઠામ્. સુનિતા વિલિયમ્સની આકાશ જેવી ઉંચાઈને વખાણીએ કે નિરજાની હિંમત અને હિકમતણે હૈયે વસાવીએ. પવનવેગી પાયલટ કારગીલ ક્વીન ગુંજન સક્સેનાને સાતસો સલામ આપીએ.

               ભારતીય-અમેરિકન અવકાશયાત્રી…શબ્દો કાને પડે ને કદમાં નાનકડી પણ અદભુત સાહસ અને મજબૂત મનોબળની મૂરત કલ્પના ચાવલા આંખો સામે આવે. ઓછી ઊંચાઈ ધરાવતી કલ્પના ચાવલાને યાનમાં સીટ નીચી પડે એટલે ગાદીઓ રાખતી હતી. માત્ર દેહથી જ વામન આ વામાનું વિરાટ પગલું કરનાલથી કૉલમ્બિયા સુધી વિસ્તર્યું. અહીં પ્રસિદ્ધ શાયર દુષ્યંતકુમાર યાદ આવે, ’કૌન કહેતા હૈ આસમાં મેં સુરાગ નહીં હો શકતા, એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો’. ભાગલા વખતે વિસ્થાપિત થઈને આવેલા અસંખ્ય પરિવારોમાં એક ચાવલા પરિવાર પણ હતો જેમને ઘર વસાવવા માટે હરિયાણાની ભૂમિ કરનાલ મળી.

કલ્પનાનું બાળપણ એવી જગ્યાએ વીત્યું જ્યાં વીજળી વારંવાર ગુલ થાય. પણ આંગણામાં કે છત પર સૂતેલી બાળકીને તો તારાભર્યા આકાશમાં કલ્પનાની પાંખે વિહરવામાં મોજ પડતી. આકાશને આંબવાના સપનાં જોતી કલ્પનાના મનમાં ત્યારે જ અવકાશયાત્રી બનવાનું વિચારબીજ વવાયું હશે. એની ચિત્રપોથીમાં પણ ઉડતા વિમાન અને રોકેટના ચિત્રો વધુ જગ્યા રોકતા. પિતાએ કલ્પના હજુ આઠમાં ધોરણમાં જ હતી ત્યારે ગ્લાઈડીંગ કરવાની તક આપી. ઉડાનનો સ્વાદ ચાખ્યા પછી અવકાશયાત્રી બનવાની ઇચ્છા બળવત્તર બની. અંતરિક્ષ વિજ્ઞાનનો વિષય પસંદ કરી ભવિષ્યમાં એન્જિનીયર બનવાનું નક્કી કર્યું. કોઈ પણ મુશ્કેલીમાં કલ્પનાને એની માતાનો અડીખમ સાથ મળતો રહ્યો. માતાએ એને આગગાડીનો ‘અ’ નહીં પણ આકાશનો ‘અ’ શીખવ્યો હશે. સસલાનો ‘સ’ નહીં પણ જેને સાચા પડવાની ટેવ હોય એવા સપનાંનો ‘સ’ શીખવ્યો હશે. તે જાણતી હતી કે કલ્પનાને આકાશમાં ઊડવું છે. તેણે કલ્પનાને પાંખો આપી. સતત અભ્યાસ, લક્ષ્ય તરફ એકાગ્રતા અને અનુશાસન તેના જીવનનો ભાગ બની ગયા હતા. ટાટા ઉદ્યોગના માલિક જહાંગીર રતનજી ટાટા તેના આદર્શ હતા. જેમણે પહેલી વખત ભારતમાં વિમાન ઉડાડ્યું હતું. તેમની જેમ કલ્પના પણ આસમાનમાં ઊડવા માંગતી હતી. કલ્પનાની ખુમારી તો જુઓ. એણે એરોનોટિકલ એન્જીનીયરિંગ એટલે પસંદ કર્યું કે એને ફ્લાઈટ એન્જીનીયર બનવું હતું. જેથી ઉડાન દરમિયાન વાયુયાન કે તેના સંબંધિત મુશ્કેલીઓ પેદા થાય તે એ બધું તે જાતે જ ઉકેલી શકે. તેની ડિક્ષનેરીમાં ‘ડર’ શબ્દ હતો જ નહીં. દુનિયાના સૌથી શક્તિશાળી એવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું એક વાક્ય અહીં યાદ આવી જાય “ડરતે તો વો હૈ જો અપની છબી કે લિયે મરતે હૈ. મૈ તો હિન્દુસ્તાનકી છબી કે લિયે મરતા હું. ઓર ઇસી લિયે કિસીસે ભી નહિ ડરતા હું”

ભારતથી અમેરિકા ગયા બાદ કલ્પનાની સૌથી પહેલી મુલાકાત થઈ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પીયર હેરિસન સાથે. કલ્પનાની સાહસિકતા, તીક્ષ્ણ બુદ્ધિ અને સહજતા તરફ હેરિસન આકર્ષાયા. હેરિસન ફ્લાઇંગના સ્ટુડન્ટ હોવા ઉપરાંત મરજીવા તરીકે સમુદ્રમાં ઊંડે સરકવાના પણ શોખીન હતા. હેરિસનની આ બાબત પ્રત્યે કલ્પનાએ આકર્ષણ અનુભવ્યું. કલ્પના માટે હેરિસન એક એવા મિત્ર બની રહ્યા જે બધી રીતે કલ્પનાને મદદ કરવા તત્પર હતા. બન્ને વચ્ચેનો સંબંધ ગાઢ બનતો ગયો. ૧૯૮૩ના બન્ને પરણી ગયાં.

કલ્પનાનું પ્રથમ અંતરિક્ષ મિશન ૧૯ નવેમ્બર ૧૯૯૭માં શરૂ થયું હતું. તેમણે છ અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87 થી ઉડાન ભરી હતી. તેણે સફળતાપૂર્વક આ યાત્રા કરી અને ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની. આ તેનું પ્રથમ મિશન હતું. કલ્પનાએ પૃથ્વીના ૨૫૨ ચક્કર લગાવ્યા હતા. તેણે અવકાશમાં ૩૭૨ કલાકો વિતાવ્યા હતા. આ પછી તેને નાસા સ્પેસ મેડલ, નાસા ડિસ્ટીંગ્વિશ્ડ સર્વિસ મેડલ જેવા અનેક મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. કલ્પનાએ પોતાની એક અવકાશયાત્રા દરમિયાન મોકલેલા સંદેશમાં કહેલું, ‘સપનાંથી સફળતા સુધી જવાનો રસ્તો તો હોય જ છે. બસ, તમારામાં એ રસ્તો શોધવાની દૃષ્ટિ, એ રસ્તા પર ચાલવાની હિંમત અને તેનું અનુસરણ કરવાની ઇચ્છાશક્તિ હોવાં જોઈએ.’

કલ્પનાના કોલેજકાળ દરમિયાન એક સ્મરણિકા પ્રકાશિત થઈ. તેના એક પાના પર કલ્પના વિશે થોડા શબ્દોમાં એક સરસ વાત લખાઈ હતી. તે શબ્દો હતા…’કલ્પના એટલે કલ્પના, તે શિસ્તબદ્ધ છે. વિવેકી અને વિનયી છે. આ છોકરી સંઘર્ષ કરે છે અને બીજાઓને મદદ કરવા પણ હંમેશા તૈયાર રહે છે.’ હરિયાણાની આ છોકરીએ માત્ર જમીન ઉપર જ નહિ પરંતુ અંતરિક્ષમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નાનપણથી કલ્પના ચાવલા કહેતા કે “હું અંતરિક્ષ માટે બની છું” હું દરેક પળ અંતરીક્ષ માટે વીતાવીશ અને અંતરીક્ષમાં જ મૃત્યુ પામીશ” પરંતુ કોને ખબર હતી કે આ વાતને સાચી કરીને કલ્પના ચાવલા માત્ર ૪૧ વર્ષની ઉંમરે સૌને અલવિદા કહી દેશે અને સફળ જીવનના સર્વોચ્ચ શિખરે બિરાજ્યા. કલ્પનાએ દેશની દિકરીઓ માટે એક અલગ સંદેશ આપ્યો કે ‘દિકરી છે તો શું થયું તે ધારે તે કરી શકે છે.’ એવું પણ સંભળાય છે કે બોલીવુડમાં કલ્પના ચાવલા ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપરા કલ્પનાની ભુમિકા નિભાવતી જોવા મળશે.

વિશ્વભરમાં ભારતનું નામ ગૂંજતું કરનાર સ્વર્ગસ્થ અવકાશયાત્રી કલ્પના ચાવલા જે સ્પેસ શટલ યાન એસટીએસ-૧૦૭માં મોંતને ભેટ્યા હતા તે યાનના બહારના ભાગનો એક ટુકડો અને તેના દરેક ક્રુ મેમ્બરે હાથે જ કરેલા ઓટોગ્રાફ્સવાળા ફોટોગ્રાફ્સ તથા નાસાના સ્પેસશટલના ઓરિજિનલ સ્ટીકર સાથેના ફ્લાયર સહિતની કેટલીક ચીજવસ્તુઓ રાજકોટ શહેરના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતને કલ્પના ચાવલાના જ નજીકના મિત્રએ ભેટમાં મોકલાવી છે.

કલ્પના વિશે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ. બુશે કહ્યું, “કલ્પના ચાવલા સિવાય અમેરિકાના એક પણ અંતરિક્ષ યાત્રીએ તેના જેટલી લાંબી અંતરિક્ષ યાત્રા કરી નથી. એ તારાઓથી પણ આગળ નીકળી ગઈ.” રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે પણ કલ્પનાને અંજલિ આપતાં કહ્યું, “હરિયાણાના એક નાના શહેરની આ ભારતીય નારી સાહસ અને ઇચ્છાશક્તિના જોરે અંતરિક્ષની નાગરિક બની એ આપણા સૌના માટે ગર્વની વાત બની રહેશે.” જો કે કલ્પનાને સાચી શ્રધ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે દેશમાં માત્ર એક બે નહિ હજારો લાખો કલ્પના જન્મ લેશે.


ઇતિ

કોઈ એમ કહે કે મારે જીવન જોઈએ છે પણ મરણ જોઈતું નથી તો એ, ‘ખાવું છે’ પણ ‘મોં ખોલવું નથી’ એના જેવી તદ્દન અશક્ય બાબત છે.

-કાકા કાલેલકર


સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.